Tuesday, 7 February 2017

હેપી બર્થડે હેની

તને પહેલી વખત જોયેલી એ દિવસ મને હજુ એમનો એમ જ યાદ છે. હું બેઠેલો કોલેજનાં રૂમ નં. 201 પાસે, અને પીળા રંગની કુર્તી પહેરીને તુ સામે ઉભેલી, તમારા ક્લાસનાં ટાઈમટેબલ વિશે પૂછતી હતી. મારો ફોન ચાલુ હતો અને મેં ફક્ત સામેના નોટિસ બોર્ડ પર જોવા માટે કહ્યુ હતું. એ પછી તુ ચાલી ગયેલી ત્યાંથી. એ પછી હું તને જોતો ક્યારેક ક્યારેક જયદીપ સાથે, કોલેજનાં કોઈ ખાલી ક્લાસરૂમમાં તમને બંનેને એકલા બેઠેલા, ક્યારેક સીડીનાં પગથિયાં પર તમારામાંથી એક બેઠેલ હોય એક સામે ઊભુ હોય, કદાચ બંનેને વાત કરતી વખતે એકબીજાની આંખોમાં જોઈ રહેવું હશે! હું હમેંશા વિચારતો તમારા બંનેમાંથી જે પણ ઊભુ હોય એની માટે કે થાક નહીં લાગતો હોય!! કારણ કે ઘણી વખત એક-બે લેક્ચર પછી બહાર આવીને હું જોતો ત્યારે પણ તમે ત્યાં જ! કદાચ ક્યારેક તુ ઊભી હોય તો બે કલાક પછી જોઈએ તો જયદીપ ઊભો રહેલો જોવા મળતો અને તુ પગથિયાં પર બેઠેલી, અને જો તુ બેઠેલી હોય તો બે-ત્રણ કલાક પછી તુ ઊભી રહેતી અને એ બેસતો, વાહ, શું સમજતા હતા તમે એકબીજાને. કદાચ એને જ 'કમ્પેનિયન્શિપ' કહેતા હશે!

જયદીપ સાથે મારે કોલેજનાં શરૂઆતનાં દિવસોમાં જ સારી વાતો થયેલી, પછી હું તમને બંનેને ડાયરેક્ટ મળેલો કુંતલ અને ઋતુરાજ મારફતે. એ વખતે જયદીપ સાથે હું વધારે કનેક્ટ થઈ શકતો નહીં, એટલે ઋતુ, લડ્ડુ કે કુંતલને જયદીપ સાથે વધારે સમય પસાર કરવો હોય અને તારી સાથે ન કરવો હોય એ હું સમજી નહોતો શકતો. એ વસ્તુ મને પછીથી ખ્યાલ આવેલી કે તારી સાથે એ લોકોને અને તને એમની સાથે ફ્રેન્ડશિપનું એ કમ્ફર્ટ લેવલ નહોતું. પણ મને હમેંશા સમજણ પડતી તારા વિશે કે તુ કેમ નહોતી આવતી બધી જગ્યાએ બધાની સાથે અને તુ હમેંશા મને કહેતી રહે છે કે મારા લીધે તુ આ બધા સાથે જોડાઈ. એ વખતે મને વિશ્વાસ નહોતો બેસતો. પણ કદાચ હવે વિચારુ તો એ સાચુ લાગે છે, કારણ કે તારો અને મારો સ્વભાવ ઘણો જ મળતો આવતો એ વખતે, ઘણા શોખ પણ સરખા. આપણે નાની વાતોમાં ગુસ્સે થઈ જતા, જો સામેનું માણસ આપણને ન સમજે. પણ આપણે ઘણી વખત આપણી વાત સમજાવી નહીં શકવાના કારણે વધારે ગુસ્સે થતાં હતાં. પછી મારે પણ જયદીપ સાથે થોડો કોન્ટેક્ટ વધ્યો અને પછી આ લોકોની જેમ મને પણ થોડી ઈર્ષા થતી કે મોટાભાગનો સમય તુ અને જયદીપ જ સાથે રહેતા અને અમને જયદીપ સાથે કોઈ ખાસ વાતો કરવા નહોતી મળતી. પણ હાલ વિચારુ તો લાગે છે કે જ્યારે જયદીપ કુંતલ, ઋતુ કે લડ્ડુ સાથે સમય ગુઝારતો, ત્યારે આપણે પણ અમુક વખત વાતો કરતા અને પછી આપણી દોસ્તી વધારે ગાઢ થઈ. ખબર નહીં કોઈ જાદુઈ પરિવર્તન થઈ ગયેલું મારી જિંદગીમાં, તારી અને જયદીપની સાથે ધીમે ધીમે હું પણ જોડાઈ ગયો. હા, હું કુંતલ અને ઋતુની સાથે પણ હતો. પણ તમારી સાથે હું કંઈક અલગ હતો. હા, મને ક્યારેક કંટાળો આવતો, ક્યારેક ખૂબ ગુસ્સો આવતો તમારી બંનેની ઉપર. (હજુ પણ આવે છે!) પણ કદાચ હું તમારી સાથે એટલા માટે નજીક થઈ શક્યો, કારણ કે આપણે ત્રણ એકબીજાની વાતોમાં રસ લઈ શકતા હતા. કદાચ તમારી 'કપલ ટોક્સ'માં બીજા લોકોને રસ નહીં પડતો હોય પણ હા મને રસ પડતો. હું પણ કંટાળતો ઘણી વખત તમારી વાતોથી. પણ તમે બંને મને સમજી જતા અને હું તમને. મને ક્યારેય તમે કહ્યુ નથી કે હું તમને પર્સનલ સ્પેસ નહોતો આપતો અથવા તમારે બંનેને પર્સનલી ટાઈમ જોઈતો હોય અને હું નડ્યો હોય એવું પણ યાદ નથી. કારણ કે પછીથી તો આપણે ત્રણ જ સાથે ફરતા થઈ ગયેલા મોટે ભાગે! તમારી બધી નાની નાની વાતો, ઝઘડા, પસંદગી, નાપસંદગી, નારાજગી, ખુશી, કેરિંગ એ બધુ મોટાભાગનું મને યાદ છે! ક્યારેક કોલેજમાંથી છૂટીને સેક્ટર 28નાં બગીચામાં જવું હોય કે કોઈ વાર સેક્ટર 1નાં લેક પર કે ક્યારેક બસ એમ જ ક્લાસમાં બેસી રહીને વાતો કરીને પથિકા જઈને આઈસ્ક્રીમ કે પાણીપુરી ખાવી હોય કે ક્યારેક ઘ-5 જઈને ત્યાનું ચાઈનીઝ ખાવું હોય કે ક્યારેક તારે ને જયદીપે એકબીજા માટે ગિફ્ટ લેવી હોય, માય ગોડ, હું મોટા ભાગે તમારી સાથે હતો...!!

