Monday, 24 April 2017

જામનગર, દ્વારકા, સોમનાથ અને જૂનાગઢ (૨૦૧૧)
મોટેભાગે તારીખો હું ભૂલી શકતો નથી. અચાનક કેલેન્ડર પર નજર પડી અને આ તારીખો યાદ આવી જ્યારે છ વર્ષ પહેલાં ફેમિલી સાથે કેટલીક જગ્યાઓએ ફરવા ગયેલો... એ પછી કમ્પ્યૂટરની અંદર ફોટોગ્રાફ્સ જોવાથી તરત જ એ યાદોમાં ખોવાઈ ગયો અને થયું કે કંઈક લખું એ વિશે... એ બધી જ પળો એમની એમ યાદ નથી, ડાયરીમાં પણ ખૂબ ઓછી માહિતી લખી છે, ફોટોગ્રાફ્સની ક્વોલિટી પણ એટલી સારી નથી. પરંતુ તેમ છતાં ધૂંધળી એવી કંઈક યાદો સચવાયેલી છે! ૨૧થી ૨૪મી એપ્રિલ, ૨૦૧૧... ચાર દિવસો, ગાંધીનગરથી જામનગર, ત્યાંથી દ્વારકા, પછી સોમનાથ અને છેલ્લે જૂનાગઢ... કેટલીક વસ્તુઓ ખરેખર નવાઈ પમાડે છે, છ વર્ષ પહેલાંના ફોટોગ્રાફ્સ, ચહેરા પરનો દેખાવ બદલાઈ જવાની સાથે ઘણી જ વસ્તુઓ બદલાઈ ગઈ છે... ઘણી વસ્તુઓ મને વિસ્તારપૂર્વક યાદ નથી, એટલે આ પોસ્ટ ખૂબ ટૂંકી લખી છે.

સૌ પ્રથમ અમે લોકો જામનગર ગયેલા, ત્યાં ડેડીના મિત્ર સુરેશ અંકલને ત્યાં રોકાવાનું હતું. આગલે દિવસે એમના સસરાજી ગુજરી ગયેલા, તેમ છતાં એ લોકોએ અમને કહ્યું નહોતું, અમારી ટ્રીપ ન બગડે એ માટે. અમને ત્યાં જ રોકાવાનો આગ્રહ કરીને સવાર-સાંજ ભરપેટ નાસ્તો, આન્ટીનાં ખુદના પિતા ગુજરી ગયા હોવા છતાં એમણે પોતાનું જ રાંધેલું ખવડાવેલું, આ પ્રકારના સંબંધો મળવા ખૂબ જ મુશ્કેલ છે. સુરેશ અંકલનું ઘર પૂરા રજવાડી ઠાઠ પ્રમાણે એમણે થોડા સમય પહેલા રિનોવેટ કરાવેલું હતું, જૂની હવેલી જેવા બારણાં અને બારીઓ, દીવાલો પર જૂની તલવારો, જાણે જૂનો કોઈ ઈતિહાસનો સમય પાછો આવી ગયેલો! મમ્મી-ડેડી સવારે આન્ટીને ત્યાં જઈ આવેલા, બેસણું અને એ બધુ રાખેલ ત્યાં એમના પિયરમાં, એ પણ જામનગરમાં જ હતું અને નજીકમાં જ. પરંતુ અમે એ પછી ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યુ, અમારે લીધે એમને વધારે તકલીફ ન પડે તે માટે, એટલે જામનગરમાં ખાસ કશું અમે જોઈ શક્યાં નહોતા, રાત્રે લાખોટા તળાવ જોયેલું, જેનો રાતનો ફોટો બિલકુલ જ ક્લિયર નથી. ચાલતી બસમાંથી જોયેલો વોરાનો હજીરો યાદ છે.


વોરાનો હજીરો, જામનગર

બીજે દિવસે એટલે કે ૨૨મી એપ્રિલ ૨૦૧૧નાં રોજ અમે દ્વારકા બેટની મુલાકાત લીધી હતી અને એ રાત્રે દ્વારકાધીશનાં દર્શન કર્યા હતાં. આશરે કલાકથી વધારે દરિયામાં હોડી દ્વારા મુસાફરી કરી હતી. સામે હતો ખારો દરિયો, કાળઝાળ ગરમી અને તેમ છતાં પાણી જોઈને પ્રસરતી થોડીક ઠંડક! કેટલીક હોડીઓની ઉપર ભારતીય ધ્વજ લહેરાતો હતો, માછલીઓની તીવ્ર વાસ આવતી હતી. અમારી એ બપોર એ રીતે મુસાફરીમાં ગયેલી. રાત્રે મંદિરમાં દર્શન કરી હૉટેલનાં ધાબે બેઠેલો એ અહેસાસ મને હજુ યાદ છે. ઠંડો ઠંડો એ પવન અને એ શાંતિ, એ યાદ હું શબ્દોમાં સમાવી ન શકું... બીજે દિવસે ૨૩મી તારીખે અમે સોમનાથ ગયેલા, ફક્ત ખૂબ લાંબી મુસાફરી કરીને એટલું જ યાદ છે. સોમનાથ પણ દર્શન કરીને ચોપાટી પર ખાસ રોકાણ નહોતું કર્યુ. સોમનાથનો દરિયો દ્વારકાનાં પ્રમાણમાં શાંત લાગતો હતો, કદાચ સાંજ હોવાને કારણે. ત્યાં દરિયાકિનારે આથમતો સૂર્ય જોયેલો. દરિયાકિનારેથી દેખાતું સોમનાથનું મંદિર, જે કેટલાય વર્ષોથી એમ જ અડીખમ ઊભું હતું, આવી કેટલીય સાંજે ત્યાં સૂરજ ડૂબતો હશે! દરિયાકિનારે કોઈએ કરેલી સેન્ડ આર્ટ મને યાદ છે. કોઈએ શિવ, ગણપતિ અને એ પ્રતિકૃતિઓ બનાવેલી અને એક દુર્ગાની મૂર્તિ. રેતીમાંથી જ બનાવેલી મોહક કળા, મુગ્ધ થઈને હું જોઈ રહેલો ખાસ્સા સમય સુધી...


