વિકાસ બહલની 'ક્વીન' ઘણી બધી રીતે રૂપકોથી ભરપૂર ખૂબ સુંદર અને અર્થપૂર્ણ ફિલ્મ છે. ફિલ્મનાં ગીતો પણ મહત્વપૂર્ણ રીતે એમાં ભાગ ભજવે છે... અન્વિતા દત્ત દ્વારા લખાયેલાં ખૂબ જ અર્થપૂર્ણ શબ્દોની સાથે સાથે બધા ગીતોની સિનેમટોગ્રાફી અને સંગીત એકદમ મજેદાર છે...
રાનીનાં લગ્નની સંગીત વિધિમાં ફિલ્મનું સૌથી પહેલું ગીત આવે છે - લંડન ઠુમકદા. આ એક એવું ગીત છે જેની પર ફક્ત ઝૂમવાનું મન થાય છે, એટલે મારુ ધ્યાન ક્યારેય આ ગીતનાં શબ્દો પર ના પડ્યું. હમણાં સબટાઈટલ્સ સાથે ફિલ્મ જોઈ ત્યારે અમુક વસ્તુઓ ખ્યાલ આવી. ફિલ્મનાં અમુક શબ્દો સાથે લંડન ઠુમકદા એટલા માટે છે કારણ કે રાનીનાં લગ્ન વિજય સાથે થઈ રહ્યા છે અને વિજય થોડા સમયથી લંડનમાં રહે છે. લંડનનાં ટ્રાફાલ્ગર સ્ક્વેરથી માંડીને વિદેશી મેમ અને પંજાબીઓની લસ્સીથી માંડી પંજાબી સ્ટાઈલમાં લંડન ઠુમકાનું કેટલું સરસ જોડાણ અને ગોઠવણી! આ ગીતની અંદર લોકોનાં ચહેરા પરનો મલકાટ જોઈને મને થાય છે એ મલકાટ એમના ચહેરા પર હમેંશા રહે.
પરંતુ ચહેરા પરનો મલકાટ થોડા સમય પછી જતો રહે છે જ્યારે રાનીનાં લગ્ન રદ જાહેર થાય છે. દાદી અને માતા-પિતા જેમનાં ચહેરા પર ખુશી સમાતી નહોતી, એ ક્યાંક ખોવાઈ જાય છે. જાણે એ પળ આપણને જિંદગી વિશે કહેતી હોય કે ક્યારે શું થશે એ નક્કી નથી! 'રાંઝા' ગીત રાનીનો પ્રેમ છિનવાઈ જવાનાં રૂપક તરીકે છે, આ ગીતનાં પંજાબી શબ્દોનો મેં ઝાઝો અર્થ શોધવાનો પ્રયત્ન નથી કર્યો, પણ, એટલી જાણ છે કે એ પળની અંદર બધા પોતાની રીતે સુકૂન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે સુકૂન એ પળની અંદર દૂર દૂર સુધી એમની માટે ક્યાંય નથી. એ એક પળમાં રાનીની જિંદગી બદલાઈ ગઈ.
'હરજાઇયાં' ગીત રાનીની વિજય માટેની યાદો અને પોતાનો પ્રેમ ખોવાયાનાં અફસોસ માટે છે. રાની પોતાના હનીમૂન પર એકલી જવા તૈયાર થઈ છે, પણ પ્લેન ટેક ઓફ કરે છે ત્યારે પણ વિજયની સાથેની પળો એનો પીછો નથી છોડતી, અને એ અફસોસ કરે છે કે જો એનો પ્રેમ ખોવાઈ જવાનો હતો તો એને મળ્યો જ શું કામ? રાની પોતાની જાતને ફોસલાવીને સમજાવાનો પ્રયત્ન કરી રહી છે. ગીતનાં શબ્દો આ બધા અર્થ સૂચવે છે. પેરિસની હોટેલમાં જ્યારે એ સ્યૂટકેસ ચડાવી શકતી નથી ત્યારે પણ આ ગીતની અંદર શબ્દો છે કે એનો ખભો એ ભારે બોજને ઉઠાવી નથી શકતો, એ સ્યૂટકેસ અને વિજયની યાદો પણ!
'બદરા બહાર' ગીત રાનીનાં બચપણની યાદો માટે છે. રાની પેરિસની ગલીઓમાં એકલી ફરવા નીકળી છે અને ખૂબ એકલતા અનુભવે છે. આ ગીતની અંદર વાદળ દ્વારા સંદેશો પહોંચાડવા માટેની સુંદર વાત છે! આ ગીતમાં રાની પિયરમાં કેવી રીતે ઉછરી છે એ વિશે પણ ઉલ્લેખ છે. દરેક માતા-પિતા માટે પોતાની દીકરી લાડકી હોય છે. પેરિસનાં પુલ પર તાળુ મારીને ચાવી દૂર ફેંકતી વખતે શબ્દો છે કે કોઈ એને કહે કે બચપણમાં સાંભળેલી એ પરીઓની વાતો કેટલી ખોટી હતી!
