Friday, 17 February 2017

નિર્દોષતા





આજે બપોરે રિસેસમાં ઓફિસનાં બગીચામાં બેઠેલો. વિધાનસભાની મુલાકાતે આવેલા સ્કૂલનાં બચ્ચાઓને બગીચાની પ્લાસ્ટિકની પાઈપથી પાણી પીતા હું થોડો સમય જોઈ રહ્યો. એ લોકો એમની મસ્તીમાં મગ્ન, એકબીજાની પર પાણીની છોળો ઉડાડતા પાણી પીતા હતા. મને બે ઘડી વિચાર આવ્યો કે મિનરલ વોટરની બોટલમાં આ નિર્દોષતા ક્યાંક ખોવાઈ ગઈ છે. હવે આ વસ્તુ સાથે બધા સહમત થશે કે રેસ્ટોરેન્ટમાં જઈએ એટલે સૌથી પહેલો પ્રશ્ન 'રેગ્યુલર વોટર કે મિનરલ વોટર' પૂછવામાં આવે છે. વાત અહીં હું પાણીની બોટલ કે મિનરલ વોટર વિશે નથી કરતો. હું બીજી કોઈ વાત આ સાથે જોડાયેલ હોય એ પણ નથી કરવા માંગતો. મારે ફક્ત એ કહેવું છે કે આપણી રોજિંદી જિંદગીમાં આપણે એ રીતે જીવવા ટેવાઈ ગયા છીએ કે નાની નાની નિર્દોષ વસ્તુઓ પર ધ્યાન જ હવે જતું નથી. મારે એ છોકરાઓ સાથે પાણીની છોળો ઉડાડવી હતી, પણ હું ફક્ત ત્યાં બેસીને એમને જોઈ રહ્યો. કારણ કે ઓફિસનાં સમયમાં મારા કપડા ખરાબ થાય એમ હતા. પણ, આ આપણી જિંદગીનું સનાતન સત્ય થઈ ગયું છે કે ઘાસમાં હાથ-પગ ફેલાવીને માથું ઘાસને અડીને રહે તે રીતે સૂવામાં કે વરસતાં વરસાદમાં રેઈનકોટ, છત્રી કે ગાડીની બહાર નીકળતાં આપણા કપડા ખરાબ થઈ જાય છે. મને એ યાદ નથી કે મેં છેલ્લે ચકલી ક્યારે જોયેલી. અત્યારનાં નાના છોકરાઓને હાથી જોઈને પણ નવાઈ લાગે છે. આપણે બધા એ રીતે જીવવા લાગ્યા છીએ જ્યાં આવી વસ્તુઓની કે વાતોનું કોઈને માટે કોઈ જ મૂલ્ય રહ્યું નથી.




આજના સમયે એન્ડ્રોઈડ ફોન કે એમાં કોઈ ખાસ એપ ન વાપરનારા લોકો સામે આસપાસનાં લોકો કંઈક અજીબ નજરોથી જોઈ રહે છે. એક સમયે મોટાભાગની રજાઓ અને વેકેશન મામાનાં ઘરે રહેવાનું થતું અને એ સમય હવે ક્યાંક જતો રહ્યો છે અને એટલે ઊંડે ક્યાંક ધરબાઈ ગયો છે કે શોધીએ તો પણ એ સમય પાછો નથી મળતો. હવેની બધી રજાઓ 'સમર કેમ્પ' કે 'ફલાણા' ને 'ઢીંકણા' ક્લાસમાં જાય છે. હવે ટપાલી કોઈને માટે પત્રો કે દિવાળી કાર્ડ લઈને નથી આવતો. હવે સાંજનાં સમયે ઘરની આસપાસ ક્રિકેટ કે બીજી રમતો રમતાં બાળકો પણ ઘટી ગયા છે. રમતો ઘરની અંદરની ગેમ્સની અંદર જ ફેરવાઈ ગઈ છે. રમકડાનું સ્થાન પણ સ્માર્ટ ફોન જ લઈ રહ્યો છે. અમુક મા-બાપને તાજા જન્મેલ બાળકનો ફોટો લેવામાં પણ કોઈ જ શરમ નથી આવતી. કોઈ એ તાજા જન્મેલ બાળકની આંખો વિશે વિચાર કરતું નથી કે એની ઉપર ફ્લેશની અસર કેવીક થશે કે થોડોક દૂરથી ફોટો લઈએ, નહીં કે એકદમ ચહેરાની નજદીકથી. અમારે એ દોઢ વર્ષનો, પણ એને ફોનમાં બધી ખબર પડે કહેનારા માતા-પિતા સંતાનની ફોનની જાણકારી પર ગૌરવ લે છે. પણ, એ વાતની મા-બાપને શું જાણ નથી કે એ ફોનની એની પર શું અસર થશે? દસ-બાર વર્ષનાં છોકરા-છોકરીઓની સામે આખુ ઈન્ટરનેટ ખુલ્લું છે, એમ છતાં મા-બાપ સામે બેસીને જિંદગી વિશે વાત કરવાનો ના સંતાન પાસે સમય રહ્યો છે કે ના પેરેન્ટ્સ પાસે. અને આ વાત હાલ ભલે સાર્વત્રિક ન લાગતી હોય પણ આવનારા સમયમાં ભયંકર રૂપ ધારણ કરશે જ એ પાક્કુ!



4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. જીવન ખૂબ જ રૂટિન થઈ ગયું છે નિર્દોષ આનંદ તો જાણે ખોવાય જ ગયો છે. જીવનને સરળ બનાવતા સાધનોને આધીન થતા જાય છે લોકો. એની ખરાબ અસરની ભાન નથી રહ્યું. લોકોને ખુશ હોઈએ કે ના હોઈએ ખુશ દેખાઉં છે.

    ReplyDelete
  3. સંવેદના જ નથી રહી જાણે એવું લાગે. વર્ષો પછી નાનપણથી આવા સાધનો વાપરતા લોકો કેવા હશે? વેદના હશે પણ કોઈ સાંભળનાર નહિ હોય. રડવા માટે કોઈ ખભો નહીં હોય...ના ના આવું કંઈ નહીં થાય ત્યારે આ બ્લોગ હશે જે સંવેદના વહેંચશે...

    ReplyDelete
  4. ખૂબ ખૂબ આભાર, હું આપની વાત સાથે સંમત છું.

    ReplyDelete