Sunday, 27 November 2016

તમાશા (૨૦૧૫)

***આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ હોઈ શકે છે.***વેલ, આ પોસ્ટમાં હું ફિલ્મ વિશે બધું જ લખવા માંગીશ, કારણ કે મારા દિલની નજીક છે આ ફિલ્મ, અને સ્ટોરી અને સ્પોઈલર્સ લખ્યા વિના આ પોસ્ટ મારાથી લખી શકાશે નહીં, ઘણાને આ ફિલ્મ વિશે ફરિયાદો હતી, એ બધા વિશે હું ચોક્કસ છું કે એમને ફિલ્મ એટલે ન ગમી કારણ એમને સમજમાં ના આવી, આઈ કેન રિલેટ બીકોઝ થિયેટરમાં પહેલી વાર જોઈ ત્યારે મને નહોતી સમજાઈ, એના થોડા મહિનાઓ પછી જોઈ ત્યારે સમજાઈ. અને હમણાં ત્રીજી-ચોથી વાર જોઈ ત્યારે પૂરેપૂરી સમજાઈ! 

યશ સહેગલ (વેદના બાળપણનાં પાત્રમાં)

વેદ શિમલામાં નાનપણમાં વાર્તાઓ સાંભળીને મોટો થયો છે અને એ જ વાર્તાઓનાં પાત્રોની અંદર ખોવાયેલો રહે છે, પણ સ્ટોરીટેલર એને વાર્તા કહેતી વખતે પાત્રો મિક્સ કરી દે છે, એ પૂછે છે અને જવાબ મળે છે, "કહાની કહાની હોતી હૈ, ઔર વોહી કહાની હર જગહ ચલતી હૈ..." અને બસ વાર્તાનો આનંદ લેવાનું કહે છે, ઘણાં સિમલા લખે છે, ઘણાં શિમલા લખે છે, બસ એ જ રીતે! અરીસા સામે 'મેં તો ચલા ઉસ હિરણ કે શિકાર પે' જેવા ડાયલોગ્સ બોલતી વખતે યશ સહેગલ, રણબીર કપૂરનાં બાળપણનાં પાત્રમાં એકદમ કન્વીન્સીંગ અને ક્યૂટ લાગે છે... પછી ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી આપણને લઈ જાય છે વેકેશન પર; ફ્રાંસનાં ખૂબસુરત ટાપુ કોર્સિકા પર. છોકરો ત્યાં મળે છે એક છોકરીને, પણ ઓળખાણ થાય એ પહેલાં એ કહે છે સ્ટોપ! પોઝ! અને કારણ આપે છે મારે એ નથી બનવું જે હું દરરોજ જીવું છું, અને એના વિચારથી બંને પોતાની સાચી ઓળખાણ આપતા નથી, અને એને બદલે બીજા અલગ અલગ પાત્રો ડોન; મોના ડાર્લિંગ; બિગ ઈન્ડિયન મૂવિ ડિરેક્ટર, ફિલ્મ સ્ટાર, ઈન્ટરપોલ ઓફિસર તરીકે વેકેશનને માણે છે, રણબીર કપૂરનાં દેવાનંદ સાહેબની એક્ટિંગનાં એક્સ્પ્રેસન્સ ગજબ છે! બંને ફરે છે એકબીજાને વધારે જાણ્યા વગર, પણ છોકરીને આ એકદમ મુક્ત રીતે જીવતો છોકરો ગમી જાય છે પણ વેકેશન પૂરું તો થશે જ. છોકરીને અઘરું પડે છે એ વખતે ફરી પોતાની જિંદગીમાં પાછા જવું, હોટેલથી એરપોર્ટ જતી વખતનાં સીનમાં દીપિકા પાદુકોણનાં એક્સ્પ્રેસન્સ તમારી સાથે રહે છે, કંઈ પણ બોલ્યા વિના એની આંખોમાં દેખાઈ જતી વાત; કે કાશ! એની સાથે થોડું વધારે વખત રહેવા મળ્યું હોત... અને પછી આપણે એ જ છોકરીને જોઈએ છીએ પોતાની લાઈફમાં સેટ થવા મથતી, પણ એ છોકરાને ભૂલી ન શકતી અને એની ઉદાસ લાગણીઓ...  
