Tuesday, 25 April 2017

હેપી બર્થડે અરિજિત સિંઘ




આજે કરોડો દિલો પર રાજ કરનાર અરિજિત સિંઘ ખૂબ લાંબી સફર ખેડીને અહીં સુધી પહોંચ્યો છે. તેની મા બંગાળી તેમજ પિતા પંજાબી છે. મા તરફથી એને સંગીતનો વારસો મળ્યો છે, કારણ કે મા ગાયિકા અને સંગીતમાં રસ ધરાવનાર, મામા તબલાવાદક, નાની પણ ગાયિકા અને માસીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી! અરિજિતે પણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને તબલાની તાલીમ લીધી છે. એણે બંગાળમાં સર્વોચ્ચ માનવામાં આવતું 'રબીન્દ્ર સંગીત' પણ શીખ્યું છે, જે સંગીતને રવીન્દ્રનાથ ટાગોરનું સંગીત કહે છે. ટાગોરની કવિતાઓ, ગીતો, વાર્તાઓ અને નવલકથાઓમાંથી ટાગોરે લખેલાં શબ્દોનું સંગીત. આ ઉપરાંત તેણે પોપ સંગીતની પણ તાલીમ લીધી છે. સોની ટીવી પર પ્રસારિત થયેલ રિયાલિટી શો 'ફેમ ગુરુકુળ' (૨૦૦૫) દ્વારા અરિજિત દુનિયાની સામે આવ્યો. એ વખતે શો ન જીતેલો અરિજિત આજે સહેજ પણ દુ:ખી નહીં હોય, કારણ કે પછીથી એણે જીતેલા ફિલ્મફેર એવોર્ડ્સનું એ જ ચેનલ સોની ટીવી પર પ્રસારણ થયું છે!


જિંદગી તમારી પાસેથી કંઈક છીનવી લે, તો એનાથી પણ વધારે તમે જિંદગી પાસેથી પોતાની મહેનત અને આત્મવિશ્વાસના બળે ચોક્કસ મેળવી શકશો, એ સંબંધિત વાત પુરવાર કરતો જીવતો જાગતો પ્રેરણાસ્ત્રોત સમાન આ ગાયક આજે ત્રીસ વર્ષ પૂરા કરી રહ્યો છે. ગીતો ઉપરાંત અરિજિત એક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે, જેની પર કામ ચાલી રહ્યું છે, આ ઉપરાંત અરિજિત સમાજસેવા માટે એક એનજીઓ 'લેટ ધેર બી લાઇટ' પણ ચલાવે છે, જે ખૂબ જ ગૌરવની વાત છે. હિન્દીમાં એણે ગાયેલા ગીતો આપણા બધાનાં મનપસંદ જ છે, એટલા માટે અહીં હું એ ગીતો વિશે ઉલ્લેખ કરવા માંગતો નથી, કારણ કે એ આપણે જાણીએ છીએ. પણ, એણે ગાયેલ બંગાળી ગીતો ક્યારેક સાંભળજો, શબ્દો નહીં સમજાય તો પણ એની અંદર ખોવાઈ જશો! હિન્દી અને બંગાળી ઉપરાંત તમિલ, તેલુગુ, મરાઠી, મલયાલમ, આસામી, કન્નડ ભાષામાં એણે ગાઈને પોતાની જાતને પુરવાર કરી છે. આપણી ભાષા ગુજરાતીમાં પણ એણે ગાયેલ 'રોંગ સાઇડ રાજુ' ફિલ્મનું 'સતરંગી રે' સાંભળીએ ત્યારે સહેજે વિશ્વાસ ન આવે કે આ માણસ ગુજરાતી નથી, એટલી સુંદર અને લયબધ્ધ રીતે એ ગીત કાનમાં ગૂંજે છે... આ ગીતમાં નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવેલી એક પંક્તિ સાંભળજો, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કેમ અરિજિતને 'શબ્દોને આત્મા' અને 'ગીતને જિંદગી' આપનાર ગાયક તરીકે ઓળખવામાં આવે છે! એ પંક્તિ હું અહીં નીચે લખી રહ્યો છું. હેપી બર્થડે અરિજિત! વી લવ યુ!! 

ઝાકળ જેવી, 
આ બે પળનો, 
સાગર જેવો હરખ,
જળની છે કે, 
મૃગજળની છે, 
શેની છે આ તરસ 

(ગીત - સતરંગી રે)
(ગીતકાર - નિરેન ભટ્ટ)
(સંગીત - સચિન-જીગર)
(ફિલ્મ - રોંગ સાઇડ રાજુ)

No comments:

Post a Comment