Wednesday, 8 March 2017

શશિ, ચંદા અને રાની - જિંદગીને વધારે સારી બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત

શશિ - શ્રીદેવી - ઈંગ્લિશ વિંગ્લિશ
ચંદા - સ્વરા ભાસ્કર - નીલ બટ્ટે સન્નાટા
રાની - કંગના રણૌત - ક્વીન


આ પોસ્ટ એ બધા લોકો માટે જેમને લાગે છે કે એમની જિંદગીમાં કોઈ સારી વાત નથી થઈ રહી, કોઈ ફેરફાર નથી આવી રહ્યો, તો જરૂરથી આ વાંચો, તમે દરેક ખાસ છો ...

************************************

આશરે બે મહિના પહેલા કોલેજનાં દોસ્ત ઋતુરાજને મળેલો. અમારી સિનેમા, સંગીત અને બીજા વિષયો પરની વાતો ચાલુ હતી અને અચાનક એણે મને કહ્યુ કે હું આ ત્રણ પાત્રો વિશે લખું. એ મારી બધી બ્લોગ પોસ્ટ નિયમિત વાંચે. મેં એની વાત પર ઘણો વિચાર કર્યો. અમુક વસ્તુઓ ત્રણ પાત્રોની અંદર સામાન્ય હતી. પણ, ઓફિસ અને બીજી વસ્તુઓની વચ્ચે આ પોસ્ટ લખવાની રહી જ જતી હતી.

ઋતુરાજનાં શબ્દોમાં ચોક્કસ રીતે કહુ તો એણે કંઈક આમ કહેલ એ દિવસે, "દેશ માટે કંઈક મોટુ કામ કરવું એ સારી બાબત છે, જેમ કે નીરજા ભનોટ અથવા ગીતા અને બબિતા ફોગટ. એ ખૂબ જ ગૌરવની બાબત છે. એ ખૂબ જ ખાસ છે, પણ જવલ્લે છે, ખૂબ ઓછા અંશે છે. પણ, આ ત્રણ પાત્રો આપણી આસપાસ છે. એમણે કંઈક ખૂબ મોટુ નથી કર્યુ, પણ કંઈક એ કર્યુ છે જેનાથી એમની જિંદગી થોડી વધારે સારી થઈ, એમની પોતાની ઓળખ વધારે મજબૂત થઈ. જિંદગીમાં ખૂબ મોટુ કરવાની જરૂર નથી, પોતાને માટે કંઈક સારુ કરવું એ પણ ખૂબ મોટી વસ્તુ છે. તુ આ ત્રણ વિશે કંઈક જરૂર લખજે." તો, ઋતુરાજ અહીં હું લખી રહ્યો છું. 

ગૌરી શિંદેની 'ઈંગ્લિશ વિંગ્લિશ' ; અશ્વિની ઐયર તિવારીની 'નીલ બટ્ટે સન્નાટા' અને વિકાસ બહલની 'કવીન' આ ત્રણેય ફિલ્મોનાં પાત્રો અનુક્રમે શશિ (શ્રીદેવી) ; ચંદા (સ્વરા ભાસ્કર) અને રાની (કંગના રણૌત) આપણને જીવન વધારે સારુ બનાવવા માટે પ્રેરણા આપે છે. ત્રણેય પાત્રો માટે ત્રણેય અભિનેત્રીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ નામના મળી, કારણ કે એમનો અભિનય જાનદાર છે. 

 ફિલ્મોની અંદર અમુક વસ્તુઓ સમાન છે. અમુક વસ્તુઓ આ ત્રણમાંથી કોઈ બે ફિલ્મોની અંદર સમાન છે, તો ત્રીજી ફિલ્મમાં નથી. ત્રણેય પાત્રોની મનની અંદરની અમુક સ્થિતિ, ફિલ્મોની અંદર અમુક સમાનતા અને જિંદગીને વધારે સારી બનાવવા વિશેની પ્રેરણા વિશે આ પોસ્ટ ...

************************************


ફિલ્મ સ્પોઈલર્સ - 
ઈંગ્લિશ વિંગ્લિશ
નીલ બટ્ટે સન્નાટા
ક્વીન

શશિ અંગ્રેજી સરખું ન આવડવાને કારણે રોજબરોજની જિંદગીમાં તકલીફ અને અપમાન સહન કરે છે. ચંદા એની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે રોજબરોજ વિવિધ કામ કરી ગુજરાન ચલાવે છે. રાની લગ્નનાં એક દિવસ પહેલાં તરછોડાય છે. આ ત્રણ પાત્રો રડે છે, દુ:ખ અનુભવે છે, અપમાન, અસ્વીકાર સહન કરે છે, પણ થાકી હારીને રડીને બેસી જતાં નથી. એ લોકો પરિસ્થિતિનો સામનો કરે છે અને જીત મેળવે છે. શશિ અંગ્રેજી શીખે છે, દરેક પળે કંઈક ને કંઈક વધારે સારુ, અને અંતે પોતાની ભાણી મીરાનાં લગ્નમાં બધા મહેમાનોની વચ્ચે લગ્નમાં એકબીજાનો સાથ નિભાવવા વિશે ખૂબ સુંદર વાતો અંગ્રેજીમાં કહે છે. ચંદા ગમે તેટલી મુશ્કેલીઓ વેઠીને એની દીકરી અપેક્ષાને આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરાવે છે. રાની પોતાની રીતે એકલા હનીમૂન પર જઈ જિંદગી જીવવાનો બોધપાઠ શીખે છે. 

ત્રણેય ફિલ્મોની અંદર એક સમયે ત્રણ પાત્રો રસ્તા પર ચાલતી વખતે રસ્તા પર ચાલતી ગાડીથી ભય પામે છે. રાની પેરિસમાં એકલા રસ્તો પાર કરતાં ડરે છે, શશિ એક સમયે રસ્તા પરની ગાડીથી ડરે છે. ચંદા લગભગ ગાડીની સામે આવી જાય છે પરંતુ અકસ્માતથી બચે છે. આ ત્રણ વસ્તુ એમને જે મેળવવું છે એની અંદર આવતી મુશ્કેલીઓ દર્શાવે છે, રસ્તામાં આવતી અડચણો. રાની અને ચંદા પહેલી વખત એકલા મુસાફરી કરે છે અને એ પણ બીજા દેશ સુધી. રાની જ્યારે વિમાન ધરતી પરથી ઊંચે ઉડે છે ત્યારે ગભરાય છે અને સીટ પરથી ઊભી થઈ જાય છે. એ વિમાનની અંદર ઊંઘમાં પણ ઝબકીને જાગી જાય છે. શશિને પણ ડર છે કે એ કેવી રીતે એકલા મુસાફરી કરી શકશે. વિમાનની અંદર તરસ લાગે છે ત્યારે એર હોસ્ટેસ પાસે પાણી માગતી વખતે પણ શશિને સંકોચ થાય છે. 


રસ્તામાં આવતી અડચણો
અને
દિલની અંદરનો ખચકાટ


ત્રણેય પાત્રો કંઈક શીખે છે. શશિ અંગ્રેજી શીખે છે, દરેક પળમાં શશિ વધારે સારુ અંગ્રેજી શીખવા પ્રયત્નો કરે છે, ક્લાસની અંદર શીખવાડવામાં આવતી દરેક વસ્તુ ધ્યાનથી શીખે છે, શશિ પોતાની ભાણી રાધા પાસેથી વિવિધ અંગ્રેજી ફિલ્મોની ડીવીડી મેળવે છે અને સબટાઇટલ્સ સાથે જુએ છે અને શીખે છે, એટલે સુધી કે ક્લાસનાં લોકો સાથે એ ફિલ્મ જોવા જાય છે 'ધ લાસ્ટ ટાઇમ આઇ સો પેરિસ'; અને ફિલ્મ પૂરી થયાં પછી જ્યારે પૂછાય છે કે ફિલ્મ કેવી હતી તો પણ એ જવાબ આપે છે કે અંગ્રેજીની સારી પ્રેક્ટિસ થઇ શકી! શશિ શરૂઆતમાં અંગ્રેજી ક્લાસ માટે જતી વખતે ન્યૂ યોર્કની વિવિધ શેરીઓ અને ઇમારતો વચ્ચે ગૂંચવાય છે, સ્ટેશન પર વેન્ડિંગ મશીનમાં ટિકિટ નાખતી વખતે ભૂલ કરે છે. પહેલી વખત કેફેમાં ઓર્ડર આપતી વખતે અપમાનિત થાય છે. પરંતુ થોડા સમય પછી ન્યૂ યોર્કનાં વિવિધ રસ્તાઓ પર શશિ એકલી ફરે છે, ટિકિટ વેન્ડિંગ મશીન ઓપરેટ કરતાં એને ફાવી જાય છે, અને અજાણતાં જ જ્યારે એનો મૂડ સારો નથી એ વખતે કેફેમાં અંગ્રેજી ભાષામાં સાચો ઓર્ડર આપે છે. ચંદા પોતાની દીકરીને ગણિત શીખવાડવા માટે પોતે ફરીથી શાળામાં જઈને ગણિત શીખવાનું નક્કી કરે છે. શાળામાં અમરની મદદથી ગણિતને રોજબરોજની જિંદગી સાથે જોડીને ચંદા ગણિતનાં સૂત્રો યાદ રાખતાં શીખે છે. કલેક્ટરની ગાડી સામે ભૂલથી આવી જાય છે એ વખતે એને ખ્યાલ આવે છે કે કલેક્ટરને કેટલું માન મળતું હોય છે, એ વાત ચંદા એ વખતે સમજે છે. રાની પણ એકલાં ફરતા શીખે છે, જિંદગીમાં એની સાથે થયેલી ઘટનાને ભૂલવા પ્રયત્નો કરી ખુશી શોધે છે. પેરિસની હોટેલમાં રોકાય છે ત્યારે રૂમમાં એની સ્યૂટકેસ લઈ જતી વખતે રાનીને તકલીફ પડે છે, પરંતુ એમ્સ્ટરડમ જતી વખતે એ વિજયાલક્ષ્મીએ આપેલ 'બેકપેક' ભરાવતાં શીખી જાય છે, વધારે આરામદાયક રીતે. રાની પોતાની સાથે થયેલ ખરાબ ઘટનાને 'લેટ ગો' કરે છે. છેલ્લે વિજયને એમની સગાઇની વીંટી પાછી આપતી વખતે એ વિજયને કોઈ ખરાબ વાત નથી કહેતી, પરંતુ એ વિજયનો આભાર માને છે. રાની શીખે છે કે જે થવાનું હતું એ જ થયું છે અને પોતાની જિંદગી સાથે સેટ થતાં શીખી જાય છે.  


શશિની અંગ્રેજી શીખવાની પ્રક્રિયા અને ન્યૂ યોર્કમાં એડજસ્ટમેન્ટ


ચંદાની ગણિત શીખવાની પ્રક્રિયા
રાનીની સ્યૂટકેસ પેરિસ અને એમ્સ્ટરડમ જતી વખતે


શશિ મોટાભાગનાં બીજા લોકોની જેમ એમ નથી વિચારતી કે હવે એ ઉંમરે અંગ્રેજી શીખીને એ શું કરશે, ચંદા એટલી ઉંમરે શાળામાં પોતાનું નામ નોંધાવતી વખતે પહેલાં થોડી ખચકાય છે, કારણ કે શશિની સરખામણીમાં ચંદા નવી ઢબ સાથે ટેવાઇ નથી, પણ ચંદા એની દીકરીનાં આચાર્યને કહે છે કે એ શીખશે તો એ પોતે એની દીકરીને પણ ગણિત શીખવાડી શકશે. શાળામાં શરૂઆતમાં વિદ્યાર્થીઓ ચંદાની મજાક કરે છે પણ એ હિંમત હારતી નથી. રાની પણ એમ નથી વિચારતી કે એકલાં હનીમૂન પર જઈને એ શું કરશે, એને ફરવું છે, પોતાની સાથે થયેલ ઘટનાને ભૂલવી છે. 


નવી ઢબ સાથે ટેવ પાડવી
શશિની દીકરીનું નામ સપના છે, ચંદાની દીકરીનું નામ છે અપેક્ષા. સપના અને અપેક્ષા બંને શરૂઆતમાં એમની મા સામે ગમે તે રીતે વાત કરે છે, એમનું માન નથી જાળવતી. સપના શશિનાં અંગ્રેજી ન આવડવા બાબતે અને એના ઉચ્ચાઓની મજાક કરે છે. અપેક્ષા હમેંશા ચંદાને એમની ગરીબાઇ પર કોસે છે, અને એની માને કહે છે કે જો એ પાસ થશે તો પણ આગળ ભણાવવાની એની લાયકાત નથી. અપેક્ષા અને સપના બંને પોતાની મા પર શરમ અનુભવે છે. ચંદા એની દીકરીનાં નામ પ્રમાણે એની પાસે આશા રાખે છે કે એ જીવનમાં કંઈક કરે. શશિ જ્યારે લગ્નમાં બધા મહેમાનોની વચ્ચે અંગ્રેજીમાં બોલે છે ત્યારે સપના પોતાની માતા સાથે ખરાબ વર્તન બદલ પસ્તાય છે અને પોતાની મા પર ગૌરવ અનુભવે છે. અપેક્ષા ચંદાની મહેનત જોઈ પૂરા ક્લાસની વચ્ચે એની મહેનત વિશે કહે છે અને એ ક્લાસની વચ્ચે સ્વીકારે છે કે ચંદા એટલા માટે આટલું કરે છે કારણ કે એ પોતાની દીકરીને આગળ વધતી જોવા ઇચ્છે છે, આડકતરી રીતે એ ક્લાસની સામે અપેક્ષા ચંદા પોતાની મા છે એમ સ્વીકારે છે. ચંદા ફિલ્મને અંતે પોતાની દીકરી અપેક્ષાને પોતાનાં સપનાઓ વિશે સુંદર વાત કરે છે. રસપ્રદ વાત એ છે કે ચંદા અને શશિ બંને નામનો અર્થ પણ ચંદ્ર થાય છે. રાત્રિનાં અંધકારમાં ચંદ્ર રોશની આપે છે, શશિ અને ચંદા બીજા લોકો માટે પ્રેરણા બને છે, એટલે સુધી કે ચંદા ફિલ્મનાં અંતે ધોરણ ૧૦માં ભણતાં ગરીબ બાળકોને મફતમાં ગણિતનું ટ્યુશન આપે છે.  


દીકરીઓ અપેક્ષા અને સપનાનું પોતાની માતાનું કરાતું અપમાન
છેલ્લે માની પ્રશંસા કરી પોતાની મા ઉપર ગૌરવ અનુભવવો
માતાને ગળે લગાડવીત્રણેય પાત્રો એક સમયે અરીસાની સામે હોય છે, જાણે અરીસામાં જોઈને પોતાની અંદર ઝાંખી પોતાની જાતને ઓળખવાની પ્રક્રિયા કરતાં હોય! 'ધાક ધુક' ગીતની અંદર શશિનો પતિ સતીષ સાથે ઓફિસમાં કામ કરતી સ્ત્રી સહકર્મચારીને ગળે મળે છે, ત્યારે ઘેર જઈને શશિ પણ અરીસામાં પોતાનાં વાળ ખુલ્લા મૂકીને પોતાની જાતને જુએ છે. 'ગુસ્તાખ દિલ' ગીતની અંદર ફરી શશિ અરીસાની સામે હોય છે. ચંદા પોતાની દીકરી અપેક્ષાનાં વ્યવહારને લીધે શાળાએ જવાનું બંધ કરે છે એ વખતે અરીસાની સામે જુએ છે. રાની પોતાનાં લગ્નનું પાનેતર ખભે રાખીને અરીસામાં જુએ છે, રાનીનાં એક હાથમાં પાસપોર્ટ છે અને એને અહેસાસ થાય છે કે પેરિસ અને એમ્સ્ટરડમ જવું એનું સપનું છે, એ પછી એ પિતાને વાત કરે છે એકલા હનીમૂન પર જવા માટે. રસપ્રદ વાત એ છે કે ત્રણેય પાત્રો પ્રેમ નથી શોધતાં, શશિ તો એ કહે પણ છે કે એને પ્રેમની નહીં પણ સન્માનની જરૂર છે. ચંદા સિંગલ મધર છે, એ પોતાના પતિનો ઉલ્લેખ બે-ત્રણ વખત કરે છે. પણ, ફિલ્મની અંદર એના પતિ વિશે કોઈ જ ઉલ્લેખ નથી. રાની શરૂઆતમાં વિજયનો પ્રેમ છિનવાઈ ગયાનું મહેસૂસ કરે છે, પણ એ એમ્સ્ટરડમમાં પ્રેમ નથી શોધતી. બીજી એક સમાનતા મને મળેલી કે જ્યારે ચંદા સરકારી ગાડીમાં અને રાની પેરિસમાં ટેક્સીમાં સુકૂન મહેસૂસ કરે છે. ચંદા પોતે સરકારી ગાડીમાં બેસી પોતાની જાત વિશે સારુ મહેસૂસ કરી ખૂબ ખુશ થાય છે. રાની ખુલ્લા હાથ કરી ટેક્સીની અંદર પોતાની આઝાદી મેળવે છે. શશિ પોતાના પતિ સતીષને પોતાના અંગ્રેજી ટ્યુશનનાં મિત્રોની ઓળખાણ ગર્વભેર કરાવે છે, એ જ રીતે એમ્સ્ટરડમમાં રાની વિજયની સામે હિંમતભેર તાકા, ઓલેકઝાન્ડર અને ટિમને પોતાના મિત્રો કહે છે. જેમ જેમ લખું છું તેમ તેમ ઘણી બધી સરખામણીઓ મળે છે, પણ અમુક વસ્તુઓ હાલ નથી લખતો, એ ફરી ક્યારેક લખીશ. પણ, મુખ્ય ધ્યેય ફક્ત એક જ છે પોતે જે સ્થિતિમાં છીએ, એમાંથી થોડી વધારે સારી સ્થિતિ તરફ જઈ જિંદગીને વધારે સારી બનાવી હિંમતભેર, ગૌરવથી પોતાની જિંદગીની દરેક પળનો આનંદ માણવો... આ બધી વાતો શીખવાડવા માટે ત્રણ ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભાર. ગૌરી શિંદે અને અશ્વિની ઐયર તિવારી બંનેએ પોતાની ફિલ્મો 'ઈંગ્લિશ વિંગ્લિશ' અને 'નીલ બટ્ટે સન્નાટા' માતાને સમર્પિત કરી છે, અને વિકાસ બહલ દ્વારા ફિલ્મ 'ક્વીન' સમર્પિત કરવામાં આવી છે એમનાં સ્વર્ગસ્થ સિનેમટોગ્રાફર બોબી સિંઘને, જેઓ 'ક્વીન' ફિલ્મનું થોડું જ શૂટિંગ બાકી હતું ત્યારે મૃત્યુ પામેલ... 


અરીસામાં પોતાની અંદર ઝાંખવાની પ્રક્રિયાપ્રેમ ન શોધવો
ટેક્સીમાં સુકૂન શોધવું
પોતાના મિત્રોની ગર્વભેર ઓળખાણ કરાવવી

ત્રણેય ફિલ્મોનાં નામની ક્રેડિટ્સની સાથે જેમને સમર્પિત છે તે


અને છેલ્લે ... 
ખૂબ ખૂબ આભાર
ઋતુરાજ

No comments:

Post a Comment