Monday, 26 December 2016

એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી (૨૦૧૬)

***આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે.***મને ક્રિકેટ વિશે ખાસ જ્ઞાન નથી, તો પણ થોડુક જેટલું સમજાય છે અને થોડુ ઘણુ સમજીને આ પોસ્ટ લખવા બેઠો છું, ફિલ્મ ખાસ્સી એન્ટરટેનિંગ છે અને એટલી જ ઈમોશનલ પણ લાગી મને, એક માણસની આખી સફર ક્રિકેટની દુનિયામાં સફળતાના શિખર સુધી પહોંચવાની, એક એવા દેશમાં જ્યા ક્રિકેટ અને સિનેમાને પણ અલગ ધર્મ માનવામાં આવે છે...

મહેન્દ્ર


મને આખી ફિલ્મમાં સૌથી સરસ પાર્ટ લાગ્યો બચપણ, મહેન્દ્રના બાળપણના રોલમાં છે ઝીશાન નામનો ચાઈલ્ડ એક્ટર, અને એણે અફલાતૂન કામ કર્યુ છે. એના પિતા પંપ ઓપરેટર છે, એને કહે છે કે સારી રીતે ભણી ગણીને સારી નોકરી નહીં લો તો મારા જેવી જિંદગી જીવવી પડશે, પણ એને ખબર છે કે એને કેવી જિંદગી જોઈએ છે, એક રાતે એ ઘરની અગાશીમાંથી શિયાળાની રાતની ઠંડીમાં પણ એના પિતાને કામ કરતા જુએ છે, એની સાથે આપણને પણ સમજાય છે કે એ શું મહેસૂસ કરે છે એ વખતે, એક પણ ડાયલોગ વગરની સમજાઈ જતી વાતો સૌથી અસરકારક હોય છે. 

એક દિવસ મહેન્દ્ર સ્કૂલના મેદાનમાં ફૂટબોલ કીપિંગ કરતો હોય છે અને સ્કૂલના કોચ બેનર્જી (રાજેશ શર્મા) એને જુએ છે, અને એક છોકરા પાસે પૂછાવડાવે છે કે શું એ ક્રિકેટમાં કીપિંગ કરશે અને જવાબ મળે છે કે એટલા નાના બોલથી કોણ રમે!! એ વાત એના સપના નાના નથી, એ સાબિત કરે છે, એ દુર્ગાપૂજા વખતે બીજા બધા ભગવાનનાં પોસ્ટર્સની વચ્ચેથી સચિન તેંડુલકરનું પોસ્ટર પસંદ કરે છે એના રૂમમાં લગાવવા માટે, કારણ કે એના માટે તો સચિન જ ભગવાન છે. એના કોચ એને સિલેક્ટ કરે છે સ્કૂલ ટીમ માટે અને એ ગ્લવ્સ (કીપિંગ વખતે હાથમાં પહેરવાના મોજા) માંગે છે પાસે રાખવા માટે, એની ખુશી દર્શાવવા માટે, એની બહેનને બતાવવા માટે કે એ સ્કૂલ ટીમમાં સિલેક્ટ થયો છે, સફળ થનારા લોકોને ખબર હોય છે પહેલેથી જ એમને શું કરવાનું છે...  એના પિતા (અનુપમ ખેર) કહે છે કે સચિનનું પોસ્ટર શું કામનું, ભણવામાં ધ્યાન આપશે કે નહી એમનો છોકરો એની સતત ચિંતા છે એમને, એની મા જવાબ આપે છે કે આપણો માહી એવા લોકોમાંથી છે જેનું થોડાથી દિલ નહીં ભરાય, એની મા જાણે છે એને, સમજે છે દીકરાના સપનાઓને.

એના બાળપણનો આખો પાર્ટ (લગભગ ફિલ્મનો પહેલો અડધો કલાક) આપણને આપણું બાળપણ યાદ અપાવે છે, પપ્પાથી ડર લાગે એવી વાતોમાં સંભાળી લેતી મમ્મી, ભાઈ-બહેનની નાની નાની મસ્તી, એકબીજાને ખીજવાડવા, આખા મહોલ્લા અને સ્કૂલનો એક હીરો, એ સમયે વપરાતું સ્કૂટર, અગાશી વાળા ઘર, સ્કૂલનો સમયગાળો, એ બધી જ વસ્તુઓ આપણને આપણા ભૂતકાળમાં લઈ જાય છે... એને પ્રેક્ટિસમાં કીપિંગ જ કરાવડાવે છે અને એના કોચ મોડા આવવાના છે એ દિવસે થોડા સમય માટે બેટિંગ કરતો એ, એ ગજબ છે!


