Monday, 8 April 2019

યાદો

જૂની ડાયરીમાંથી અમુક યાદો મળી આવી છે. રવિવારની સ​વારે તારા ખુલ્લા ભીનાં વાળમાંથી આવતી શેમ્પૂની મદહોશ સુગંધ. આપણે બેડમિન્ટન અને સંતાકૂકડી રમતાં એ સાંજો, ગરમીની બપોરે છુપાઈને જોયેલી સૈનિકોની પરેડ. એક વખત હીંચકા ખાતી વખતે મારો ફાટી ગયેલો શર્ટ, એ મારી ભૂલમાં પણ તે મારો કરેલો બચાવ. તારી કાજળ લગાવેલી આંખો, તારુ પોતાના જ ખરાબ મજાક પર હસ​વું! તને પહેલો પત્ર લખ્યાંની તારીખ, મળ​વાનો વાયદો કરીને ન મળ્યાં એ દિવસો, મળ્યાં પછી પણ થયેલા એ જ જૂના ઝઘડાં,... જ​વાબ ન અપાયેલાં મેસેજીસ, ન ઉપાડેલા ફોન કોલ્સ, દૂઝતા ઘા અને એના પર ન લગાડેલી મલમ, એક જૂની તસવીર. ટ્રેનની એક ટિકિટ- જે આખી મુસાફરીમાં ફક્ત તુ જ યાદ આવેલી.  ઢળતો સૂરજ અને ઉદાસી... એ રસ્તો જ્યાંથી આપણે છૂટા પડેલા, જે રસ્તેથી આજે પણ પસાર થતી વખતે તુ યાદ આવે છે, તુ બધે જ છે, પણ મારી સાથે તુ નથી, તેમ છતાં તુ છે મારી યાદોમાં અને રહીશ...