એ વર્ષો પછી મળે છે એ છોકરાને ફરીથી, બંને પોતાની સાચી ઓળખ આપે છે તારા મહેશ્વરી અને વેદ વર્ધન સહાની તરીકેની. તારા મળે છે વેદને પણ એને લાગે છે આ એ છોકરો બિલકુલ જ નથી જેને એ કોર્સિકામાં મળેલી, આ છોકરો રોજ સવારે ઘડિયાળ જોઈને ઉઠે છે, બ્રશ કરે છે, ટ્રાફિકમાં ફસાઈને ઓફિસ જાય છે અને બોરિંગ પ્રેઝન્ટેશન્સ આપે છે, તારા એને એ કહે છે કે તું આ નથી, તું તો નદીમાં મોઢું નાખીને પાણી પીવે છે, પહાડો સાથે વાતો કરે છે, એ છે તું! એના બદલે હું તો મળી છું એક પ્રોડક્ટ મેનેજરને, જે એક શહેરમાં રહીને એક પ્રોગ્રામ્ડ રોબો જેવી જિંદગી જીવે છે, વેદ માનવા તૈયાર થતો નથી, એ સ્વીકારી શકતો નથી, પણ તારા ઓળખે છે એને બરાબર. અને કહે છે આ બધું તો એની પાસે પણ છે, આ નથી જોઈતું એને! અને મેસ થઈ જાય છે બંનેની લાઈફ...
વેદ હલી જાય છે અંદરથી, કારણ કે એને ખબર છે એને શું કરવું છે લાઈફમાં પણ દુનિયાના ડરથી એ વાત સ્વીકારી શકતો નથી. તારાનાં કહ્યા પછી એનો એ અહેસાસ વધારે મજબૂત બને છે. પણ એ અહેસાસને સ્વીકારવાની એની એ પ્રોસેસમાં આસપાસનાં લોકોને લાગે છે કે એને કંઈક થઈ ગયું છે, કોઈ કોમ્પ્લેક્સ! દરરોજ ટાઈ પહેરીને ઓફિસ આવતો એને ટાઈ ગમતી નથી... એનો બોસ એને ચેતવે છે પણ એને જાણ જ નથી કે એની સાથે થાય છે શું! વેદ મળે છે તારાને અને વિચારે છે કે આ કેવી રીતે જાણી શકે છે મને આટલી નજદીકથી, જ્યારે હું પોતે મારા વિશે ચોક્કસ નથી... અને પછી બ્યૂટિફુલી પિક્ચરાઈઝ્ડ 'અગર તુમ સાથ હો'! વેદના મૂડ સ્વિંગ્સને લીધે જોબમાંથી એને કાઢી મૂકે છે, અને થાકેલો, હારેલો, પોતાની જાત સાથે સમાધાન કરતો રહેલો જ્યારે ઘરે શિમલા પાછો ફરે છે ત્યારે પેરેન્ટસ એ જ કહે છે જે બધાનાં પેરેન્ટસ કહેતા હોય છે, વેદની પોતાની જાત સાથેની બધી વાતો અરીસા સામે બતાવવામાં આવી છે, એવા જ એક સીનમાં એને યાદ આવે છે એ સ્ટોરીટેલર, જે બચપણમાં એને વાર્તાઓ કહેતા હતાં. 

વેદ જાય છે એમની પાસે, અને એને જાણવું છે કે એની પોતાની વાર્તામાં આગળ શું થશે. સ્ટોરીટેલર ફરી મિક્સ અપ કરી દે છે પાત્રો... અને જ્યારે વેદ કહે છે કે આ એની વાર્તા નથી ત્યારે સૌથી અસરકારક સીન છે, સ્ટોરીટેલર એને કહે છે કે એ પોતાની જ વાર્તા બીજાને એટલા માટે પૂછી રહ્યો છે કારણ કે એ ડરે છે,.. 'ડરતા કિસસે હૈ તું?' અને એને રિયલાઈઝ થાય છે કે એની જિંદગી એવી જ જીવી શકાશે, જેવી એ પોતે ઈચ્છશે. અને પછી પેરેન્ટસને એની વાર્તા કહેતો એ, અને અંતમાં એ બની જાય છે એને જે બનવું છે એ, સ્ટોરીટેલર. એનાં નાટકનાં 'તમાશાનાં' અંતમાં આપણે જોઈ શકીએ છીએ એને સફળ તારાના સાથ વડે, તારાની પાસે.'તમાશા' ખૂબ જ સુંદર મેસેજ આપતી અસરકારક ફિલ્મ છે, મોટાભાગનાં લોકોની અંદર વેદ છૂપાયેલો છે, જેવું નથી જીવવું એવું જીવન જીવતા લોકો, તમે ને હું, મોટાભાગનાં એમાં આવી જઈએ. પણ, મેસેજ એ છે કે આપણે દિલ કહે એમ જીવીએ, જે ગમતી હોય એ કરિયર પસંદ કરીએ. આ જિંદગી એક વાર મળી છે એને પોતાની રીતે જીવવાની છે. 'દિલ' અને 'દુનિયા' વચ્ચે જે ફસાયેલાં છીએ એમાંથી બહાર નીકળવાનું છે આપણે અને જાણવાનું છે કે આપણે કેમ આવ્યા છીએ અહીંયા, અને શું કરવાનું છે આપણે. જ્યારે આપણે નથી ગમતું એ કરતાં હોઈએ છીએ, એમાં મોટેભાગે સફળ જતાં નથી, અને હેરાન થઈને વ્યગ્ર, વ્યાકુળ, નિરાશ, ગુસ્સે, હતાશ થઈને પોતાની જ જાતને કોસીએ છીએ. લાસ્ટ ટાઈમ ફિલ્મ જોતી વખતે ઘણાં બધા સીન્સમાં મારી આંખોમાં આંસુ આવ્યા છે, કારણ કે મને પણ ખબર છે કે મારે શું જોઈએ છે પણ એ મેળવતી વખતે જે અડચણો આવે છે એને મારે પાર કરવી જ રહીં, અને એ માટે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીનો ખૂબ જ આભારી છું. 

વેદનાં પાત્રમાં રણબીર કપૂરે ઉત્તમ એક્ટ કર્યુ છે, એ જાણ્યો છે એના પાત્રને. કોર્સિકામાં એની નચિંતી અદાઓ, કોર્પોરેટ જોબમાં રોબો, ટીનેજમાં મૂંઝાયેલો એન્જીનીયરિંગ સ્ટુડન્ટ, બધું જ એણે નિભાવ્યું છે કેરેક્ટરની અંદર સુધી ઘૂસી જઈને... એ જ રીતે દીપિકા પાદુકોણે તારાને પૂરો ન્યાય કર્યો છે, એની ઉદાસી, લાગણીઓ, વેદને સ્પોર્ટ કરતી, એની કેર કરતી એક મેચ્યોર લેડી. 

યશ સહેગલ અને રણબીર કપૂર
સેટ પર ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની સાથે
દીપિકા અને રણબીર

ઈર્શાદ કામિલનાં લખેલાં સુંદર ગીતોને રહેમાનનાં સંગીતથી જીવ મળ્યો છે, મીનિંગફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે. એક સરસ ગીત આવે છે કોર્સિકામાં પહાડોની વચ્ચે જ્યારે બંને ગ્રીન કલરની કારમાં હોય છે,  'J'aime la vie' જેનો મતલબ થાય છે 'મને જિંદગી સાથે પ્રેમ છે.' આ ગીત ઓરિજિનલ સાઉન્ડટ્રેકમાં પણ રીલિઝ કરેલું નથી. 

ફિલ્મ વિશે કેટલુંય લખવું છે મારે પણ અમુક વસ્તુઓ એક્સ્પ્રેસ નથી થતી શબ્દોમાં. ઈમ્તિયાઝ અલીનો આ 'તમાશા' સાચે જ વાર્તાઓનો ખજાનો છે એમાંથી પોતાની વાર્તા આપણે જાતે પસંદ કરવાની છે! 

P.S. : ફિલ્મનાં એક સીનમાં વેદ અને તારા જ્યારે થિયેટરમાં મૂવિ જોવા જાય છે ત્યારે સ્ક્રીન પર ઘણાં બધાં નામાંકિત ડિરેક્ટર્સનાં ફોટોઝ અને પોસ્ટર્સ જોઈ શકાય છે, જે કદાચ ઈમ્તિયાઝ અલીની એ બધાં ડિરેક્ટર્સને ટ્રિબ્યૂટ હોઈ શકે!  

No comments:

Post a Comment