ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
- ઉમાશંકર જોશી
ફિલ્મ જોતી વખતે મને આ પંક્તિઓ યાદ આવતી હતી, અમુક થોડા જ એવા દિવસો હોય છે, જ્યારે ખુદની સાથે થોડો સમય જીવી શકાય, બસ આપણે જ અને કુદરત.
ક્રિસ્ટોફર મેકન્ડલેસ નામનો અમેરિકન યુવાન ૧૯૯૦નાં ઉનાળામાં કોઈને કહ્યા વગર બસ પોતાની રીતે જ કુદરત સાથે રહેવા માટે ઘરેથી ચાલ્યો ગયો, બધી જ સંપત્તિ અને ઘરનાં લોકોને પાછળ છોડીને. અને પોતાને નવું નામ આપ્યું - એલેકઝેન્ડર સુપરટ્રેમ્પ, અને એની એ મુસાફરીમાં એ કેટલીય વાતો અનુભવી શક્યો જે આપણે પણ તેની સાથે જ ફિલ્મમાં ચોક્કસ અનુભવી શકીએ છીએ.
એક રીતે સીન પેન દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ બાયોપિક પણ કહી શકાય કારણ કે રિયલ સ્ટોરી છે, એડવેન્ચર ડ્રામા પણ કહેવાય અને સર્વાઈવલ સ્ટોરી પણ.
ક્રિસ અનેક લોકોને મળે છે એની જર્નીમાં, એમની સાથે જિંદગીની કેટલીક વાતો પણ શેર કરે છે, સવારનો તડકો માણે છે, પંખીઓને ઉડતા જોઈને એની આંખો રોમાંચ અનુભવે છે, ખુલ્લા ઘાસનાં મેદાનમાં ઘોડાની સાથે દોડે છે, ઠંડીમાં ઠૂંઠવાય છે, નદીમાં ન્હાય છે, તરે છે, ડૂબે છે અને કિનારે પણ પહોંચે છે. એ હમેંશા એવું જોવા મથે છે જે આપણી આંખો શહેરની આ ભીડમાં જોઈ જ નથી શકતી, અથવા આપણે પ્રયત્ન નથી કરતા. પર્વતની ટોચ પર પહોંચીને શહેર જોવાવાળાઓમાંનો એક છે એ, એને જીવવી છે જિંદગી, ભરપૂર જીવવી છે, પણ પોતાની શરતો પ્રમાણે. હા, એને હતાં પર્સનલ પ્રોબ્લેમ્સ, કદાચ એટલે જ સમાજથી થોડીક નફરત છે એને. પણ એ બિલકુલ જ મહત્વનું નથી આ ફિલ્મ માટે.

મહત્વની છે એની જર્ની, જે શીખવાડે છે જિંદગીની દરેક પળની કિંમત છે, મહત્વ છે, એને જીવી લો, આ પળનો અનુભવ કરો... કંઈક તો જરૂર મેળવશો જ.