બેટ દ્વારકા

સોમનાથનો દરિયાકિનારો અને ત્યાંથી મંદિરનું દ્રશ્ય

સોમનાથના દરિયાકિનારે કોઈએ કરેલી સેન્ડ આર્ટ


છેલ્લો દિવસ અમે ગાળેલો જૂનાગઢમાં, ડેડીનાં બીજા એક મિત્ર કલસરીયા અંકલને ત્યાં. અમે લોકોએ એ દિવસે જુમા મસ્જિદ, અડી કડી વાવ, નવઘણ કૂવો, સક્કરબાગ ઝૂ અને કૃષિ યુનિવર્સિટી જોયેલી. અમુક વસ્તુઓનાં ઐતિહાસિક મહત્વ વિશે હું લખવા માંગતો નથી, કારણ કે એ બધુ જ ગૂગલ પર મળી રહેશે. હું ફક્ત મારી યાદો લખી રહ્યો છું. ઉપરકોટ જૂનાગઢ શહેરની થોડેક ઉપર આવેલો વિસ્તાર છે, જ્યાં નરસિંહ મહેતા રહેતા હતાં એ વિસ્તારમાંથી પસાર થઈને જવું પડે છે. એ સમયે વપરાતી તોપો, ઉંચેથી દેખાતું જૂનાગઢ શહેર, રા'ખેંગાર અને રાણકદેવીનો ઈતિહાસ લઈને ઊભું હતું. એક ભોંયરુ હતું ત્યાં નજીકમાં, જે જૂના સમયમાં છેક સોમનાથ સુધી જતું હતું એમ માનવામાં આવે છે. નવઘણ કૂવો અને અડી કડી વાવ ભરબપોરે ખૂબ ભેંકાર લાગતી હતી. જૂની દીવાલોની આસપાસ ઉડતા કબૂતરોની પાંખોથી અડી કડી વાવમાં પડઘા પડતા હતાં અને એક છૂપો ડર લાગતો હતો, કારણ કે વાવનું બાંધકામ એ રીતે હતું કે જેમ નજીક જઈએ એમ નીચાણ આવે. નીચે ગબડી પડવાનાં ભય સાથે એમ લાગતું હતું કે દીવાલો એકબીજાની નજદીક આવી રહી હતી! 

જુમા મસ્જિદ, ઉપરકોટ, જૂનાગઢ

નવઘણ કૂવો અને અડી કડી વાવ, જૂનાગઢ

ઉપરકોટ પરથી દેખાતો ગિરનાર

સરદાર પટેલ દરવાજો, જૂનાગઢ

એ બપોરે પછી અમે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન જોયેલો, જાતજાતનાં પંખીઓ, પ્રાણીઓ અને બગીચાઓથી ભરપૂર એ પ્રાણીસંગ્રહાલય એવું જ હતું જેવા મોટાભાગનાં પ્રાણીસંગ્રહાલય હોય છે. વૃક્ષો પર લટકતાં વેલાઓ, સફેદ મોર અને હંસ એટલું જ મને યાદ છે ફક્ત. એ પછી અમે ગયાં હતાં કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, જૂનાગઢ. મારા ડેડીએ ત્યાં એમની માસ્ટર ડિગ્રી મેળવી હતી, માસ્ટર ઓફ સાયન્સ ઇન એગ્રિકલ્ચર. ડેડી એમની કૉલેજની જૂની યાદોમાં ખોવાઈ ગયેલા, એમની હોસ્ટેલનો રૂમ જોયેલો અમે લોકોએ, એક તળાવ હતું કેમ્પસની અંદર, પરી તળાવ. પરીની એક મૂર્તિ હતી ત્યાં અને બંધિયાર પાણી. ડેડી કહેતા હતા કે એ લોકો જ્યારે વાંચીને કંટાળી જાય ત્યારે સાંજે એ તળાવની પાળ પર બેસતા. મેં ત્યાં થોડો સમય પસાર કર્યો હતો એ તળાવની પાળ પાસે, ભરબપોરે કંઈક રાહત લાગતી હતી પણ એ સાથે શૂન્યતા જેવી કંઈક અલગ જ લાગણી મને ઘેરી વળી હતી. ડેડી ભણતા હતાં ત્યારનું અને આ સમયનું કેમ્પસ બદલાઈ ગયેલું, દીવાલો પરનાં રંગો, દેખાવ, ગોઠવણી, કેટલીક નવી ઈમારતો આવી ગયેલી, ફક્ત નહોતી બદલાયેલી તો એ યાદો જ હતી. જે ક્યારેય બદલાતી નથી. કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી યાદો. એ યાદો એમની કોલેજ સમયની હોય કે મારી આ છ વર્ષ જૂના પ્રવાસની કે કોઈ પણ બીજી બનેલી ઘટનાઓ કે વ્યક્તિઓની, હમેંશા પાસે સંભાળીને રાખવાથી કોઈ અમૂલ્ય ખજાનો સાચવ્યો હોય એવી લાગણી થઈ આવે છે... 

સક્કરબાગ પ્રાણી ઉદ્યાન, જૂનાગઢ

પરી તળાવ અને કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, જૂનાગઢ

2 comments: