Thursday, 17 November 2016

નામ વગરનાં સંબંધો





કોલેજનાં બીજા સેમેસ્ટર પછીની એકાદ અઠવાડિયાની રજાઓ ચાલતી હતી, મારા ઘરની ગેલેરીમાં નોવેલ વાંચતો હું બેઠેલો અને સહેજ અવાજ આવ્યો, ઊભા થઈને જોયું તો સામેના રસ્તા પર કોઈ નાનો છોકરો સાઈકલ લઈને પડેલો, પાસે ગયો, છ-સાત વર્ષની ઉંમર હશે, લોહી નીકળતું નહોતું એને, પણ છોલાઈ ખાસ્સુ ગયેલું, એ રડતો હતો અને 'મમ્મી બોલશે મને' એ જ રટણ કરતો હતો. માંડ શાંત કર્યો એને, કોઈ ઘા સાફ કરવાની કે કશું પણ લગાવવાની પણ એ સતત ના પાડતો હતો, થોડીક બળજબરી કરી માંડ એના હાથ-પગ પર જ્યાં છોલાયેલું ત્યાંથી રેતી સાફ કરી... પાસે બેસાડ્યો એને, પાણી પીવા માટે પણ ના પાડતો હતો એ, મેં એને પૂછ્યુ એના ઘર સુધી સાથે જવા માટે તો પણ ના પાડતો હતો, થોડી વાર બેસાડ્યો મારે ત્યાં અને સમજાવ્યો કે એની મમ્મી નહીં બોલે એને. જતી વખતે એ પાછળ વળી વળીને જોતો હતો, એના ચહેરા પર સ્માઈલ આવેલ અને મારા પણ.  




મારુ કોલેજનું પાંચમું સેમેસ્ટર ચાલુ હતું, અને ઓલરેડી મારે ત્રીજા સેમેસ્ટરના બે વિષયો સોલ્વ કરવાના બાકી હતા, અને એ દિવસે કોલેજની લેબમાં ચોથા સેમેસ્ટરનું રિઝલ્ટ ડિક્લેર થયું છે એવું જાણવા મળ્યું, મારો તરત જ મૂડ ખરાબ થઈ ગયેલો કારણ કે મારા ચોથા સેમેસ્ટરના પણ બે પેપર ખરાબ ગયેલા, રિઝલ્ટ કઈ રીતે ચેક કર્યુ એ યાદ નથી પણ જ્યારે જોયું તો ૩ વિષયોમાં ફેલ. મને એક મિનિટ માટે લાગેલું બધુ આસપાસ બસ શાંત થઈ ગયું છે, કોઈ બોલતું જ નથી, હું એક ખુલ્લા મેદાનમાં ઊભો છું અને બહુ જોરદાર પવન વાય છે, પણ આસપાસના ફ્રેન્ડસ અને ક્લાસમેટ્સ કહેતા હતા કે થાય, નેક્સ્ટ ટાઈમ થશે ક્લિયર અને એ બધું... મને બસ એક જ વિચાર આવતો હતો - ત્રીજા સેમના ૨; હવે આ ચોથામાં ફેલ એ ૩ અને પાંચમા ચાલુ સેમનાં ૬ ટોટલ મારે ૧૧ વિષયોની એક્ઝામ આપવાની. મારે રડવું હતું, જેમ તેમ એ છેલ્લી લેબ પૂરી કરેલી મેં, બધાની સામે નોર્મલ ફેસ રાખવાના પ્રયત્નો, અંદરની આગ, બધુ સહન કરીને સીટી બસ સ્ટેન્ડ પર આવ્યો. 

ઘર સુધી જવા માટે જે બસ હતી, એ ફુલ ભરાઈને આગળના સ્ટેન્ડથી આવતી હતી, લોકો ચડવા માટે ધક્કા મારતા હતા, અને મારે બાજુએ ખસી જવુ પડ્યુ. બસ ઊપડવાની થોડી વાર પહેલા હું ચડી શક્યો, માંડ માંડ પાછલા બારણા પાસે ઊભા રહેવાની જગ્યા મળેલી, અંધારુ, ઠંડી, થાક, નિરાશા બધું જ મને ઘેરી વળેલું, થોડી વાર પછી સહેજ જગ્યા મળતાં હું બસના બારણા પાસે બેસી ગયો. ખબર નહીં કેટલો ઉદાસ હતો એ વખતે હું, નીચે જોઈને ફક્ત એમ જ બેસી રહેલો આસપાસ શું થતું હતું એ ખબર વિના જ, કોઈએ ખભા પર હાથ મૂક્યો.



પાછળ જોયું તો એક અંકલ હતા, અને એમની બાજુની ખાલી સીટ પર બેસવા માટે મને કહેતા હતા. હું બારણા પાસેથી ઊભો થઈને એમની બાજુમાં બેઠો, અને આસપાસમાં બીજી પણ થોડી સીટ્સ ખાલી થયેલી, ક્યા ધ્યાન હતું મારુ, શુ વિચારતો હતો એ ત્યારે પણ ખબર નહોતી, હાલ પણ નથી. તરસ લાગી હતી, બેગમાંથી બોટલ કાઢી તો પાણી નહોતું, અંકલે એમની બોટલ આપી, સહેજ પાણી પીધુ મેં. અને એમણે કહ્યુ; 'બધુ ઠીક થશે'. મેં ફક્ત મારુ ડોકુ હકારમાં હલાવ્યુ. એક-બે મિનિટ પછી એ ઊભા થયા, એમનું સ્ટેન્ડ આવી ગયેલું, આગળનાં બારણા પાસેથી ઊતરતી વખતે એમણે સ્માઈલ કર્યુ અને મને ખૂબ સારુ લાગ્યું જાણે આખા દિવસની નિરાશા એક અજાણ્યા માણસે બે મિનિટમાં ઓગાળી નાખી અને મેં પણ સામે સ્માઈલ કર્યુ, એ બસમાંથી ઊતર્યા અને બસ આગળ નીકળી. 




એ જ રીતે ફરી એક વાર કોલેજથી ઘરે આવતો હતો, પણ સીટી બસ થોડી વાર પહેલા જ નીકળી ગયેલી અને બીજી દોઢ કલાક પછી હતી, એટલે હું ચાલવા લાગ્યો કારણ કે ચાલતા અડધા કલાકમાં પહોંચી જવાય ઘરે, કાનમાં ઈયરફોન લગાવીને ગીતો સાંભળતો ચાલતો હતો હું, અને એમ જ આસપાસમાં ધ્યાન હતું, દૂર જોયું તો ફૂટપાથ પર એક માજી બેઠેલા, મને એમ કે થાક્યા હશે, મારે એ જ રસ્તે જવાનું હતું, એમની નજીક પહોંચતા જોયું કે એમની આંખોમાં આંસુ હતા, અને એમની પાસે બે-ત્રણ થેલી હતી, તરત કાનમાંથી ઈયરફોન કાઢીને હું બેઠો એમની પાસે, અને પૂછ્યુ, 'તમે ઠીક છો?' અને એમણે કહ્યુ, 'બધુ ખતમ થઈ ગયું'. આટલી ઉંમરની કોઈ વ્યક્તિને આ રીતે અસહાય જોઈને ખૂબ ખરાબ લાગતું હતું, હું પૂછતો હતો એમને કે કોઈ વાત કહેવી છે કે કશું ખરાબ થયું છે, પણ એ ફરીથી એ જ કહેતા હતા કે 'બધુ ખતમ થઈ ગયું'. પાણી આપ્યુ એમને, અને પૂછ્યુ કે એમનુ ઘર કઈ બાજુ છે, એમની થેલીઓ લઈને હું ઊભો થયો. એ કહેતા હતા કે સામેના વળાંકથી આગળની તરફ જ એમનું ઘર છે, તો પણ એ વળાંક સુધી એમની સાથે જવું મને જરૂરી લાગ્યું. એમની થેલીઓ એમને આપીને મેં કહ્યુ કે બધુ ઠીક થઈ જશે. અને એમનો ચહેરો થોડોક હળવો થયો. એ વળાંક પરથી અમે બંને પોતપોતાના રસ્તે જતા હતા, અને પાછળ ફરીને જોયું તો એમના ચહેરા પર સ્માઈલ હતું અને 'આવજો'ની મુદ્રામાં હાથ હલાવતા હતા, મેં પણ સામે વેવ કરીને સ્માઈલ કર્યુ. 



ઉપરની ત્રણેય ઘટનાઓને ખાસ્સો ટાઈમ વીતી ગયો છે, વાત અહીં હું એ બિલકુલ જ નથી કરતો કે હું કેટલો સારો છું કે મેં કોઈ અજાણ્યાની મદદ કરી, અથવા મને પણ એવી મદદ મળેલી, વાત એ છે કે જિંદગીની ભીડમાં કેટલાય એવા દિવસો હોય છે જ્યારે આપણે નિરાશ, ગુસ્સે, અસહાય હોઈએ છીએ અને જરૂરત હોય છે બસ એક સહારાની; એક માણસની જે કહેશે કે બધુ ઠીક થઈ જશે, એ જ વખતે બધું ઠીક થઈ જવાનું નથી કે ઠીક થતું પણ નથી, પણ બસ સારુ લાગે છે, ગમે છે. અને જરૂરી નથી કે કોઈ જાણકાર; કોઈ દોસ્ત જ હોય; જેને તમારી સાથે શું થયું છે એ ખબર ન હોય એવા 'નામ વગરના સંબંધો' ; એવા અજાણ્યા માણસો પણ ઘણી વાર શીખવાડીને, સહારો ને યાદો આપીને જાય છે. એ છોકરો જે છોલાયો હતો કે એ અંકલ કે પેલા માજી કોઈનો પણ હાલ મને ચહેરો યાદ નથી, પણ એ દિવસો એમ જ યાદ છે, જ્યારે પણ ખૂબ નિરાશ થવાય છે ત્યારે કોઈ વાર એ લોકો યાદ આવે છે અને જિંદગીમાં આગળ વધવાની પ્રેરણા મળે છે...




1 comment:

  1. એકદમ સાચી વાત છે ....
    અને એવા વ્યક્તિ અજાણ્યા હોવા છતાં પણ યાદ રહી જાય છે...👍

    ReplyDelete