Monday, 19 December 2016

ટીવીએફ ટ્રિપલિંગ (૨૦૧૬) - રોડ ટ્રિપ, ભાઈ-બહેન, કુટુંબ અને જિંદગી વિશેની થોડીક વાતો ...ટ્રિપલિંગ એટલે? સિબલિંગ એટલે ભાઈ-બહેન, તો આઈ થિંક ટ્રિપલિંગ એટલે ટ્રિપ વીથ સિબલિંગ્સ... ક્યારે છેલ્લે જોયેલી વસ્તુમાં તમને જોરદાર મજા આવેલી અને થોડુ ઘણું જિંદગી વિશે પણ શીખવા મળેલું? યાદ ન આવતું હોય તો આ વેબ સીરિઝ જોઈ જ લો! મજા તો પડશે એની ગેરંટી અને ઘણું ઘણું શીખવા મળશે. સીરિઝની ક્રેડિટ ખૂબ સરસ છે, ત્રણેય મુખ્ય એક્ટર્સનાં નામ જે રીતે લખેલાં આવે છે એ એમના પાત્ર જેવાં છે. અને ત્રણેયનાં પાત્રનાં નામ મને ગોવિંદ સરૈયાની સરસ્વતીચંદ્ર (૧૯૬૮)નું ગીત યાદ અપાવે છે, ચંદન સા બદન ચંચલ ચિતવન, ધીરે સે તેરા યે મુસ્કાના... વાહ! ચંદન (સુમીત વ્યાસ), ચંચલ (માન્વી) અને ચિતવન (અમોલ પરાશર) ત્રણેયનાં નામ ક્રેડિટ્સમાં ધ્યાનથી જોશો તો એમનાં પાત્ર વિશે ખ્યાલ આવશે. સુમીત વ્યાસનાં નામમાં ટાઈની ડિઝાઈન છે, એનો સ્યૂટ અને એની બોરિંગ જિંદગી ડિફાઈન કરે છે, માન્વીનાં નામની ક્રેડિટમાં ઈઅર રિંગ્સ છે, જે એનું બહારથી સારુ લાગતુ સાજ-શણગારવાળું લગ્નજીવન દર્શાવે છે અને અમોલ પરાશરનું પાત્ર ડીજે છે, અને એટલે જ એનાં નામમાં હેડફોન અને ડિસ્ક છે!

ત્રણેય મુખ્ય પાત્રોનાં નામની ક્રેડિટ્સ... 


વેબ સીરિઝની દુનિયા એકદમ અલગ અને સરસ છે, કારણ કે ત્યાં સેન્સર બોર્ડ નથી; અને આમ પણ ખોટો દંભ કરવાની જરૂર શું છે? કારણ કે ઈન્ટરનેટ હોય છે એ બધાં લોકો કોઈ વાતોથી અજાણ હોતાં નથી તો પછી ખોટુ એડલ્ટ સર્ટિફિકેટ વાળી ફિલ્મમાં પણ સેન્સર કરો છો! વેબ સીરિઝ ફક્ત એટલા માટે સારી નથી કે એમાં છૂટથી 'એફ વર્ડ' વાપરી શકાય છે, પણ એમાં નવા નવા ટોપિક પર વિચારે છે ક્રિએટિવ લોકો અને રિસ્ક લે છે, અને હજુ ભારતમાં તો શરૂઆત છે અને આ શરૂઆત જ જો 'ગોલ્ડન' હોય તો આઈ હોપ કે ભવિષ્ય વધારે વધારે સોનેરી હશે,...

પહેલા જ એપિસોડની પહેલી લાઈન છે આ વેબ સીરિઝમાં કે રોડ ટ્રિપ શું યાદ અપાવે છે તમને, અફકોર્સ મને પણ 'ઝિંદગી ના મિલેગી દોબારા' યાદ આવેલું, ઈમ્તિયાઝ અલીની હાઈવેની વીરા યાદ આવેલી અને એ કહે છે તેમ,...
 "જહા સે તુમ મુઝે લાયે હો, મેં વહા વાપસ નહીં જાના ચાહતી, 
જહા ભી લે જા રહે હો, વહા પહુંચના નહીં ચાહતી, 
પર યે રાસ્તા, યે બહુત અચ્છા હૈ, મેં ચાહતી હૂં કી યે રાસ્તા કભી ખતમ ના હો" 
અને ઈમ્તિયાઝ અલીની જબ વી મેટનું ગીત 'આઓ મિલો ચલે' અને એની એક આ સરસ લાઈન, "મંઝિલ સે બહેતર લગને લગે હૈ યે રાસ્તે..." 


