Friday, 16 December 2016

હેપી બર્થડે મયંક

મને આજ સુધી એ ખબર નથી પડી કે દરેક બર્થડે પર તારો મોબાઈલ ફોન સ્વિચ્ડ ઓફ કેમ હોય છે! (અચ્છા ચલ તારે કદાચ ઘણા ફોન કોલ્સ નહીં એટેન્ડ કરવા હોય એમ માની લઈએ, તો પણ યાર!) આટલા વર્ષોની દોસ્તીમાં (ચોથા ધોરણથી ગણીએ તો લગભગ પંદર વર્ષ) પણ મને તારા વિશે હજુ કેટલાય કોયડા છે... મને હજુ દોસ્તીનો પહેલો દિવસ યાદ છે, સ્કૂલની એ બધી યાદગાર રિસેસ છે મારા મનમાં સંઘરાયેલી. મારી પાસે તારો કોઈ પ્રોપર ફોટો નથી કે આપણા બંનેનો પણ કોઈ ફોટો નથી મારી પાસે. (કદાચ ક્યારેય પડાવ્યો જ નથી!) પણ મારી પાસે સ્કૂલ પૂરી થયેલી એ વખતે તે આપેલો તારો પાસપોર્ટ સાઈઝ ફોટો છે! એ પાસપોર્ટ સાઈઝ ફોટો મારી વૉલેટમાં હમણાં સુધી હતો, અને હમણાં એ ફોટો મેં મારા યાદોનાં બોક્સમાં મૂક્યો છે, એ બોક્સ જેમાં તારા આપેલાં બધાં દિવાળી કાર્ડ, કી ચેન, મોરપીંછ, ફોટો કલેક્શન... ન જાણે બીજી કેટલીય વસ્તુઓ છે બધાં દોસ્તોએ આપેલી... અને એ ફોટો હું ક્યારેક જોતો અને વિચારતો કે તારો ચહેરો કેટલો બદલાયો હશે, કારણ કે ડિજિટલ વર્લ્ડમાં પણ આપણી દોસ્તી ગેજેટ્સ વિનાની રહી શકી છે! ન ક્યારેય આપણે વોટ્સએપ પર પ્રોપર ચેટ કરી હશે કે ના ફેસબુક... એવી તો કેટલીય વસ્તુ છે જે એકદમ યુનિક છે, જેને સમજવા માટે મારે પણ પ્રયત્નો કરવાં પડે છે...

તારા નામનો અર્થ થાય છે ચંદ્ર, જે અંધારામાં અજવાળુ ફેલાવે છે. અને આપણી દોસ્તીમાં એ રહ્યુ પણ છે, મારી ઘણી બધી પરિસ્થતિઓમાં તારી કહેલી વાતોએ અજવાળુ ફેલાવ્યું છે મારી સાથેની અમુક અંધારી ઘટનાઓમાં. ચિત્રો! તારા દોરેલા ચિત્રોએ મને સ્કૂલમાં જ અહેસાસ કરાવેલો કે ફેન્ટસીની દુનિયા કેટલી સુંદર હોય છે! સ્કૂલ પૂરી થયા પછી મેં તારા દોરેલા ચિત્રો જોયાં નથી, આઈ મિસ ધેમ, મારે એ ચિત્રોની દુનિયામાં ખોવાઈ જવું છે! મને ખબર છે કે એક કલાકારને ખૂબ ઓછા લોકો સમજતાં હોય છે, અને હું એ માટે તારો ખૂબ આભારી છુ કે જ્યારે મેં સ્કૂલમાં લખવાનું શરૂ કર્યુ ત્યારે તુ અને રવિ જ હતા મને સમજવા માટે કે લખવું એ ખૂબ સુંદર પ્રોસેસ છે, અને મારી એ સમયની લખેલી વાર્તાઓને મળેલા તારા રિવ્યૂ મારે માટે ફાઈનલ વર્ડિક્ટ હતા!! એ જ રીતે મને વિશ્વાસ છે કે તે પેઈન્ટિંગ છોડ્યા નહીં હોય, હમેંશા ચિત્રો બનાવતો રહેજે, આપણને ગમતું હોય એ કામ આપણે કરવું જ જોઈએ.

