Saturday, 17 December 2016

અમૃતા - રઘુવીર ચૌધરી



કોઈપણ પુસ્તક વિશે કોઈ પોસ્ટ લખવી એ ખાસ્સુ અઘરુ પડે છે... વાર્તા જાહેર કર્યા સિવાય થોડુક લખવું અને થોડામાં ઘણુ કહી શકવુ મને નથી ફાવતુ... અને અહીં તો વાત ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ ગણાતી નવલકથા વિશે કરવી છે, હું હાઈસ્કૂલમાં હતો ત્યારે સાંભળેલું આ નોવેલ વિશે અને લેખકને જ્ઞાનપીઠ મળ્યો પછી તો વાંચવા માટેની પ્રબળ ઈચ્છા થઈ જ આવી, અને હમણાં ગયે અઠવાડિયે વાંચી મેં નોવેલ, જો તમારામાં સારા વાંચન માટેનો શોખ દિલનાં કોઈ ખૂણે ધરબાઈને પડ્યો હોય તો બને એટલું સત્વરે આ નોવેલ વાંચવી એવું મારુ માનવું છે, ... 

વાર્તા છે અમૃતા નામની સ્ત્રી અને એના બે પુરુષ પાત્રો ઉદયન અને અનિકેત સાથેનાં સંબંધોની... સ્ત્રી અને પુરુષનો સંબંધ આવો જ હોવો જોઈએ અને આવો નહીં તો આવો જ, એ બધી જે વ્યાખ્યાઓ સમાજે કરેલી છે એ બધી માન્યતાઓનો ભાંગીને ભુક્કો કરે છે આ નોવેલ...  

આ નવલકથાની થીમ છે અસ્તિત્વવાદ એટલે કે માણસ પોતે સ્વતંત્ર છે અને પોતાના વિકાસ માટે એ પોતે અને એના વિચારો, જગત પ્રત્યેની દ્રષ્ટિ જ જવાબદાર છે,... અને એ વાત સાચી છે કારણ કે દરેકને જેવુ પોતાને ગમે છે, જેવા એના વિચારો છે એવું જ જીવવું જોઈએ, તો જ ખુશ રહી શકાય...

અમુક વાર વાંચતી વખતે મને એવુ લાગતુ હતુ કે ૧૯૬૦નો દસકો નહીં પણ હાલનો જ સમય જ લખાયેલો છે પુસ્તકની અંદર, એવી કેટલીય વાતો છે નોવેલમાં જેને સમય સાથે નિસ્બત જ નથી, એ વાતો કોઈપણ સમય, કોઈપણ કાળખંડમાં એવી જ રહેવાની છે.

નોવેલની શરૂઆતમાં જ એક રૂપક બહું સરસ હતું, કૂંડામાં રહેલા ગુલાબનાં બે છોડ અમૃતા તરફ નમેલાં હોય છે, બંને છોડ એટલે કે બીજા પાત્રો ઉદયન અને અનિકેત, એમનો અમૃતા તરફનો ઝુકાવ દર્શાવે છે. ઘણા એવા ગુજરાતી શબ્દો વાંચ્યા છે મેં આ નવલકથામાં જે હાલના સમયમાં કોઈ જ વાપરતું નથી, એકદમ જ સરસ અને શુધ્ધ ગુજરાતી, અને એવું પણ નહીં કે એકલું ગુજરાતી, એ સાથે જ ક્યારેક ગુજરાતીથી પણ વધારે સારુ અંગ્રેજી અને બંગાળી. 

કોઈને પ્રેમ કરીએ એટલે એને સમર્પિત થઈને પોતાની પહેચાન ખોઈ નાખીએ એવું ન થવું જોઈએ, દરેકની અલગ ઓળખાણ છે, દરેકનાં અલગ વિચારો છે, કોઈ આપણા વિચારો સાથે સહમત ન થાય એટલે આપણા વિચારો ખોટા છે એવું હોતું નથી, હા એવું બની શકે કે સમય સાથે વિચારોમાં પરિવર્તન પણ આવે અને એનું જ નામ કદાચ વ્યક્તિત્વ વિકાસ હશે...

મને શરૂમાં ઉદયનનું પાત્ર ખૂબ ગમેલું, એની સાથે સહમત થતો હતો ઘણી બાબતમાં, અને અનિકેતનાં વિચારો સાથે પણ થોડુક, પણ અમૃતા મને મૂંઝાયેલી લાગેલી, પણ જેમ જેમ આગળ વધતી ગઈ વાર્તા એ પછી લાગ્યુ કે બધાં જ સાચા છે પોતાની જગ્યાએ. ત્રણેયની પરિસ્થિતિઓ ભિન્ન છે, એમના ખ્યાલો અલગ છે, એ લોકો ચર્ચા કરે ત્યારે એટલી મજા આવેલી ને મને, દરેક પોતાના વિચારો બહું સરસ રીતે મૂકતા હતા... આખી નોવેલ ખૂબ ધીરજપૂર્વક વાંચવી પડશે એવું મારુ માનવું છે, જો થોડો પણ રસ પડે અને પછી વચ્ચે ક્યાંક કંટાળો આવે તો છોડી ન દેતા, કારણ કે એની પછી પણ ઘણું ઘણું સારુ આવશે... 

મુંબઈ, રાજસ્થાન, ભિલોડા, બાલારામ અને બીજી કેટલીય જગ્યાઓનું વર્ણન એટલું સરસ છે કે સાક્ષાત ત્યાં જ હોઈએ એવી લાગણી થાય છે... મોટાભાગની નોવેલમાં ત્રણેય પાત્રોના વિચારો વાતચીતમાં છે અને લેખનશૈલી પણ ખૂબ સરસ છે, થોડીક વાર લાગશે વાર્તાના પ્રવાહ સાથે ટેવાવામાં, પણ પછી ખળખળ વહેતું ઝરણુ જાણે, શબ્દો અને વાતો વહ્યા જ કરશે, મને ઘણી વાતો હજુ નથી સમજાઈ એ માટે ફરી કોઈ વાર તો વાંચવી જ પડશે, જીવન વિશે હજુ થોડી વધારે સમજણ કેળવાય પછી!


રઘુવીર ચૌધરી

No comments:

Post a Comment