Monday, 19 June 2017

માય 5 મિનિટ્સ વિથ ગોડઆજે સવારે વોટ્સએપ ખોલ્યું અને મારા દોસ્ત જયદીપનો એક શોર્ટ ફિલ્મ વીડિયો સાથેનો મેસેજ મળ્યો. જયદીપ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ઘણીવાર મને એની સાથે ફરિયાદો હોય છે કે મારી એની સાથે સારી રીતે વાત થતી નથી,... (હા, હું એને કહેતો નથી કે મને એ પ્રકારે લાગે છે, બીજી અમુક વ્યક્તિઓને ચોક્કસ કહ્યું છે.) પણ પહેલી વાર અહીં આ રીતે બધાની સામે લખી રહ્યો છું, કારણ કે હું કોઈ નથી એના વિશે આ રીતે વિચારવા માટે, મારી સાથે સરખી રીતે એની વાત થતી નથી એ માટે કારણ કદાચ એ પ્રકારે હોઈ શકે જે મને ખ્યાલ જ ન હોય એમ પણ બને! કાલે સાંજે જ એની પત્ની હેનીને મળ્યો. (પત્ની શબ્દ જ ખૂબ અલગ લાગે છે, કારણ કે કૉલેજમાં અમે બધાં મિત્રો હતાં, એ પછી સંબંધોની અંદર આ રીતે આવતો બદલાવ પણ તરત સ્વીકારી શકાતો નથી!) હેની સાથે મારે કાલે સાંજે વાત થઈ, મને ધીમે ધીમે સમજણ પડી કે મને ખ્યાલ ન હોઈ શકે કે જયદીપની જિંદગી ત્યાં કેવી હોઈ શકે છે, તો એ મારી સાથે સરખી વાત ન કરે એમાં હું નિરાશ ન થઈ શકું! વાહ! અને જયદીપે મોકલેલો આ શોર્ટ ફિલ્મનો વીડિયો ધરાવતો મેસેજ, એણે મને કેટલી વસ્તુઓ યાદ અપાવી દીધી. આ બધુ પણ આ ફકરામાં મેં એટલા માટે લખ્યું છે કારણ કે ક્યારેક કોઈ વસ્તુ સમજાતી હોતી નથી અને આપણે આમ હશે અથવા આમ નહીં તો આમ હશે એમ માનીને દુ:ખી થઈ જઈએ છીએ... પણ એ વસ્તુ સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો એ પણ એક મોટી વાત છે. આ શોર્ટ ફિલ્મ પણ એક એ પ્રકારનાં જ વિષય પર છે- ભગવાન. આપણને ખ્યાલ નથી કે ભગવાન કોણ છે, ક્યાં છે, ભગવાન છે પણ કે નહીં, છતાં દરેક વ્યક્તિનો પોતાનો ભગવાન પર જુદો જુદો મત છે અને જ્યાં સુધી એ મત પોતાની માટે કે બીજા કોઈ વ્યક્તિને માટે હાનિકારક નથી, ત્યાં સુધી એકદમ ઠીક છે. પંદર મિનિટ્સ ફાળવીને અહીં નીચે મૂકેલ શોર્ટ ફિલ્મ પહેલા જોઈ લો, પછી જ આગળ આ પોસ્ટ વાંચવા વિનંતી... ખૂબ ખૂબ આભાર જયદીપ.કેમ જીવીએ છીએ જીવન? શું ઉદ્દેશ છે આ જીવનનો? શું આ દુનિયામાં કોઈ ભગવાન છે? એ પ્રકારનાં ઘણા સવાલોનો જવાબ આપણને ઘણી વખત મળતો હોતો નથી. (સૌ પ્રથમ તો આ સવાલો થાય એ પણ ખૂબ મોટી વસ્તુ છે.) ક્યારેય વિચાર્યુ છે કે તમે જે જીવન જીવી રહ્યા છો એ પ્રકારનું જીવન તમે જીવવા માંગો છો? તમે કોઈ બીજી વ્યક્તિનાં વિચારોને લીધે જે પ્રકારનું જીવન તમને ગમતું જ નથી, એ પ્રકારે તો જીવી રહ્યા નથી ને? આ સમાજ અને દુનિયા હમેંશા તમને કહેશે, પણ એ કોઈ જ તમારુ જીવન જીવવા નહીં આવે. ક્યારેક લાગશે કે એ વ્યક્તિ મને કેમ સલાહ આપે છે, પણ મોટેભાગે લોકો એ કરશે જ. તમે બીજાની ઇચ્છા મુજબનું જીવીને તમારી જાતને છેતરશો અને અંતે તમને પોતાને જ એ નહીં ગમે, અને તમે અફસોસ કરશો ત્યારે કદાચ સમય જતો પણ રહ્યો હોય...

