Wednesday 13 December 2017

ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં પ્રવાસ અને મુસાફરી


જિંદગીમાં મુસાફરી કરવી એક રૂપક છે. દરેક પળે માણસ સતત કંઈક શોધતો રહે છે, તે માટે કેટલીય જગ્યાઓએ કાલ્પનિક રીતે મુસાફરી કરે છે. ક્યારેક વિચારોમાં કોઈ જગ્યાએ જવું, પોતાની સાથે થયેલ જૂની ઘટનાની યાદોની સફર પર નીકળવું કે પછી વિવિધ જગ્યાઓનો પ્રવાસ, દરેક મુસાફરી માણસને કંઈક શીખવે છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં પ્રવાસ કે મુસાફરી મહત્વનો ભાગ ભજવે છે. પાત્રો સતત કંઈક ઝંખે છે, તે માટે પોતાની જાતની સાથે વિચારો દ્વારા પ્રવાસ કરે છે, તેની સાથે વિવિધ જગ્યાઓએ પણ મુસાફરી કરે છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મોનાં વિવિધ ગીતો પણ સીધી કે આડકતરી રીતે મુસાફરીનો ઉલ્લેખ કરે છે: આઓ મિલો ચલો અને યે ઇશ્ક હાયે (જબ વી મેટ) ; દૂરિયાં (લવ આજ કલ) ; ફિર સે ઉડ ચલા અને નાદાન પરિંદે (રોકસ્ટાર) ; કહાં હૂં મૈં (હાઈવે) ; સફરનામા (તમાશા) ; સફર (જબ હેરી મેટ સેજલ) ...  


'સોચા ન થા' ફિલ્મમાં અદિતિ (આયેશા ટકિયા) અને વિરેન (અભય દેઓલ) ગોવાની મુલાકાત લે છે. 'જબ વી મેટ' ફિલ્મમાં ગીત (કરીના કપૂર) અને આદિત્ય (શાહિદ કપૂર) રતલામથી રાજસ્થાનમાંથી ભટિંડા સુધી મુસાફરી કરે છે, એ પછી પણ ગીત અને આદિત્ય મનાલી સુધી મુસાફરી કરે છે. 'લવ આજ કલ' ફિલ્મમાં દિલ્હી, કોલકાતા, લંડન અને સેન ફ્રાન્સિસ્કો વચ્ચેનું જોડાણ છે. મીરા (દીપિકા પાદુકોણ) અને જઇ (સૈફ અલી ખાન) પ્રથમ વખત લંડનમાં મળે છે. એ પછી જઇ મીરાને મળવા છેક દિલ્હી સુધી આવે છે. વીર (રિશિ કપૂર/ યુવાન પાત્રમાં સૈફ અલી ખાન) હરલીનને (ગિઝેલી મોન્ટેરિયો) મળવા માટે દિલ્હીથી કોલકાતા જાય છે. 'રોકસ્ટાર' ફિલ્મમાં જોર્ડન (રણબીર કપૂર) અને હીર (નરગિસ ફખરી) હિમાલયમાં, પ્રાગમાં ફરે છે. જોર્ડન પોતાની સંગીતની કારકિર્દી સંદર્ભે ઘણી જગ્યાઓએ મુસાફરી કરે છે. 'હાઈવે' ફિલ્મમાં પોલીસ અને સિસ્ટમથી બચવા માટે મહાવીર (રણદીપ હુડા) પોતાના દ્વારા અપહરણ થયેલી વીરા (આલિયા ભટ્ટ) સાથે ઘણા રાજ્યોની મુસાફરી કરે છે. 'તમાશા' ફિલ્મમાં પણ દિલ્હી, કોલકાતા ઉપરાંત કોર્સિકા અને ટોકિયો પણ દર્શાવવામાં આવેલ છે. તે જ રીતે 'જબ હેરી મેટ સેજલ' ફિલ્મમાં યુરોપ દર્શાવવામાં આવેલ છે. 




જિંદગીનાં રસ્તા પર ઘણી વખત આપણે પોતાની જાતને મૂંઝાયેલા, ખોવાયેલા મહેસૂસ કરીએ છીએ. તે જ રીતે ઈમ્તિયાઝ અલીની ફિલ્મોનાં પાત્રો જિંદગીનાં સફરમાં પોતાની જાતને ખોવાયેલા મહેસૂસ કરે છે. 'સોચા ન થા' ફિલ્મમાં અદિતિ (આયેશા ટકિયા) જિંદગી વિશેનાં પોતાના વિચારો, પોતાની શરતો અને જે લોકોએ તેને ઉછેરી છે, તેઓનાં વિચારોની વચ્ચે ખોવાયેલી છે. વિરેન (અભય દેઓલ) સાથેની મુલાકાત પછી અદિતિની પોતાની જાત સાથે મુલાકાત થાય છે અને તે જિંદગી માટે નવા રસ્તા તરફ વિચારવાની શરૂઆત કરી શકે છે. 'જબ વી મેટ' ફિલ્મમાં આદિત્ય (શાહિદ કપૂર) ટ્રેનમાં બેઠો છે, એને ખબર નથી કે એ ટ્રેન ક્યાં જઈ રહી છે, ટ્રેનનાં દરવાજા પાસે આવીને ઊભો રહેલો આદિત્ય એક પળ માટે સામે આવી રહેલી ટ્રેન સામે જુએ છે અને કૂદીને આત્મહત્યા માટે વિચારે છે. ગીત (કરીના કપૂર) આદિત્યને જિંદગી જીવવા માટે નવો રસ્તો શોધી આપીને તેની ખુશીનું કારણ બને છે. પોતાના બોયફ્રેન્ડ અંશુમનનાં અસ્વીકાર પછી ગીત પણ પોતાની જાતને ખોવાયેલી મહેસૂસ કરે છે. 'લવ આજ કલ' ફિલ્મમાં મીરા (દીપિકા પાદુકોણ) લગ્ન પછી અનુભવે છે કે તે પોતાનાં દિલ અને મનથી હજી સુધી પણ જઇ (સૈફ અલી ખાન) સાથે જ જોડાયેલી છે. મીરા જઇને ફોન કરે છે, એ વખતે પોતાની લાગણી જણાવતી નથી, કારણ કે જઇને પોતાનાં વર્ષોથી જોયેલાં સપનાઓ સાથેની નોકરી મળી છે. મીરા પોતાની જૂની નોકરી તરફ પાછી ફરે છે અને જઇ પોતાની નવી નોકરીની શરૂઆત કરે છે. પરંતુ જઇ સહેજ પણ ખુશ નથી અને તે પોતાની જાતને ખોવાયેલો મહેસૂસ કરે છે, મીરાનાં પ્રેમ થકી જઇ ફરીથી જિંદગી સાથે જોડાય છે. 

'રોકસ્ટાર' ફિલ્મમાં હીરનાં (નરગિસ ફખરી) લગ્ન પરથી પરત આવી રહેલો જોર્ડન (રણબીર કપૂર) બસની બારી પાસે બેઠો છે, તેને ખબર નથી કે હવે તેની જિંદગી કઈ દિશામાં આગળ વધશે. પોતાની કારકિર્દી માટે ઘણી જગ્યાઓએ સફર કરતો રહેતો જોર્ડન પોતાની જાત સાથે પોતાની અંદર સફર કરી શક્યો નથી. 'હાઈવે' ફિલ્મમાં વીરા (આલિયા ભટ્ટ) દુનિયાનાં સાચા અને ખોટાં ખ્યાલો વચ્ચે ખોવાયેલી છે, જ્યારે મહાવીર (રણદીપ હુડા) જિંદગી વિશેનાં પોતાનાં નિર્ણયો અને દિશા વિશે ખોવાયેલો છે. 'તમાશા' ફિલ્મમાં ઈજનેરી અભ્યાસની શરૂઆત કરવા જઈ રહેલો વેદ (રણબીર કપૂર) ટ્રેનની બારી પાસે પોતાની જિંદગીની દિશા વિશે ખોવાયેલો છે, કારણ કે વેદનાં સપનાઓ અલગ છે. કોર્સિકાથી પરત ફરતી તારા (દીપિકા પાદુકોણ) જ્યારે વેદને ભૂલી શકતી નથી, ત્યારે તે પણ પોતાની જિંદગીમાં ચાર વર્ષ સુધી મૂંઝાયેલી, ખોવાયેલી અને સતત કંઈક શોધતી રહે છે. 'જબ હેરી મેટ સેજલ' ફિલ્મમાં લોકોને મુસાફરી કરાવતો ટ્રાવેલ ગાઇડ હેરી (શાહરુખ ખાન) પોતે જ પોતાની જિંદગીમાં શું ઝંખે છે, એ તેને ખ્યાલ નથી, તે પણ એક રીતે જિંદગીની દિશા નક્કી કરી શક્યો નથી અને ખોવાયેલો છે, હેરી પાસેથી ભારત પરત ફરી રહેલી સેજલ (અનુશ્કા શર્મા) ખુશ નથી અને તેની આગળની જિંદગીમાં તે હેરી વગર ખોવાયેલી જ રહેશે, તે પ્રકારે મહેસૂસ કરે છે. 

રસપ્રદ વાત એ છે કે આ ઘણી બધી પળોમાં પાત્રો કોઈ વાહનની (બસ/ટ્રેન/ટ્રક/વિમાન) બારી પાસેની સીટમાં છે. બારી પાસેની સીટ, જ્યાંથી જિંદગી વિશેની મુસાફરીનો રસ્તો ચોખ્ખો દેખાઈ શકે અને સાચો રસ્તો પસંદ ન થાય તો જિંદગી અલગ જ વળાંક લઈ શકે... (ઈમ્તિયાઝ અલીનાં પ્રોડક્શન હાઉસનું નામ પણ 'વિન્ડો સીટ ફિલ્મ્સ' છે!!)  (તમાશા ફિલ્મનું નામ પણ પહેલાં વિન્ડો સીટ રાખવામાં આવેલ હતું.) 





દિગ્દર્શકની ફિલ્મો વિશેનું મારા બ્લૉગ પરનું પેજ -

Other reading - 
My films are my travel diaries: Imtiaz Ali

No comments:

Post a Comment