ઈમ્તિયાઝ અલી




ઈમ્તિયાઝ અલી, એક વ્યક્તિ જેણે હિન્દી સિનેમાને છેલ્લા કેટલાક વર્ષોમાં નવી જ ઓળખ આપી છે. મારા જેવા અમુક પ્રસંશકો માટે તેમના છેતાલીસમાં જન્મદિવસ પર તેમની ફિલ્મો સંબંધિત કેટલીક પોસ્ટ્સની લીંક આ પેજ પર મૂકી રહ્યો છું. એ સાથે જ તેમને એક ખુલ્લો પત્ર લખવાની ઇચ્છા થઈ આવી છે, તો મારી લાગણીઓ અને મારા શબ્દો સાથે સ્વાગત છે સાચા ખોટાની પેલે પારની એક જગ્યા પર...

(નોંધ- મેં ઈમ્તિયાઝ અલીનું આ પેજ બનાવ્યું તે તારીખ: ૧૬/૦૬/૨૦૧૭) 


વ્હાલા ઈમ્તિયાઝ અલી,

વિરેન થકી મેં જાણ્યું છે કે પ્રેમની લાગણીઓ વૈચારિક ગભરાટ અને ગૂંચવાડો પેદા કરે તે સામાન્ય છે. કારણ કે પ્રેમ એ જેટલી સરળ દેખાતી લાગણી છે, તેટલો જ ગૂંચવાડો પેદા કરે છે, એ સાથે જ પ્રેમ દર્દ પણ આપે છે અને ખુશી પણ. અદિતિ થકી હું જાણી શક્યો છું, મહેસૂસ કરી શક્યો છું કે કોઈ વ્યક્તિ તમને સહારો આપે છે માટે એ તમને ભાવનાત્મક રીતે ધમકીઓ આપી શકશે નહીં, ફક્ત એ વ્યક્તિએ તમારી માટે કંઈક કર્યુ છે એનો એ અર્થ નથી કે તમે એ વ્યક્તિની બધી જ વાતો માની લો. તમારી પોતાની ખુશીઓ એ વ્યક્તિથી વધારે હોઈ શકે છે અને એ કોઈ જ પાપ નથી.

જોર્ડન થકી હું મહેસૂસ કરી શક્યો છું કે પ્રેમનું દર્દ શું છે!

ગીત પાસેથી હું જિંદગીની ઘણી પરિસ્થિતિઓમાં ખુશ રહેતા શીખી શક્યો છું, ક્યારેક એમ લાગે છે હું ગીતને જિંદગીભર પ્રેમ કરીશ, જાણે એ કોઈ કાલ્પનિક પાત્ર નહીં પણ વાસ્તવિક વ્યક્તિ જ છે! આદિત્યને મળીને મને લાગ્યું છે કે મારા જેવા માણસો દુનિયામાં જરૂર હશે! મનાલી છોડતી વખતે આદિત્યની ઝળઝળિયાં આવી ગયેલી આંખોમાં મેં પ્રેમ જોયો છે, એ આંખો જ્યારે ગીતની કાજળ લગાવેલી આંખોને જોઈ રહે છે ત્યારે એ પળમાં મને મહેસૂસ થાય છે કોઈ વ્યક્તિથી છૂટા પડતી વખતે આ જ પ્રકારની લાગણી થઈ આવે છે. 

વીર અને હરલીનની દુનિયામાંથી મને જૂના સમયની મોહકતા અને નિર્દોષતા પાછી મળી છે. જઇની વર્ષોથી સ્વપ્નો સેવેલી નોકરી જ્યારે તેને મળે છે ત્યારે એ અમુક સમય પછી કંટાળી જાય છે, એ કંટાળો અને થાક મેં એની સાથે મહેસૂસ કર્યો છે. એ નોકરી મળતી વખતે જ્યારે જઇ અને મીરા ફોન પર વાત કરે છે ત્યારે મીરાનું દર્દ મેં મહેસૂસ કર્યુ છે, જ્યારે તમે તમારા પ્રિય પાત્રની ખુશીમાં જ ખુશ રહેવાનો નિર્ણય કરો છો ત્યારે એ જ પ્રકારે લાગે છે! 