આ શોર્ટ ફિલ્મમાં નાયક પોતાના જીવનની છેલ્લી થોડીક ઘડીઓમાં ભગવાનને મળે છે અને આશ્વર્ય પામે છે. કારણ કે એણે જે પ્રકારે ભગવાન વિશે વિચાર કર્યો હતો, એવી કોઈ વ્યક્તિ એની સામે નથી. ભગવાનનું તો કોઈ ચોક્કસ સ્વરૂપ જ હોતું નથી. એ તો આપણે જ વિચારેલ એક મૂર્તિ, એક દેખાવ, એક ચહેરો કે પછી એક પથ્થર છે, જેને આપણે પૂજ્ય ગણીએ છીએ, સુખમાં કે ખુશીમાં ક્યારેક એની સામે આભાર માનતા થોડા શબ્દો કહીએ છીએ, દુ:ખમાં એની સામે રડીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે તરત એની પાસે કંઈક માંગી લઈએ છીએ. ક્યારેય વિચાર્યુ છે કે જો કોઈ ભગવાન હશે તો એને ગમતી સૌથી મોટી વસ્તુ શું હશે? જ્યારે કોઈ માણસને મદદ કરીએ, જ્યારે કોઈને માટે કંઈક સારુ કરીએ ત્યારે એને ચોક્કસ જ ગમતું હશે. જો કોઈ ભગવાન હશે તો એ માનવે જ માનવ માટે પેદા કરેલી પ્રાણઘાતક વસ્તુઓ, એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યનું ખરાબ થાય એ પ્રકારની રખાતી ઇચ્છાઓ કે બીજી આ પ્રકારની નકારાત્મક ઊર્જાઓથી ચોક્ક્સ જ દુ:ખ પામતો હશે... ભગવાન તમારી અંદર છે, માનવતા જ સૌથી મોટો ધર્મ છે, આ બધી વાતો આપણે જાણીએ છીએ. પણ જ્યારે પાલન કરવાનું આવે છે ત્યારે તો આ શબ્દો ક્યાંક ખોવાઈ જાય છે! આ વાક્યોનું શું કોઈ મૂલ્ય જ નથી? એક મનુષ્ય બીજા મનુષ્ય માટે થઈને ખરાબ કે નુકશાનકારક વસ્તુઓ વિચારે એ માટે તો મનુષ્યને બુધ્ધિ મળેલ નથી... બુધ્ધિનો ઉપયોગ તો સારા કાર્યો માટે થવો જોઈને ને? કે પછી કોઈક વાત માટે ફાયદો થાય કે કોઈને મદદ થાય તેમાં, પરંતુ તમારો ફાયદો કોઈનું નુકશાન પણ તો ન બનવો જોઈએ ને? જો ક્યાંક કોઈ ભગવાન છે તો એ તમારી સારાઈમાં છે, બુરાઈ પર સારાઈનાં વિજયમાં છે, અસત્ય પર થતાં સત્યનાં વિજયમાં ભગવાન છે, કોઈ નિર્દોષ બાળકનાં હાસ્યમાં ભગવાન છે, કોઈ બીજી વ્યક્તિના ચહેરા પર લાવવામાં આવેલી ખુશીમાં ભગવાન છે, માનવ થઈને બીજા માણસને જ્યારે તમે પોતાની બરાબરીમાં ગણો છો એ પળમાં ભગવાન છે. શું તમે ક્યારેય એ ભગવાનને જોયો છે?