પેરિસમાં વિજયાલક્ષ્મીને મળ્યા પછી રાનીને થોડી રાહત થાય છે, એ પોતાના દિલની અંદરની વાત કોઈને કહી શકી છે. ડિસ્કોની બહાર વાત કરતી વખતે રાનીને જ્યારે બોલીવુડ ટ્યૂન સંભળાય છે, ત્યારે એ ખુશ થઈ જાય છે અને મન ભરીને નાચે છે એ વખતે ગીત છે 'હંગામા હો ગયા', જેને રિમિક્સ કરવામાં આવ્યું છે. { ઓરિજનલ ગીત ફિલ્મ- અનહોની (૧૯૭૩) } આ ગીતની અંદર દુનિયાના નિયમોની સામે બંડ પોકારવામાં આવ્યો છે કે જ્યારે એક છોકરીએ દારૂ ચાખ્યો તો દુનિયા અને સમાજ માટે ખૂબ મોટી વાત થઈ ગઈ! અરિજિત સિંઘ દ્વારા ગવાયેલા વધારાના શબ્દો જે ઓરિજનલ ગીતમાં નથી એ પણ ખૂબ જ સુંદર છે...
'તાકે ઝાકે' ગીત ફિલ્મમાં જ્યારે આવે છે ત્યારે લાગે છે જાણે સમગ્ર પેરિસ શહેર જીવંત થઈ ગયું છે! રાની વિજયાલક્ષ્મીની સાથે સાથે થોડી ખુશ રહેતી થઈ છે. તડકો વાદળોની સાથે લડીને ખુશી લાવ્યો છે એવી પણ આ ગીતની એક પંક્તિ છે! જરા દિલ ખોલીને હસી લેવા માટે આ ગીત છે કે ખુશી સામે આવીને ઊભી છે, આ પળમાં જ જીવન છે! આ ગીત મને ખૂબ ગમે છે!
એ જ રીતે 'ઓ ગુજરિયા' ગીતમાં પણ રાનીની સાથે સાથે એમ્સ્ટરડમ જીવંત થાય છે. પોતાના ઘરે પત્તા રમતી વખતે જીતતી રાની કસિનોમાં પણ જીતે છે અને શહેરમાં ફરતી વખતે નવા મિત્રો તાકા, ઓલેકઝાન્ડર અને ટિમ સાથે ભરપૂર ખુશી મહેસૂસ કરે છે અને પ્રત્યેક પળને માણે છે. 'જુગની' ગીત ઘણી બધી રીતે રૂપક છે. રાની પોતે સ્વતંત્ર થવાની સાથે પગભર પણ થઈ રહી છે, એટલાં માટે ગીતનાં શબ્દો છે કે એને પાંખો ફૂટી છે માટે પિંજરુ ખોલી દેવામાં આવે! એમ્સ્ટરડમમાં માર્સેલોની પ્રેરણાથી રાની 'ગોલગપ્પા' બનાવી રહી છે, એ પળ જેની રાની કેટલા સમયથી રાહ જોતી હતી એ સવાર ઊગી છે એવું ગીતનાં શબ્દો દ્વારા કહેવાયું છે. 'કિનારે' ગીત પોતાની રીતે જિંદગી જીવવાની શીખ આપે છે, કોઈ તમને થોડી મદદ કરી શકે છે, એ કામ કરવાનું તો તમારે જ છે! પોતાની જિંદગી માટે લીધેલા નિર્ણયો સાથે કોઈ સહમત ન થાય તો પણ એ નિર્ણયો ખોટા હોય એવું નથી હોતું. રાની પોતાના મિત્રો સાથે 'રોક શો'માં છે એટલે આ ગીતને રોક મ્યુઝિક પણ અપાયું છે. એક પળમાં રાની એનાં મિત્રોથી છૂટા પડતી વખતે થોડી ઉદાસ થાય છે, પણ ફરી પાછી એ પોતાની મસ્તીમાં ઝૂમવા લાગે છે...
( અને છેલ્લે 'કિનારે' ગીતનાં ગાયક મોહન કાનન દ્વારા ગવાયેલાં થોડા ગીતો સૂચવું છું, જો કોઈને ઇચ્છા થાય તો સાંભળી શકે...
૧. ગીત - નાવ : ફિલ્મ - ઉડાન
૨. ગીત - શિકાયતે : ફિલ્મ - લૂટેરા
૩. ગીત - એક નદી થી : ફિલ્મ - મિર્ઝ્યા
૪. ગીત - ચાંદનિયા : ફિલ્મ - 2 સ્ટેટ્સ )
No comments:
Post a Comment