મારી ઘણી બધી રેમેડિયલ વખતે મને બધા હમેંશા સાથ આપતા, પણ તુ સ્પેશ્યલી મને સવારે મેસેજ કે ફોન કરીને વાંચવા માટે જગાડતી. મને ૫-૯-૨૦૧૨નાં કોલેજનાં પ્રોગ્રામમાં તારુ ગાયેલું 'ધુનકી' યાદ છે અને એ ગાવા માટેની પ્રેક્ટિસ. તારી અને જયદીપની સાથે પ્રોજેક્ટ શીખવા માટે કરેલી પ્રેક્ટિસ યાદ છે... બીજી અમુક વસ્તુઓ લખીશ તો પાનાં ભરાશે!! મારે ઘણી વખત જયદીપને કારણે તને બોલવું પડ્યુ છે અથવા તમને બંનેને બેલેન્સ કરવા માટે કોઈ એક ઘણી વાર નારાજ થયું છે. પણ, ધેટ્સ લાઈફ! હું વિચારુ છું કે તુ મારો બર્થડે ભૂલી કઈ રીતે જઈ શકે? આઈ ડોન્ટ નો, મને એ ખરાબ નથી લાગતું કે લોકો ક્યારેક મને ભૂલી જાય છે, મને ખરાબ એ લાગે છે કે હું કંઈ પણ નથી ભૂલી શકતો, ના કોઈ બર્થડે, ના કોઈ યાદ કે ના કોઈ વ્યક્તિ! હા, આપણે બધા પોતપોતાની દુનિયામાં ખુશ છીએ અને ક્યારેક સમય સમય પર એકબીજાથી નારાજ થઈને કે તારીફ કરીને કે વોટ્સએપ પર બે-ચાર મિનિટની વાત કરીને જિંદગી જીવવા લાગ્યા છીએ, બટ આઈ વોન્ટ યુ બોથ ઈન માય લાઈફ! તુ અને જયદીપ બંને એવી વ્યક્તિઓ છો જેમને હું નથી ભૂલવા માંગતો. જન્મદિન ખૂબ ખૂબ મુબારક, અને તને અને જયદીપ બંનેને તમારી નવી શરૂ થનારી જિંદગી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 






No comments:

Post a Comment