Tuesday, 28 March 2017

યાદોનો પટારો અને એ સાથેની ફરિયાદો


એક યાદોનું બૉક્સ પડ્યું છે, જેમાં ન જાણે કેટલીય વસ્તુઓ છે, જે મને ભૂતકાળ યાદ અપાવે છે. ક્યારેક મીઠી યાદો આપતો ભૂતકાળ, ક્યારેક સોયની અણીની જેમ ભોંકાતો ભૂતકાળ. એ યાદો બસ એમ જ છે સચવાયેલી અને ક્યારેક કેટલીય ફરિયાદો થઈ આવે છે તમારા બધાની સાથે, જેમણે એ યાદો આપી છે. ક્યારેક એ આખેઆખું બૉક્સ ક્યાંક ફેંકી દેવાનું મન થાય છે, જાણે લાગે છે એમ કરવાથી એ યાદોથી છૂટકારો મળશે, પણ, મને ખબર છે એમ નહીં થાય અને હું ફેંકતો નથી. કારણ કે હું જાણું છું કે એ યાદો ફક્ત વસ્તુઓ સાથેની તો નથી જ, વ્યક્તિઓ સાથેની છે. એમાંથી કેટલીક વ્યક્તિઓ તો જીવનમાંથી ક્યારનીય બહાર ફેંકાઈ ગઈ છે, એમાંથી કોઈકનો અફસોસ પણ છે, કોઈકનો નથી, તો પછી વસ્તુઓ ફેંકવાથી તો કશું જ મળવાનું નથી. એક જૂની ડાયરી પડી છે, કેટલીક સ્કેચપેન્સ, અલગ અલગ ડિઝાઈનની કી-ચેઇન્સ પડી છે, ખબર નહીં કયાંથી આવી છે એટલી કી-ચેઇન્સ! એક રીતે એ યાદ પણ છે પરંતુ ભૂલી જવાનું મન થઈ આવે છે! એક લાલ કપડાનો ટુકડો પડ્યો છે, એક સોનેરી રંગની પટ્ટી જેવું કંઈક, દરિયાકિનારેથી લાવીને કોઈએ આપેલાં શંખ અને છીપલાં, ન જાણે કેટલાય દિવાળી કાર્ડ્સ અને બર્થડે કાર્ડ્સ, શુભેચ્છાઓ તો ક્યાંક ખોવાઈ ગઈ છે આજે! કેટલાય ફ્રેન્ડશિપ બેલ્ટ્સ પડ્યાં છે, જે બચપણમાં કોઈ બાંધે તો ખુશી થતી અને એ હિસાબે મિત્રોની ગણતરી કરવામાં આવતી હતી! આજે મિત્રોની સંખ્યા આંગળીનાં વેઢે ગણાય એટલી થઈ ગઈ છે. અમુક પત્રો પડ્યા છે, જેને વાંચવાથી એ આખેઆખો સમય જાણે નજીક આવી જાય છે. એક પત્ર પડ્યો છે પાછો આવેલો, જેનો જવાબ ક્યારેય ન આવ્યો અને એ પત્ર જ પરત મોકલાવવામાં આવ્યો, ક્યારેક થાય છે દોસ્તીની કિંમત જ નહીં હોય એ વ્યક્તિને કે એણે એમ કર્યુ હશે, ક્યારેક એ બધા પત્રોને દિવાસળી ચાંપી દેવાનું મન થઈ આવે છે. એક કાર્ડમાં લગાવેલું ગુલાબ છે, જેમાંથી એક સમયે સુગંધ આવતી હતી, હવે ક્યારેય નહીં આવે. એક બર્થડે કેક પર લગાવેલી નાની સાઇઝની છત્રી પડી છે, કેટલી સરસ રીતે તમે લોકોએ ઊજવેલો મારો એ બર્થડે, હું ક્યારેય ભૂલી શકીશ નહીં. એ છત્રી પર આપણાં છ જણનાં નામ લખ્યાં છે, એ મિત્રો જે કદાચ હવે એકસાથે બધા છ જણ ભેગા થાય એ ખૂબ મુશ્કેલ છે.

મને આ દુનિયાનાં નિયમોની ચોપડી જોઈએ છે, જેમાં લખ્યું છે કે આમ કરાય ને આમ ન કરી શકાય. મારે આગ લગાવી દેવી છે એ સમાજને જેની આગળ મારે સાબિત કરવું પડે કે એ છોકરી મને રાખડી બાંધે છે જે મારી પાસે બેઠી છે. લોકોનાં ડરે એ મને મળતી નથી, ત્યારે લાગી આવે છે. અને એ સાથે યાદ આવી જાય છે એકબીજાની સમસ્યાઓમાં કરેલી તરફેણો. અઢળક વાતો, આસપાસનાં લોકોની કરેલી મજાક, અડધી રાતે એકબીજાને મેસેજ કરીને રડતાં રોકેલા એ દિવસો, એકબીજાને સ્ટડીઝમાં કરેલી હેલ્પ, એકબીજાને શીખવાડેલી જિંદગી વિશેની વાતો... અને આજે એ જ છોકરી દુનિયાનાં ડરે મને નહીં મળે.

ક્યારેક તારી ખૂબ યાદ આવી જાય છે, તારી પાસે આવવાની ઇચ્છા થઈ આવે છે. પણ, હું મેસેજ કરતો નથી. મને ખબર છે કે હજુ અમુક આગળની ચેટ જ અધૂરી છે કે તુ નવા જવાબો જ નહીં આપે. મેં કહ્યુ તુ તને કે તુ પાછો જાય એ પહેલા મને કહેજે, આપણે મળીશું અને તુ હમેંશની જેમ જ ભૂલી ગયો અને મેં તુ વ્યસ્ત હોઈશ એમ માનીને કહ્યુ જ નહીં, અને તારુ પ્લેન સમયસર નીકળી પણ ગયું અને બીજા લોકોનાં વોટ્સએપ પ્રોફાઇલ પરથી ખ્યાલ આવ્યો કે તુ જતો રહ્યો, એ દેશમાં જે મારાથી કેટલોય દૂર છે, ખબર નહીં ક્યારે મળીશ હવે! તારી ફરિયાદો પણ કોને કરુ? ક્યારેક કોઈ વખત કોઈ વાત ભયંકર રીતે ગૂંચવાઈ જાય છે, ત્યારે થાય છે તને ભેટીને રડ્યા જ કરુ અને યાદ આવે છે કે તુ પાસે જ નથી, કેટલાય જોજનો દૂર છે અને હવે ક્યારે મળીશ એ પણ ખબર નથી. તારી સાથે વાત કરવી હતી ધરાઈને, પણ, સરખી રીતે આવજો પણ ન કહ્યુ. તને ખબર છે ફોન પર વાત કરવી મને નથી ફાવતી. ક્યારેક તને ભાવતું ચાઇનીઝ મંચુરિયન ખાવાનું થાય કે સબ્વેમાં જવાનું થાય તો તારી યાદો ઘેરી વળે છે, પણ, તુ પાસે નથી. પણ, હું ખુશ છું કે તુ ખૂબ ખુશ છે અને તુ પણ ખુશ છે કે હું તને મારા સમાચાર આપતો રહીશ એટલે ક્યારેક બધુ ઠીક થઈ જાય છે, પણ, બસ એમ જ આજે ફરિયાદ કરવાનું મન થઈ ગયું...

તારી ક્યારેક બસ એમ જ યાદ આવે છે અને આખેઆખી સ્કૂલ લાઇફ જાણે સજીવ થઈ ઉઠે છે, તારા ચિત્રો, તારી આર્ટ, તારા ડેકોરેશનની નવી નવી ડિઝાઈન, તને તારી ડ્રીમ કરિયર આર્કિટેક્ચરમાં એડમિશન મળ્યું એ દિવસ. મને થાય છે કે તને મળું. પણ, તુ મળવા માટે સરખો સમય ક્યારેય કાઢતો નથી અને આ વ્યસ્ત જિંદગીમાં આપણે ઘડિયાળની અંદર પૂરાઈ ગયાં છીએ. ક્યારેક થાય છે કે વર્ષમાં એક વખત આપણે મળતાં એ પણ હવે કેમ નથી મળતાં જ્યારે ભૌગોલિક અંતર તો પહેલાં કરતાં ઘટી ગયું છે, તો પછી ભાવનાત્મક અંતર કેમ વધી ગયું છે! ક્યારેક તે આપેલાં પત્રો વાંચીને રાહત થાય છે કે આપણી દોસ્તી સ્કૂલમાં કેટલી ગાઢ હતી. પણ, પછી આજનો સમય પણ એ જ વિચારીને નીકળી જાય છે કે બધા હમેંશા સાથે નથી રહી શકતાં.

