Monday, 27 February 2017

માઉન્ટ આબુ (૨૦૧૫)



એક દિવસે અમે મારી ફેમિલીને રેલવે સ્ટેશન મૂકવા ગયેલાં, હું અને મારો બેસ્ટ ફ્રેન્ડ મૃગેશ. અને અમે બસ એમ જ નક્કી કરેલું કે ક્યાંક ફરવા જવું જોઈએ. જ્યાં ટ્રેનમાં જઈ શકાય અને ટ્રેનમાં પાછું આવી શકાય. એમ છતાં નજીક પણ હોય. અને થોડા દિવસોની માથાકૂટ અને ફેમિલીને ખૂબ મનાવ્યા પછી નક્કી થયું માઉન્ટ આબુ. બંનેને અમારી જિંદગીમાંથી થોડો બ્રેક જોઈતો હતો અને મૃગેશને તો ખાસ.

અમે જૂના સચિવાલયનાં રિઝર્વેશન સેન્ટર પર ટિકિટ માટે ગયા, એક આન્ટી બેઠેલા ત્યાં ટિકિટ કાઉન્ટર પર અને એ અમને ટોન્ટ કરતાં હતાં કે આબુ ફક્ત કપલ્સ જાય છે અથવા લોકો પીવા માટે જાય છે, અમે ફક્ત ફરવા માટે જ જઈએ છીએ, એ વાત એમને માન્યામાં નહોતી આવતી અને એ વાતની અમને નવાઈ હતી! મને બીજા પ્રવાસ જેટલા યાદ છે એટલો આ પ્રવાસ યાદ જ નથી, એટલે સુધી કે મને ટ્રેનનું નામ પણ યાદ નથી, એક વસ્તુ યાદ છે કે અમને પાછા ફરતી વખતનાં રિઝર્વેશનમાં બે જણ વચ્ચે એક જ સીટ મળેલી, અને અમે ત્રણ દિવસ રોકાવાનો પ્લાન કરેલો...

૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૫નાં રોજ સવારે અમારી કાલુપુરથી ટ્રેન હતી. મૃગેશને કાલુપુર રેલવે સ્ટેશન પર એટલી મજા આવેલી કે વાત ન પૂછો, એમાં વાત એમ હતી કે એ ઘણા સમયે રેલવેથી મુસાફરી કરવાનો હતો, એ રોમાંચ એ અનુભવતો હતો અને એની સાથે સાથે હું પણ! અમારી બે મોટી બેગ્સ સાથે અમે ટ્રેનમાં ચડ્યાં અને સીટ્સ શોધી અને ઘેરથી લાવેલો ભરપૂર નાસ્તો કર્યો. મૃગેશ પેપર ડિશથી માંડીને ચમચી પણ લઈ આવેલો એટલે કોઈ તકલીફ પડવાનો સવાલ જ નહોતો!

બપોરે અમે પહોંચેલા ત્યાં, પણ હજુ નીચે તો ફક્ત સ્ટેશન જ હતું. ફરવા માટે તો પર્વત ઉપર હતો.  અમે વિચાર કર્યો કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જવું જોઈએ એટલે છેતરાવાનો ભય પણ નહીં. અમે રાહ જોતાં ઊભા રહેલા સ્ટેશનથી થોડે દૂર અને થોડા સમય પછી બસ મળી. મોટાભાગનાં મુસાફરો સ્થાનિક લોકો અથવા કપલ્સ હતાં.  અમને છેલ્લી સીટમાં જગ્યા મળી. પર્વતીય ઢોળાવો ધરાવતાં રસ્તાઓ પર બસ શું ઉછળતી હતી અને એ જે આંચકા હતાં અને મને તો એ સાંકડા રસ્તા જોઈને ડર લાગતો હતો! મને થોડા ચક્કર પણ આવતાં હતાં. અમારી વાતોને લીધે એ રસ્તો પસાર થઈ જતા એટલો સમય ન લાગ્યો.

બસમાંથી હજુ ઊતર્યા પણ નહોતા અને થોડાક એજન્ટ્સ હોટેલમાં લઈ જવા માટે પડાપડી કરવા લાગ્યાં. સરખી રીતે બસમાંથી ઊતરવા પણ નહોતા દીધા એ લોકોએ. અમુક લોકોને અમે કહ્યુ કે અમારી હોટેલ બુક છે ત્યારે પીછો છોડ્યો એમણે. એક એજન્ટ અમને મળ્યો અને અમે થોડા રૂમ જોવાનું નક્કી કર્યુ એની સાથે. એણે કહ્યુ કે એ એની જીપમાં લઈ જશે અને રૂમ નહીં ગમે તો પાછા એ જ જગ્યાએ ઊતારી જશે. અમને એણે બતાવેલો એક રૂમ ગમ્યો એ ખૂબ મોંઘો હતો અને બીજા જે સસ્તા હતાં એમાં સ્વચ્છતાનું નામોનિશાન નહોતું! તો અમે એ માણસને કહ્યુ અમને પાછા મૂકી જવા માટે, પણ એણે વાત પણ ન કરી અમારી સાથે અને અમારે પાછા જ્યાં ઊતરેલા એ જગ્યાએ મોટી બેગ્સ સાથે ચાલતાં જવું પડ્યું! એક ભાઈ ત્યાં ઊભેલો અને એણે કહ્યુ કે એ રૂમ બતાવશે, અમને ગમે તો જ અમારે રૂમ રાખવો. એના બાઈક પર ટ્રિપલ રાઈડમાં અમે ગયાં ત્યાં સુધી. થોડે નજીક જ હતું એ 'બાલાજી કોટેજ' નામનું ઘર. હા, એ ઘર જ હતું કારણ કે મકાનમાલિક ત્યાં જ રહેતાં હતાં અને પાછળ થોડા રૂમ બનાવેલાં. અમને રૂમ બતાવ્યો, સરસ નાનો રૂમ. ડબલ બેડ. સ્વચ્છ. અમને ગમ્યો. અમે ત્યાં રહેવાનું નક્કી કર્યુ. બાથરૂમ અલગ હતું. અમે ફ્રેશ થઈને થોડો આરામ કર્યો અને સાંજે 'સનસેટ પોઈન્ટ' જવાનું નક્કી કર્યુ.


મૃગેશ
રૂમ


હું, સંજય





સાંજે ચાલતાં જ અમે ત્યાં જવાનું નક્કી કર્યુ. થોડે નજીક જ હતું. ડૂબતો સૂર્ય જોવા માટે લોકો એકઠા થયેલા. અમે મકાઈ ખાતા ખાતા બધાને જોઈ રહેલા. કપલ્સને જુદા જુદા પોઝમાં ફોટોસ પડાવતાં જોઈ અમને એટલું ફની લાગતું હતું ને! ધીમે ધીમે સૂર્ય ડૂબતો હતો, અમુક લોકો વાહિયાત શબ્દો સાથે જોરશોરથી ચીસો પાડતા હતાં. બીજા અમુક લોકો અમારી જેમ શાંત બેઠેલા. અમને બેસવા માટે સરખી જગ્યા નહોતી મળી. મૃગેશનો મૂડ હજુ પણ એટલો સારો નહોતો. હું એને ચિયર અપ કરવા પ્રયત્નો કરતો હતો અને સૂર્ય ડૂબતો જતો હતો. મારા ફોનનો કેમેરા પણ થોડા દિવસ પહેલા બગડી ગયેલો અને મૃગેશને ફોટોસનો એટલો શોખ નથી, એટલે એ પરાણે મારા કહેવાથી થોડા ફોટોગ્રાફ્સ કેપ્ચર કરતો હતો!




સાંજે અમે ત્યાં બજાર ગયા અને જાણ્યુ કે જમવા માટે 'ઓનેસ્ટ' પણ હતું અહીં,  હેવમોર પણ અને બીજી ઘણી ફ્રેન્ચાઈઝીસ! અમે ઓનેસ્ટમાં જમ્યું અને વિચાર્યુ કે જેટલું વિચાર્યુ હતું એટલી મજા ન આવી. અમે ઉદાસ હતાં હોટેલનાં રૂમ પર પાછા આવતી વખતે. હોટેલ પાછા આવીને વિચારતાં હતાં કે હજુ બીજા બે દિવસ અહીં કેવી રીતે રોકાઈશું કારણ કે અમારુ બીજા બે દિવસ પછી રિઝર્વેશન હતું! માંડ માંડ ટેન્શન સાથે પણ અમે સારી ઊંઘ માણી.

સવારે અમને ફરીથી ફરવાનો કોઈ જ મૂડ નહોતો. અમે એક જીપ જે ઉપર સુધી લઈ જતી હતી ત્યાં ઘણા વધારે ભાડામાં ગયાં. એણે અમને જ્યાં ઊતાર્યા ત્યાંથી 'દેલવાડાનાં દેરા/દહેરા' ઘણા દૂર હતાં. અમને અફસોસ થયો કારણ કે હોટેલ પર અમને કહેલું કે અમે એક વ્હીકલ ભાડે લઈ શકીએ. અમને એમ કે એ સસ્તું નહીં પડે, હજુ બીજી જગ્યાઓએ જવા માટે ફરી બીજા વાહન શોધવાના હતાં એટલે પછી અમે નક્કી કર્યુ કે પાછા હોટેલ જવું અને પછી ડ્રાઈવ કરીને પોતાની રીતે ફરવું!




