Friday, 10 March 2017

વાદળછાયું વાતાવરણ



કાલે બપોર પછી થોડી વાર માટે સૂર્ય જાણે વાદળોની વચ્ચે ક્યાંક સંતાઈ ગયેલો, સાંજે ફરી પાછા કાળા ઘનઘોર વાદળો છવાયેલાં. સવારે ખ્યાલ આવ્યો કે અમુક જગ્યાએ માવઠું પણ થયું. ગૂગલ પર ફક્ત સર્ચ કર્યુ તો ખ્યાલ આવ્યો કે વાદળોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે અને એ વિશે એક વિકિપીડિયા પેજ પણ છે! આ વાદળોની વચ્ચે લપાતો છૂપાતો સૂરજ ઘડીકમાં બહાર નીકળે છે અને ચોતરફ તડકો પથરાઈ જાય છે અને ઘડીક પછી ફરી વાદળોમાં ભરાઈ જાય છે. મને આવી મૌસમ ખૂબ ગમે છે. હા, આ પ્રકારની ઋતુ ઘણી રીતે નુકશાનકારક છે, એમાં પણ ખેડૂતો માટે તો ખૂબ જ. પણ, આવી મૌસમ મારી અંદર ખુશીઓ ભરી દે છે અને સાથે જ હું ખૂબ ઉદાસ પણ થઈ જાઉં છું. મને આજ સુધી ક્યારેય નથી સમજાયું કે એ વાદળો શું કરી દે છે મને, એ લાગણી જેમાં હું થોડીવાર પહેલાં રાજી અને થોડી વાર પછી ચહેરા પર ફરીથી નારાજી. કાલે સાંજે એક બાંકડા પર બેઠેલો. વૃક્ષો એમની મસ્તીમાં પવનને લીધે ઝૂમતાં હતાં, ધીમે ધીમે વાતો મંદ પવન કંઈક ઠંડક પ્રસરાવી જતો હતો, એ વૃક્ષોની વચ્ચેથી પાણીની થોડી બુંદો પડી. મને લાગ્યું કે રાત્રે વરસાદ મન મૂકીને વરસશે, પણ ફક્ત એ પળમાં જ એક-બે મિનિટ સહેજ છંટકાવ થયો. નવાઈ નથી કે મહાકવિ કાલિદાસ દ્વારા 'મેઘદૂત' કેમ લખાયું હશે! આજે ફરી એ જ પ્રકારનું વાતાવરણ છે. ઓફિસની બારી પાસેથી એક કબૂતર વારંવાર આવ-જા કરીને એની પાંખો ફફડાવી રહ્યું છે. મને વાદળોનાં શબ્દો હોય એ પ્રકારનાં ગીતો અને અમુક ફિલ્મોની અંદર વાદળો હોય એ દ્રશ્યો યાદ આવી રહ્યા છે. મને ઓફિસમાંથી ક્યાંક બહાર જવાનું મન થઈ આવે છે, તસવીરો ખેંચવાનું મન થઈ આવે છે, ઘાસમાં આરામથી સૂઈ જઈને કોઈ પુસ્તક વાંચવાનું મન થાય છે, કાવ્યો લખવાનું મન થાય છે, આજે સાંજે ડૂબતો સૂર્ય જોવો છે મારે. પણ, આટલું લખીને હું  સંતોષ માની લઉં છું! 

ગઈકાલે મેં લીધેલી થોડીક તસવીરો ... 





2 comments: