Thursday 16 February 2017

ફરવરી કી સર્દિયો કી ધૂપ મેં...




ફેબ્રુઆરી, વર્ષનો સૌથી નાનો મહિનો. ઠંડી ઘટી જાય છે, ક્યારેક પંખો ચાલુ રહે છે, ક્યારેક બંધ કરવો પડે છે. કોઈ દિવસ સ્વેટર કે કોટ સાથે રાખવો પડે છે, ક્યારેક નહીં. ક્યારેક વાદળા દેખાઈ આવે છે. ક્યારેક તડકો નીકળે છે. હું આખા શહેર પર પથરાયેલો તડકો નિહાળું છું અને આ લખતી વખતે મને ખબર નહીં કેમ ચંદ્રકાંત બક્ષી યાદ આવે છે. એમનું લખાણ જ્યારે વાંચુ છું ત્યારે એમ થાય છે કે જે લખ્યું છે એ નજર સામે બને છે. અમુક વખત કોઈ વસ્તુ કે વ્યક્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે તો ઘણી વસ્તુઓનો ખ્યાલ આવે છે. મેં આ પોસ્ટ લખવાનું શા માટે શરૂ કર્યુ અને આ પોસ્ટ દ્વારા શું કહેવા માંગુ છું એ હું હજુ પણ નથી જાણતો. બસ એમ જ લખું છું, વાંચવાનું મન ન થાય તો બંધ કરજો.

તડકો મોટેભાગે નથી ગમતો. પણ જો કૂમળો તડકો હોય તો ઘણી વખત રાહત મળે છે. ક્યારેક એમ જ ત્યાં બેસી રહેવાનું મન થાય છે. ફેબ્રુઆરીનો તડકો એટલા માટે ખાસ છે કે વધારે ઠંડી હોતી નથી અને ગરમી ધીમે ધીમે શરૂ થઈ હોય છે. શાદ અલીની ફિલ્મ 'સાથિયા'માં એક ગીત છે, 'ચુપકે સે'. એમાં ગુલઝારનાં લખેલા અમુક શબ્દો છે, જે નીચે લખ્યા છે... 


ફરવરી કી સર્દિયો કી ધૂપ મેં
મુંદી મુંદી અખિયો સે દેખના
હાથ કી આડ સે
- ગુલઝાર
ચુપકે સે, સાથિયા (૨૦૦૨)






આ ગીત મને ખૂબ ખૂબ ગમે છે. હું આ શબ્દો પર ઘણી વખત વિચાર કરુ છું કે એમાં બંધ આંખો વડે હાથની આડશથી ફેબ્રુઆરીનો તડકો જોવાનું કેમ કહ્યુ છે. મને જવાબ ક્યારેય નથી મળ્યો! કદાચ બંધ આંખો હોય તો તડકાની તીવ્રતા એટલી મહેસૂસ ન થાય અને થોડી કોમળતા લાગે. તડકો એટલે કે સૂર્યપ્રકાશ ન હોય તો ઘણા કામ અટકી પડે છે. તડકો હોય એટલે આપણે વધારે તડકો છે એમ ફરિયાદ કરીએ છીએ અને જ્યારે ચોમાસામાં તડકો નથી નીકળતો ત્યારે કપડા ન સૂકાયાની પણ ફરિયાદ કરીએ છીએ. શિયાળામાં તડકો નીકળે ત્યારે ઠંડી થોડી ઓછી થાય છે. તડકો જિંદગી જેવો છે. જ્યારે જે છે એ નથી ગમતુંજ્યારે એ પાસે નથી હોતું ત્યારે ન હોવાની ફરિયાદો!




હું સંજય દેસાઇ સવારે ઓફિસ માટે નીકળું છું અને ટ્રાફિક સિગ્નલ પર સ્કૂલનાં બચ્ચાઓને એમનાં મમ્મી-પપ્પાને લપાયેલાં બેસીને સ્કૂલે જતાં જોઉ છું, એમના ચહેરા પર કોમળ તડકો અને એમનું નિર્દોષ હાસ્ય જોઉ છું. ક્યારેક વાદળોની વચ્ચેથી લપાતો છૂપાતો સૂર્ય જોઉ છું, ક્યારેક રિસેસમાં તડકામાં બેસુ છું, ક્યારેક છાયામાં બેસવાનું મન થાય છે. ઓફિસનાં બગીચાનાં ઘાસ અને ફૂલો પર પથરાયેલો તડકો જોઉ છું, જેમાં ફુવારા ચાલુ થાય ત્યારે તડકાની સાથે પાણીની સુગંધ અને ઠંડક ભળે છે. ઘાસમાં બેસીને સૂર્યને જોઉ છું, ઝાડના પત્તામાંથી ચળાઈને આવતો તડકો જોઉ છું. સાંજે તડકો ઓફિસની બારીમાંથી પ્રવેશે ત્યારે બારી બંધ કરીને પડદો ઢાંકી દઉ છું ને એમ છતાં સાંજે ઓફિસથી નીકળતી વખતે સૂર્યાસ્તનો તડકો ગમે છે. દરેક ફેબ્રુઆરીમાં મારી ઉંમરમાં એક વર્ષ ઉમેરાય છે અને વૃક્ષો પરથી ખરીને નીચે પડેલા પાંદડાઓ પર પથરાયેલો તડકો જોઉ છું ને મારી જિંદગી ચાલતી રહે છે... 





2 comments:

  1. ફેબ્રુઆરી એટલે વસંતૠતુનો મહિનો અને વસંત હોય પછી પૂછવુ જ શું? કૃષ્ણનું બધુ જ સુંદર...ૠતુ પણ... વસંતની શરુઆત વાતાવરણમાં અજબ ફેરફાર લાવે છે. જીવસૃષ્ટિ સુષુપ્તાવસ્થામાંથી જાગે છે ત્યારે નહિ ઠંડી નહિ ગરમી એવુ માફકસરનુ વાતાવરણ હોય છે જેથી સુષુપ્તાવસ્થા ગયેલ જીવોને વાતાવરણથી ટેવાવામાં સાનુકૂળતા રહે કદાચ આવુ હશે.

    ReplyDelete