Friday, 8 September 2017

સનમ તેરી કસમ - માફી, પ્રેમ, ઘા, ફૂલો અને આંસુ



આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે. 

રાધિકા રાવ અને વિનય સપ્રુની 'સનમ તેરી કસમ' સુંદર પ્રેમકથા છે. ફિલ્મની વાર્તા એરિક સેગિલની નવલકથા 'લવ સ્ટોરી' પર આધારિત છે. (આ નવલકથા ફિલ્મનાં ઘણા દ્રશ્યોમાં બતાવવામાં પણ આવી છે.) નવલકથાની વાર્તા પ્રમાણે ઓલીવર અને જેનિફર બંને ભિન્ન સ્વભાવ અને ભિન્ન પારિવારિક સંસ્કૃતિ વચ્ચે પણ પ્રેમમાં પડે છે. લગ્ન માટે પરિવારની વિરુધ્ધ જઈને સાથે જીવવાની શરૂઆત કરે છે અને પછી તેમની સાથે બનતી કરુણ ઘટનાથી તેઓની જિંદગી હચમચી જાય છે. વર્ષોથી આ નવલકથામાંથી ઘણી ફિલ્મોએ પ્રેરણા લીધી છે. ફક્ત હિન્દી ભાષાની જ ફિલ્મોની વાત કરીએ તો પણ 'અખિયોં કે ઝરોખો સે' અને 'ખ્વાહિશ' નામની ફિલ્મો આ જ નવલકથા પરથી પ્રેરિત છે. 'મુઝસે દોસ્તી કરોગે' ફિલ્મમાં પણ નવલકથાનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પણ મુખ્યત્વે નવલકથાની વાર્તામાં થોડા ફેરફારો કરીને જ બનાવવામાં આવી છે. આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે, માટે જેમણે ફિલ્મ જોયેલી હોય તેમણે જ આગળ વાંચવું, જેમણે ફિલ્મ જોયી હશે, તેમને વાર્તા ખ્યાલ જ હશે, માટે હું વાર્તા લખીશ નહીં, પરંતુ પ્રસ્તુત છે ફિલ્મની અંદરની અમુક સુંદર વાતોનું અર્થઘટન.





ફિલ્મની સૌથી સુંદર વાત છે કે ફિલ્મ આંતરિક સુંદરતા પર ભાર મૂકે છે. સરસ્વતી અને ઇન્દર બંનેને આસપાસનાં લોકો સુંદર કે સારા વ્યક્તિ માનતાં નથી. પરંતુ તેઓ બંને એકબીજાની આંતરિક સુંદરતાને કહ્યા વિના સમજી લે છે. સમાજની નજરમાં ઇન્દર એક હત્યારો છે, જે કોઈનું ખૂન કરવાના આરોપમાં કારાવાસની સજા કાપીને આવ્યો છે. ઇન્દર બિલાડીને દૂધ પીવડાવે છે, નાની નાની વાતોમાં સરુનું ધ્યાન રાખે છે, સરુનાં લગ્નની કંકોત્રી તેનાં પિતાને આપવા માટે રસ્તા પર રીતસર દોડે છે, વાહનો સાથે અથડાવાની પરવા કર્યા વિના. એટલે સુધી કે સરુનાં પિતા કંકોત્રી ફેંકી દે છે, તે પોતાનાં શર્ટથી સાફ કરે છે. સરુની ઑફિસનાં લોકો અને તેની પોતાની બહેન પણ તેની મજાક કરે છે, પરંતુ સરુ અંદરથી એક સાફ દિલની યુવતી છે, જે કોઈની પણ મદદ કરવા માટે ક્યારેય ના પાડતી નથી. એટલે જ ઇન્દર અને સરસ્વતી એકબીજાને પૂર્ણ કરે છે, બંને એકબીજા માટે સર્જાયેલ છે. ઇન્દર હૉસ્પિટલની પથારીએ સરસ્વતીને પૂછે છે કે ક્યારેય તેને સવાલ ન થયો કે તેણે કોનું ખૂન કર્યુ હશે? પરંતુ સરુ જવાબ આપે છે કે ઇન્દરે કોઈને બચાવવા માટે જ કોઈનું ખૂન કર્યુ હશે, જે સરુનો ઇન્દર પરનો વિશ્વાસ દર્શાવે છે, સરુની આંતરિક સુંદરતા પણ દર્શાવે છે. 