પાછા હોટેલ સુધી આવ્યા ત્યારે જાણ્યું કે અમારો નિર્ણય સારો હતો કારણ કે પછી અમે ફક્ત એ ૧૫૦/૨૦૦ રૂના પેટ્રોલમાં આખો દિવસ ફરેલા. એમણે એક્ટિવાની સાથે આપેલ હેલ્મેટ તૂટેલું હતું અને પહેરતાં ફાવતું ન હતું, એ હેલ્મેટને મૂકવા માટે ડેકી ખોલી તો જાણ્યું કે સીટ પણ આખી અલગ થઈ શકતી હતી ડેકીથી!! એ બધી માથાકૂટ સાથે અમે સૌથી પહેલાં દેલવાડાનાં દેરાસરની કોતરણી જોઈ અને મંત્રમુગ્ધ થયાં. બીજા બે ત્રણ નાના મોટા મંદિરો જોઈને અમને સખત કંટાળો આવ્યો અને અમે નક્કી કર્યુ કે અમે મંદિર જઈશું જ નહીં. અમે પાસેની હોટેલમાં સરસ ગુજરાતી ભોજન જમ્યું. ફરી બપોરે અમે ડ્રાઈવ શરૂ કર્યુ. એ રસ્તા પર એક્ટિવા ચલાવવું સાચે જોરદાર અનુભવ હતો અમારી માટે.


હું, મૃગેશ અને એક્ટિવા


અમે ઘણી જગ્યાઓએ ગયેલાં ત્યાં આસપાસ, એમાંથી મને કંઈ જ ખાસ યાદ પણ નથી. એક તળાવ હતું જેને કિનારે બેસવા હું મૃગેશને પરાણે લઈ ગયેલો. એક નાનો પર્વત હતો જ્યાં ફોટોગ્રાફ્સ પડાવ્યા ભરપૂર. બ્રહ્માકુમારીનો આશ્રમ હતો પણ ત્યાં પણ અમને નહોતું ગમ્યું. અમે સાંજે નકી/નક્કી/નખી લેક ગયેલાં અને રસ્તો ભૂલી જઈને બીજી બાજુ ખાસ્સુ ડ્રાઈવ કરીને રસ્તો મળેલો. નકી લેક પર મૃગેશને બોટમાં બેસવું હતું અને એ એટલી મોંઘી બોટ હતી કે મેં એ થોડીવાર માટે એટલા પૈસા ખર્ચવાની ના પાડેલી, હવે જ્યારે અમે કમાઈએ છીએ ત્યારે મને થાય છે કે પૈસા તો મહત્વના છે જ નહીં કારણ કે આ પૈસાથી અમે એ સમય ક્યારેય નહીં ખરીદી શકીએ.


તળાવને કિનારે મૃગેશ


એ સાંજે અમે ફરીથી 'સનસેટ પોઈન્ટ' ગયેલાં અને આ વખતે અમે પહેલેથી સરસ જગ્યા શોધીને બેસી ગયેલાં, ભરપૂર યાદો સાથેની એ સાંજ હું શબ્દોમાં નહીં સમાવી શકુ. અમે નકી લેકથી લીધેલા કી ચેઈન્સ અને નેમપ્લેટ બધુ લઈને હોટેલ પર પાછા આવીને વિચાર્યુ કે હવે ફરવા માટે અહીં કોઈ ખાસ સ્થળ રહ્યુ છે નહીં અને અમારુ રિઝર્વેશન એક દિવસ પછી હોવા છતાં અમે બીજે દિવસે સવારે નીકળી જવાનું નક્કી કર્યુ અને હોટેલમાં આપેલ એડવાન્સ પાછુ લીધું એમ કહીને કે અમારે પરીક્ષા છે!! એ આન્ટી અમને કહેતા હતા કે 'વાપસ આનાહં...અને અમે એ યાદો લઈને રેલવે સ્ટેશન પર મોડી પડેલી ટ્રેનની રાહ જોઈને કંટાળેલા, ભૂખ્યાં અને થાકેલા ૨૫મી ફેબ્રુઆરી ૨૦૧૫નાં દિવસે બપોર પછી ગાંધીનગર પાછા આવેલા. એ રિઝર્વેશનની ટિકિટ અમે ગાંધીનગર આવ્યા પછી કેન્સલ કરાવી!!


મૃગેશ - સનસેટ પોઈન્ટ


આજે બે વર્ષ પછી હું એ અઢી દિવસ વિશે વિચારુ છું તો મારુ દિલ ખુશ થઈ જાય છે. થેન્ક યુ મૃગેશ મારી જિંદગીમાં હમેંશા સાથ નિભાવવા માટે અને આટલી ભરપૂર યાદો માટે પણ...




No comments:

Post a Comment