Saturday, 18 March 2017

ટ્રેપ્ડ - નસીબ, બચાવ અને જિંદગીવિક્રમાદિત્ય મોટવણેની 'ટ્રેપ્ડ' અદ્ભુત ફિલ્મ છે. આ કદાચ એ પ્રકારની ફિલ્મ છે જે અત્યાર સુધી હિન્દી સિનેમામાં કોઈએ જોઈ નહીં હોય. વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં વખાણ અને વાહવાહી મેળવીને ફિલ્મ હવે ઘરઆંગણે આવી છે. ફિલ્મની અંદર એવું કંઈ નથી જે માનવામાં ન આવી શકે. ફિલ્મનાં મુખ્ય પાત્ર સાથે જે થાય છે તે આપણામાંથી કોઈની પણ સાથે થઈ શકે. પણ, એ પરિસ્થિતિમાંથી બહાર આવવું એ ખૂબ મોટી અને પ્રેરણાદાયી વાત છે. એટલા માટે મને આ ફિલ્મ ખૂબ ગમી. તમે શું કરશો, જો એક બહુમાળી બિલ્ડીંગમાં મૂળભૂત જરૂરિયાતો વિના ફસાઈ જવાય તો? શું કરશો જો તમે ફક્ત એકલા છો અને ત્યાં ફસાઈ જાઓ છો? તમારે ફક્ત મદદ માંગવી પડશે, જે કદાચ ન પણ આવે. આ છે મુખ્ય વાર્તા, હું 'ફિલ્મ સ્પોઈલર્સ' નથી કહેતો, આ આપણને ટ્રેલર પરથી ખ્યાલ જ છે. 

શૌર્ય (રાજકુમાર રાવ) એના ફ્લેટની અંદર ફસાઈ જાય છે. એ બધા જ પ્રયત્નો કરે છે બહાર નીકળવા માટે, પણ શરૂઆતમાં સફળતા નથી મળતી. તમે એ પાત્ર સાથે રડશો અથવા લાગણીશીલ થઈ જશો એમ નહીં બને, પણ, એની હતાશા અને ચિંતાનો તમે જરૂર અનુભવ કરશો. રણવીર સિંઘ ફિલ્મને જોઈ બહાર આવ્યો ત્યારે એણે કહ્યુ કે એ સીટની ધાર પર બેઠેલો રીતસર, એ વખતે મને વિશ્વાસ ન આવ્યો, પણ મારી સાથે પણ ફિલ્મ જોતી વખતે એ જ થયું, હું એ પાત્ર વિશે વિચારતો હતો દરેક પળે કે હવે પછી શું થશે, એક વખતે હું રીતસર એ પાત્રનાં બચાવ માટે પ્રાર્થના કરતો હતો. શરૂઆતમાં હું દિવસો ગણતો હતો કે એને અંદર ફસાયા બાદ આટલો સમય થયો, પણ પછી મેં એ પણ ન કર્યુ, કારણ કે મારાથી પૂરતું ધ્યાન પણ નહોતું આપી શકાતું...
સૌથી મોટી વક્રોક્તિ છે કે શૌર્યનો અર્થ છે બહાદુરી, પણ એ પરિસ્થિતિમાં ગમે તે વ્યક્તિ ડરપોક જેવું વર્તન કરી શકે. કેટલાક લોકો થિયેટરમાં એની સ્થિતિ અને એનાં વર્તન પર શરૂઆતમાં હસતાં હતાં, પણ એક સમય પછી બધા શાંત થઈ ગયેલા, કદાચ એમને પણ એની સ્થિતિનો અનુભવ થયો હશે. બીજી વક્રોક્તિ છે કે શૌર્યનાં ફ્લેટનું નામ 'સ્વર્ગ' છે, પરંતુ એની માટે એ નરક સાબિત થાય છે. 

