Thursday, 15 June 2017

કેવી રીતે જઈશ - ગુજરાતી સિનેમાની નવી દિશા, અમેરિકાનું પાગલપન, ફિલ્મ વિશેની નાજુકાઈ, નિર્દોષતા અને યાદો



અમુક વર્ષો પૂર્વે એક ગુજરાતી ફિલ્મ રજૂ થયેલી, શૈલેન્દ્ર ઠાકોરની 'હાલ ભેરુ અમેરિકા'. મને વર્ષ યાદ નથી પરંતુ મને એ યાદ છે કે જે પણ હિન્દી ફિલ્મો એ વખતે થિયેટરમાં ચાલતી હતી, એ ફિલ્મોની ટિકિટ નહોતી મળી એટલે હું અને મારો કઝિન બ્રધર 'હાલ ભેરુ અમેરિકા' ફિલ્મ જોવા ગયેલા, મારે કોઈનું નામ લેવુ નથી, પરંતુ ખૂબ જ દિગજ્જ કલાકારો સાથેની એ ફિલ્મ એટલી નબળી હતી કે એ ઉંમરે પણ મને ખ્યાલ આવી ગયેલો કે આ ફિલ્મ સારી નથી જ નથી. 

મારા માનીતા લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનો એક જૂનો લેખ ઇન્ટરનેટ પર વાંચવા મળ્યો હતો, જે આર્ટિકલની અંદર તેઓએ ફિલ્મો વિશે સુંદર લખ્યું હતું. ચંદ્રકાંત બક્ષી હમેંશા પોતાની કલમની ધારદાર સચ્ચાઈ માટે જાણીતા હતા, મૃત્યુપર્યંત પણ એમની પ્રામાણિકતા તેઓની સૌથી મોટી ખૂબી ગણાય છે. તેમણે એ લેખમાં ગુજરાતી ફિલ્મો વિશે લખ્યું હતું કે, "ગુજરાતી ફિલ્મો પણ આવી ગઈ જેમાંની ઘણીખરી ગંધાતી હતી. ગુજરાતી ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ. પણ પ્રજાના મનની જલસપાટીમાં ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં."  (લેખ વિશેની લીંક - અછૂત કન્યાથી અમેરિકા 1997: ધૂપ મિલ ગઈ રાત મેં...)

ઘણા સમય સુધી ગુજરાતી સિનેમા એટલે એક જ પ્રકારની વેશભૂષા કે એક જ પ્રકારની ગામડાંની પૃષ્ઠભૂમિની વાર્તા હોય એ પ્રકારે મોટાભાગનાં દર્શકોનો મત રહેતો અને ખૂબ જ ઓછા અપવાદોને બાદ કરીએ તો મોટાભાગની ફિલ્મો પણ એ જ પ્રકારે બનતી હતી. વાત એમ નથી કે ગામડાની વાર્તા ધરાવતી ફિલ્મ ખરાબ હોય. પરંતુ તમે ક્યાં સુધી ગુજરાતી સિનેમા એટલે એ જ પ્રકારની બીબાંઢાળ વાર્તા ધરાવતી ફિલ્મો એમ માનીને ચૂપ બેસી રહી શકો? આજથી પાંચ વર્ષ પૂર્વે શ્રી અભિષેક જૈન નામે ગુજરાતી યુવાનની ફિલ્મ 'કેવી રીતે જઈશ' રજૂ થઈ. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ આવકારી. કારણ કે આ એક પ્રમાણિત અને દિલથી બનાવેલી ફિલ્મ છે, જેની અંદર મહેનત દેખાય છે. પાત્રોની અંદર ઊંડાણ છે. વાર્તા સહેજ પણ ખેંચાતી નથી. ફિલ્મ સહેજ પણ લાંબી નથી. બધુ જ જાણે સરખી માત્રામાં પીરસાઈને એક ગુજરાતી થાળી બને એ રીતની આ ફિલ્મ છે! દિલથી પ્રસ્તુત છે ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની સફળતાનાં પાંચ વર્ષ નિમિત્તે ફિલ્મની સુંદરતા વિશેની મારી સમજણની અંદર મેં લખેલી આ બ્લૉગ પોસ્ટ, આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે.