તને અમુક દિવસ પહેલાં જ ઑફિસથી છૂટતી વખતે જોયેલો, તારી એક્ટિવા પર આગળ હેલ્મેટ લટકતું હતું અને એ જ ચહેરો, જાણે હજુ તુ એવો જ છે, જેવો દસ વર્ષ પહેલાં સ્કૂલમાં હતો. મને જાણ છે કે તે તારુ સપનું પૂરુ કર્યુ છે ફેશન ડિઝાઇનર બનીને. પણ, મને એ જાણ નથી કે તને મારી સાથે વાંધો શું પડ્યો છે! તને એ દિવસે ટ્રાફિક સિગ્નલ પર એટલાં વાહનોની વચ્ચે ચીસો પાડી પાડીને રોકી લેવાનું મન થઈ ગયેલું, પણ, પછી યાદ આવી ગયાં તારા જવાબ ન અપાયેલા પત્રો, જવાબ ન અપાયેલ વોટ્સએપ મેસેજીસ, ન સ્વીકારાયેલી ફેસબુક રિક્વેસ્ટ,... અને તારી સાઇડનો ટ્રાફિક ક્લિયર થતાં તુ જતો પણ રહ્યો અને થોડી વાર પછી હું પણ. પરંતુ દિલનો એક ટુકડો એ જગ્યાએ છૂટી ગયો. અને યાદ આવી ગયાં એ બધા દિવસો જ્યારે સ્કૂલમાં લોકો આપણી મજાક ઉડાવતાં અને આપણે કોઈનું પણ ખરાબ લાગે તો એકબીજાને કહીને એ લોકોની જ મજાક ફરી ઉડાવતાં. સ્કૂલની રિસેસમાં આખા ગામની ગૉસિપ કરતાં. ઘણી વખત થાય છે કે તને ફોન કરુ, પણ, પછી ત્યાં બસ રિંગ જ વાગે છે. અને હવે મારુ સ્વમાન પણ ઘવાય છે. 

ક્યારેક એ બધા સ્કૂલનાં મિત્રોને એક થપ્પ્ડ ચોડી દેવાની ઇચ્છા થઈ આવે છે જે હજુ પણ આ જ શહેરમાં છે અને મળવા માટે બહાના કાઢે છે, પછી એમ થાય છે કે એમની મને મળવાની ઇચ્છા જ નથી. પણ, મારે તો મળવું છે એમને એટલે હું ફરી ક્યારેક બેશરમ થઈને એમને પૂછી બેસું છું ત્યારે મને ખ્યાલ આવે છે આખી દુનિયામાં સૌથી વ્યસ્ત લોકો મને જ મળ્યાં છે.

મને ફરિયાદો છે કે તે આપણો સંબંધ સાચવ્યો જ નહીં. તે કોઈ મજબૂરીઓ કે કોઈ વાત સમજવાનો પ્રયત્ન કર્યો જ નહીં અને મેં ખૂબ પીડાઈને અંતે એ સંબંધ જ તોડી નાખ્યો. ક્યારેક રવિવારે સવારે તારે ઘેર આવતો એ વખતે મોટેભાગે તારા વાળ શેમ્પૂથી ધોયેલાં રહેતાં, એ દિવસો ક્યારેક યાદ આવી જાય છે. એ શેમ્પૂની સુગંધ મને હવે ક્યારેય નહીં આવે, હવે ક્યારેય તુ મારી મજાક નહીં કરે, જે મને એ વખતે નહોતી ગમતી. ક્યારેય તુ મારી સાથે બેડમિન્ટન નહીં રમે કે ક્યારેય બસ એમ જ પાર્કમાં જઈને આપણે રમી નહીં શકીએ, કારણ કે હવે આપણે બાળકો રહ્યા નથી, આપણો સંબંધ પણ હવે રહ્યો નથી અને તુ તો કોઈની પત્ની પણ છે.