ટીવીએફ ટ્રિપલિંગમાં વિવિધ રસ્તાઓનાં લેવાયેલા એરિયલ શોટ્સ
ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ 


પણ ભાઈ-બહેન સાથે રોડ ટ્રિપ વિશે કોઈ લગભગ વિચારતું હોતું નથી... ચંદન એક ડાયલોગમાં કહે છે કે એ એના ડેડી જેવો છે, ગંભીર, વિચારશીલ અને પછી એ કહે છે કે એના પિતા એ લોકોને રોડ ટ્રિપ પર લઈ જતાં અને એનો ભાઈ ચિતવન એના પિતાની એ રોડ ટ્રિપ વાળી સાઈડ પર ગયો છે, દરેક માણસની મોટે ભાગે બે બાજુ હોય જ છે, એક આસપાસનાં લોકો માટે, સમાજમાં જિંદગી જીવવા માટે અને એક બાજુ પોતાના માટે, એને ગમે છે એવુ જીવવું, એને પોતાને માટે જીવવું, પોતાને ગમે છે એ કરવું, આપણે બધાં આવા જ છીએ, અથવા આ પાત્રો આપણા જેવાં છે; બંને કહી શકાય. પાત્રોની જેમ જેમ વધારે નજીક જઈએ એમ વધારે વાસ્તવિક લાગે છે. એક જ કુટુંબના લોકો એકબીજા સાથે વધારે ટચમાં નથી, ભાઈ-બહેનને એકબીજા વિશે ઝાઝી ખબર નથી, દરેક પોતાની જિંદગીમાં મસ્ત છે, પણ એ લોકોને ખબર છે જ્યારે જરૂરત પડશે ત્યારે બધાં એકબીજાને સંભાળી લેશે... એકબીજાની સાથે અને પડખે રહે છે એ લોકો... રાજ્સ્થાન, એની સંસ્કૃતિ બધું જ સેકન્ડ એપિસોડમાં સરસ દર્શાવ્યું છે, "કેસરિયા બાલમ, પધારો મ્હારે દેશ..." મેં જોધપુર જોયું છે અને મારે કહેવું જ પડશે એની સુંદરતાં, મહેલો, જાહોજહાલી, સંસ્કૃતિ, લોકોની વાતચીત કરવાની ઢબ, રહેણી-કરણી એ બધું એવું જ લાગે જાણે રજવાડા વખતનાં સમયમાં પહોંચી ગયા હોઈએ, અને એ બધાંની સાથે સાથે રણની ખૂબસુરતી પણ સુંદર સિનેમટોગ્રાફીમાં કેચ થઈ છે...  

રાજસ્થાન

ત્રણેય ભાઈ-બહેન રણની વચ્ચે રાતે 'ડર્ટી સિક્રેટ ગેમ' રમે અને એકબીજાની જિંદગી વિશે જાણવા મળે એમને, એમની યાદો, એમની જિંદગીની એકલતા, ડર, એ ત્રણેયની હાલત, એટલું સરસ છે ને કે હસતાં હસતાં આંખોમાં આંસુ આવી જાય છે, એમનાં પાત્રો આપણી આસપાસ જીવતા પાત્રો છે,... એ લોકોની એકબીજા સાથેની વાતો, એકબીજા પર આરોપો, અને દરેકની અલગ રીતે જીવાતી જિંદગી, તેમ છતાં એકબીજાની પાસે અપેક્ષાઓ રાખવી, વેલ, ભાઈ-બહેન એવા જ હોય છે! મારે બધાં પાત્રો વિશે ઘણું લખવું છે પણ સ્ટોરી જાહેર નથી કરવી, મારું માનવું છે કે આ એક એવી વસ્તુ છે જે વધારે ને વધારે જોવાવી જોઈએ. 


રણની વચ્ચે પસાર થયેલી એમની રાત
એકબીજાની જિંદગી વિશેની વાતો અને મસ્તી


પોતાની સમસ્યાઓથી ભાગતું દરેક જણ પહેલા સાથે અને પછી એકલા પોતાની મુસાફરી કરે છે, એ કદાચ આખી જિંદગી વિશે સૌથી સરસ રૂપક છે, ઘણાં પ્રોબ્લેમ્સમાં તમને સાથ આપવાવાળા લોકો હશે, પણ અમુક વસ્તુઓ, અમુક સમસ્યાઓ, એવી પણ હશે જેનો પ્રવાસ તમારે ફક્ત પોતાની જાત સાથે ખેડવો પડશે. જીવન જીવવા વિશેની આ સાદી સીધી વાત સમજાવવા માટે કદાચ સ્ટોરીલાઈન આ રીતે છે. ચંદન, ચંચલ અને ચિતવન ત્રણેય ભાઈ-બહેનનાં મા-બાપનાં રોલમાં અનુક્રમે શર્નાઝ પટેલ અને કુમુદ મિશ્રા છે. અને એ બંનેના નામ પણ 'ચ' ઉપરથી જ ચારુ અને ચિન્મય છે! અને બધા એક્ટર્સે ગજબ એક્ટિંગ કરી છે, સુમીત વ્યાસ ઈઝ ઓલરેડી સ્ટાર, જ્યારથી એણે 'પર્મનન્ટ રૂમમેટ્સ'માં રોલ કર્યો છે, અને એણે 'ઈંગ્લિશ વિંગ્લિશ'માં અને બીજી ઘણી ફિલ્મોમાં પણ સરસ એક્ટિંગ કરી છે, અલબત્ત આ વર્ષે આવેલી લીના યાદવની ફિલ્મ 'પાર્ચ્ડ'માં પણ એનો રોલ અને એક્ટિંગ સુપર્બ હતી, અને આ વેબ સીરિઝમાં પણ એ પોતાનો ગંભીર, વિચારશીલ અવતાર જીવ્યો છે ભરપૂર, ચંચલનાં પાત્રમાં માન્વી એકદમ ફિટ છે, એનું જેવું પાત્ર છે એવા ચહેરા પર હાવભાવ સતત દેખાઈ જ આવે છે, અને મસ્તી કરતી વખતે હાસ્ય અને દુ:ખમાં એની સાથે આંસુ પણ મહેસૂસ થાય છે. ચિતવન તરીકે અમોલ પરાશર 'કૂલ ડીજે એટિટ્યૂડ'; જિંદગીને સીરિયસ ન લેવાની રીત, બસ જીવવા માટેની જિંદગીનો મેસેજ આપે છે... ચંચલનાં પતિ પ્રણવનાં રોલમાં છે કુણાલ રોય કપૂર, એ રજવાડી દેખાય છે એના પાત્રની જેમ, અને જિંદગી વિશેની વાતો કરતી વખતે કોમન મેન પણ. પેરેન્ટ્સનાં પાત્રોમાં કુમુદ મિશ્રા અને શર્નાઝ પટેલ એમને ભાગે આવેલી ફિલૉસફી એમની એક્ટિંગ દ્વારા સરળતાથી આપણે ગળે ઉતારી દે છે... અને પેરેન્ટ્સના આ પાત્રો મારા પર્સનલ ફેવરિટ છે,... એમના બાળકોને જેવા છે એવા સ્વીકારે છે, ચર્ચા કરે છે એમની સાથે, એમને જિંદગી વિશેની નાની શિખામણો આપીને એમની પર છોડી દે છે કે જીવવું કેવી રીતે, આઈ જસ્ટ લવ્ડ ધેમ! સીરિઝનો પાંચમો અને છેલ્લો એપિસોડ કદાચ છેલ્લા ઘણા સમયમાં મેં જોયેલી સૌથી સારી વસ્તુ છે, આ એપિસોડે મને હસાવ્યો છે અને રડાવ્યો પણ. આ એપિસોડમાં ફેમિલી રિયૂનિયન છે, બધાં 'સાતોલિયું' રમે છે! ડિનર વખતે ડાઈનિંગ ટેબલ પર જિંદગી વિશે વાતો છે, અને એ પછી પણ કેટલીય સરસ નાની નાની વાતો... ચંદન કહે છે એક સીનમાં કે એને ઠંડી લાગે છે અને એના ડેડી કહે છે તો શાલ પડી છે, ઓઢી લે, અને એ શાલ ઓઢ્યા પછી ચંદન કહે છે યસ ધેટ વોસ સિમ્પલ, મતલબ ઓઢ્યા પછી એને બરાબર લાગે છે, અને એના ડેડી કહે છે કે મોસ્ટ થિંગ્સ આર સિમ્પલ લાઈક ધેટ! કેટલી સાચી વાત છે આપણે જ જિંદગીને ઘણી વાર ગૂંચવણભરી બનાવી દઈએ છીએ. અને એના ડેડી એને આ પળમાં જીવવા માટે અને જિંદગી અને ભવિષ્ય વિશે વધારે વિચાર્યા વિનાં બસ વર્તમાનની જ મજા લેવા માટેનો મેસેજ આપે છે, એ મેસેજ જે કેટલીય ફિલ્મો, પુસ્તકો અને કેટલીય બીજી બધી જગ્યાઓથી આપણને મળે છે, પણ અપ્લાય કરવાનું આવે ત્યારે ખૂબ ઓછા લોકો કરી શકે છે. બીજો એક સૌથી સરસ સીન છે પ્રણવ અને ચારુની કીચનમાં વાતચીત, સાસુ અને જમાઈ વચ્ચેનો સંવાદ, હા, મા-દીકરી કે મા-દીકરા વચ્ચેનો નહીં પણ સાસુ-જમાઈ વચ્ચેનો સંવાદ, પણ લાગે કે જાણે એક મા એના દીકરાને એક મિત્રની જેમ જિંદગી વિશેની વાતો કરે છે, મેં ખાસ્સા સમયમાં જોયેલો કદાચ સૌથી સારો સીન કોઈ પૂછશે તો હું આ ચોક્કસ જ કહીશ...!! એ સીન મને 'કાજલ ઓઝા વૈદ્ય'ની નોવેલ 'કૃષ્ણાયન'ની પણ યાદ અપાવે છે, જેમાં સાસુ અને દીકરાની વહુ વચ્ચેનો સંવાદ હતો, રાધા અને એમની પુત્રવધૂ વચ્ચેની વાતચીત. અને એ સીન મારો એ નોવેલનો બહુ જ ફેવરિટ સીન છે... 

