Tuesday 14 March 2017

અનુસંધાન - ધીરુબહેન પટેલ



જિંદગીમાં ક્યારેક અફસોસ રહી જાય છે, કેટલાંક કહેલા શબ્દોનો, કેટલીક ઘટનાઓનો, કેટલીક યાદોનો જે પીછો જ નથી છોડતી... ક્યારેક નાની નાની સુખની પળો યાદ આવ્યા કરે છે, પરંતુ હાલ સામે છે માત્ર રોજેરોજ જીવાતો વર્તમાનકાળ, જેને ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથે કોઈ જ સંબંધ નથી. કેટલીક ઘટનાઓ લાંબા સમય પછી યાદ આવે ત્યારે એમ લાગે છે જાણે અંતર રહી ગયું છે, સમય અને સંબંધ બંને વસ્તુઓ સાથે... ઢળતી ઉંમરે દરેક માણસની જેમ આ નવલિકાનું મુખ્ય પાત્ર શ્રીધર પણ સુખેથી મરવાની ઇચ્છા ધરાવે છે, એ વિચાર આવ્યા પછી શ્રીધર પ્રયત્નો આરંભે છે એ માણસો સાથે સંવાદ સાધવાનો જેમને ક્યારેક એણે દૂભવ્યા છે. ક્યારેક એમ ધાર્યુ હોય કે આમ કરવાથી વધારે સંતોષ મળશે અને એ જ વસ્તુ જો સંતોષ કે સુખને બદલે વધારે પીડા આપે તો? રોજેરોજ જીવાતી એકધારી જિંદગીમાં થોડો ફેરફાર આવે એ સૌ ઇચ્છે છે, પરંતુ એ ફેરફાર આવ્યા પછી ન ગમે તો? આપણે જ્યારે મનગમતો નિર્ણય લેવાનું નક્કી કરીએ છીએ, ત્યારે ખૂબ ખુશી અનુભવીએ છીએ. પણ, એ જ નિર્ણય જો ખોટો પડે કે એ નિર્ણય લીધા બાદ જિંદગી ખરાબ રીતે પલટાઈ જાય તો પારાવાર દુ:ખ થાય છે. આ નવલિકામાં જાતને ઓળખવાની પ્રક્રિયા છે, લગ્નજીવનની શરૂઆતની નાની નાની ખુશીઓ છે, જીવનની ખૂબ મોટી લાગતી વાતો એકદમ સરળતાથી સામે મૂકી છે. આમાંથી કશું નવું નથી કે એવું પણ નથી જે આપણને ખ્યાલ ન હોય, પણ આપણે આ વસ્તુઓ અમલમાં મૂકી શકતાં નથી. જિંદગીનું પરમ સત્ય છે કે વર્તમાનની આ પળમાં જીવનનો આનંદ માણો, દરેક માણસની સારી વાતની કદર કરો, પોતાના લોકોને માફ કરી દો, જે પણ નાની ઇચ્છા થાય તેને રોકશો નહીં, જે કામમાં આનંદનો અનુભવ થતો હોય એ કરી જ લો, બીજા કોઈને માટે નહીં, પણ, ફક્ત પોતાની જાત માટે... 



મારા બાગની મધુમાલતી - ધીરુબહેન પટેલ


આગન્તુક - ધીરુબહેન પટેલ

No comments:

Post a Comment