આ શોર્ટ ફિલ્મ પરથી મને બીજી બે ત્રણ વસ્તુઓ યાદ આવી ગઈ, વાર્તાનાયકની મુલાકાત ભગવાન સાથે થાય છે અને એ ભગવાનને પૂછે છે કે શું આ પળમાં જે થઈ રહ્યું છે એ ફક્ત એનાં દિમાગની અંદર છે કે એ સત્ય છે? જે. કે. રોલિંગની પ્રખ્યાત હેરી પોટર શ્રેણીનાં છેલ્લા ભાગમાં પણ હેરીનું પાત્ર ડમ્બલડોરને આ જ સવાલ પૂછે છે. આ શોર્ટ ફિલ્મમાં ભગવાનનું પાત્ર અને હેરી પોટરમાં ડમ્બલડોરનું પાત્ર બંને એક સરખો જ જવાબ આપે છે કે હા, જે થઈ રહ્યું છે તે દિમાગની અંદર જ છે, પણ એનો એ બિલકુલ જ અર્થ થતો નથી કે એ સાચું નથી! ઘણી બધી વખત આપણને પોતાની જ જાત પર, પોતાનાં જ વિચારો પર ભરોસો હોતો નથી અને આપણે વિચારી લઈએ છીએ કે એ તો માત્ર દિમાગની અંદર જ છે. પણ તમે જે પણ વિચાર કરો છો એ જ સત્ય છે, એ જ પ્રકારે થાય છે. પરંતુ એનો એ અર્થ બિલકુલ જ નથી કે તમે જેમ વિચારશો તેમ જ થશે અથવા જે ઇચ્છશો એ બધુ જ તમને મળશે. એનો અર્થ એ છે કે જે પણ તમે વિચારો છો એ પ્રકારનું થાય તે માટે તમારે એ દિશામાં મહેનત કરવી પડશે, જે ઇચ્છો છો એ વસ્તુને મેળવવી પડશે. જે સપનું પૂર્ણ થાય એમ તમે ઇચ્છો છો એ સપનું પૂર્ણ તમારે જ કરવું પડશે. વાર્તાનાયક ભગવાનને જુદા જુદા સવાલો પૂછે છે ત્યારે ભગવાન આશ્વર્ય પામે છે. ભગવાન કહે છે જે લોકો એની સાથે વાત કરે છે એમાંથી મોટાભાગનાં લોકો કંઈક ને કંઈક માંગે છે, ક્યારેય કોઈ આ પ્રકારનાં સવાલો પૂછતું નથી. વાર્તાનાયક એની સાથે જે થઈ રહ્યું છે તે વાત અને બીજી અમુક વસ્તુઓ જાણવાની ઇચ્છા રાખે છે. રિચર્ડ લીંકલેટરની પ્રખ્યાત ફિલ્મો 'બિફોર ટ્રિલોજી' મારી ખૂબ જ મનપસંદ ફિલ્મો છે. પ્રથમ ભાગ 'બિફોર સનરાઇઝ'માં સેલિનનું પાત્ર કહે છે કે જો કોઈ ભગવાન છે તો એ આપણી વચ્ચે રહેલી જગ્યામાં જ છે, આ દુનિયામાં જો કોઈ જાદુ છે તો એ કોઈ વસ્તુ કે વ્યક્તિને સમજવામાં છે, કદાચ અશક્ય લાગે કે જવાબ ન પણ મળે, પણ જવાબ પ્રયત્નની અંદર જ હોય છે, તમે એ સમજવાનો પ્રયત્ન કરો છો તે જ મહત્વનું છે! 6 comments:

 1. Really nice elaboration of that video.
  Appreciated sanju....
  I haven't forgot your suggested page for life of pi movie's meanings.
  I really appreciate that you find these kind of questions Interesting.

  ReplyDelete
 2. Eye opening video, thought provoking blog!

  ReplyDelete
 3. Really nice elaboration of that video.
  Appreciated sanju....
  I haven't forgot your suggested page for life of pi movie's meanings.
  I really appreciate that you find these kind of questions Interesting.

  ReplyDelete
 4. Thank you friends! Thank you so much for encouragement... Keep reading

  ReplyDelete