Tuesday, 7 March 2017

ક્વીન (૨૦૧૪) - જિંદગી જડી જવાની પ્રક્રિયા

વિકાસ બહલની ફિલ્મ 'ક્વીન' ફક્ત સ્ત્રી સશક્તિકરણ માટેની ફિલ્મ નથી, પરંતુ કોઈ એક વ્યક્તિની આખી જિંદગી બદલાઈ જવાની પ્રક્રિયા છે. પોતાના હનીમૂન પર એકલા ગયેલી રાનીને આઝાદી અને સ્વતંત્ર વ્યક્તિત્વની સાથે સાથે કંઈક એવું જડી આવે છે, જેનાથી રાનીની આખી જિંદગી બદલાઈ જાય છે. કંઈક એવું એટલે જિંદગી પોતે, હમેંશા પોતાની નજીકનાં બધા જ લોકોની બધી જ વાત માનતી રાની દુનિયા વિશે જાણે છે, અજાણ્યા લોકો પર ભરોસો કરે છે અને જિંદગી માટે કહેવાતા નિયમો અને બંધનોની બહાર પોતાની ખુશી શોધે છે અને રાનીને હસતી રમતી ખુદ જિંદગી મળી આવે છે. 

ફિલ્મ સ્પોઈલર્સ


લગ્નનાં એક દિવસ પહેલા રાની (કંગના રણૌત) પોતાના થનાર પતિ વિજય (રાજકુમાર રાવ) પાસે જાય છે. લગ્નનાં એક જ દિવસ પહેલા બધા લોકોથી છુપાઈને આ રીતે મળવું રાની માટે સહેલું નથી, રાની સમજે છે કે વિજય એને ખૂબ પ્રેમ કરે છે અને લગ્નનાં એક દિવસ પહેલા પણ એ પોતાને મળ્યા વગર રહી શકતો નથી, રાની વિજયને એવી મીઠી મજાક પણ કરે છે. પણ, વિજય રાનીને કહે છે કે એ એની સાથે લગ્ન નહીં કરી શકે. થોડો સમય લંડનમાં રહેલો વિજય એમ કારણ આપે છે કે રાની એની સાથે ત્યાં સેટ નહીં થઈ શકે, પરંતુ મનની અંદર એને આ ભોળી છોકરી માટે હવે કોઈ લાગણી રહી નથી, રાનીની સરખામણી પોતાના મનની અંદર એ બીજી "કહેવાતી મોડર્ન છોકરીઓ" સાથે કરવા લાગ્યો છે અને રાની હવે એને પસંદ નથી. રાનીની નિર્દોષ જિંદગી હચમચી જાય છે. રસપ્રદ વાત એ છે કે રાની અને વિજય મળ્યા છે એ જગ્યા છે - 'કેફે કોફી ડે' - જેની ટેગલાઈન છે - 'અ લોટ કેન હેપન ઓવર કોફી' - રાની સાથે સાચે જ એ એક પળની અંદર ઘણું થઈ જાય છે, એ કંઈક ખરાબ પણ હોઈ શકે, સારુ પણ. એ પળની અંદર રાનીને અને આપણને બધાને લાગે છે કે ખરાબ થયું છે, પણ, ફિલ્મને અંતે ખ્યાલ આવે છે કે એ થયું એ જ સારુ થયું. 
રાની અને વિજય બંનેએ હનીમૂન પર પેરિસ અને એમ્સ્ટરડમ જવાનું નક્કી કરેલું. રાની લગ્ન રદ થાય છે એ પછી પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દે છે અને ત્યારનાં ખરાબ સમયની સાથે ભૂતકાળની સારી યાદો પણ રાનીને ઘેરી વળે છે. રાની યાદ કરે છે એ પળો જ્યારે વિજય સાથે એની પહેલી મુલાકાત થયેલી, વિજય જ્યારે એની સાથે વાત કરવા માટે કોલેજ સુધી પીછો કરતો, વિજયે એની સાથે પ્રેમનો એકરાર કરેલો અને બીજી ઘણી વાતો. રાની પોતાનું પાનેતર ખભે મૂકીને અરીસામાં જુએ છે, એ લગ્ન જે રદ થયા છે, એની ખુશી હવે એને મહેસૂસ નહીં થાય, પણ એને એ પળમાં અહેસાસ થાય છે કે પેરિસ અને એમ્સ્ટરડમ ફરવા જવું એનું સપનું છે, એ પિતા સાથે વાત કરે છે પોતાના હનીમૂન પર એકલા જવા માટે. એ પણ, જો એમની ઇચ્છા હોય તો જ. રાની ગભરાતી ખચકાતી પ્લેનમાં બેસે છે, એની બાજુની સીટ ખાલી છે, જ્યાં વિજય બેઠો હોત જો એમનાં લગ્ન થયા હોત તો... પરંતુ હાલ રાનીની જિંદગીની અંદર ખાલીપો આવી ગયો છે, એ ખાલી સીટ એની એકલતા દર્શાવે છે. જ્યારે રાની હોટેલનાં રૂમમાં બેસીને ટેલિવિઝન જુએ છે ત્યારે રાનીની દાદી ફોન પર કહે છે કે ટેલિવિઝન છોડીને એણે બહાર નીકળવું જોઈએ, પેરિસ દુનિયાના સૌથી સુંદર શહેરોમાંથી એક છે... રાની બહાર નીકળે છે, પોતાની રીતે એકલા રસ્તો પાર કરતા ડરે છે, એને ખૂબ અલગ લાગે છે. થોડી પળો ખૂબ સુંદર રીતે કેમેરાની અંદર કેદ થઈ છે, જ્યારે એફિલ ટાવરને જોઈને રાનીને વિજય યાદ આવે છે, રાની વિજય સાથે એફિલ ટાવર પર જવાની હતી. એફિલ ટાવરને જોઈને એ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, એ વિજયની યાદોથી દૂર ભાગવા માંગે છે. રાની એ જ એફિલ ટાવર પછીથી વિજય નહીં પણ વિજયાલક્ષ્મી સાથે જુએ છે અને ખુશ થાય છે. રાની પોતાની યાદોથી દૂર જતા અને પોતાની જાતને રાહતની લાગણી મહેસૂસ કરાવતા શીખી જાય છે. પેરિસની હોટેલમાં સ્યૂટકેસ ચડાવતી વખતે એને મુશ્કેલી પડે છે, પરંતુ એમ્સ્ટરડમ જતી વખતે વિજયાલક્ષ્મીએ આપેલ બેકપેક એ આરામથી ખભે ભરાવી શકે છે. ચોર રાનીનું પર્સ ચોરવાનો પ્રયત્ન કરે છે એ પછી ટેક્સીમાં બેસે છે ત્યારે એ ઉદાસ હોય છે, થોડા સમય પછી વિજયાલક્ષ્મીને પોતાની વાત કર્યા પછી અને ડિસ્કોમાં ભરપૂર નાચ્યા પછી એવી જ કોઈક ટેક્સીમાં એને રાહત મળે છે જેમાં એ ખુલ્લા હાથ કરીને સીટ પરથી ઊભી થઈ શકે છે. આ પ્રકારનાં બનાવોમાં એની અંદર પ્રત્યેક પળે પરિવર્તન આવે છે અને એ જિંદગી વિશે કંઈક ને કંઈક નવું શીખે છે.  રાની વિજયાલક્ષ્મી સાથે ડિસ્કોમાં છે એ વખતે યાદ કરે છે કે એક લગ્નમાં એ જ્યારે દિલ ખોલીને નાચતી હતી ત્યારે વિજયને સમાજનાં નિયમો અને લોકોની ચિંતા હતી. લોકો જોશે, લોકો વિચારશે એમાં જ આપણી મોટાભાગની વાતો પૂરી થઈ જાય છે અને આપણી આવી નાની નાની ઇચ્છાઓ દિલમાં ક્યાંક કોઈક ખૂણે ઊંડે ધરબાઈ જાય છે. રાની ડિસ્કોમાં મન ભરીને નાચે છે, એ પોતાનો બાંધેલો ચોટલો ખુલ્લો મૂકે છે અને વાળ ખુલ્લા કરે છે, એ રાનીનું બંધનથી આઝાદી તરફ જવા માટેનું રૂપક છે. એ કોઈની ગુલામ નથી, એણે શા માટે બંધાઈને રહેવું જોઈએ? એણે શું કામ બીજાની ઇચ્છાઓ માટે પોતાની ઇચ્છાઓ રોકવી જોઈએ? રાનીની ઇચ્છા નોકરી કરવાની હોય છે ત્યારે વિજયને પૂછે છે અને જવાબ મળે છે કે એ એને ભૂખે નહીં મારે, એની પાસે નોકરી છે તો રાનીએ નોકરી કરવાની જરૂર નથી. કોઈ છોકરી/સ્ત્રી ફક્ત પૈસા માટે નોકરી નથી કરતી, એ પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકે, એને થોડીક આઝાદી મળે એ માટેની એની ઇચ્છા હોય છે. એમ્સ્ટરડમમાં ઈટાલિયન કૂક માર્સેલો જ્યારે રાનીને પોતાને ત્યાં આવી એનું મનગમતું ફૂડ બનાવવા માટે પૂછે છે ત્યારે રાનીને થોડી નવાઈ લાગે છે કે કોઈ એને સામેથી નોકરી આપે છે, અને એ જગ્યાએ એ સરસ ગોલગપ્પા બનાવીને પોતાની જાતને સાબિત કરે છે. એવી જગ્યા જ્યાં રસોઈ માટેની, સંગીતકાર તરીકેની કે ચિત્રકાર તરીકેની કારકિર્દી પણ હોઈ શકે છે એવું રાની શીખે છે. રાનીને કાર ચલાવતાં શીખવતી વખતે વિજય કહે છે કે એને ક્યારેય કાર નહીં આવડે. પરંતુ એ જ રાની પોતાની રીતે એમ્સ્ટરડમમાં ડ્રાઈવ કરે છે. એમ્સ્ટરડમમાં પહેલી રાતે રૂમની બહાર બેન્ચ પર રાની સૂતી હોય છે ત્યારે સપનામાં જુએ છે કે વિજય બસ કન્ડક્ટર છે અને એને કહે છે કે એ લોકોનો હોદ્દો અને દરજ્જો મેળ નથી થતો. ફિલ્મની શરૂઆતમાં વિજય આડકતરી રીતે લગ્ન રદ કરવા પાછળ એ જ કારણ આપે છે અને થોડા દિવસો પછી રાની પોતાના ઉચ્ચ વિચારોને કારણે વિજયથી ઘણી ચડિયાતી થઈ ગઈ છે. પેરિસમાં એક પુલ છે જ્યાં લોકો તાળાને બંધ કરી ચાવી દૂર ફેંકી દે છે. (કદાચ એ થોડા સમય પહેલાં ફ્રેન્ચ સરકારે બંધ કર્યુ છે.) લોકોનાં પોતાના વિવિધ નામ અને પ્રેમનાં સંદેશા લખેલા તાળા ત્યાં લટકેલાં છે, રાની પાસે કોઈ કારણ નથી એ પ્રકારનું કોઈ તાળુ લટકાવવા માટે, પણ એ પરાણે એ લોક કરે છે અને એની સાથે જાણે એની બધી જ ખરાબ યાદો કેદ કરીને ચાવી દૂર ફેંકી દે છે. 


રાની પોતે એકલા હનીમૂન પર જવા માટે પિતાની મંજૂરી માંગે છે એ સમયે ખચકાય છે, પરંતુ એ પછી એ દરેકને ખૂબ ગર્વથી કહે છે કે એ પોતાના હનીમૂન પર એકલી આવી છે. પેરિસમાં દારૂ પીધા પછી અજાણ્યા લોકો સાથેની વાત હોય કે એમનાં દૂરના સગા મિસ્ટર અને મિસિસ વર્માને ઘેર કહેવું હોય ત્યારે એમને કહેતી વખતે એને ગર્વ થાય છે કે એ પોતાના હનીમૂન પર એકલી આવી છે. વિજય એમ્સ્ટરડમમાં જ્યારે જાણે છે કે રાની હોસ્ટેલમાં છોકરાઓની સાથે રૂમમાં રહી છે ત્યારે વિજય એને સમાજનાં નિયમોથી ડરાવે છે, એ વખતે પણ રાની હિંમતભેર વિજયને કહી શકે છે કે વિજય પોતાની મમ્મીને એ વાત જણાવી શકે છે. રાની જ્યાં સુધી સગાઈની અંદર છે ત્યાં સુધી એક પણ વખત કોઈનું પણ અપમાન નથી કરતી, એટલે સુધી કે ઉપરનાં સીનમાં અને ફિલ્મનાં છેલ્લા સીનમાં પણ જ્યારે એ વિજયની માતાને મળવા જાય છે ત્યારે 'મમ્મીજી' જ સંબોધન કરે છે. રાની પેરિસમાં વિજયાલક્ષ્મીને કહે છે કે છોકરીઓ ખુલીને ઓડકાર ખાઈ શકતી નથી. છોકરીઓને બીજી ઘણી વાતોની મંજૂરી નથી. પરંતુ એ જ રાની થોડા સમય પછી પોતાની માતાને ગર્વથી કહી શકે છે કે એમ્સ્ટરડમમાં એ ત્રણ છોકરાઓ સાથે રહેલી અને એમની સાથે એની સારી દોસ્તી થઈ. રાનીની મા જ્યારે રાની વિજયને ઘેર છેલ્લે એકલી જાય છે ત્યારે કહે છે રાની એના નાના ભાઈને ચિંટુને લઈ ગઈ હોત તો વધારે સારુ રહેતું, રાની જ્યારે પેરિસ જતી હતી ત્યારે પણ એની મમ્મીએ એ જ વાત કહેલી, પણ ફિલ્મને અંતે રાનીના પિતા એને સમજી જાય છે અને રાનીની માતાને કહે છે કે એમની છોકરી અડધી દુનિયા પોતાની રીતે એકલા ફરીને આવી છે, હવે કોઈ જ ડર નથી. એ જ રાની ફિલ્મને અંતે પોતાની ફેસબુક ટાઈમલાઈન પર પણ પોતાનું સિંગલ સ્ટેટસ મૂકે છે. 