ચાઈલ્ડ એક્ટર ઝીશાન અને એમ. એસ. ધોની

ધોનીના મિત્ર પરમની એક દુકાન છે અને એ દુકાનદાર મિત્ર બીજા ડીલર સાથે ધોનીની સ્પોર્ટ્સ કીટ માટે ભલામણ કરતો રહે છે, એ મિત્રની દુકાનમાં ક્રિકેટ વર્લ્ડકપ સિલેક્શનના સમાચાર વખતે એક સ્ટીકર છે દીવાલ પર, જેની પર લખ્યું છે, 'ઈટ, સ્લીપ, ડ્રીમ, ક્રિકેટ' ; આ સ્ટીકર ધોની માટેનો જીવનમંત્ર બતાવે છે એ સમયનો... મા-બાપને ત્રણ કલાકનું પેપર પોતે અઢી કલાકમાં પૂરુ કરી લેશે, એ સમજાવતો સુશાંત સિંઘ રાજપૂત અને બહેનના પાત્રમાં સાથ આપતી ભૂમિકા ચાવલા એકદમ જ વિશ્વાસ અપાવે છે, આપણી આસપાસના લોકો જેવી વાતચીત, પેપર ફટાફટ આપીને પ્રેક્ટિસ માટે દોડતો સુશાંત અને એકધારી રોજ ચાલતી એવી જિંદગી જ્યા એક જગ્યાએથી નીકળી બીજે પહોંચવાનું છે એ આપણે બધાએ મહેસૂસ કર્યુ છે...  

૧૯૯૯-૨૦૦૦ની ટ્રોફી વખતે મહેન્દ્રને જોતી યુવરાજની આંખો અને યુવરાજના પાત્રમાં હેરી ટંગરી ઈઝ સુપર્બ, એને સ્ક્રીનસ્પેસ નથી આપ્યું, મારે માહી-યુવીની જુગલબંદી જોવી હતી સ્ક્રીન પર! યુવરાજને કૂલ એટિટ્યૂડમાં કાનમાં ઈયરફોન ખોસીને જતો જોઈને મહેન્દ્રની ટીમના લોકો એને જોઈ જ રહે છે અને મહેન્દ્ર કહે છે કે એ લોકો મેચ ત્યાં જ હારી ગયેલા, એકદમ જ સાચી વાત છે એ દુશ્મન ટીમના કેપ્ટનથી પોતાની જાતને નીચી માની લેવી, ત્યાંથી જ હાર છે,... ધોની તરીકે સુશાંત જામે છે, અત્યારે બધા એના વખાણ કરે છે કે સારી એક્ટિંગ કરી છે, પણ એટલી જ સારી એક્ટિંગ એણે 'પવિત્ર રિશ્તા', 'કાઈ પો છે' અને 'શુધ્ધ દેશી રોમાન્સ'માં કરેલી છે, ત્યારે તો કોઈનું ધ્યાન નહોતું ગયુ!! ફિલ્મનું કાસ્ટિંગ કોઈપણ ફિલ્મ માટે પ્લસ પોઈન્ટ હોય છે એ આ ફિલ્મ માટે સાચી સાબિત થયેલી વાત છે, દરેક પાત્ર જામે છે, રોલની અંદર સુધી ઘૂસી જઈને ફીલ આપે છે બધા એક્ટર્સ આ ફિલ્મમાં. તો પણ આખી ફિલ્મ સુશાંત એકલે હાથે આગળ ધપાવે છે એટલે બધાનું ધ્યાન એની પર વધારે ખેંચાયુ હોઈ શકે; બાકી એણે આ પહેલા કરી જ છે સારી એક્ટિંગ એમ મારે કહેવું છે. 

ધોનીનો સ્વભાવ ફિલ્મની અંદર સરસ ઝીલાયો છે, એ સિલેક્શન ન થાય એ વખતે પણ એના દોસ્તોને પાર્ટી આપી શકે છે! ગમે તેવી પરિસ્થિતિમાં પણ એની શાંતિ જાળવી શકે છે એ, એના દોસ્તો એના સિલેક્શનની ખુશખબરી આપવા આવે છે એ વખતે એ બેડમિન્ટન રમતો હોય છે તો પણ એ શટલ કોક પડવા દેતો નથી કે ના કોઈ ખુશી જાહેર કરે છે, બસ એ લોકોના ગયા પછી થોડુ સ્માઈલ કરે છે, એ સીન આપણને અહેસાસ કરાવે છે કે એ આ રીતે જ આગળ જઈને 'કેપ્ટન કૂલ' બનવાનો છે... 

ખડગપુર રેલવે સ્ટેશન


એને રેલવેમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળે છે એ વખતે એના પિતાની આંખોની ખુશી જુએ છે એ, એ સમય જ્યારે આપણા સપનાઓનું કુટુંબ માટે બલિદાન આપવું પડે છે, એ ટિકિટ ચેકરની નોકરી સ્વીકારે છે, પણ એને ખબર છે કે એની દુનિયા ત્યાં નથી, એ જગ્યા માટે એ નથી સર્જાયો એની જાણ છે એને, આપણામાંથી જેને પણ પોતાના સપના જીવવા છે એ બધાની હાલત એવી જ છે, દુનિયાદારીમાં જીવાતા કોઈને કોઈ વર્તુળની અંદર ફસાઈને આપણી જિંદગી સ્થિર થઈ જાય છે, જે કરવું છે એમાં આગળ કોઈ વાત વધતી નથી, જે થાય છે જિંદગીમાં એ ગમતું નથી. ખડગપુર રેલવે સ્ટેશન પરની નોકરી એ કરે છે સીરિયસલી પણ એને ખબર છે કે એની સાથેના લોકો ક્યાં પહોંચી ગયા અને એ ક્યાં છે હજુ, આ ફીલિંગ આપણામાંથી ઘણાની ફીલિંગ છે, એ દરરોજ નોકરી કરે છે અને પ્રેક્ટિસ માટે બરાબર સમય નથી મળતો એને. એક દિવસ એના બોસ અનિમેશ કુમાર ગાંગુલી (કાલિ પ્રસાદ મુખરજી) એને યોર્કર , ડક અને બીજા શબ્દો વડે સમજાવે છે કે જિંદગી ક્રિકેટ જેવી છે, અમુક વાર બોલ બેટ્સમેનના પગ પાસે પડે છે, અમુક વાર રન આઉટ અને અમુક વાર ફુલ ટોસ, એને સહારો આપે છે કે એની પ્રેક્ટિસ માટે એ જેટલો જોઈએ એટલો સમય ફાળવે, એની એટેન્ડન્સનું એ સંભાળી લેશે, પણ એની પર નોટિસ આવે છે ગેરહાજર રહેવાની ત્યારે પ્લેટફોર્મ પર બેઠા એને અહેસાસ થાય છે કે એણે 'આર યા પાર' જવું જ રહ્યુ, અને એ ઈન્ટરમિશન પહેલાનો ટ્રેન સીન ભલે સ્વપ્ન લાગતું હોય; એના મગજની અંદરની સ્થિતિ માટે પણ એ રિઅલાઈઝ કરાવવા માટે પરફેક્ટ સીન છે. 


ઘરે આવીને એના પિતાને કહે છે કે એ જો ખડગપુરમાં જોબ સિક્યોરિટીમાં ફસાઈ ગયો તો એની જિંદગી એવી જ રહેશે, એના પિતા માનતા નથી, અને જિંદગી વિશે શિખામણો આપે છે મોટાભાગના બાપની જેમ, પણ ધોની સાચો છે, એક સમય એવો આવે છે કે રિસ્ક લેવું પડે છે પોતાની જાતમાં ભરોસો રાખીને... 

પિતા પાન સિંઘ ધોની (અનુપમ ખેર) સાથે

અને ધીમે ધીમે એની કરિયર શરૂ થાય છે. ફ્લાઈટમાં મળતી પ્રિયંકા (દિશા પટણી) એને ઓળખતી નથી એ વખતે એ સરસ જવાબ આપે છે કે એણે હજુ સુધી ઓળખાય એવુ કઈ કર્યુ જ નથી, એને સતત ખબર છે કે એણે વધારે ને વધારે મહેનત કરવાની છે, અને પ્રિયંકા એને વિશ્વાસ અપાવે છે કે એ આવનારી મેચમાં સારુ રમશે, કોઈ આપણા સપનાઓની અંદર વિશ્વાસ મૂકે છે એ સમયે આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે છે, બંનેની મુલાકાતો શરૂ થાય છે એ પછી વાતચીતમાં પ્રિયંકા એને મહેન્દ્ર કહેતી હોય છે, જે લોકો તમને તમારા પહેલા નામથી બોલાવતા હોય છે એ લોકો દિલની સૌથી વધારે નજીક મહેસૂસ કરતાં હોય છે તમને, પ્રિયંકા એને 'માહી' નથી કહેતી, એ કદાચ એની માટે છે! કરાચીમાં એની સાથે ફોન પર વાત કરી એને માટે ગિફ્ટ ખરીદવી કે નહીં એ અવઢવમાં ઊભો છે ધોની ત્યાં, વિચારે છે; એનો પોતાનો રમત કરતાં પ્રેમ તરફનો ઝુકાવ એને લાગે છે એની કમજોરી છે, અને એ ગિફ્ટ નથી ખરીદતો પ્રિયંકા માટે, ઈટ ઈઝ ઓલ્સો વન ઓફ ધ સુપર્બ સીન! પ્રિયંકા સતત પૂછતી રહે છે એને કે એ લોકોની પાસે પૂરતો સમય તો છે ને... મેં ક્યાંક વાંચેલું છે કે અમુક લોકોને પોતાના મોતની ખબર હોય છે, શું એટલા માટે એ ડાયલોગ છે ત્યાં, હોઈ શકે કદાચ. પ્રિયંકાના મોતના સમાચાર વખતે રોડની વચ્ચે રોતો મહેન્દ્ર મજબૂત થઈ જાય છે જિંદગી પ્રત્યે, આગળ આવનારી પરિસ્થિતિઓમાં તટસ્થ રહેવા માટે બધા આંસુઓ એકસાથે વહાવી દે છે એ, મેં આવા લોકો જોયા છે જેમને એમની અંદરનું દુ:ખ વધારે હિંમત અને સફળતા અપાવે છે... 

પ્રિયંકા (દિશા પટણી) અને મહેન્દ્ર (સુશાંત સિંઘ રાજપૂત)


સાક્ષી (કિઆરા અડવાણી) અને માહી (સુશાંત સિંઘ રાજપૂત)

એકવાર પ્રેમ છીનવાઈ ગયા પછી દિલ બીજી વખતે તરત વિશ્વાસ મૂકતું નથી, પહેલા થયેલી ઘટનાઓ ફરી થાય ત્યારે મગજ બે સેકન્ડ માટે બંધ થઈ જાય છે... સાક્ષી (કિઆરા અડવાણી) એને નથી ઓળખતી પહેલી મુલાકાતમાં, આ બની શકે છે, કારણ કે ઘણા લોકો જેમને ક્રિકેટમાં રસ નથી હોતો, એમને ઘણા પ્લેયર્સના નામ ખબર હોતા નથી. સાક્ષી અને માહીની મુલાકાતો વધતા મીડિયા સાક્ષીની પાછળ પડી જાય છે, એ ફીલિંગ સાથે દરેક સામાન્ય માણસ જેનો સેલિબ્રિટી સાથે પરિચય વધે છે એની દુનિયાની શરૂઆત છે એ. બીજી વખત મળતો સાચો પ્રેમ બધાના નસીબમાં હોતો નથી, પ્રેમ જ્યાં સામેવાળી વ્યક્તિ પર ભરોસો કરી શકાય છે કે એની સાથે જિંદગી સારી પસાર થશે, અને માહી પ્રપોઝ કરે છે સાક્ષીને લગ્ન માટે. બંને રોમેન્ટિક ગીતો "કૌન તુઝે" અને "જબ તક" પણ સમજી વિચારીને નક્કી થયા છે, પ્રિયંકાને "કૌન તુઝે યૂ પ્યાર કરેગા, જૈસે મેં કરતી હૂં" શબ્દો ધરાવતું ગીત અપાયું છે, પહેલો પ્રેમ હમેંશા ખાસ છે, એની જગ્યા કોઈ લઈ શકતું નથી, એના જેટલો પ્રેમ થતો નથી ફરીથી... "મેરે પાસ તુમ રહો, જાને કી બાત ના કરો", એકવાર છીનવાઈ ગયેલો પ્રેમ બીજી વાર ગુમાવી દેવાનો ડર આપણને બધાને લાગે છે એટલે જ "જબ તક" ગીત સાક્ષી સાથે રાખવામાં આવ્યું છે એમ મારુ માનવું છે... 