આંતરિક સુંદરતા


ફિલ્મ ઘા અને આઘાત લાગવાની પ્રક્રિયા સાથે પણ સંબંધ ધરાવે છે. ફિલ્મની ટેગલાઇન એ જ રીતે હતી, 'શાપ સાથેની પ્રેમકથા'. ઇન્દર અને સરસ્વતી પહેલી વખત લિફ્ટમાં મળે છે, એ પછી અડધી રાતે સરસ્વતી ઇન્દરને ઘેર જાય છે, ઇન્દરની ગર્લફ્રેન્ડ કાચનો શીશો ફેંકે છે એ વખતે ઇન્દર સરસ્વતીને બચાવી લે છે અને તેને ઘા મળે છે. મેડિકલની દુકાન પર જ્યારે ઇન્સ્પેક્ટર પૂછે છે ત્યારે ઇન્દર જવાબ આપે છે કે એના ઘા ઝડપથી રુઝાય છે, આ વાક્ય ઇન્દરની અત્યાર સુધીની જિંદગી દર્શાવે છે, જ્યારે તેને હત્યા કેસમાં પિતાએ પણ સાથ આપ્યો નહીં હોય અને તેની જેલમાં હાલત કેવી થઈ હશે. સરસ્વતીને પણ લોકો હમેંશા ઘા આપે છે, તેની મજાક બનાવીને, તેનું અપમાન કરીને, આ વસ્તુઓ શરીર પર પડતા ઉઝરડાની જેમ દેખાતી નથી, પરંતુ માણસને અંદર જ કોરી ખાય છે. આ વસ્તુઓથી પરિચિત ઇન્દર હમેંશા સરસ્વતીની તકલીફોમાં તેની સાથે જ રહે છે, તેનું રક્ષણાત્મક કવચ બનીને. ઘણી બધી વખત ઇન્દર સરસ્વતીનાં દુ:ખ સમયે કંઈ બોલતો નથી, પરંતુ તેની આંખો દર્શાવે છે કે તે પણ સરસ્વતીનું દુ:ખ અનુભવે છે. 

ઘા

ગુલાબનું ફૂલ તેમજ ગલગોટાનું ફૂલ બંને અલગ અલગ રીતે ફિલ્મોમાં રૂપક બને છે. ફૂલો હમેંશા સુંદર હોય છે. પણ દરેક ફૂલનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલે સુધી કે એક ફૂલનો અલગ અલગ જગ્યાઓએ પણ ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબ પ્રેમ, ખુશી અને સુંદરતા દર્શાવવા માટે વાપરવામાં આવે છે. ઇન્દર સરસ્વતીને જે ગુલાબનું ફૂલ આપે છે તે સરસ્વતી સાચવીને રાખે છે. હૉસ્પિટલમાં જ્યારે ઇન્સ્પેક્ટર સરસ્વતીનું પર્સ પાછું આપે છે ત્યારે એક પુસ્તકમાંથી એ સૂકાયેલું ગુલાબનું ફૂલ મળી આવે છે. સરસ્વતી અને અભિમન્યુના લગ્ન માટે જતી વખતે ઇન્દર કારનાં વાઇપર પાસે ગુલાબનું ફૂલ મૂકે છે. લાલ વસ્ત્રોમાં સજ્જ સરસ્વતી પણ ગુલાબ જેટલી જ સુંદર લાગે છે. ફિલ્મનું મુખ્ય પોસ્ટર પણ બાથટબની પાસે ગુલાબની પાંખડીઓ દર્શાવે છે. ફિલ્મનાં અન્ય એક પોસ્ટરમાં પણ ફૂલોની ડિઝાઈન રહેલી છે. ગુલાબની સાથે સાથે ગલગોટાનું ફૂલ પણ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવે છે. લગ્ન વખતે પહેરાવવામાં આવતી માળામાં મોટેભાગે એ ફૂલ વપરાય છે, એ સાથે જ ફેરા વખતે વર અને વધૂ બંને પર ગલગોટાની પાંખડીઓનો છંટકાવ કરવામાં આવે છે.