સાસુ અને જમાઈનો સંવાદ

ડિરેક્ટર રાજેશ ક્રિશ્નન દ્વારા નાની અમુક વાતોનું સરસ ધ્યાન રાખવામાં આવ્યુ છે, એમણે આખી વસ્તુને રમૂજી રાખવાની સાથે સાથે ગંભીર રાખીને બેલેન્સ કરી છે, એમના લેખકો આકાશ ખુરાના, સમીર સક્સેના અને સુમીત વ્યાસ ત્રણેયનું સુંદર કામ છે, બધા પાત્રોની ડેપ્થ, એમની વાતો અને સ્ક્રીનપ્લે ખૂબ સરસ હેંડલ થયો છે. અમર મંગરુલકર દ્વારા કંપોઝ થયેલું મ્યુઝિક ઈઝ જસ્ટ ઑસમ ઑસમ! 'આઈ એમ ગોઈંગ હોમ' અને 'પહેલિયા' મારા મનપસંદ બની જ ગયા ચોવીસ કલાક નથી થયા વેબ સીરિઝ જોયે તો પણ; ગીતો ક્યાંકથી મળશે તો ડાઉનલોડ કરવા જ રહ્યા મારે તો! બેકગ્રાઉન્ડ સ્કોર પણ એટલો જ સુંદર છે, સિનેમટોગ્રાફર શ્રીનિવાસ રેડ્ડીનો કેમેરા એટલો સરસ ફરે છે કે ન પૂછો વાત, એમની દરેક સીનને જરૂરી બ્રાઈટનેસ, જરૂર લાગે ત્યાં ક્લોઝ અપ, અને એરિયલ શોટની ટેક્નિકે કમાલ કરી છે, ઈન શોર્ટ આ સીરિઝ બને તેટલી જલદી જુઓ; ગમે તો બીજા લોકો સાથે પણ શેર કરો! કારણ કે આખી સીરિઝ ખૂબસુરત છે, જેમ ચિતવન એના મોટા ભાઈ ચંચલને કહે છે, "બાબા, યૂ આર રિયલી બ્યૂટિફુલ!" 

મનાલી, હિમાચલ પ્રદેશ

2 comments:

 1. Yes bro... must watch series
  You can't take a break from watching one episode to other

  It finishes in a single sitting

  ReplyDelete
  Replies
  1. Exactly...! And agreed to you totally about 5th episode also. One of the best thing.

   Delete