દિલની વાતો પર કંટ્રોલ હોતો નથી, કોઈ વ્યક્તિ ગમવા લાગે છે, કેમ ગમે છે, કેમ એ જ વ્યક્તિ ગમે છે એ બધું આપણાં કંટ્રોલમાં હોતું નથી, એટલું ગમવા લાગે છે કે એના વિના ગમતું નથી, બસ એનો પ્રેમ મેળવવા માટે પ્રયત્નો કરતું થઈ જાય છે દિલ, અને દિમાગ પર પણ હાવી થઈ જાય છે દિલ, અને પછી જન્મે છે દર્દ. જો પ્રેમ મળે તો ખુશી થાય છે, પણ એના પછી પણ કેટલાંય કોમ્પ્લિકેશન્સ હોય છે, અને જો પ્રેમ મળતો નથી તો જિંદગી વિશે શીખવા જરૂર મળે છે...
અયાન અને અલીઝેહ લંડનમાં મળે છે, સાથે ફરે છે, મસ્તી કરે છે, દોસ્ત બને છે, એકબીજાને જાણે છે, અને દોસ્તીની વચ્ચે આવી જાય છે પ્રેમ. જેની આસપાસ વાર્તા ફરે છે, એક વાત ખૂબ જ સુંદર રીતે વણાયેલી છે ફિલ્મમાં કે પ્રેમ તો હોય જ છે દરેક સંબંધમાં, પણ એનો પ્રકાર અલગ છે ફક્ત, પણ ત્યાં હાજર તો છે જ પ્રેમ, પણ દિલ એટલાં પ્રેમથી સંતોષ માનતું નથી, એને વધારે જોઈએ છે, કશું પણ કાયમી ક્યાં છે, શું ખાતરી છે કે જેને પ્રેમ કરો છો એની સાથે જ ખુશીથી રહી શકશો, એવી કોઈ ગેરંટી આપતું નથી. એવી ઘણી બધી વાતો ફિલ્મની અંદર ફિલોસોફીની જેમ છુપાયેલી છે... કોઈને પ્રેમ કરો છો તો હાલ જે પળ છે એને માણી લો, જીવી લો ભરપૂર એની સાથે. આ બધી વસ્તુઓ ડાયરેક્ટલી કહેવામાં આવી નથી, પણ સ્ક્રીન પર અહેસાસ જરૂર થાય છે...
નિરંજન અયંગર અને કરણ જોહર દ્વારા લખાયેલાં ફિલ્મનાં ડાયલોગ્સ વિશે મારે સ્પેશ્યલી વાત કરવી છે. આ બધાં ડાયલોગ્સ ટ્રેઈલરમાં સાંભળી ચૂક્યા છીએ, અને એ જ બધાં કી પોઈન્ટસ છે, સબાના પાત્રનો એક ડાયલોગ છે: "મહોબ્બત કરના હમારે બસ મેં નહીં હૈ, ઉસ મહોબ્બત સે દૂર ચલે જાના વો હમારે બસ મેં હૈ"; અયાનને અહેસાસ થાય છે કે હવે એણે એ પ્રેમને જવા દેવો પડશે, જે પ્રેમ એનો નથી થઈ શકતો, એ સીન ખૂબ જ સુંદર છે, બીજો ડાયલોગ છે: "એકતરફા પ્યાર કી તાકાત હી કુછ ઔર હૈ, ઔરો કે રિશ્તે કી તરહ વો દો લોગોમેં નહીં બટતી, સિર્ફ મેરા હક હૈ ઈસપે", કેટલું સુંદર લખ્યું છે કે એકતરફી પ્રેમ કરવા માટે સામેવાળા માણસની ક્યાં જરૂરત છે જ સંબંધમાં, બીજું માણસ સંબંધમાં નથી હોતું એમ છતાં પહેલું માણસ પ્રેમ તો કરે જ છે. ત્રીજો અને મારા સૌથી ફેવરિટ સીનમાં આવતો ડાયલોગ છે: "અજીબ કહાની હૈ પ્યાર ઔર દોસ્તી કે રિશ્તે કી, પ્યાર હમારા હીરો ઔર દોસ્તી હમારી હિરોઈન", એ સીનમાં અનુભવાય છે કે પ્રેમ પ્રેમ પ્રેમ કર્યુ આટલું બધું, પણ એ તો ત્યાં હાજર હતો જ, જે વ્યક્તિમાં શોધ્યો પ્રેમને એનામાં પ્રેમ હતો જ પણ થોડો અલગ, એને બસ ઓળખવાની જરૂર હતી...