ગુલાબ

જીવતી વ્યક્તિની તસવીર પર માળા લગાવવી એક અપશુકન માનવામાં આવે છે, કારણ કે સુખડનો એ હાર તસવીર પર મૃત્યુ પછી લગાડવામાં આવે છે. એક નાની ગેરસમજને કારણે સરસવતીનાં પિતા પોતાની દીકરીને મૃત જાહેર કરે છે અને અંતિમક્રિયા પછી કરવામાં આવતી વિધિ પણ કરે છે અને સરસ્વતીનાં ફોટો પર માળા ચડાવે છે. કોઈ પણ જીવતી વ્યક્તિ પોતાની તસવીર પર માળા જુએ અને જે દુ:ખની લાગણી થાય તે લાગણી સરસ્વતી પણ અનુભવે છે. સરસ્વતીને દુ:ખી ન જોઈ શકતો ઇન્દર વારંવાર સરસ્વતીનાં માતા-પિતા સમક્ષ એ જ વાત કરે છે કે એની તસવીર પર માળા ન ચડાવે. સરુનાં પિતા માળા ચડાવવાનું બંધ કરતાં નથી, એ વખતે છેલ્લી વખત એ માળા ઉતારીને ઇન્દર પોતે પહેરી લે છે. ઇન્દર કહે છે કે સરુ માટે એ કોઈને મારી પણ શકે છે અને પોતે મરી પણ શકે છે. માળા પહેરેલો ઇન્દર સરસ્વતીનાં મૃત્યુ પછી એનાં પ્રેમમાં રોજેરોજ થોડો મરીને જીવશે, એ સાબિતી પૂરે છે. 

માળા

સરુ અને ઇન્દરનાં સ્ક્રીન પર દર્શાવવામાં આવતા અડધા ચહેરા પણ રસપ્રદ છે, આગળ કહ્યું તેમ તેઓ એકબીજાને પૂર્ણ કરે છે, તે માટે કદાચ એ રીતે સ્ક્રીન પર બતાવવાનો ઉદ્દેશ હોઈ પણ શકે. હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની જોડી નિર્દોષ અને સંપૂર્ણ લાગે છે. તેઓની રડતી આંખો મને પણ રડાવે છે. જે રીતે એ લોકો એકબીજાને ભેટે છે, જે રીતે એકબીજાનો હાથ પકડીને સહારો આપે છે, પરફેક્ટ!

સરુ અને ઇન્દર એકબીજાને પૂર્ણ કરે છે



હાથ

આલિંગન


આ ફિલ્મ વિશે મારે ખૂબ લખવું છે, પણ અમુક વાતો ફક્ત અનુભવી શકાય છે, શબ્દોમાં વ્યક્ત કરવી ક્યારેક મુશ્કેલ પડે છે. તે જ રીતે અમુક વાતો સમજણમાં પણ આવતી નથી. સરસ્વતીનાં હાથની મહેંદીની ડિઝાઈન અને ઇન્દરનાં શરીર પરનાં ટેટૂ પણ કંઈક વાતો ચોક્કસ કહે છે, જે મને ખ્યાલ આવતો નથી. તે જ રીતે ફ્લેટનાં ધાબે રહેલ 'પ્લેક્સ ઇન્સ્યોરન્સ'નું હોર્ડિંગ કોઈ વાત દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે નહીં તે પણ ખ્યાલ નથી, કારણ કે એ હોર્ડિંગ સાથેનાં દ્રશ્યો પણ ફિલ્મમાં ત્રણેક વખત છે. માણસની જિંદગીનો વીમો ઊતારવો અને જ્યાં સુધી હાથમાંની મહેંદી ખરે ત્યાં સુધી જીવીત રહેવું, એ વાતો વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? વિચારવા જેવી ખૂબ સુંદર વાત કદાચ હોઈ પણ શકે, ન પણ હોય, આ ફક્ત મારો વિચાર છે.   

