Saturday, 28 May 2022

ઉનાળુ વેકેશન

તુ આ રજાઓમાં મામાને ઘેર જઈ આવ ને,
કેમ હવે તુ જતો નથી, કેટલું યાદ કરે છે એ લોકો તને...

એ લોકો કહેતા'તાં કે રાત રોકાયે તો ઘણો સમય થયો, 
હવે તો ઉપરનાં રૂમમાં કૂલર પણ નંખાવ્યુ છે... જા ને જઇ આવ... 
કેમ જતો નથી? કેટલાં વોટ્સએપ મેસેજીસને વીડિયો કોલ પણ કર્યા... 

સંજુ તો હવે પારકો થઇ ગયો છે, બિલકુલ આવતો જ નથી રોકાવા માટે, 

મમ્મી, ત્યાં નાનીમા નથી, ભલે એમને ગયે હવે દસ વર્ષ થશે... 
પણ ત્યાં જઇને એક ખાલીપો ઘેરી વળે છે, ઊંડે ઊંડે ડૂમો ભરાઇ જાય છે... 

મારે પણ જવું છે ત્યાં... પણ વીસ વર્ષ પાછળ... 
એક રૂપિયાની ચાર પાણીપુરી અને બરફનો ગોળો ખાવા જવું છે, 
પેલો સાદો બે રૂપિયાનો નહીં, સ્પેશ્યલ હીંગળાચાચરનો બરફ ગોળો... 

ભરબપોરે બધા સૂતા હોય ને ત્યારે નજર ચૂકાવીને ઘરની બહાર જવું છે 
આમલીનાં કાતરા ખાવા છે... ચોખાનાં પાપડ અને ભૂંગળા ખાવા છે... 
અપર અને બાલ્કની હોય તેવા સિંગલ સ્ક્રીનમાં પિક્ચર જોવું છે...

એક રૂપિયામાં એક લોટો ભરીને છાશ આપવાની, એમ નાની કહેશે... 
હું ત્યાં બેસીશ નાનીને ઘેર, થોડાક પૈસા મને નાની આપશે 
બીજા પૈસા બચાવવા માટે પણ કહેશે... 
નાની મને માવો આપશે... દેવડા લાવી આપશે... 

સાંજે દૂધ આપીને ધીમે ધીમે ચાલીને આવતા નાનીની રાહ જોઈશ હું... 
એ દિવ્યા ભારતીનો ફોટો લાવશે... 
મોડી સાંજે લોકો છાણાં લેવા માટે આવશે... 
કેટલાક મને ગાંધીનગર વિશે પૂછશે... સંજુ તો કેટલો મોટો થઈ ગયો...
મારી ઊંચાઈ વિશે કહેશે, ગાલ પર હળવેથી ટપલી મારશે... 

રાતે બધા વાતો કરશે અને હું પેપ્સી ખાઈશ... 
મા, હવે હું ત્રીસનો થઈશ... પણ મારે ફરી દસના થવું છે...
મારે રિતિક રોશનનો કહો ના પ્યાર હૈ વાળો ડાન્સ કરવો છે... 
બપોરે બાજી પત્તા રમવા છે, સાંજે લખોટી રમવી છે... 
રાતે ખુલ્લા આકાશ નીચે સૂવું છે... 

મોમ હું એટલા માટે મામાને ઘેર જતો નથી કારણ કે... 
આ સમય હવે પાછો નહીં આવે... હું જઈશ નહીં કેમ કે 
હવે નાની ત્યાં નથી, માટે જ મામાનું ઘર દીવો બળે તેટલે નથી 
પણ ઘણું જ દૂર ચાલ્યું ગયું છે... 

- સંજય દેસાઇ