મને ફરિયાદ નથી કે તે મારી લાગણી ન સ્વીકારી, કારણ કે હવે આપણે મિત્રો છીએ અને હું એ પ્રેમની લાગણીઓમાંથી બહાર આવી ગયો છું. પણ, તારી સાથે કરેલી એ સમયની સાહિત્ય અને સિનેમાની વાતો ફક્ત યાદો બનીને જ રહેશે. હા, હજુ પણ આપણે એ જ પ્રકારે વાતો કરીએ છીએ જે રીતે પહેલાં કરતાં હતાં, કદાચ જૂના સમય કરતાં વધારે નજીક છીએ આપણે. પરંતુ, તો પણ ક્યારેક એમ થાય છે કે એ યાદોની અંદર જઈને એ ડિલિટ કરી આવું કે મેં તને કહેલું કે તુ મને ગમે છે, મને થાય છે મારે ક્યારેય કહેવું જ નહોતું જોઈતું... ખબર નહીં કેમ હું આપણે આટલા નજીક છીએ એ છતાં આ વાત કાઢી શકતો નથી મારી અંદરથી... 

મને અફસોસ છે કે તને ક્યારેય ખબર જ નહીં પડે કે મેં તને કેટલો પ્રેમ કર્યો. કદાચ તને મારુ નામ પણ યાદ નહીં હોય. તને ક્યારેય ખબર જ નહીં પડે કે તારા સુધી મારી વાત પહોંચાડવા માટે કેટલો પ્રયત્ન કર્યો. પણ, તને કહી જ ન શક્યો. કારણ કે હું તો અજાણ્યો જ હતો તારી માટે. તુ ઓળખતી પણ નહોતી મને તો પછી મળવાનો તો કોઈ સવાલ જ નહોતો. ક્યારેક યાદ આવે છે એ દિવસો જ્યારે તારા પ્રેમમાં હું એવો તો પડેલો કે ઊભા થતાં કેટલી વાર લાગેલી એ ફક્ત હું જ જાણું છું! તારી સાથે જીવવાનાં જોયેલાં સપનાં અને એ ગાંડીઘેલી વાતો યાદ કરીને હું હવે પોતાની જાત પર જ હસી પડું છું. કારણ કે એ લાગણીઓમાંથી બહાર આવવાનાં મેં ખૂબ પ્રયત્નો કર્યા છે અને એ પછી પણ એક નિષ્ફળ સંબંધ બાંધી ચૂક્યો છું અને આજે ફરી એકલો છું. તુ હવે ત્યાં રહેતી નથી અને હું પણ હવે ઇરાદાપૂર્વક એ ગલીમાંથી ગુઝરતો નથી. 

ક્યારેક થાય છે કે તમને બધાને ભેગા કરીને ખૂબ ખૂબ ફરિયાદો કરુ અને પછી ખૂબ રડીને, માફ કરીને, તમને અને તમારી યાદોને જવા દઉં અને તમારામાંથી જેની સાથે શક્ય હોય એની સાથે દરિયાકિનારે એક ઘર બાંધીને રહું. પણ, હું જાણું છે કે એ ક્યારેય નહીં થાય. પરંતુ 'યે જવાની હૈ દીવાની' ફિલ્મમાં નૈના કહે છે એ રીતે મારી સાથે હમેંશા થયું છે કે યાદો મિઠાઈના ડબ્બા જેવી છે, એકવાર ખોલ્યા પછી ફક્ત એક ટુકડો નથી ખાઈ શકાતો. એટલે જ વખતોવખત જ્યારે પણ યાદ આવે છે ત્યારે મોટાભાગનું એકસામટું જ યાદ આવી જાય છે. 'નમસ્તે લંડન' ફિલ્મની શરૂઆત પણ 'મૈં જહા રહૂ' ગીતથી થાય છે, જે યાદો વિશે સુંદર ગીત છે. પરંતુ હું પણ હવે ટેવાઈ ગયો છું અને થોડીવાર પછી મારા દિલને મનાવી લેવામાં સફળ થાઉં છું કે સચ્ચાઈ શું છે એટલે હું કંઈ દુ:ખી નથી આ બધી યાદો સાથે. એટલે જ મને પણ 'કપૂર એન્ડ સન્સ' ફિલ્મનાં ડાયલોગ જેવી લાગણી થઈ આવે છે કે એ યાદોને હું કરોડો રૂપિયા માટે પણ ન વેચું! મને ખબર છે કે હું ખૂબ લખું છું. પણ, 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મમાં સબા કહે છે એ મારે માટે પણ સત્ય છે, "શબ્દો સિવાય મારી પાસે કશું જ નથી." 

યે જવાની હૈ દીવાની

નમસ્તે લંડન

કપૂર એન્ડ સન્સ

એ દિલ હૈ મુશ્કિલ

1 comment: