Tuesday, 7 March 2017

ક્વીન - યાદોની દીવાલ અને મહેંદી ખરવાની પ્રક્રિયા

ફિલ્મ સ્પોઈલર્સ ... 



રાની એમ્સ્ટરડમમાં જ્યાં રોકાઈ છે એ 'બેકપેકર્સ હોસ્ટેલ્સ'માં રૂમની દીવાલ પર જે લોકો અત્યાર સુધી ત્યાં રોકાયા છે એમણે પોતાની વિવિધ વસ્તુઓ ત્યાં દીવાલ પર લગાવી છે. રાની જ્યારે ઓલેકઝાન્ડરને પૂછે છે ત્યારે એ જવાબ આપે છે કે લોકો પોતાનાં દિલ કે આત્માનો કોઈ ટુકડો, એમને ખૂબ ગમતી કોઈ વસ્તુ અહીં છોડીને જાય છે. આ દીવાલ પર વિવિધ ગીતો અને મ્યુઝિક આલ્બમની કેસેટ્સનાં કટઆઉટ્સ અને પોસ્ટર્સની વચ્ચે અર્નેસ્ટો "ચે" ગુવારાનો ફોટો પણ છે, અને ચાર્લી ચેપ્લિનની 'મોડર્ન ટાઈમ્સ' અને સ્ટેનલી ક્યુબ્રિકની '2001 - અ સ્પેસ ઓડીસી' મૂવિઝનાં પોસ્ટર્સ પણ છે. એક રમકડાનું વિમાન પણ છે ત્યાં જે કંઈક જરૂર સૂચવે છે. ઓલેકઝાન્ડર એ દીવાલ પર પેઈન્ટ કરે છે ત્યારે રાની પૂછે છે અને એ જવાબ આપે છે કે એને જે વસ્તુ પર ગુસ્સો આવે છે એ વસ્તુ એ પેઈન્ટ કરે છે. ઓલેકઝાન્ડર આ દુનિયાની અંદર ખનીજતેલ માટે જે યુધ્ધો થઈ રહ્યા છે, એની વિરુધ્ધમાં છે, એ ત્યાં એ પ્રકારનું ચિત્ર બનાવે છે. 


'ચે' ગુવારાનું પોસ્ટર, 'મોડર્ન ટાઈમ્સ'નું પોસ્ટર,
'2001 - અ સ્પેસ ઓડીસી'નો ફોટો અને રમકડાનું વિમાન


રાની એમ્સ્ટરડમમાંથી જઈ રહી છે એ સવારે જાગે છે ત્યારે જુએ છે તાકા વોશ બેઝિન આગળથી પોતાની વસ્તુઓ લઈ રહ્યો છે અને ઓલેકઝાન્ડર દીવાલ સામે જોઈ રહ્યો છે, રાની એની પાસે આવે છે ત્યારે ઓલેકઝાન્ડર એણે મજાકમાં બનાવેલું રાની ગરોળીથી ડરી ગયેલી એ વખતનું પોટ્રેટ લગાવે છે, એ એની યાદ છે જ્યારે ચારેય અલગ અલગ દેશોની વ્યક્તિઓ એક જંતુથી ડરી જઈને સાબિત કરે છે બધા માણસ સમાન છે. ટિમ દ્વારા પહેલેથી જ ત્યાં પોતાની મ્યુઝિક સીડી 'પ્રેસ્ટિજ' ત્યાં લગાવાઈ છે, જે ફક્ત દેખાય છે, એને માટે કોઈ સીન નથી. તાકા ત્સુનામીમાં માર્યા ગયેલાં પોતાનાં માતા-પિતાની તસવીર ત્યાં લગાવે છે. રાની આ બધુ જોઈને પોતાનાં લગ્નની કંકોત્રી ત્યાં લગાવે છે, અને એ બધા પોતાની એ યાદો હમેંશ માટે ત્યાં મૂકી દે છે. તાકા પોતાના માતા-પિતાનાં મૃત્યુનો શોક હમેંશ માટે ન મનાવી શકે, એણે એ દુ:ખને જવા દેવું પડશે, એ જ રીતે રાની પોતાનાં ન થયેલાં લગ્ન કાયમ યાદ ન રાખી શકે, એણે પણ જિંદગીમાં આગળ વધવું પડશે. 





ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે ક્રેડિટ્સમાં ફિલ્મનું નામ રાનીનાં હાથમાં મહેંદી લાગી રહી છે એની બાજુમાં આવે છે. એ પછી પ્રત્યેક પળે એના હાથની મહેંદીનો રંગ ચઢે છે અને એ પછી ધીમે ધીમે ઓછો થાય છે, એ આખી મહેંદી ખરવાની પ્રક્રિયાની અંદર રાની ક્યાંક બદલાઈ જાય છે. વિજય લગ્ન રદ કરે છે ત્યારે કોફી ટેબલ પર રહેલા હાથમાં મહેંદીનો રંગ પૂરો ખીલ્યો નથી. રાની ગયા પછી ટેબલ પર સહેજ ખરી પડેલી મહેંદી વિજય સાફ કરી દે છે, જાણે એ પોતાની જિંદગીમાંથી રાનીની બાદબાકી કરી રહ્યો હોય. ધીમે ધીમે ચડતો અને ઓછો થતો મહેંદીનો રંગ પેરિસ અને એમ્સ્ટરડમમાં પ્રત્યેક પળે રાનીનાં હાથનાં ક્લોઝ અપ શોટમાં આબાદ ઝીલાયો છે! ઈટાલિયન કૂક માર્સેલો જ્યારે રાની ગોલગપ્પા બનાવે છે, ત્યારે એપ્રન પહેરવા આપે છે, એ વખતે રાનીનાં હાથની મહેંદીનો રંગ સાવ જ ઝાંખો થઈ ગયો છે. હાથમાં મહેંદીની ડિઝાઈનની અંદર કોતરાવેલું વિજયનું નામ પણ હવે રહ્યુ નથી, એ સાથે જ રાનીની જિંદગીમાં પણ હવે વિજય માટે કોઈ જ જગ્યા નથી! 






ફિલ્મ વિશેની મારી પોસ્ટ -

No comments:

Post a Comment