મને તારો પાંચમાં ધોરણનો એ બર્થડે યાદ છે, જ્યારે ડેડીને એડમિટ કરેલા અને હું સ્કૂલ નહોતો આવ્યો, અને બધાં દોસ્તોએ તારો બર્થડે સરસ ઊજવેલો, અને હોસ્પિટલમાંથી આવીને મેં તારા માટે બનાવેલું કાર્ડ ફાડી નાખીને ગિફ્ટ પણ તોડી નાખેલું અને કેટલું રડેલો, અને બીજા દિવસે તે મને સમજાવેલું કે હું હતો જ તારી પાસે, કેટલી મોટી વાત હતી એ, દસ વર્ષની ઉંમરમાં પણ દોસ્તીની યાદો વિશે આપણને ખબર હતી અને એ માટે આપણી પાસે શબ્દો પણ હતાં. આ લખતી વખતે આંખો ભીંજાઈ ગઈ છે,... 

મને ફરીથી આઠમાં ધોરણનો તારો બર્થડે યાદ છે, ૧૫મી ડિસેમ્બર ૨૦૦૫, અમારા નવા ઘરનું વાસ્તુ પૂજન હતું અને વાસ્તુ પૂજનની રાતે નવા ઘરે રાત રોકાવું પડે એવો વિચિત્ર નિયમ કોણે બનાવ્યો કોને ખબર! અને મને બધાં કહેતા'તા કે એક દિવસ ચાલે સ્કૂલમાં વધારે રજા, પણ મેં જીદ કરીને ડેડીને છેક જૂના ઘર સુધી બાઈક પર ઠરતા ઠરતા લાવેલા, કારણ અમારો સામાન પણ શિફ્ટ નહોતો અને સ્કૂલ બેગ અને સ્કૂલ ડ્રેસ બધું જૂના ઘરે, એ ઠંડી યાદ છે મને, અને સ્કૂલ પહોંચીને ક્લાસમાં તુ એકલો બેઠેલો એ યાદ છે, તને કરેલી એ વિશ યાદ છે, ક્લાસની બારીઓમાંથી ધીમે ધીમે દાખલ થયેલો સૂર્યોદય યાદ છે મને, અને આખો દિવસ ચહેરા પર રહેલું સ્માઈલ અને તને વિશ કર્યાની સંતુષ્ટિ યાદ છે મને, એટલે તારો બર્થડે સ્પેશ્યલ રહે છે હમેંશા મારી માટે!

યાદ છે એકવાર સેક્ટર-૨૮નાં ગાર્ડનમાં મળેલાં અને આપણો બધો નાસ્તો ઢોળાઈ ગયેલો? એકવાર ઈન્દ્રોડા પાર્ક તારુ ફેમિલી અને બીજા તારા કોલોનીના લોકો સાથે આપણે મળેલાં, અને કાચઘર અને વ્હેલનું હાડપિંજર કેટલીય વાર જોયેલું હોવા છતાં કેટલા રોમાંચથી જોયેલું... તને આર્કિટેક્ચરમાં એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા મળેલું ત્યારે હું એટલો ખુશ થયેલો ને! કોલેજનાં પહેલા વર્ષમાં તુ ડાયરેક્ટ વડોદરાથી ફક્ત થોડો સમય ઘરે જઈને સાંસ્કૃતિક કુંજ આવેલો એ સાંજ યાદ છે મને, અને એ વખતે તે લીધેલી બધી કલાત્મક વસ્તુઓથી તારી બધી બેગ ભરાઈ ગયેલી, અને તારા માટીનાં રમકડા હું મારે ઘરે લઈ ગયેલો, એ રમકડાથી થોડો સમય માટે સજાવેલું મારુ શો-કેસ યાદ છે મને, એ મને સ્કૂલનાં સમયમાં આપણે બધાંએ કરેલા 'ક્લાસ ડેકોરેશન'ની યાદ અપાવતું! અને આપણે છેલ્લે મળ્યા ત્યાં સુધી એટલે લગભગ ચાર વર્ષ સુધી મારી પાસે રહેલાં એ રમકડા યાદ છે મને! પ્રાર્થના મંદિરની પાછળનાં ગાર્ડનમાં તારા બીજા દોસ્તો સાથે ગાળેલી એ બપોર તારી આર્કિટેક્ચરની નવી દુનિયાની અને મારી એન્જિનિયરિંગની દુનિયાની અને સ્કૂલની યાદોની વાતો કરતા કરતા ક્યારે સાંજમાં તબદીલ થઈ ગયેલી એ ખબર જ નહોતી પડી એ યાદ છે!

મારી પાસે યાદો જ યાદો પડી છે, મને બિલકુલ જ અફસોસ નથી કે આપણે વર્ષમાં માંડ બે-ત્રણ વાર વાત પણ નથી કરી શકતા, હા, મારે મળવું છે તને બહું જલ્દી... ત્યાં સુધી ખૂબ જ બધી શુભેચ્છા... જન્મદિન ખૂબ ખૂબ ખૂબ મુબારક. 

No comments:

Post a Comment