અધૂરી ઇચ્છા અને વીમો


કોઈપણ ફિલ્મની સુંદરતામાં સંગીત હમેંશા વધારો કરે છે, ફિલ્મનાં ગીતો ખૂબ જ સુંદર છે. હિમેશ રેશમિયાનું સંગીત ખૂબ જ કર્ણપ્રિય લાગે છે. 'ખીંચ મેરી ફોટો' ગીતમાં તસવીર ખેંચીને યાદો પાસે રાખી લેવાનો ઉદ્દેશ છે. જે ખેંચેલી તસવીરો ઇન્દરનાં સ્ક્રીનસેવરમાં રહે છે, જ્યારે સરુની મા સરુની બહેન કાવેરીનાં લગ્નની કંકોત્રી આપવા ઇન્દરને ઘેર જાય છે ત્યારે એ તસવીરો દ્રશ્યમાન થાય છે. 'બેવજહ' ગીત જૂની યાદો અને પ્રેમની અંદરની તડપ દર્શાવે છે. 'તેરા ચહેરા' ગીત ઇન્દર અને સરુનો પ્રેમ ખૂબ જ સુંદર અને નાજુક રીતે રજૂ કરે છે. 'હાલ-એ-દિલ' પણ પ્રેમની લાગણીઓ દર્શાવતું સુંદર ગીત છે. 

તસવીરો અને યાદો


ફિલ્મનાં પાત્રો જૂની યાદો અને વાતોને છોડી શકતાં નથી, ગીતનાં શબ્દોમાં પણ અત્યારે દૂર ન જાઓ તેમજ યાદોની કેદમાં દિલ પૂરાઈ ગયું તે પ્રકારનાં શબ્દો છે. કેળનાં પાંદડા જોઈને સરુને પોતાનાં પિતા યાદ આવે છે, જે આપણને ફિલ્મમાં કહેવામાં આવ્યું નથી, પણ એ સમજવું પડે છે. સરસ્વતીનો સામાન જ્યારે નર્સ ઇન્દરને આપે છે ત્યારે સરસ્વતીનાં ફોનની સાથે સાથે ચેઇન પણ મળે છે, જે ચેઇનનું પેન્ડન્ટ પણ સરસ્વતી દેવીની નાની મૂર્તિ દર્શાવે છે. સરસ્વતીનાં પિતા ફિલ્મની શરૂઆતમાં તેને રુમીની કવિતાઓનું પુસ્તક વાંચવાની ના પાડે છે, એ જ પુસ્તક તેઓ પોતે જ્યારે સરસ્વતી તેમની પાસે નથી ત્યારે તેની યાદગીરી રૂપે વાંચે છે. ઇન્દર પોતાનાં પિતા તેની સાથે હત્યા કેસમાં ન રહ્યા અને તેને સજામાંથી છૂટકારો ન અપાવ્યો, એ વાતોનો અફસોસ સાથે રાખીને ફરે છે...

જૂની યાદોમાંથી બહાર ન નીકળી શકવું



ફિલ્મની અંદર લગ્નની પ્રતિજ્ઞાઓ ન માનીએ તો ખોટી પ્રતિજ્ઞાઓ ન લેવાનો સંદેશો ખૂબ સુંદર વાત રજૂ કરે છે. ઇન્દર કહે છે કે તે પોતાનાં પિતાની મર્યાદા કે ઇજ્જત રાખતો નથી, માટે એ ખોટી પ્રતિજ્ઞા લઈ નહીં શકે, કારણ કે એ સરસ્વતીની સામે ખોટું બોલવા ઇચ્છતો નથી. પ્રેમ દુનિયાની સામે બતાવવા માટે નથી, પરંતુ તમારા સાથીનો તમે સાથ નિભાવો છો તે જ સૌથી વધુ અગત્યની બાબત છે. સાદી રીતે માળા પહેરાવીને થતા લગ્નનો કે લગ્ન વિનાનો પ્રેમ પણ ટકી જ શકે છે. 

લગ્ન અને વિશ્વાસ


પ્રેમ વ્યક્તિનાં મૃત્યુ સાથે પૂરો થઈ જતો નથી, પરંતુ હમેંશા સાથે જ રહે છે, એ વાતની સાબિતી રૂપે સરસ્વતી ઇન્દરને અનંત સુધી પ્રેમ કરવાનું વચન આપે છે... 

અનંત સુધી પ્રેમ


ઇન્દર જે રીતે સરસ્વતીનાં માતા-પિતાની કદર કરે છે, એ કહેવા માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી, જે રીતે એ પોતાનાં અને સરુનાં માતા-પિતાને ભેટે છે, એ મને રડાવી મૂકે છે, એ સાથે જ ખુશી પણ આપે છે... 

માતા-પિતા

ફિલ્મની અંદર એક બીજી સરસ વાત એ છે કે ફિલ્મમાં કહ્યું છે કે માફી અને પ્રેમ દુનિયાને ચલાવવા માટે પૂરતાં છે, જો કોઈને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરી દો, કોઈની માફી માંગવી છે તો માંગી લો. કારણ કે સંબંધો અને જિંદગી ઘણી બધી વખત બીજો મોકો આપતી નથી... 

માફી અને પ્રેમ

સરસ્વતી ઇન્દરને કહે છે કે લોકો એટલા માટે સાથે નથી રહેતા કારણ કે તેઓ જૂની ખરાબ વાતો ભૂલી જાય છે, પરંતુ લોકો એટલા માટે સાથે રહે છે કારણ કે તેઓ એકબીજાને માફ કરી દે છે. સરસ્વતીની આ જ વાત ઇન્દર પોતાના પિતાને કરીને તેમને ભેટી પડે છે. કારણ કે સંબંધોને બદલી શકાતા નથી, માત્ર સ્વીકારી શકાય છે. 

માફી




આંસુઓની સાથે વહી જતો પ્રેમ


સરસ્વતી કહે છે કે મૃત્યુ પછી તેને ફક્ત ઇન્દરનાં ઓક વૃક્ષની નીચે દાટવામાં આવે, જ્યારે કોઈ નજીકની વ્યક્તિ તેની પાસે આવશે ત્યારે તે તેની પર ફૂલો વરસાવશે. એ વાત ફરી ફૂલોનો ઉલ્લેખ કરે છે. યાદો ક્યારેય કોઈ છીનવી શકતું નથી... 

મૃત્યુ



ફિલ્મનું શીર્ષક ગીત અને યાદો

'સનમ તેરી કસમ' મને ઉદાસ કરી મૂકે છે, એ છતાં મને આ ફિલ્મ ગમે છે. આ ફિલ્મ દુ:ખની લાગણીઓની સાથે સાથે આશાનું કિરણ અને મૃત્યુપર્યંત ચાલુ રહેતો પ્રેમ જેવી વાતો પણ દર્શાવે છે. ફિલ્મની નાનામાં નાની ઘણી વાતો મેં અહીં લખી નથી, કારણ કે તે ફક્ત અનુભવી શકાય છે, વ્યક્ત કરી શકાતી નથી. આ પોસ્ટ મારે સારી રીતે લખવી હતી, પણ મને ખબર છે કે ખૂબ જ ખરાબ લખાઈ છે. પરંતુ સરુ અને ઇન્દર મારી મનપસંદ જોડીઓમાં સ્થાન પામી ચૂક્યા છે, એ નક્કી!! ફિલ્મની અંદર ઉલ્લેખનીય પુસ્તકો સાથે આ બ્લૉગ પોસ્ટ પૂરી કરી રહ્યો છું...


Books in Movies




















2 comments: