Monday, 14 August 2017

હેપી બર્થડે કુંતલતને પહેલી વખત મેં જોયો એ વિશે મેં લખેલું જ છે - પહેલી છાપ ... તારી સાથે પહેલી વખત વાત થયેલી એ પણ મને યાદ છે, સિવિલની લેબ પાસે, તે મારો ફોન નંબર માંગ્યો હતો. એ પછી તે મને વર્કશોપનો મારો ફીટિંગનો જોબ પૂરો કરવામાં મદદ કરી હતી. એ વખતે કદાચ દોસ્તીની શરૂઆત થઈ. બધાએ ભેગા મળીને સિવિલનાં સબમિશન વખતે કેટલી માથાકૂટ કરી હતી. સિવિલની લેબથી માંડીને દરેક લેબમાં પછીથી મોટેભાગે હું અને તુ સાથે જ બેસતા હતાં, તુ દર વખતે મને ભણવામાં ધ્યાન આપવા માટે કહેતો અને હું મારી અંગત સમસ્યાઓને કારણે મોટેભાગે દુ:ખી રહેતો. મારી આખી કૉલેજ દરમિયાન મને સૌથી વધારે હેરાન પણ તે કર્યો છે, મને સૌથી વધારે દુ:ખી પણ તે જ કર્યો છે અને એ તુ જાણે જ છે! પણ ખબર નહીં કંઈક એક અજીબ તત્વ રહ્યું છે કે હું તારાથી વધારે નારાજ પણ રહી શકતો નહોતો. મારી પાસે ફક્ત આપણી અંગત કહેવાય એવી આપણા બે જણની ખાસ યાદો નથી, કારણ કે મોટાભાગનો સમય તે મને હેરાન કર્યો છે અને હું રિસાયેલો રહ્યો છું અને પછી તે મનાવ્યો છે. બીજુ એક કારણ એ પણ છે કે તુ કદાચ કોઈની પર ખાસ વિશ્વાસ કરતો નહોતો, એટલે તુ તારા દિલની અમુક વાતો કદાચ કોઈને કહેતો નહોતો. (હવે કેટલો બદલાયો છે એ ખ્યાલ નથી!) પણ મને અમુક ખાસ દિવસો યાદ છે, જ્યારે ક્યારેક તુ અને હું જ સાથે હતા. અમુક બાબતો હું લખીશ નહીં કારણ કે એ વાતોમાં બીજી વ્યક્તિઓનો ઉલ્લેખ પણ આવશે અને અંગત વસ્તુઓ વધારે મારે હવે બ્લૉગ પર મૂકવી નથી. પણ ખાસ યાદ છે કે એક દિવસ તુ અને હું કૉલેજથી ઘેર જતી વખતે સેક્ટર-૨૮નાં ગાર્ડનમાં ગયેલા, ફક્ત તુ અને હું. (અભિનવ સરે ગાર્ડન સુધી લિફ્ટ આપી હતી.) તારી બસ લેટ હતી એટલે ગાર્ડનની કેટલીય રાઇડ્સમાં આપણે બેઠા હતા, સામેની સોડા શોપમાં સોડા પીધેલી અને નાસ્તો કરેલો. એ સાંજ, એ વાતો હું ક્યારેય પાછી લાવી શકીશ નહીં. 

હું તને હમેંશા કહેતો કે તુ મને હેરાન કરે છે અને એ પછી પણ તારી પાસે જ હું અમુક સમસ્યાઓ લઈને આવતો. હજુ પણ અમુક વાતોમાં હું તારાથી નારાજ છું કારણ કે એ વિશે મેં હજુ વાત કરી નથી, ક્યારેક કોઈ દિવસ શાંતિથી. મને ખબર છે બધાની માટે દોસ્તીનો અલગ અર્થ હોય છે. પણ, મારે માટે દોસ્તી સૌથી મહત્વની છે જ અને રહેશે. આ ફોટો સિવાયનાં આપણા બંનેના મારી પાસે કોઈ સારા ફોટોગ્રાફ્સ પણ નથી, ક્યારેક ઉદાસ થવાય તો હુંં આ દીવ અને ગીરનો પ્રવાસ યાદ કરુ છું... મારી પાસે તારી ખાસ યાદો નથી એમ કહી રહ્યો છું અને આ લખતી વખતે મારો આખો ભૂતકાળ યાદ આવે છે જે મારે યાદ કરવો નથી. પણ તે છતાં મારે ફરીથી કૉલેજ જવું છે, મને ખબર છે એ શક્ય નથી. પણ એ સમય મારે પાછો જોઈએ છે અને કેટલાક કારણોસર નથી પણ જોઈતો. મારે ઈ.સી. ડિપાર્ટમેન્ટનાં ફર્સ્ટ ફ્લોરનાં એ ક્લાસરૂમમાં ફરીથી તારા ખભે માથું મૂકીને રડવું છે, તારુ લેપટોપ ફેંદવું છે, બધા દોસ્તોમાંથી સૌથી સ્વાદિષ્ટ એવા તારા ટિફિન બૉક્સમાંથી મારે ફરીથી જમવું છે, તે ખવડાવેલો કૂકિઝ એન્ડ ક્રીમ આઇસક્રીમ ખાવો છે ફરીથી, પણ ફક્ત તારી જ સાથે... મેં અમુક વખત ઘણાને ગિફ્ટ્સ આપી છે, તને મેં કોઈ ખાસ ગિફ્ટ આપી હોય એ પણ મને યાદ નથી. હું એ બધુ યાદ કરીને અત્યારે ફરીથી ઉદાસ થવા પણ માંગતો નથી. પણ હું એક વાત કહીશ કે તુ દોસ્તીની બાબતમાં પ્રામાણિક રહે, ખૂબ ઓછા લોકો દુનિયામાં તમારા સારા મિત્રો રહી શકે છે અને જો આપણે એ રીતે રહી શકીએ તો મને આનંદ થશે. મારે આમ કેમ લખવું પડ્યુ, એ વિશે જરાક વિચારજે. તે કૉલેજ પૂરી થયા પછી મારી અમુક વાતોનું વધારે ધ્યાન રાખ્યું છે, જો એ પ્રકારની આપણી દોસ્તી કૉલેજમાં હોત, તો આપણે હજુ વધારે સારા મિત્રો હોત. વેલ, હેપી બર્થડે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ જિંદગીની દરેક નવી શરૂઆત માટે. ખૂબ ખુશીઓ તને મળે, એમાંથી થોડીક મારી સાથે પણ વહેંચે!! ચેટિંગમાં ઈરિટેટિંગ સ્માઇલિઝ મોકલવાનું બંધ કરે, લોકોને ચીડવવા માટે ઈરીટેટિંગ લાફ બંધ કરે, એ પ્રકારની પણ શુભેચ્છાઓ!!! આઇ મિસ યુ સો મચ એન્ડ યુ નો ધેટ! જિંદગીમાં ક્યારેક જરૂર પડે તો તુ હોઈશ એ આશા છે મને અને હું પણ હોઈશ... એન્જોય! ટેક કેર.


No comments:

Post a Comment