વાર્તા છે હરીશ પટેલ (દિવ્યાંગ ઠક્કર) નામના એક યુવાન અને પટેલ પરિવારની. જેમનું એક જ લક્ષ્ય છે હરીશને અમેરિકા મોકલવો. હરીશનું સ્વપ્ન છે ત્યાં જઈને મોટેલ ખોલવી. હરીશનાં પિતા બચુ પટેલ (કેનેથ દેસાઇ) અને ઈશ્વર પટેલ (અનંગ દેસાઇ) બંને ગાઢ મિત્રોએ પોતાની યુવાનીમાં અમેરિકા જવા માટેનું સ્વપ્ન જોયેલ. પરંતુ બચુ પૈસાની વ્યવસ્થા કરી શકે એ પૂર્વે ઈશ્વર ગેરકાયદેસર રીતે અમેરિકા ચાલ્યો ગયો. અમેરિકાથી ઈશ્વર બચુને ફોન કરે છે ત્યારે એ દ્રશ્યની શરૂઆત દીવાની જ્યોતથી થાય છે, એ પછી બચુ પોતાની પત્નીનું નામ બોલે છે, જ્યોત્સના (દીપ્તિ જોશી). જ્યોત્સનાનો અર્થ થાય છે ચંદ્રનું અજવાળું. જ્યોત્સનાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ દીપ્તિ જોશી છે. દીપ્તિનો અર્થ પણ અજવાળું થાય છે. વાહ! ભૂતકાળની વાતોને દર્શાવતી પુષ્કર સિંઘની બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમટોગ્રાફી ફિલ્મની અંદર ખૂબ જ અસર ઉપજાવે છે. આ પ્રકારની નાની નાની વાતો ફિલ્મની અંદર ખૂબ જ રસપૂર્વક આલેખાયેલી છે. સમય વીતતો જાય છે. મિત્રતામાં દગો મળ્યો એમ માનતો બચુ વર્ષો પછી પણ ઈશ્વરને માફ કરી શકતો નથી. બચુ અને મોટો દીકરો જીગ્નેશ (જય ઉપાધ્યાય) અમેરિકા જઈ શકતાં નથી. હવે, સમય છે કે પરિવારનો નાનો દીકરો હરીશ અમેરિકા જવાની તૈયારી કરે! હરીશની હવે અમેરિકા જવા માટેની ચોક્કસ રીતે તૈયારી શરૂ થાય છે. એ વખતે ઈશ્વર પોતાની દીકરી આયુષી (વેરોનિકા ગૌતમ) સાથે ભારત પરત આવે છે. છૂટક અણગમો દર્શાવીને બચુ ઈશ્વરને આવકારે છે, આયુષી અને હરીશની દોસ્તી થાય છે. હરીશનું પેપરવર્ક શરૂ થાય છે, આયુષી સાથેની ઓળખાણ વધે છે અને પૈસા ભેગા કરવાની માથાકૂટ સાથે વાર્તા આગળ વધીને એક નાજુક વળાંક પર આવીને ઊભી રહે છે. એ પછી હરીશ અમેરિકા જાય છે કે નહીં તે વિશેની આખી વાત એટલે અભિષેક જૈનની ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર રજૂ થયેલી આ ફિલ્મ.



બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમટોગ્રાફી
જ્યોત્સના અને દીવાની જ્યોત


ફિલ્મની અંદર અમેરિકા માટેનું પાગલપન ઘણા દ્રશ્યોમાં ઝીલવામાં આવ્યું છે. હરીશનાં રૂમમાં ઓબામાનું પોસ્ટર છે, જેની પર 'હોપ' લખ્યું છે, જાણે અમેરિકા જ તેની માટે એક આશા સમાન છે, એ પોસ્ટરની પૂજા પણ કરવામાં આવે છે! હરીશનાં રૂમમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનું પોસ્ટર પણ છે. હરીશનું સ્વપ્ન છે અમેરિકા જઈને પોતાની 'પટેલ મોટેલ' ખોલવી. હરીશની મા જ્યોત્સના અને ભાભી ભાવના (તેજલ પંચાસરા) હરીશનાં લગ્ન માટે કન્યાનાં ફોટોગ્રાફ્સ મંગાવે છે ત્યારે પણ બધા જ આલ્બમ્સ અમેરિકાનાં શહેરોમાં રહેતી છોકરીઓનાં જ છે જેમ કે ન્યૂ યોર્ક, શિકાગો, ડેટ્રોઇટ, લોસ એન્જેલસ. પટેલ પરિવાર માટે જાણે અમેરિકા જ સર્વસ્વ હોય તેમ ઘરની નેમપ્લેટ પણ અમેરિકન ફ્લેગની ડિઝાઇન ધરાવે છે. અમેરિકા માટેનું પાગલપન હરીશને અંધશ્રધ્ધા તરફ પણ દોરી જાય છે, એ કોઈ બાબા કે તાંત્રિકને પણ મળે છે. હરીશની ટી શર્ટ પર પણ ન્યૂ યોર્ક લખેલ છે. 


ઓબામાનું પોસ્ટર, નેમપ્લેટ, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી
પટેલ મોટેલ, અંધશ્રધ્ધા

ફિલ્મની અંદર કેટરિના કૈફ વિશે પણ ત્રણેક વખત ઉલ્લેખ છે. પ્રથમ દ્રશ્યમાં જ જ્યારે મિત્રો વાત કરી રહ્યા હોય છે ત્યારે એક વ્યક્તિ પોતાની કેટની એક્ઝામ વિશે વાત કરે છે. એ છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ). દરેક મિત્રવર્તુળમાં કોઈક ને કોઈક મિત્ર હથોડાછાપ જોક્સ સતત કર્યા જ કરે છે. હરીશનો આ મિત્ર જ્યારે પોતાની કેટની એક્ઝામ વિશે વાત કરે છે ત્યારે બીજો એક મિત્ર કેટ એટલે કેટરિના કૈફ એમ કહે છે અને વાતને કોઈક ભળતી જ દિશામાં વાળીને છેક રણબીર કપૂર અને સલમાન ખાન સુધી લઈ જાય છે! હરીશનો એક મિત્ર કેટ પાસ ન કરી શક્યો અને બીજો મિત્ર કહે છે કે કેટરિના પણ રણબીર અને સલમાન કોઈને ન મળી, એ પ્રકારની બે વાતોનો સરવાળો જોરદાર હાસ્ય પેદા કરે છે! હરીશનાં પિતા વિઝા ઇન્ટરવ્યૂ માટે હરીશને કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈની ટ્રેનમાં મૂકીને રિક્ષામાં વળતા ઘેર આવે છે ત્યારે જૂના મિત્ર ઈશ્વર સાથે ફોન પર વાત કરે છે એ વખતે રિક્ષામાં ડાબી તરફ કેટરિના કૈફનું પોસ્ટર છે! હરીશની મા અને ભાભી જ્યારે એની માટે કન્યાઓ જુએ છે ત્યારે હરીશ પોતાની પર્સમાં રાખેલ કેટરિના કૈફનો ફોટો બતાવે છે અને કહે છે કે એને કેટરિના જેવી કન્યા જોઈએ છે!

કેટરિના કૈફ

આજે ગુજરાતી સિનેમાનો સ્ટાર ગણાય છે તે એક્ટર મલ્હાર ઠાકર 'કેવી રીતે જઈશ' ફિલ્મનાં એક દ્રશ્યમાં પણ પોતાના અભિનયની છાપ મૂકી ગયેલ, ન વિશ્વાસ હોય તો જોઈ લો નીચે મૂકેલ આ સ્ક્રીનશોટ્સ... મુંબઈની વિઝા ઑફિસમાં એની મુલાકાત હરીશ સાથે થાય છે. મલ્હાર ઠાકરનું પાત્ર અમેરિકાની વાસ્તવિકતા વિશે વાત કરે છે. રીટા ભાદુરીનાં પાત્રનો વિઝા રિજેક્ટ થાય છે. (રીટા ભાદુરીનો પણ ફિલ્મમાં સુંદર કેમિઓ છે.) રીટા ભાદુરીએ ભજવેલ પાત્રના પતિની તબિયત સારી નથી. એમનો દીકરો અમેરિકા છે, ત્યાં જવા માટે એ વૃધ્ધ યુગલને વિઝા મળતા નથી. મલ્હારનું પાત્ર કહે છે કે એક વખત દીકરો અમેરિકા જાય પછી આ જ થાય છે. હરીશ એક પળની અંદર હચમચી જાય છે અને પોતાની જાતને જ વિશ્વાસ અપાવતો હોય તેમ કહે છે કે એ પોતાના પરિવાર સાથે એમ નહીં થવા દે, એ પોતાની સાથે પરિવારને પણ લઈ જશે. ડૉલરની મોહમાયામાં જકડાયેલો સમાજનો અમુક વર્ગ લાગણીઓ અને સંબંધો ભૂલી જાય છે. સુધા મૂર્તિની નવલકથા 'ડૉલર બહુ' પણ એ જ પ્રકારની વાર્તા માંડે છે.


મલ્હાર ઠાકર

ફિલ્મની અંદર જ્યારે હરીશ પોતાના દોસ્ત રાહિલ સાથે કેવિનને મળવા માટે જાય છે, ત્યારે કેવિન કહે છે કે હરીશમાં 'પેશન' નથી. હરીશને 'પેશન' શબ્દ સમજાતો નથી. રાહિલ એને ભાષાંતર કરી આપે છે કે પેશન એટલે જુસ્સો. (અમિતાભ બચ્ચન પોતાની કારકિર્દી માટે 'પેશનેટ' હતા, તે જ વાત પછીથી હરીશ રેડિયો પર પણ સાંભળે છે, એ પણ ફિલ્મ ડિરેક્ટર અભિષેકનાં જ અવાજમાં. એ વાત મેં આ બ્લૉગમાં લખી છે, હવે પછીના ફકરાઓમાં ક્યાંક એનો ઉલ્લેખ આવશે.) કેવિન હરીશને સલાહ આપે છે કે આત્મવિશ્વાસ કેળવવા માટે દરરોજ અરીસામાં જોઈને પોતાની જાતને કહેવું જોઈએ કે પોતે અમેરિકા જશે. અરીસો મારે માટે હમેંશા પોતાની અંદર ઝાંખવા માટે રૂપક રહ્યો છે. જ્યારે પણ કોઈ ફિલ્મમાં કોઈ પાત્ર અરીસા સામે આવે છે ત્યારે એ ખૂબ જ રસપ્રદ હોય છે. પોતાના મનની અંદર શું ચાલે છે, પોતાને શું જોઈએ છે જેવી વાતોનો અરીસો જવાબ આપે છે. તે સાથે જ આત્મવિશ્વાસ કેળવવા માટે અરીસો હમેંશા સાથ આપે છે. ફિલ્મમાં કેવિનની આપેલી સલાહ હરીશ ધીમે ધીમે અપનાવે છે. પહેરવેશ, બોલી અને પાત્રમાં આવતો બદલાવ જાતને આગળ વધારવાનું સૂચન છે.

અરીસો

હરીશનું અમેરિકા માટેનું પાગલપન એ હદે છે કે એને ખરાબ સ્વપ્નો આવે છે કે વિઝા ઑફિસર એના વિઝા રિજેક્ટ જ કરશે. જ્યારે પણ એ ઊંઘમાંથી જાગવાની તૈયારીમાં હોય છે ત્યારે જ એને એ પ્રકારનું કોઈ ખરાબ સ્વપ્ન આવે છે. કદાચ એક સંકેત પણ છે કે અમેરિકા એની માટે નથી, એ પ્રકારનો એક સંકેત કે હરીશ એક લાંબી ઊંઘમાં છે અને આંખો ખોલીને સચ્ચાઈને જાણે અને ઓળખે. મોહ અને માયામાં ફસાયેલ એક વ્યક્તિની જેમ અમેરિકાનો મોહ હરીશ અને પટેલ પરિવારથી છૂટતો જ નથી, જે પણ એક રીતે એક ખરાબ સ્વપ્ન સમાન જ છે.


ખરાબ સ્વપ્ન


ફિલ્મની અંદર ખોરાક અને રસોઈ પણ મહત્વનો ભાગ ભજવે છે. આમ પણ આપણા ગુજરાતીઓ માટે હમેંશા ખોરાક પ્રથમ હરોળમાં જ રહેશે! હિન્દીમાં પણ એક કહેવત છે - 'આદમી કે દિલ કા રસ્તા પેટ સે હો કે જાતા હૈ'. હરીશની યોજના છે કે અમેરિકા જઈને જે મોટેલ બનાવશે, એ મોટેલમાં માતા અને ભાભી બંને થેપલા અને ખાખરા બનાવશે અને એ લોકો વેચાણ કરશે. ફિલ્મની અંદર મા હરીશને ખોરાક પીરસે છે એ પ્રકારનાં તેમજ ડીનર ટેબલ પરનાં પણ ઘણા દ્રશ્યો છે. ઈશ્વર ઘણા વર્ષે બચુને ત્યાં આવે છે ત્યારે હરીશની માતા જ્યોત્સનાને કહે છે કે ખૂબ લાંબા સમય પછી ગુજરાતી ભોજન જમીને આનંદ થયો. આયુષી અને હરીશ પણ 'આ સફર' ગીતની અંદર પાવભાજીનો સ્વાદ માણે  છે તે દર્શાવેલ છે... (આ ગીત મને ખૂબ જ પસંદ છે, કોઈક દિવસ એ ગીત પર હું પોસ્ટ લખીશ!) હરીશ જ્યારે એરપોર્ટ પર પોતાના પ્લેનની રાહ જુએ છે ત્યારે કંઈક ફાસ્ટ ફૂડ ખાતો દર્શાવવામાં આવ્યો છે, પોતાના પરિવારથી દૂર જતી વખતે પરિવારની યાદો ઘેરી વળે છે એ સમયે એ ખોરાકનો એ સહેજ પણ આનંદ લઈ શકતો નથી. આ રીતે ખોરાક આ ફિલ્મ માટે માતૃપ્રેમ છે. 

ખોરાક

હરીશ ગેરકાયદેસર રીતે નકલી પાસપોર્ટ પર અમેરિકા જવા માટે રવાના થાય છે. ત્યારે રીટા ભાદુરીનાં પાત્ર સાથે એરપોર્ટ પર મુલાકાત થાય છે. તેણી હરીશને ફોર્મની અંદરની એક નાની વિગત માટે પૂછે છે. હરીશ તેઓને ફોર્મની એ વિગત ભરી આપે છે અને તેમના પતિ વિશે પૂછે છે, જે બંનેને તેણે મુંબઈની વિઝા ઑફિસમાં જોયેલા હતા. રીટા ભાદુરીનું પાત્ર જવાબ આપે છે કે પતિનું મૃત્યુ થયેલ છે. પોતાની પાસે રહેલ અસ્થિ વિસર્જનનો કળશ તેઓ હરીશને બતાવે છે. કેટલીક વખત ઘણી વસ્તુઓ આપણા કાબૂની બહાર હોય છે. મૃત્યુ એ મનુષ્યની સમજશક્તિની બહાર છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે એ નક્કી નથી. હરીશ નકલી પાસપોર્ટ પર અમેરિકા જઈ રહ્યો છે, એ પ્રકારની વ્યક્તિઓ પોતાના દેશમાં પાછી ફરી શકતી નથી. એક વખત પ્રસ્થાન થઈ ગયેલું વિમાન કોઈને માટે રોકાતું નથી, જિંદગીની કેટલીક બેકાબૂ વસ્તુઓની જેમ જ. રીટા ભાદુરીનું પાત્ર હરીશને પૂછે છે કે એ તો સમજી વિચારીને અમેરિકા જઈ રહ્યો છે ને? હરીશને કદાચ તેમને મળીને અહેસાસ થાય છે કે એની જિંદગી તો અહીં જ છે. જે રીતે આયુષી તેને પાર્ટીમાં કહે છે કે બધું જ તો અહીંયા છે, ત્યાં અમેરિકામાં શું છે? એક રીતે હરીશને બધાની યાદો અને લાગણીઓ પણ બાંધે છે. ફિલ્મનું એક પોસ્ટર પણ એ જ રીતે હતું જેમાં બીજા પાત્રો હરીશને રસ્સી વડે પોતાની તરફ ખેંચે છે. ટાઈટલ સોંગમાં પણ એ જ વાત વ્યક્ત થઈ છે કે બધી જ વસ્તુઓ અહીં છોડીને હું કેવી રીતે જઈશ?

રીટા ભાદુરી

મૃત્યુ, બેકાબૂ વસ્તુઓ અને પાછો ન લાવી શકાતો સમય

બંધન

ફિલ્મની અંદર અમેરિકા જવાનું સ્વપ્ન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એક રીતે એ સ્વપ્ન હરીશનું પણ નથી. એ સ્વપ્ન એના પિતા બચુ પટેલનું છે. કારણ કે તેમનો મિત્ર ઈશ્વર પટેલ અમેરિકા ગયો અને પોતે અહીં રહી ગયા એ લાગણી સતત તેમની સાથે રહી છે. પરિવારનો મોટો દીકરો જીગ્નેશ પોતાના નાના ભાઈ હરીશ માટે દરેક પળે કંઈક કરી છૂટવાની ઇચ્છા રાખે છે. એ હરીશનાં અમેરિકા જવા માટે પૈસાની વ્યવસ્થા પણ કરે છે. પરંતુ એક નાની ભૂલને કારણે હમેંશની જેમ જ તેને ડોબા કે ડફોળ જેવા બિરુદો આપી દેવામાં આવે છે. એ વખતે જીગ્નેશ પોતાના પિતાને સમજાવે છે કે એક રીતે તો એ પોતાનું જ સ્વપ્ન પોતાનાં સંતાનો પર થોપી રહ્યા છે. નારાજગીમાં પરિવાર છોડીને ચાલ્યો ગયેલ જીગ્નેશ અને અચાનક નકલી પાસપોર્ટ પર અમેરિકા જવા તૈયાર થયેલ હરીશ, આ બંને ભાઈઓની સરખી રીતે છેલ્લી વખત મુલાકાત પણ થતી નથી. પરંતુ અંતે બધુ જ ઠીક થાય છે અને પરિવાર ભેગો થાય છે.  

છૂટો પડેલો અને ભેગો થયેલો પરિવાર


ગુજરાતીમાં એક શબ્દસમૂહ છે- તારામૈત્રક, જેનો અર્થ છે પહેલી નજરનો પ્રેમ. હરીશ અને આયુષીની પ્રથમ વખત એકબીજા સાથે નજર મળે છે તે દ્રશ્ય ખૂબ જ સુંદર છે. એ દ્રશ્યની અંદર મને લાગે છે જાણે તેઓ એકબીજાને માટે જ સર્જાયેલ છે અને અહીં મેં નીચે મૂકેલ સ્ક્રીનશોટ્સ તરફ હું એ રીતે જોઈ રહ્યો છું જાણે હું બંનેને સારી રીતે ઓળખું છું! આયુષી પોતાના પિતા સાથે જ્યારે હરીશને ત્યાં આવે છે ત્યારે પ્રથમ વખત એ બંનેની વાત થાય છે. હરીશને જે ખરાબ સ્વપ્નો આવતા હતાં એ સ્વપ્નમાં એ જ ક્ષણે પરિવર્તન આવે છે. હરીશને લાગે છે કે આયુષી એન.આર.આઇ. છે, જેની સાથે લગ્ન કરીને પોતાનું યુ.એસ.એ. જવાનું સ્વપ્ન પૂર્ણ થશે. આયુષી અને હરીશ બંને પાત્રો ભજવેલ કલાકારો વેરોનિકા ગૌતમ અને દિવ્યાંગ ઠક્કર અસલી જિંદગીમાં પણ એ પછી લગ્નનાં તાંતણે બંધાઈ ચૂક્યા છે. હાઉ સ્વીટ ઇઝ ધેટ! 