નબળા પ્લેયર્સને સિલેક્ટ નહીં કરવાનું એનું મનોબળ એની ભારતીય ક્રિકેટ ટીમને આગળ લઈ જવાની રણનીતિ દર્શાવે છે, પણ નેગેટિવ વાતો ફિલ્મમાં બતાવી જ નથી, એની કરિયરની ઘણી બાબતો હું ક્રિકેટ નથી જાણતો તો પણ મને ખ્યાલ છે એ બધી વાતો નથી ફિલ્મમાં, બધી સારી જ બાબતો છે, ફિલ્મની બંને લવસ્ટોરી સરસ છે, પણ એ ફિલ્મને ધીમી પાડે છે... 

પણ એ બધું સરવાળે ફાઈનલ વર્લ્ડકપ મેચમાં સરભર થઈ જાય છે, ક્રિકેટ આગળ કહ્યુ એમ એક ધર્મ છે ભારતમાં, દરેક મેચ વખતે ટીવી આગળ ગોઠવાઈ જતા લોકો, મેદાનમાં ચિચિયારીઓ પાડતા પ્રેક્ષકો, અને સારુ રમે તો ખુશ થઈ જતા અને સહેજ બોલ બગડે એટલે પ્લેયર વિશે ખરાબ બોલતા લોકો અને ફરી સારુ રમે એટલે નાંચવા માંડતા લોકોની નવાઈ નથી! અહીં દરેક વખતે મેચમાં કંટાળો આવે એટલે એના પતિને ચા બનાવી આપવા માટે "ચા ખાબે?" પૂછતી સ્કૂલના કોચની પત્ની ક્રિકેટમાં રસ ન હોય તો પણ બધા જોતા હોય એટલે જુએ એ લોકોને રિપ્રેઝન્ટ કરે છે ફિલ્મમાં... અહીં એક બાપ છે જે દીકરાના મેચમાં રમતી વખતના અગ્રેસન પર ખુશ નથી, એક મા છે જે હમેંશ દીકરાની સફળતા માટે મેચ વખતે પૂજા-પ્રાર્થના કરતી રહે છે, બેન-બનેવી છે જે એની બધી મેચ જુએ છે, પોતાના સ્ટુડન્ટને જીતતો જોઈને ખુશ થતો કોચ છે, અને વર્લ્ડકપ જીતતી વખતે લોકોની આંખોમાં હરખનાં આંસુ છે, આ બધા લોકો આપણે છીએ, ભારત દેશ, જે ક્રિકેટ પાછળ ઘેલો છે! અને એ બધી વાતો સુંદર ઝીલાઈ છે. અફલાતૂન, ગજબ રીતે બધી વાતો ડિરેક્ટર નીરજ પાંડે દ્વારા સમાવાઈ છે ફિલ્મમાં. આ જ ડિરેક્ટર જેમણે આપણને પહેલા 'અ વેન્સડે' ; 'સ્પેશલ ૨૬' અને 'બેબી' જેવી ફિલ્મો આપી છે. મનોજ મુન્તશીર દ્વારા લખાયેલા ગીતોને અમાલ મલિકના સંગીત વડે સાથ મળ્યો છે, જે ફિલ્મની અંદરની ઘણી સ્થિતિને ગીતોમાં દર્શાવે છે અને એમા સફળ થાય છે. ટૂંકમાં ધોનીની લાઈફની ઘણી વસ્તુઓને ખૂબ જ સરસ રીતે સમજાવતી આ ફિલ્મ એની ટેગલાઈન 'ધ મેન યુ નો, ધ જર્ની યુ ડોન્ટ' જેટલી પરફેક્ટ તો છે જ! અને ધોની અને ક્રિકેટ ફેન્સ માટે લાંબા સમય સુધી યાદગાર રહેશે આ ફિલ્મ... 

  

No comments:

Post a Comment