Tuesday, 9 May 2017

જોડાણ બનતો પુલ

ફિલ્મોની અંદર ઘણી વખત એકદમ જ સૂચક રૂપકો વાપરવામાં આવે છે. પરંતુ ક્યારેક ડિરેક્ટર કોઈ દ્રશ્ય દ્વારા એવી વસ્તુ દર્શાવવા માંગતા હોય છે, જેનો તેઓ સીધી રીતે ઉલ્લેખ કરતાં નથી. પરંતુ કોઈ રૂપક દ્વારા એ વસ્તુનો આડકતરી રીતે ઉલ્લેખ સૂચવવામાં આવે છે. પુલ બે કિનારાઓ વચ્ચે જોડાણ બને છે, જેના પરથી એક કાંઠેથી બીજા કાંઠે જઈ શકાય છે... અહીં હું વિવિધ ફિલ્મોની અંદર સૂચક તરીકે વપરાયેલ પુલનાં દ્રશ્યો વિશે લખી રહ્યો છું, શક્ય છે કે મેં લખેલી કેટલીક વસ્તુઓ દર્શાવવાનો ડિરેક્ટરનો હેતુ ન પણ હોય, પરંતુ ફિલ્મોનું દરેક જણ પોતાની રીતે અલગ અર્થઘટન કરી શકે છે. કારણ કે કોઈ પણ ફિલ્મને સંપૂર્ણ રીતે જેણે બનાવી હોય એ જ સમજી શકે છે. એ વાત કોઈ પણ કળા માટે લાગુ પાડી શકાય, કલાકાર પોતે જ પોતાની કળાને સર્વોચ્ચ રીતે સમજી શકે છે. પરંતુ, "પ્રયત્નની અંદર જ જવાબ છે", એવું રિચર્ડ લીંકલેટરની ફિલ્મ 'બિફોર સનરાઇઝ'માં સેલિનનું પાત્ર (જુલી ડેલ્પી) કહે છે... તો અહીં પ્રસ્તુત છે, મને યાદ છે તેવી ફિલ્મોમાંથી પુલ અને પુલના રૂપકો વિશેનાં દ્રશ્યો... 

ઈમ્તિયાઝ અલીની 'તમાશા' ફિલ્મમાં 'હીર તો બડી સેડ હૈ' ગીતની અંદર તારા (દીપિકા પાદુકોણ) કોલકાતાના હાવડા બ્રીજ નીચે ઊભી છે, એ પુલ તરફ તાકી રહી છે. એ પછી તરત કોઈ વ્યક્તિ (એક છોકરો કે પુરુષ) તેની સાથે વાત કરવાના હેતુથી આગળ વધે છે, એ વખતે પોતાના હાથની મુદ્રાથી તારા એને આગળ વધતો અટકાવે છે અને ના કહે છે. પોતાના મનથી તારા એક વ્યક્તિ (વેદ - રણબીર કપૂર) જેનું એ નામ પણ નથી જાણતી, એની સાથે જોડાઈ ગઈ છે, જે પુલથી દૂર કોઈ એક છેડે ગમે ત્યાં હોઈ શકે, દુનિયાને કોઈ પણ છેડે, જે તારાને જાણ નથી. પુલની સામે જોઈ રહેવાનો અને બીજી વ્યક્તિને પોતાની સાથે વાત કરવા માટે પણ આગળ ન વધવા દેવા માટે આ સંકેતો હોઈ શકે...

તમાશા

કરણ જોહરની ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' લગ્નજીવનમાં ખુશ ન હોવાને કારણે લગ્ન પછી થતો પ્રેમ દર્શાવે છે. દેવ (શાહરુખ ખાન) અને માયા (રાની મુખર્જી) બંને માટે ન્યૂ યોર્ક શહેરનો બ્રૂકલિન બ્રીજ અનેક વખતે ઘણા દ્રશ્યોમાં રૂપક બને છે. બંને એકબીજાના લગ્નો બચાવવા માટે એકબીજાની સાથે દોસ્તી કરે છે એ સમયનો સીન હોય કે એ પછી ક્યારેક એમ જ ત્યાંથી પસાર થવાનું હોય કે પુલની આસપાસની કોફી શોપ્સમાં કોફી માટે મળવાનું હોય, આ બધા દ્રશ્યોમાં પુલ છે. દેવ અને માયાનો સંબંધ ફિઝિકલ બને છે એ પહેલાં પણ એ લોકો બ્રૂકલિન બ્રીજ પાસેથી જ પસાર થઈને હોટેલમાં જાય છે. એટલે સુધી કે બંને છૂટા પડે છે એ સમયે પણ એ લોકો ત્યાં જ મળે છે અને એકબીજાની સાથેનો સફર ત્યાં સુધી જ હશે એમ માનીને અલગ પડે છે. બ્રૂકલિન બ્રીજ એમનાં ભેગા અને જુદા થવા માટે જોડાણ છે. 

કભી અલવિદા ના કહેના


કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી નિખિલ અડવાણીની ફિલ્મ 'કલ હો ના હો' પણ ન્યૂ યોર્ક અને બ્રૂકલિન બ્રીજ દર્શાવે છે. ફિલ્મની શરૂઆતમાં જ નૈના (પ્રીટિ ઝિંટા) મોર્નિંગ જોગિંગ વખતે બ્રૂકલિન બ્રીજ પાસે આવીને રોકાય છે અને પોતાના મૃત પિતાને યાદ કરે છે, નૈના જ્યારે દુ:ખી કે ઉદાસ હોય છે ત્યારે ત્યાં આવીને બેસે છે એ સૂચવતા ફિલ્મમાં બીજા પણ દ્રશ્યો છે. ટાઇટલ ગીત વખતે અમન (શાહરુખ ખાન) એ બ્રીજ પર હોય છે, એ માટે પણ દ્રશ્યો છે. નૈનાને અમનની બીમારી વિશે ખ્યાલ આવે છે એ પછી પણ એ બ્રૂકલિન બ્રીજ પાસે આવે છે, જ્યાં તે અમનને મળે છે અને બંનેની લાગણીશીલ વાતો પછી એ લોકો ભેટે છે.

કલ હો ના હો


મણિ રત્નમની 'દિલ સે' ફિલ્મનાં ટાઇટલ ગીતમાં એક સમયે અમર (શાહરુખ ખાન) આરામથી પુલ પર સૂઈ રહ્યો છે, પુલને એક છેડે આગ લાગી છે તેમ દર્શાવવામાં આવ્યું છે, તેમ છતાં અમર શાંત અને સ્વસ્થ છે. આ ગીતમાં વાસ્તવિકતા અને કલ્પના દર્શાવવા વિવિધ રૂપકો વાપરવામાં આવ્યા છે, પુલ પરથી બીજે છેડેથી મેઘના (મનિષા કોઈરાલા) દોડતી આવીને અમરને ભેટે છે. આ ગીત સમજાવતી મારા બ્લૉગર મિત્ર પંકજ દ્વારા લખાયેલી એક ખૂબ જ સુંદર પોસ્ટ - Dil Se Re—Of Barbed Wires

દિલ સે રે - દિલ સે..


ઈમ્તિયાઝ અલીની 'લવ આજ કલ' બે અલગ અલગ સમયમાં પ્રેમીઓ, પ્રેમ વ્યક્ત કરવાની જુદી જુદી રીતો અને અલગ અલગ સમયમાં પ્રેમીઓની સ્થિતિની વાત કરે છે. ફિલ્મની શરૂઆતમાં જ 'દૂરિયાં' ગીતની અંદર ફિલ્મનાં મુખ્ય પ્રસંગો બતાવવામાં આવ્યા છે, જે પછીથી ફરી ફિલ્મમાં આવશે. એ ગીતમાં બ્રિટનનો લંડન બ્રીજ, સેન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ બ્રીજ અને કોલકાતાનો હાવડા બ્રીજ બતાવવામાં આવ્યો છે. જઈ (સૈફ અલી ખાન) અને મીરા (દીપિકા પાદુકોણ) બંનેની મુલાકાત લંડનમાં થાય છે, એમનો પ્રેમ એ શહેરમાં આગળ વધે છે. ગોલ્ડન ગેટની જોબ જઈનું સપનું છે. વીર (રિશિ કપૂર/યુવાન પાત્રમાં સૈફ અલી ખાન) જેને પ્રેમ કરે છે તે હરલીન (ગિઝેલી મોન્ટેરિયો) કોલકાતા ચાલી જાય છે, એ પછી હજારો માઈલ ફક્ત એનો ચહેરો જોવા અને બે ઘડી અલપ ઝલપ મળી શકાય તે માટે વીર એ જમાનામાં દિલ્હીથી છેક કોલકાતા જાય છે. ગોલ્ડન ગેટ બ્રીજ જઈનું, હાવડા બ્રીજ વીર અને હરલીનનાં જોડાણનું અને લંડન બ્રીજ મીરા અને જઈ બંનેના પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે...
 