આયુષી અને હરીશ - તારામૈત્રક

ફિલ્મી પડદે

જિંદગીને પડદે

વેરોનિકા ગૌતમ - ઇન્સ્ટાગ્રામ


ફિલ્મની અંદર દરેક કલાકારનો ઉત્તમ અભિનય છે. ઈશ્વરનું પાત્ર ભજવતાં અનંગ દેસાઇ પોતે ગુજરાતી હોવા છતાં પ્રથમ વખત તેમણે ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો. હરીશનું એક સરળ દેખાતા ગુજરાતી યુવાનથી અમેરિકા જવાના મોહ માટેનું પરિવર્તન દિવ્યાંગ ઠક્કરનાં અભિનયમાં જોરદાર રીતે ઝીલવામાં આવેલ છે, અફલાતૂન! ડિરેક્ટર અભિષેક જૈન આયુષીનાં પાત્રને પ્રથમ વખત પડદા પર રજૂ કરે છે ત્યારે અમેરિકન ડિરેક્ટર માર્ટિન સ્કોરસેસીનાં સ્ત્રી પાત્રોની જેમ સ્લો મોશન શોટ્સમાં દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. જે માર્ટિન સ્કોરસેસીની પણ બીજા એક મહાન દિગ્દર્શક આલ્ફ્રેડ હીચકોકને ટ્રિબ્યૂટ છે. અભિષેક જૈન પોતે પણ આલ્ફ્રેડ હિચકોકને ખૂબ જ માન આપે છે, એ વાત મેં હમેંશાથી નોંધેલ છે. દીપ્તિ જોશીનો મા તરીકેનો અભિનય એટલો જ સાચો લાગે છે જે પ્રકારની એક ગુજરાતી મા મોટેભાગે હોય છે, જે ક્યારેક મારી આંખો પણ ભીંજવી ગયેલો. ફિલ્મનાં એક દ્રશ્યમાં દારૂની બોટલ્સ દર્શાવવા માટે પણ ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. જે અહીં મૂકેલ વિકિપીડિયા પેજની લીંકમાં રસ હોય તો વાંચી શકો છો. (આ ફકરાની અંદર લખેલી કેટલીક માહિતી માટે આધારભૂત વિકિપીડિયા પેજની લીંક)

પ્રથમ વખત ફિલ્મી પડદે સ્લો મોશન - માર્ટિન સ્કોરસેસી અને આલ્ફ્રેડ હિચકોકને ટ્રિબ્યૂટ

આયુષી તેમજ આલ્ફ્રેડ હિચકોકનાં સ્ત્રી પાત્રો
(ફિલ્મ અનુક્રમે સાયકો અને રીઅર વિન્ડો)

આલ્ફ્રેડ હિચકોક વિશેનું પુસ્તક (અભિષેક જૈન - ઇન્સ્ટાગ્રામ)


અભિષેક જૈન પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરે તે પૂર્વે તેમણે રેડિયો મિર્ચીનાં 'પુરાની જીન્સ' પ્રોગ્રામમાં આરજે તરીકે કામ કર્યુ છે. એ પૂર્વે તેઓ સુભાષ ઘાઈની 'વિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ'માં વિદ્યાર્થી રહી ચૂકેલ છે. અભિષેક સુભાષ ઘાઈની 'યુવરાજ' તેમજ સંજય લીલા ભણસાલીની 'સાવરિયા', આ બંને ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચૂકેલ છે. (સંજય લીલા ભણસાલીનાં ફિલ્મ સેટ પર હોવું એ મોકો જ એક ખૂબ જ મોટી વાત છે!) સુભાષ ઘાઈની એક આદત છે કે મોટાભાગની પોતાની ફિલ્મોમાં તેઓ એક કેમિઓ રોલ કરે છે. અભિષેક દ્વારા પોતાની ફિલ્મ 'કેવી રીતે જઈશ'નાં પાર્ટી સીનમાં કેમિઓ કરીને સુભાષ ઘાઈને ટ્રિબ્યૂટ આપવામાં આવી છે? સંજય લીલા ભણસાલી પોતાના સેટની ભવ્યતા તેમજ લાઇટિંગ્સ માટે જાણીતા છે. ભણસાલીની ફિલ્મમાં દીવાઓ પણ મહત્વનો ભાગ ભજવે જ છે. શું પાર્ટી સીનની અંદર દીવાઓ તેમજ આછી રોશની ભણસાલીને ટ્રિબ્યૂટ છે? અને હા, અભિષેક જ્યારે આરજે અભિષેક હતા, મને યાદ છે તેઓનો એ પ્રોગ્રામ 'પુરાની જીન્સ' હું ઘણી વખત રાત્રે સૂતા પહેલા સાંભળતો. જૂના ફિલ્મી ગીતો વિશેની ઘણી માહિતી મને એમની પાસેથી મળી છે કારણ કે ત્યારે ગૂગલ પર સર્ચ થઈ શકે એ પ્રકારનો મને ખ્યાલ નહોતો. આરજે અભિષેકનું એક ફેસબુક પેજ હતું, જે કદાચ હાલ અસ્તિત્વમાં નથી, કારણ કે મને ન મળ્યું. એ પેજ પર તેઓ બધા જ મારા પૂછેલા પ્રશ્નોનાં જવાબો આપતા, મને ખૂબ જ સારી રીતે યાદ છે. મોટેભાગે દરેક શ્રોતાની કમેન્ટ્સનો તેઓ જવાબ આપતા. હું તો આરજે અભિષેકનો ફેન હતો મને બરાબર રીતે યાદ છે! એમની ગીતોની સાથે માહિતી પીરસવાની અદા તેમજ તેઓનો અવાજ મને ખૂબ જ ગમતો. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર હું ખૂબ જ સક્રિય થયો એ પછી ખ્યાલ આવ્યો કે આ ફિલ્મનાં દિગ્દર્શક અભિષેક જૈન એટલે જ આરજે અભિષેક અને મેં મૂર્ખની જેમ તેમને ટ્વિટર પર સવાલ પણ કર્યો હતો, જેનો તેઓએ જવાબ પણ આપેલો. ફિલ્મની અંદર હરીશ રેડિયો સાંભળે છે એ દ્રશ્યમાં તેઓનો પોતાનો જ અવાજ છે. વર્ષ ૨૦૧૬નાં 'ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ' વખતે શ્રીરામ રાઘવનનાં સેશનમાં અભિષેક જૈનને રૂબરૂ જોઈ શક્યાનો અવસર મળ્યો. કોઈ ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ એ દિવસે લીધો નથી, કારણ કે બંને મહાનુભાવો ઉતાવળમાં હતાં, અને કદાચ હું એ મોહની અંદર જ હતો કે આ સત્ય જ નથી કે એ લોકો મારી સામે રૂબરૂ સાક્ષાત વાતો કરી રહ્યા છે! એ સેશનમાંથી મને સિનેમા વિશે ઘણી જાણકારી મળી છે. આરજે દેવકીએ એ સેશનમાં કહ્યુ હતું કે 'કેવી રીતે જઈશ' ગુજરાતી સિનેમા માટે 'શોલે' છે! યાદો જ યાદો! કેટલાક જૂના ફોટોગ્રાફ્સ તેમજ આ ફકરા સંબંધિત સ્ક્રીનશોટ્સ સાથે આ પોસ્ટ પૂર્ણ કરી રહ્યો છું, ત્રણેક દિવસ પહેલાં જ મને યાદ આવ્યું કે આ ફિલ્મને પાંચ વર્ષ પૂર્ણ થશે, એટલે એક વખત ફરી આ ફિલ્મ જોઈ. એ પછી ઉતાવળમાં લખેલી આ પોસ્ટ સારી રીતે લખી શક્યો નથી, ક્યાંક જોડણીની કે બીજી કોઈ ભૂલો હોય તો પણ માફ કરશો. મારા દિલની વાત તમારા દિલ સુધી જરૂર પહોંચશે એ મને વિશ્વાસ છે. અભિષેક, તમારી ત્રીજી ફિલ્મની હું જરૂરથી રાહ જોઈ રહ્યો છું!! (અને મારા જેવા બીજા ઘણા પ્રશંસકો પણ!)  

સંજય લીલા ભણસાલીની જેમ દીવા અને રોશની

રેડિયો મિર્ચી પર પુરાની જીન્સ
અને
અભિષેકનો ફિલ્મી પડદે કેમિઓ



પુરાની જીન્સ

આરજે અભિષેક

આરજે અભિષેક અને આરજે ધ્વનિત


ટ્વિટર પર મારી વાત


ફિલ્મ ક્રેડિટ્સ






No comments:

Post a Comment