આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે, ફિલ્મ ન જોઈ હોય તો સ્પોઈલર્સ વિનાંની પોસ્ટ - કપૂર એન્ડ સન્સ (૨૦૧૬)
શકુન બત્રાની ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' કુટુંબનાં સભ્યો વચ્ચેની સમસ્યાઓ, ગેરસમજો, આક્ષેપો અને ન કહેવાયેલી વાતોને સમજદારીપૂર્વક રજૂ કરતી ખૂબ સુંદર ફિલ્મ છે. કોઈપણ પરિવારમાં ઝઘડાં થાય છે, પણ દરેક નજીકની વ્યક્તિનો હાથ પકડીને એને સહારો આપવાનો હોય છે, એ વિશે ફિલ્મની અંદર ખૂબ જ સુંદર થોડીક પળો છે.
પરિવારના બધા સભ્યો લાંબા સમય પછી ભેગાં થાય છે એ રાત્રે હર્ષ (રજત કપૂર) અને સુનીતા (રત્ના પાઠક શાહ) પોતાની જૂની યાદો તાજા કરે છે. એ પછી હર્ષ સુનીતાનો હાથ પકડીને માફી માંગે છે, પોતે કરેલી ભૂલો માટે. એ લોકો બધુ ભૂલીને ફરીથી ખુશ થવાનો પ્રયત્ન કરવા માંગે છે, ફરીથી એક મોકો આપવા માંગે છે. એ માટે એકબીજાનો સહારો ખૂબ જરૂરી છે.
પતિના મૃત્યુનાં ચાર મહિના પછી સુનીતા પોતાના દીકરાઓને મળે છે. સુનીતા રાહુલ (ફવાદ ખાન) માટે પાણીની બોટલ અને ટોવેલ વગેરે સામાન લઈને એના રૂમમાં આવે છે. સુનીતા રાહુલથી નારાજ છે. પોતાના દીકરાની સાચી ઓળખ એ સ્વીકારી શકી નથી અને એમની વચ્ચે લાંબા સમયથી વાત થઈ નથી. એ લોકો એકબીજાનાં ખબર અંતર પૂછે છે અને કહે છે બધુ ઠીક છે. પણ, બંને જાણે છે કે એ ફક્ત ઇરાદાપૂર્વક બોલાયેલ જૂઠું છે. સુનીતા પોતાના દીકરાનાં હાથ પકડી લેવાં ઇચ્છે છે, પણ એ ખચકાય છે. એ પળને કેમેરામાં એટલી સુંદર કેદ કરવામાં આવી છે. રાહુલને ખ્યાલ આવી જાય છે કે એની મા એનો સહારો ઇચ્છે છે અને એ સુનીતાનો હાથ પકડીને એને અહેસાસ અપાવે છે કે એ એની સાથે જ છે.
ફિલ્મનાં અંતમાં ફરી એક વખત ફેમિલી ફોટો પડાવવા માટે બધા ભેગા થાય છે એ વખતે પણ સુનીતા ખચકાય છે. ત્યારે નાનો દીકરો અર્જુન (સિધ્ધાર્થ મલ્હોત્રા) માનો હાથ પકડવા આગળ આવે છે અને માને પોતાનો હાથ પકડી લેવાનું સૂચન કરે છે. એની પછીની થોડીક પળો સુધી એ લોકો એકબીજાનો હાથ પકડીને નજીક આવે છે. એ એમની વચ્ચેની ગેરસમજો ઓછી થઈ ગયાનું સૂચન કરે છે. નાનપણમાં માતા-પિતા બાળકોને ચાલતાં શીખવે છે એ વખતે બાળકને હાથ પકડીને સહારો આપે છે. એ જ બાળકોએ મોટા થયાં પછી આ જ રીતે માતા-પિતાને સહારો આપવાનો હોય છે. રાહુલ પણ માની પાસે આવે છે અને બંને ભાઇઓ માને પોતાની સાથે હાથ પકડીને લઈ જાય છે અને મારા બધા આંસુઓ ધોવાઈ જાય છે.
No comments:
Post a Comment