હાવડા બ્રીજ અને ગોલ્ડન ગેટ બ્રીજ (લવ આજ કલ)


ફરીથી ઈમ્તિયાઝ અલીની જ ફિલ્મ 'રોક્સ્ટાર'... હીર (નરગિસ ફખરી) અને જોર્ડન (રણબીર કપૂર) વર્ષો પછી પ્રાગમાં મળે છે. ફિલ્મની અંદર પ્રાગનાં સીન્સમાં બ્રીજ દેખીતી રીતે નોંધપાત્ર છે. (મોટેભાગે એ સૌથી પ્રખ્યાત ચાર્લ્સ બ્રીજ છે.) પ્રાગનાં બ્રીજ પાસે જોર્ડન પરફોર્મ કરે છે. 'ઔર હો' ગીતની અંદર હીર અચાનક ભાગવા લાગે છે, એ સીન ફિલ્મની અંદર કદાચ એટલા માટે છે કે એને અહેસાસ થાય છે કે એ પોતાનાં પતિની પાસે નહીં પરંતુ જોર્ડનની પાસે છે, એ પછી બ્રીજ પર જોર્ડન હીરની પાછળ દોડે છે. આ પુલ એ સમયે હીર અને જોર્ડન વચ્ચે જોડાણ બને છે. જોર્ડન દોડતો આવીને હીરને ભેટી પડે એ પહેલાં સીન ફેડ આઉટ થાય છે,... 'ઔર હો' ગીત પ્રેમની અંદર એ પળમાં થતી જલન અને વિવિધ ઇચ્છાઓ કેવી રીતે પૂરી કરવી એ માટે પ્રશ્નો કરે છે. ઉપર વર્ણવેલ બ્રીજ સીન વખતે શબ્દો આવે છે, 'મૈ હસરત મેં ઇક ઉલઝી ડોર હુઆ, સુલઝા દે, મૈં દસ્તક હૂં, તુ બંધ કીવાડો સા, ખુલ જા રે...' ઇચ્છાઓ રૂપી દોરી છોડવી એ ઇચ્છાઓ પૂરી કરવા માટે રૂપક છે, પ્રેમીઓનું એકાકાર થવું એ ઇચ્છાઓ પૂર્ણ થવા માટે રૂપક છે. બારણે કોઈ ટકોરો પડે એ પછી બારણું ખૂલે છે અથવા તાળુ અને ચાવી જ્યારે જોડાય ત્યારે બારણું ખૂલે છે, એ પણ એક જોડાણ છે. આ જ શબ્દો પુલ વાળા જ દ્રશ્ય વખતે રાખવા માટે જરૂર આ કારણ હોઈ જ શકે.

ચાર્લ્સ બ્રીજ, પ્રાગ  (ઔર હો - રોકસ્ટાર)

વિશાલ ભારદ્વાજની 'રંગૂન' પ્રણય ત્રિકોણ પર બનેલી આઝાદી પૂર્વેના સમયની વાર્તા છે. ફિલ્મમાં 'અલવિદા' ગીત શરૂ થાય એ પહેલા જુલિયા (કંગના રણૌત) નવાબ મલિક (શાહિદ કપૂર) પાસેથી રુસ્તમ (સૈફ અલી ખાન) પાસે જાય છે. એ વખતે એ પુલ પર દોડે છે, આ સીન અને ફિલ્મનાં અંતમાં ફરીથી આવતો એક બ્રીજનો સીન વાર્તામાં મુખ્ય ભાગ ભજવે છે, એટલે એ વિશે હું વધારે લખીશ નહીં.

અલવિદા - રંગૂન

સંજય લીલા ભણસાલીની 'હમ દિલ દે ચુકે સનમ' પણ ત્રણ પાત્રો અને પ્રેમ વિશે વાત કરે છે. આ ફિલ્મમાં પુલ સંપૂર્ણ રીતે વિવિધ રૂપકો સાથે જોડાણ બને છે. નંદિની (ઐશ્વર્યા રાય) લગ્ન પછી પણ પ્રેમી સમીર (સલમાન ખાન) સાથેની યાદોમાં જ જીવે છે. પતિ વનરાજ (અજય દેવગન) એ લોકોનો મેળાપ કરાવવા માટે નંદિનીને લઈને ઇટાલી જાય છે. ટ્રેનમાં એક સમયે વનરાજ અને નંદિની પાસે ટિકિટ હોતી નથી, એ વખતે અને પછી એ લોકો રાત્રે પુલ નીચેથી પસાર થાય છે એ સમયે શરાબનાં નશામાં વનરાજ નંદિની સાથે પુલ નીચેથી પસાર થતી વખતે ઘણી વાતો કરે છે, જે એ પહેલાં એણે પોતાની પત્નીને કીધી નથી. એ વખતે પુલ એક માધ્યમ તરીકે સૂચક અને રૂપક છે. ટાઇટલ ગીતની અંદર વનરાજ વિચારે છે કે સમીર નંદિનીને પુલ પરથી બૂમ પાડે છે અને નંદિની એને છોડીને સમીરને મળવા પુલ પરથી દોડીને પસાર થાય છે અને એ બંને મળે છે. એ વખતે પણ બે પાત્રો વચ્ચે પુલ જોડાણનું રૂપક છે. ફિલ્મનાં અંતમાં નંદિની સમીર પાસે નહીં પરંતુ વનરાજ પાસે કાયમ માટે જવાનું નક્કી કરે છે. એ વખતે 'તડપ તડપ' ગીત વાગે છે, એ સીનમાં નંદિની પુલ પરથી દોડતી વનરાજ પાસે આવે છે, એના ખભા પર રહેલી કાળી શાલ નીચે પડી જાય છે, જે એ પહેલાંના સીનમાં સમીરનાં કાળા વસ્ત્રો સાથે મેળ ધરાવે છે. એ પોતાની જિંદગીમાંથી સમીરને ભૂલી વનરાજ તરફ આગળ વધે છે. એ વખતે વનરાજ નંદિનીને મંગળસૂત્ર પહેરાવે છે અને બંને ભેટી પડે છે અને પુલ પરની રોશની અને ફટાકડાની આતશબાજી સાથે ફિલ્મ પૂર્ણ થાય છે, એ સાથે ડિરેક્ટર તરીકે સંજય લીલા ભણસાલીનું નામ આવે છે.

હમ દિલ દે ચુકે સનમ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા' પ્રેમની ઘેલછા અને પ્રિય પાત્રની રાહ જોતી વખતની તડપ દર્શાવે છે. આ ફિલ્મમાં પણ પુલ એક મહત્વનો ભાગ ભજવે છે. રણબીર રાજ (રણબીર કપૂર) અને સકીના (સોનમ કપૂર) બંનેની પ્રથમ મુલાકાત પુલ પાસે થાય છે. સકીના રોજ રાત્રે પુલ પર આવે છે, કારણ કે એ પોતાના પ્રેમીની રાહ જોઈ રહી છે. રાજ અને સકીના બંનેની દોસ્તી પણ પુલની આસપાસ પાંગરે છે અને રાજનો સકીના પ્રત્યેનો પ્રેમ પણ. અહીં પણ 'હમ દિલ દે ચુકે સનમ' ફિલ્મની જેમ જ ફિલ્મનો અંત પુલ પાસે થાય છે, મને ખ્યાલ છે કે 'સાવરિયા' ઘણા લોકોએ જોઈ નથી, એટલે હું ફિલ્મ સ્પોઈલર્સ લખતો નથી.

સાવરિયા


શરત કટારિયાની 'દમ લગા કે હઈશા' ફિલ્મમાં પણ બે ત્રણ દ્રશ્યો વખતે પુલ સૂચક છે. પ્રેમ (આયુષ્માન ખુરાના) અને સંધ્યા (ભૂમિ પેડણેકર) બંને લગ્ન પછી ખુશ નથી એ વખતે એક સીનમાં દૂરથી પુલનું દ્રશ્ય છે. એ લોકો એ સમયે એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શક્યાં નથી, એમનો મનમેળ નથી. ફિલ્મને અંતે જ્યારે એ લોકો એકબીજાને સમજી લે છે ત્યારે એ બંનેના લગ્નજીવનની ખરી શરૂઆત થાય છે. એ વખતે અંતમાં 'દર્દ કરારા' ગીતમાં હરિદ્વારનો 'હર કી પૌડી' પરનો પુલ અને ઋશિકેશનો 'રામ ઝુલા' અથવા 'લક્ષ્મણ ઝુલા' પુલ દર્શાવવામાં આવ્યો છે. હું આ બંને જગ્યાઓએ ફેમિલી સાથે પ્રવાસ કરી ચૂક્યો છું, એકદમ જ આનંદની અનુભૂતિ સાથેનું કુદરતી સાનિધ્ય ધરાવતી એ બંને જગ્યાઓ સાથેનું ગીત ફિલ્મનાં અંતને અલગ જ અનુભવ આપે છે.  

દમ લગા કે હઈશા


વિકાસ બહલની 'ક્વીન'માં ફિલ્મને અંતે રાની (કંગના રણૌત) વિજય (રાજકુમાર રાવ) પાસેથી પોતાના મિત્રો પાસે રોક શો માટે જાય છે, એ વખતે 'કિનારે' ગીતની અંદર રાની પુલ પરથી પસાર થાય છે, રાની પોતાની જિંદગીને એક છેડેથી બીજી તરફ જઈ રહી છે, જે સાથે એની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ જશે. અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' વિશે મેં લખેલી એક પોસ્ટમાં સમય સંબંધિત વાતો વિશે લખ્યું છે, ફિલ્મનાં એક સીનમાં કબીર/બની (રણબીર કપૂર) પોતાની મિત્ર રિયા (પૂર્ણા જગન્નાથન) સાથે વાતો કરે છે, એ વખતે એ લોકો પેરિસમાં પુલ નીચેથી પસાર થઈ રહ્યા હોય છે, એ વખતે કબીર/બની પોતાના સપના તરફ એક ડગલું આગળ વધી શકે છે, જ્યારે રિયા એને એની ડ્રીમ જોબ ઓફર કરે છે. આ સિવાય પણ ઘણી ફિલ્મોમાં પુલના દ્રશ્યો હશે જ. જેમ કે 'અન્જાના અન્જાની', 'યસ બોસ' ફિલ્મની શરૂઆતનું ગીત 'એક દિન આપ', 'કુછ કુછ હોતા હૈ', 'વીર ઝારા', વગેરે. આ પોસ્ટમાં સમાવિષ્ટ કેટલીક ફિલ્મો વિશે મેં લખેલી પોસ્ટ્સની લીંક્સ...

યે જવાની હૈ દીવાની - વક્ત કો ગુઝરતે...

ક્વીન (૨૦૧૪) - જિંદગી જડી જવાની પ્રક્રિયા

તમાશા (૨૦૧૫)

કભી અલવિદા ના કહેના (૨૦૦૬)

રંગૂન (૨૦૧૭)

સાવરિયા (૨૦૦૭) - વાદળી રંગના સ્વર્ગમાં ઈન્તઝાર માટેનો કાળો રંગ

1 comment:

  1. તમારી આ પોસ્ટનું શિર્ષક જ અલગ છે. પોસ્ટ વાંચ્યા પહેલા જ ગમી જાય પુલ પર આટલું લખવું. ખરેખર સારું નિરીક્ષણ છે તમારું. શિર્ષક વાંચીને પહેલા મને "હમ દિલ દે ચુકે સનમ" ફિલ્મ જ યાદ આવેલી અને તમે આ ફિલ્મના પુલ વાળા ભાગનું ખૂબ સારૂ વર્ણન કર્યુ છે. ખૂબ જ સરસ...

    ReplyDelete