૧૦૩ મિનિટ્સની ફિલ્મમાં ભાગ્યે જ ૨૦ થી ૩૦ લીટીનાં ડાયલોગ્સ છે. ફિલ્મની અંદર સૌથી સુંદર છે શાંતિ, મૌન કે ચુપકિદી. એક સમયે વરસાદ પડે છે, શૌર્ય ૪-૫ દિવસથી તરસ્યો છે અને એ વરસાદની બુંદો એની આશા છે. ફિલ્મનાં અંતમાં આવતો શૌર્ય (રાજકુમાર રાવ) અને નૂરિ (ગીતાંજલિ થાપા) વચ્ચેનો સીન અદ્વિતીય છે, એક પણ શબ્દ બોલ્યા વિના બંને પાત્રો એકબીજાને સમજે છે, એ સાથે આપણને પણ સમજાય છે કે એ લોકો શું વ્યક્ત કરવા માંગે છે. ફિલ્મનાં બંને ગીતો ખૂબ સુંદર છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ જ સરસ. એક ખરાબ સમયે શૌર્ય પોતાની જાતને યાદ દેવડાવે છે કે એ જગ્યાએ એ નહીં મરે, એણે જીવતા રહેવું પડશે. એ પોતાની જાતને પ્રેરણા આપે છે કે જીવનમાં હજુ એને ઘણું કરવાનું બાકી છે, એ બધા સપનાઓ અને વસ્તુઓ વિશે પોતાની જાત સાથે વાત કરે છે. અને એ દ્વારા વિક્રમાદિત્ય મોટવણે આપણને જીવન વિશે એક મોટી શીખ આપે છે. ગમે તેટલી ખરાબ કે ભયંકર પરિસ્થિતિ જ કેમ ન હોય, બસ આગળ વધતા રહો. આપણાંમાંથી ઘણા બધા જિંદગીની અંદર પણ ફસાયેલાં છીએ, ઘણા લોકોને પોતાની જિંદગી નથી ગમતી, પણ આપણે આગળ વધતા રહેવાનું છે. ક્યારેક તો સારો સમય આવશે જ જેની તમે રાહ જુઓ છો, ચોક્ક્સ આવશે. (કદાચ શૌર્યનાં ફ્લેટમાંથી દેખાતી બીજી બિલ્ડીંગનું નામ પણ એટલા માટે જ 'સનશાઇન' છે, કદાચ એ પણ આ જ વસ્તુ સૂચવે છે.) મેં જ્યાં ફિલ્મ જોઈ ત્યાં થિયેટરમાં અચાનક જ ફિલ્મ સ્ટોપ થઈ ગઈ અને એ લોકોએ 'ઇન્ટરવલ' આપ્યો, જ્યારે હકીકતમાં આ 'ઇન્ટરવલ વિનાની ફિલ્મ' છે, એટલે મને ગુસ્સો આવેલો.  ડિરેક્ટરનું કહેવું હતું ફિલ્મ ઇન્ટરવલ વિના રાખવાથી પાત્રની લાગણીઓ ઓડિયન્સ સુધી પહોંચશે. 

હોલીવુડમાં ઘણા સર્વાઈવલ ડ્રામા બને છે. જેમ કે '127 અવર્સ' ; 'કાસ્ટ અવે' ; 'લાઇફ ઓફ પાઇ' ; વગેરે. પરંતુ મેં આ બધી ફિલ્મ્સ નથી જોઈ. મેં 'વાઈલ્ડ' અને 'ઈનટુ ધ વાઈલ્ડ' જોઈ છે. પણ, એ થોડી અલગ છે. 'ટ્રેપ્ડ' સ્ક્રીન પર ચિંતા પેદા કરે છે, સીટની ધાર પર બેસીને ઘણી વખત ફિલ્મ જોવી પડશે, તમને એ સ્થિતિ સમજાશે. કેટલાક લોકો બોક્સ ઓફિસ કે હિટ કે ફ્લોપ વિશે વાત કરતાં હતાં. પણ, આ ફિલ્મ એ બધી વસ્તુઓથી ઉપર છે. રાજકુમાર રાવ દ્વારા અતિશય ભયંકર અને જબરદસ્ત અભિનય. વિક્રમાદિત્ય મોટવણેએ ખૂબ ઓછી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે અને કદાચ ફિલ્મનું બજેટ પણ વધારે નહીં હોય. પણ, એટલામાં પણ એમણે ખૂબ જ સુંદર ફિલ્મ બનાવી છે. 
ઇન્ટરવલ વિનાની બીજી ફિલ્મ વિશેની લીંક -

કેટલીક મારી બીજી પોસ્ટ્સ - 


વિક્રમાદિત્ય મોટવણેની પ્રથમ ફિલ્મ - ઉડાન (૨૦૧૦) 

No comments:

Post a Comment