Friday 17 March 2017

બેતાબ દિલ કી તમન્ના યહી હૈ


ફિલ્મ - હંસતે ઝખ્મ (૧૯૭૩)
ગીતકાર - કૈફી આઝમી
સંગીત - મદન મોહન
ગાયિકા - લતા મંગેશકર

આ ગીત મેં ખૂબ સમય પહેલા સાંભળેલું, રેડિયો પર એક સમયે હું જૂના ગીતો ખૂબ સાંભળતો, ત્યારે ત્રણ-ચાર વખત આ ગીત સાંભળ્યાનું યાદ છે. ફરી આ ગીત યાદ આવ્યું જ્યારે હંસલ મહેતાની ફિલ્મ 'અલીગઢ' જોઇ. મનોજ બાજપેયીનું પાત્ર પ્રોફેસર સિરાસ એમની એકલતામાં આ ગીત સાંભળે છે. અને શું સુંદર ગીત છે આ! મધુર રાગિણી! મને આ ફિલ્મ વિશે કોઈ જાણકારી નથી, એટલે હું શબ્દોનો વધારે સારો અર્થ કરી શક્યો નથી, પરંતુ મુખ્ય ઉદ્દેશ રહી શક્યો છે. કૈફી આઝમીનાં આ શબ્દોની કેટલીક પંક્તિઓનો વધારે ગાઢ પણ અર્થ પણ થઈ શકે, પણ એ શબ્દોની સાથે સાથે લાગણીઓ ભળીને ગીત વધારે સુંદર થઈ ગયું છે, એ ઉપરાંત લતા મંગેશકરનો અવાજ, એટલે કંઈ કહેવાનું હોય જ નહીં. મદન મોહન દ્વારા અપાયેલું સંગીત હજી પણ ઘણીબધી વખત કાનમાં ગૂંજે છે (જ્યારે ગીત ન સાંભળું ત્યારે પણ) ત્યારે લાગે છે કે કોઈ દૂરથી બોલાવે છે પોતાની પાસે! 

બેતાબ દિલ કી તમન્ના યહી હૈ
તુમ્હે ચાહેંગે, તુમ્હે પૂજેંગે
તુમ્હે અપના ખુદા બનાયેંગે

જ્યારે કોઈ પ્રિય વ્યક્તિની સાથે લાંબા સમય પછી મુલાકાત થાય છે ત્યારે એ વ્યક્તિની રાહ જોઈને થાકી ગયેલું વ્યાકુળ હ્રદય ફક્ત એટલું જ ઇચ્છે છે કે એ વ્યક્તિને બસ પોતાની પાસે રાખીને એને ભગવાન બનાવીને પૂજા કરીએ. આ પ્રેમની ચરમસીમા છે, એ સમય જ્યારે લાગે છે કે એ વ્યક્તિ જ તમારે માટે સર્વસ્વ છે. 

સુને સુને ખ્વાબો મેં
જબ તક તુમ ના આયે થે
ખુશિયા થી સબ ઔરો કી
ગમ ભી સારે પરાયે થે
અપને સે ભી છુપાઇ થી
ધડકન અપને સીને કી
હમકો જીના પડતા થા
ખ્વાહિશ કબ થી જીને કી
અબ જો આ કે તુમ ને
હમે જીના સીખા દિયા હૈ
ચલો દુનિયા નયી બસાયેંગે

પ્રેમની આ સ્થિતિમાં જ્યાં સુધી એ વ્યક્તિ સાથે મુલાકાત થતી નથી ત્યાં સુધી એમ લાગે છે કે જિંદગી માત્ર જીવાઈ રહી છે, પણ એનો કોઈ હેતુ નથી. આપણે બીજાની ખુશીમાં ખુશ થઈએ છીએ અથવા બીજાનાં દુ:ખમાં એમની પડખે ઊભા પણ રહીએ છીએ. પરંતુ એ વખતે લાગે છે કે જાણે એમાંથી કશું જ આગવું નથી. પ્રિય વ્યક્તિ જીવનમાં આવે છે એ પછી લાગે છે કે અત્યાર સુધી તો જીવન માત્ર એમ જ જીવાતું હતું, કોઈ જીજીવિષા તો હતી જ નહીં. એ વ્યક્તિ જીવનમાં પ્રવેશે છે પછી એમ થાય છે કે એને લીધે નવી રીતે જિંદગી જીવવાની શિખામણ મળી છે અને એક નવી જ દુનિયા વસાવવાનું મન થાય છે.





ભીગી ભીગી પલકો પર
સપને કિતને સજાયે હૈ
દિલ મેં જિતના અંધેરા થા
ઉતને ઉજાલે આયે હૈ
તુમ ભી હમકો જગાના ના
બાહો મેં જો સો જાયે
જૈસે ખુશ્બુ ફૂલો મેં
તુમ મેં યૂ હી ખો જાયે
પલભર કિસી જનમ મેં
કભી છૂટે ના સાથ અપના
તુમ્હે ઐસે ગલે લગાયેંગે

એ વ્યક્તિ જેના આવવાથી પરિવર્તન આવી જાય છે, એના માટે અત્યાર સુધી વિરહમાં ઝૂરતી આંખોમાં સપના ડોકાય છે, એ વ્યક્તિ સાથેની નવી જિંદગીનાં. એ વખતે લાગે છે કે અંધકાર દૂર થઈને ચારેબાજુ પ્રકાશ છવાઈ ગયો છે. ક્યારેક જાણે લાગે છે કે એ જે ઘટનાઓ થઈ રહી છે એ ફક્ત સપનું છે, અને આંખ ખૂલે ત્યારે વાસ્તવિકતાનો સામનો ન કરવો પડે એ માટે એ વ્યક્તિની અંદર સમાઈ જઈને એને ભેટી પડીને એ સાથ ક્યારેય ન છૂટે એ રીતે, એ વ્યક્તિને ગળે લગાડીને બસ એમ જ રહેવાનું મન થાય છે. (કદાચ એકબીજામાં એકરૂપ દર્શાવવા માટે નવીન નિશ્ચલ અને પ્રિયા રાજવંશ બંનેનો કોસ્ટ્યૂમ્સ એક જ રંગનો છે. લીલો રંગ તાજગી અને વિકાસ દર્શાવે છે, સાથે સાથે હાર્મની એટલે કે એકરાગ દર્શાવવા પણ વપરાય છે.)





વાદે ભી હૈ, કસ્મે ભી,
બીતા વક્ત ઇશારો કા
કૈસે કૈસે અરમાં હૈ
મેલા જૈસે બહારો કા
સારા ગુલશન દે ડાલા
કલિયા ઔર ખિલાઓ ના
હસતે હસતે રો દે હમ
ઇતના ભી તો હસાઓ ના
દિલ મેં તુમ હી બસે હો
રહા આંચલ વો ભર ચૂકા હૈ
કહા ઇતની ખુશી છુપાયેંગે

જ્યારે પ્રેમની માત્રા વધી જાય છે ત્યારે એકબીજાની સોગંદ ખાવી અને એકબીજાને વાયદા આપવાની માત્રા વધી જાય છે. એ અપેક્ષાઓ, અરમાનો જોઈને ખુદને એમ લાગે છે કે જાણે નવી મૌસમ ખીલી છે. જ્યારે સુખ કે ખુશીની માત્રા વધી જાય છે ત્યારે એમ લાગે છે કે હવે વધારે ખુશી સમાવી શકાશે નહીં. અહીં એમ કહેવાયું છે કે આખો બગીચો આપી દીધો છે હવે નવી કળીઓને ખીલવા માટે પણ કોઈ જ જગ્યા નથી. વધારે પડતી ખુશી મળે છે ત્યારે આંખમાં ખુશીનાં આંસુ આવી જાય છે, જે પણ અહીં સૂચવાયું છે. 




No comments:

Post a Comment