Tuesday 7 March 2017

ક્વીન - મિઠાઈ, ગોલગપ્પા અને જિંદગીનો સ્વાદ

ફિલ્મ સ્પોઈલર્સ ...


'ક્વીન'માં એક સીન છે જ્યારે રાની અને વિજયની પહેલી વખત મુલાકાત થાય છે, વિજયની મા રાનીને કહે છે કે એ કેટલી સ્વીટ છે! એ રાનીની સરખામણી મિઠાઈ સાથે કરે છે અને તરત પછી પોતાના પુત્રને કહે છે કે, તુ મિઠાઈ ખા, અમે ગોલગપ્પા ખાઈએ. (ફિલ્મની અંદર પાછળથી ગોલગપ્પા વિશે પણ ઉલ્લેખ છે.) એ એક વાક્યમાં વિજયની મા છૂપી રીતે કહેવા માંગે છે કે એનો દીકરો વિજય રાનીની મિઠાઈ ચાખવાને બહાને એની સાથે થોડી વાત કરે. વિજય પણ રાની સાથે વાત કરતી વખતે કહે છે કે રાની પૂરી ચાસણીમાં બોળેલી હોય એવી છે. વિજયની રાની સાથે મુલાકાતો વધે છે એ વખતે પણ વિજય લાઈબ્રેરીમાં રાનીને સ્વીટ કહે છે. લગ્ન રદ થયાં પછી રાનીએ જે રૂમમાં પોતાની જાતને બંધ કરી છે, એની અંદર એ મિઠાઈનો લાડુ ખાય છે, જાણે પોતાની સાથે થયેલી કડવી ઘટનાને ગળપણથી ભરી દેવી હોય... 




રાની એમ્સ્ટરડમમાં જ્યારે તાકાને કહે છે કે ક્યારેક એ પોતાના માતા-પિતા સાથે દિવસમાં દસ વખત વાત કરે છે ત્યારે તાકા પણ એને સ્વીટ કહે છે. રાની ઈટાલિયન કૂક માર્સેલોને મળે છે એ વખતે માર્સેલો એને ફૂડ પીરસ્યા પછી જતો રહે છે, રાનીને ઈટાલિયન ફૂડ ફીક્કુ લાગે છે ત્યારે એ મસાલો નાખવા લાગે છે, ત્યારે માર્સેલો પાછો આવીને એને પૂછે છે કે એને કંઈક બીજુ જોઈએ છે, ત્યારે રાની જવાબ આપે છે સૉસ. એ પછી પણ રાની કહે છે કે લસણ, આદુ, સૂકા મરચા અને લીંબુ. રાનીને એ ફીક્કા ખોરાકની અંદર મીઠું નાખવું છે અને એની ઉપર લીંબુ પણ નીચોવવું છે. માર્સેલો એને કહે છે કે ઈટાલિયન ફૂડમાં મસાલા હોતા નથી, રાની ખુદ પણ એ વાત જાણે છે, કારણ કે એ 'હોમ સાયન્સ' ભણી છે. જ્યારે માર્સેલો પૂછે છે કે ઈન્ડિયન ફૂડમાં કેમ એટલો મસાલો હોય છે ત્યારે રાની જવાબ આપે છે સ્વાદ વધારે સારો આવે છે. પછીથી એ જ માર્સેલો રાનીને પ્રેરણા આપે છે કે રાનીએ એનાં સ્વાદ પ્રમાણેનો ખોરાક બનાવીને લોકો સુધી પહોંચાડવો જોઈએ. ત્યારે રાની પોતે 'ગોલગપ્પા' બનાવે છે, એક ગ્રાહકને એ ખૂબ તીખું લાગે છે પરંતુ થોડીવાર પછી એ ગ્રાહક ફરીથી આવે છે અને કહે છે કે એ એક વધારે ચાખશે, કારણ કે થોડા સમય પછી એ ગોલગપ્પાનો સ્વાદ વધારે સારો આવ્યો... 






જાણે આ બધા સીનમાં વિકાસ બહલ જિંદગી માટે રૂપક આપતા હોય કે જિંદગી પણ પહેલાં તીખી લાગશે પછી સ્વાદિષ્ટ લાગશે. ક્યારેક મોળી લાગશે, ક્યારેક ફીક્કી... રાનીનાં મસાલા નાખવા માટેનાં રૂપકમાં કદાચ એમ સૂચવાયું છે કે જિંદગી મોળી કે ફીક્કી લાગે તો સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલો નાખવો! એ મસાલો છે જિંદગીમાં જે નાની વસ્તુઓ ગમે છે એને માણીને જિંદગીને આનંદથી અને મોજથી જીવવી. માર્સેલો પણ રાનીનાં ગોલગપ્પા ચાખ્યા પછી એ જ કહે છે કે, તીખું પણ સ્વાદિષ્ટ! આ બધી નાની નાની રસપ્રદ વાતો આ ફિલ્મને સુંદર બનાવે છે... અને જિંદગી ખૂબ મીઠી હોય તો પણ પચતી નથી. જે રીતે એટલી સ્વીટ રાની પણ વિજયને લંડન ગયા પછી નાપસંદ પડેલી, એ જ રાની જ્યારે થોડી બદલાય છે ત્યારે વિજય ફરી એનો પીછો કરવા લાગે છે. સ્વાદિષ્ટ રસોઈમાં પણ કોઈ એક જ સ્વાદ સ્વાદિષ્ટ ન હોઈ શકે, દરેકને અલગ સ્વાદ પસંદ આવે છે. જિંદગીમાં પણ બધા જ સ્વાદ હોય તો જ જિંદગી સ્વાદિષ્ટ લાગે છે, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ, ક્યારેક ખુશી, ક્યારેક ઉદાસી, કયારેક નાપસંદગી, ક્યારેક સફળતા અને ક્યારેક નિષ્ફળતા અને બીજા કેટલાક સ્વાદ... તમારી જિંદગીનો સ્વાદ કેવો બનાવવો એ તમારા હાથમાં છે!





ફિલ્મ વિશે મારી પોસ્ટ - 
ક્વીન (૨૦૧૪) - જિંદગી જડી જવાની પ્રક્રિયા

No comments:

Post a Comment