ડિરેક્ટર કરણ જોહર વિશે ઘણાં લોકોને ફરિયાદ હોય છે કે એની ફિલ્મમાં હમેંશા પૈસાદાર લોકોની જિંદગીની વાતો હોય છે, પણ એ એની સિનેમા સ્ટાઈલ છે, એ વાત આપણે સ્વીકારવી જ રહી. ઈમોશન્સ તો બધાના સરખાં હોય છે, કોઈ રડે ત્યારે આંસુ જ બહાર નીકળે છે, જેને ગરીબ કે પૈસાદાર હોવા સાથે સંબંધ જ નથી. કરણે એની સ્ટાઈલમાં ઘણી બધી વસ્તુઓ નાખી છે, તેમ છતાં એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને એણે ઘણું કર્યુ છે આ ફિલ્મમાં, ઈમોશન્સના મામલે એની બીજી ફિલ્મોમાં થોડોક વધારે મેલોડ્રામા થઈ જાય છે, પણ અહીં એવું લાગતું નથી, રિયલ લાગે છે, ફીલ થાય છે કે હા આવી ખુશી મહેસૂસ થયેલી છે, હા દિલ તૂટે ત્યારે આ જ ફીલિંગ આવે છે એવું સ્ક્રીન પર જ્યારે આવે ત્યારે લાગે છે જ.
કરણને ગમતાં બોલીવુડ સોંગ્સ, ડાન્સ સીક્વન્સ, અયાને પહેરેલાં ચશ્માં, એવું લાગે છે જાણે કરણનાં પોતાનાં એલિમેન્ટ્સ અંદર ઉમેરવામાં જરૂર આવ્યાં છે, ફિલ્મનાં ડાયલોગ્સ ખૂબ સરસ છે, કેટલાક ઉર્દૂ ડાયલોગ્સ સમજવાં પડે એવાં છે જે સબાના પાત્રને ભાગે આવ્યાં છે, બાકી અયાન અને અલીઝેહ જે રીતે વાત કરે છે એ બધું પોતાનું લાગે છે, પ્રેમ; દોસ્તી; હર્ટબ્રેક; ફિઝિકલ એટ્રેક્શન; પ્લેટોનિક લવ. એવી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ તો પારખી જ શકાય છે આ ફિલ્મ જોયા પછી... લંડન, પેરિસ અને વિયેનાના ખૂબ જ સુંદર લોકેશન્સને સિનેમોટોગ્રાફર અનિલ મહેતા દ્વારા ખૂબ સારી રીતે પિક્ચરાઈઝ્ડ કરવામાં આવ્યાં છે. આની પહેલાં મારું માનવું હતુ કે 'કભી અલવિદા ના કહેના' કરણ જોહરનું અત્યાર સુધીનું સૌથી સારું કામ છે, પણ હવે એ સૌથી સારું કામ છે 'એ દિલ હૈ મુશ્કિલ'. રણબીર કપૂર અને અનુશ્કા શર્મા ; બંનેની કેમિસ્ટ્રી ખૂબ સરસ લાગે છે સ્ક્રીન પર, અને બંનેએ જબરદસ્ત એક્ટિંગ કરી છે, અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલાં અને પ્રીતમ દ્વારા કમ્પોઝ થયેલાં ગીતો ફિલ્મની રિલિઝ પહેલાં જ હીટ છે, અને બધાં ગીતો સાંભળવા ગમે એવાં છે, મારું માનવું છે કે બેસ્ટ રોમેન્ટિક ફિલ્મ્સનું નવું હવે પછી જે લિસ્ટ હશે એમાં આ ફિલ્મ જરૂર જ હશે.