ગાંધીનગરનાં જન્મદિન નિમિત્તે વર્ષ ૨૦૧૬માં મેં લખેલ ત્રણેફ ફકરાં તેમજ મેં બનાવેલ એક શોર્ટ વીડિયો દ્વારા મારા શહેરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું!!
***************************************************************
શાંત શહેરની રવાનુકારી યાદો
- સંજય દેસાઇ
ગાંધીનગર, ગાંધીનું નગર, ગાંધીવાદી શહેર, પ્રદૂષણમુક્ત શહેર, ગ્રીન સીટી... લોકો શહેર બદલે
છે અથવા બદલવું પડે છે, નસીબજોગે બાલમંદિરથી અત્યાર
સુધી હું રહી શક્યો છું અહીંયા, કારણ સ્કૂલ અને કોલેજ બધું
અહીંયા જ થયું છે, બીજા શહેરમાંથી આવતા સ્ટુડન્ટસ કોલેજમાં મને હમેંશા ફરિયાદો કરતા કે
તમારું સીટી એકદમ શાંત છે, અથવા અહીંની કોઈ ‘નાઈટ લાઈફ’ નથી, અને પૂછતા અહીંની કોઈ એક
ખાસિયત વિશે, કોઈ એક વસ્તુ કે એક જગ્યા, અને હું ક્યારેય એમને કહીં
શકતો નહીં, ધીમે ધીમે સમજાય છે કે એક જગ્યા કે વસ્તુ એવી કોઈ ખાસ યાદ જ નથી, કારણ કે બધું સરખું રહ્યુ છે
મારી માટે, એ બધું જ જે મેં અનુભવ્યુ છે, માણ્યું છે આટલા વર્ષોમાં...
સમય બદલાયો છે, જગ્યાઓ બદલાઈ છે, એવી ફરિયાદો લોકો કરતાં રહે
છે, જૂની જગ્યાએ નવું કોઈ બિલ્ડીંગ આવી જાય છે કે ઘણાં વૃક્ષો કાપી
નાખ્યા છે અથવા આ કે પેલું ને કંઈ પણ, પણ યાદો ક્યાં કોઈ બદલી શકે
છે, એ તો એમ જ પડી રહી છે આપણી અંદર સચવાયેલી,... કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી
મીઠી યાદો આ શહેર વિશેની.
પ્લાસ્ટ ઈન્ડિયા અને એન્જીમેક એક્ઝિબિશનની પહેલાનું એ હેલીપેડ, હેલીપેડનાં મેદાનમાં ઉજવાયેલી
નાનપણની એ બધી ઉત્તરાયણ; હેલીપેડનાં મેદાનની પ્રજાસત્તાક
દિવસની પરેડ અને જુદી જુદી સાંસ્કૃતિક ઝાંખી કરાવતાં ટેબ્લો; હેલીપેડનાં ડોમમાં નાનો હતો
ત્યારે પાડેલાં કેટલાંય પડઘા, બચપણમાં સાચા રેલવે સ્ટેશન
જેવું લાગતું સેક્ટર-૨૮ બાલોદ્યાનનું આમ્રકુંજ સ્ટેશન; અને મોટા થયા પછી જોયેલું
એકદમ જ શાંત ગાંધીનગર કેપીટલ રેલવે સ્ટેશન. મલ્ટિપ્લેક્સનાં જમાના પહેલાં શાલીમાર
અને રાજશ્રીમાં જોયેલી બધી ‘પિક્ચર’, ઈન્દ્રોડા પાર્કની મન હરી
લેતી શાંતિ; કેટલાય પક્ષીનાં સુમધુર અવાજ; એમ થાય કે બસ થોડો ટાઈમ અહીં
બેસી જ રહેવા મળે તો કેવું? સેક્ટર-૧નાં લેક પર ગાળેલી
કેટલીય સાંજ, સેક્ટર-૩નાં સાંઈ મંદિરમાં દર ગુરુવારે જામતી ભીડ; જાણે કોઈ મેળો જ જોઈ લો! ‘કલ્ચરલ ફોરમ’ કે ‘સહિયર’ જેવાં પાર્ટી પ્લોટમાં રાતે
૧૨ વાગ્યે પૂરી થયાં બાદ ચાલુ થતી સેક્ટર-૨૨; સેક્ટર-૪ ‘ઓમકારેશ્વર મંદિર’ કે બીજી કેટલીય જગ્યાઓની શેરી
ગરબાની રમઝટ.
લક્ષ્મી બેકરીની પેટીસ, મધુર મીઠાઈ, રાધે સ્વીટ્સ, મયુરનાં ભજીયાં અને તેની સાથે
દાઢમાં રહીં જતી ખજૂરની ચટણી, ‘આવકાર’ રેસ્ટોરન્ટ, કોલેજ છૂટ્યા પછી ડોમિનોસમાં
ગાળેલી યાદ પણ નથી એટલી સાંજ, ગુજરાત વિધાનસભાની ઉપર
લહેરાતો તિરંગો, જૂના સચિવાલયની પાછળનું મીના બજાર, સચિવાલયનાં ગાર્ડનનાં મોર, અક્ષરધામ મંદિરનાં ફુવારા, ઝકરિયા મસ્જિદની અઝાન, માર ગ્રેગોરિયસ ચર્ચનો ક્રોસ, ૨૧ અને ૨૪નાં શાક માર્કેટની
ભીડ, ૧૭ અને ૨૧ની લાઈબ્રેરીનાં કેટલાય પુસ્તકો, સરિતા ઉદ્યાનમાંથી દેખાતો
નદીકાંઠો અને ગિફ્ટ સીટી, સેન્ટ્રલ વિસ્ટામાં ગુજારી
શકાતી અને એકદમ ચિંતા ઓછી કરી દેતી સાંજ, વરસાદ વખતે કોઈ હીલ સ્ટેશન
જેવું બની જતું આ શહેર, નદી કાંઠે દર વર્ષે ઊજવાતો
વસંતોત્સવ, કેટલું યાદ કરું તો ય કંઈક ભૂલું...
આ બધી યાદો અને આ શહેરમાં જોયેલાં શમણાં સાથે
ગાંધીનગર શહેરને તેનાં જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
***************************************************************
No comments:
Post a Comment