વિજય અને રાની એમ્સ્ટરડમમાં મળે છે ત્યારે અને રાની દિલ્હી આવ્યા બાદ વિજયનાં ઘેર જાય છે, એ બે સીન્સ રાનીની અંદર આવેલું પરિવર્તન સ્પષ્ટપણે દર્શાવે છે. એમ્સ્ટરડમમાં બે-ત્રણ દિવસ જ રહી હોવા છતાં પણ એ કેફેનાં વેઈટર સાથે એની ઓળખાણ થઈ ગઈ છે, વેઈટર એને ચા આપતી વખતે એનું નામ લઈને ચા આપે છે એ જ રીતે રાની પણ એનો આભાર માનતી વખતે એનું નામ લે છે. એ નાનામાં નાના માણસની સાથે પહેલેથી સારી રીતે વાત તો કરતી જ હતી, (જે ફિલ્મનાં એક સીનમાં લીંબુ પાણી પીતી વખતે પણ છે.) પરંતુ કદાચ આ રૂપક છે કે એ અજાણ્યા લોકો પર ભરોસો કરીને જિંદગી વિશે ઘણું શીખી છે, નાની વાતોમાં ખુશ રહેતા શીખી ગઈ છે. એ વિજયને પણ કહે છે કે એણે એફિલ ટાવર પણ જોયો, ભલે એ સાથે નહોતો તો પણ. વિજય એને રોક શોમાં ન જવા કહે છે ત્યારે રાની કહે છે કે રોક શો મહત્વનો નથી. પણ, એનાં મિત્રો મહત્વનાં છે જેમને એ છેલ્લી વખતે સરખી રીતે આવજો કહી શકી નથી અને એને જાણ પણ નથી કે હવે ક્યારે એમને મળશે. વિજયને છેલ્લે સગાઈની વીંટી પાછી આપતી વખતે એ કોઈ કડવી વાત નથી કહેતી પરંતુ વિજયનો આભાર માને છે કારણ કે રાનીની જિંદગી બદલાઈ ગઈ છે. એ પોતાની રીતે જીવનમાં ખુશ રહેતા શીખી ગઈ છે અને જિંદગી વિશે કેટલીક વાતો શીખીને ખુદ જિંદગીને પામી છે. 
ફિલ્મ વિશે મેં લખેલી બીજી પોસ્ટ્સ - 
ફિલ્મ વિશે જય વસાવડાની લખેલી પોસ્ટ - ફિલ્મ વિશે એક બ્લોગર મિત્ર પંકજની કેટલીક પોસ્ટ્સ -
Alice(s) in Wonderland

No comments:

Post a Comment