તમારી વાર્તાઓ કહેવાની રીતથી મેં જાણ્યું છે કે વાર્તા કહેવા માટેની કોઈ ચોક્કસ રીત નથી, બસ એ વાર્તા સાંભળનારની આત્મા અને હૃદયની અંદર ઊતરી જવી જોઈએ એ હું તમારી પાસેથી શીખ્યો છું. 

વીરાની કેટલી બધી માનસિક સ્થિતિ સાથે હું મારી પોતાની જાતને સાંકળી શકું છું. મહાવીર થકી મેં જાણ્યું છે કે ખરાબ કે હાનિકારક લાગતી વ્યક્તિઓ પણ અંદરથી કોમળ હોઈ શકે છે, એ લોકોને પણ પોતાનું દર્દ હોઈ શકે છે.

તારા જ્યારે વેદનું નામ પણ જાણતી નથી ત્યારે પણ એને વેદ માટે જે લાગણી થાય છે, એ લાગણી મેં મહેસૂસ કરી છે. એ વ્યક્તિ જેને તમે ચાહો છો એને ખબર પણ નથી, છતાં તમે એ જ વ્યક્તિને ચાહો છો! કોઈ જ આશા નથી એ વ્યક્તિ તમને મળશે છતાં તમે એને ચાહો છો, હું એ લાગણી જાણું છું. વેદની કેટલીક સંવેદનાઓ હું મહેસૂસ કરી શક્યો છું કે આ દુનિયાનાં કહેવાતા નિયમોની ચોપડીમાં જ્યારે વ્યક્તિ ફસાઈ જાય છે ત્યારે જલદી છૂટી શકતી નથી.

ક્યારેક વિચાર આવે છે કે હેરી અને સેજલ કેવા હશે? હું એમને મળીશ ત્યારે મને કેવી લાગણી થશે? શું એ લોકો મને એમની દુનિયામાં સ્વીકારશે? હું એમને મળવાની આતુરતાથી રાહ જોઈશ. ત્યાં સુધી તમને તમારા છેતાલીસમાં જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર, મને અહેસાસ કરાવવા માટે કે પહાડો સાથે વાતો કરી શકાય છે, ઝરણામાં મોં નાખીને પાણી પી શકાય છે, રસ્તાની કિનારીએ કોઈ જ ચિંતા વિના આરામથી ઊંઘ આવી શકે છે. આભાર મને અહેસાસ કરાવવા માટે કે કોઈક દિવસ પહાડો પર સૂર્ય ઉગશે જે બધી જ ચિંતાઓ ઓછી કરી દેશે. આભાર એક મહાન પર્શિયન સાહિત્યકાર રુમીની જાણકારી માટે. આભાર મને ફરી યાદ દેવડાવવા માટે કે કદાચ તમારો મુકામ તમને જેટલી ખુશી નહીં આપે એટલી કે એથી પણ વધારે ખુશી તમને એ મુકામ સુધી જેણે પહોંચાડેલ છે તે મુસાફરી અને એ મુસાફરીની યાદો આપશે. આભાર મને વિશ્વાસ અપાવવા માટે કે કોઈક દિવસ એવી વ્યક્તિ જરૂર મળશે જે તમને દુનિયાથી જુદા હોવા માટે ટોણો નહીં મારે, એ વ્યક્તિ તમને વિશ્વાસ પણ નહીં આવે એ રીતે તમારી પોતાની જાત સાથે ફરી મુલાકાત કરાવશે, તમારા બધા જ આંસુઓ ધોઈ નાખશે અને ફરી અહેસાસ કરાવશે કે ખિલખિલાટ હાસ્ય એટલે શું!




જ્યારે પણ ઈમ્તિયાઝ અલી વિશે લખીશ ત્યારે બ્લૉગ પર તો પોસ્ટ કરીશ જ એ સાથે અહીં આ પેજ પર લીંક જરૂર મૂકીશ, ત્યાં સુધી ઈમ્તિયાઝ અલી સંબંધિત મેં લખેલી કેટલીક પોસ્ટ્સ -

ઈમ્તિયાઝની ફિલ્મોમાં પ્રેમની વ્યાખ્યા

ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં આઝાદી અને પહાડો










****************************************

Other posts related to Imtiaz Ali
Beautifully written by Pankaj Sachdeva











No comments:

Post a Comment