કુણાલ કોહલીની ફિલ્મ 'હમ તુમ' ખૂબ જ સુંદર રીતે નવ વર્ષના સમયગાળામાં બદલાતી લાગણીઓનું વર્ણન કરે છે. રિયા (રાની મુખર્જી) અને કરણ (સૈફ અલી ખાન) વર્ષો સુધી એકબીજાને મળે છે, છૂટા પડે છે અને ફરીથી મળે છે તે સમય દરમિયાન તેઓની જિંદગીમાં ઘણા પરિવર્તનો આવે છે. દુઃખ આવ્યા બાદ ફરીથી જિંદગીમાં આગળ વધવું એ પ્રક્રિયા રિયાની જિંદગીમાં બને છે. કરણ વર્ષો પછી પોતાના વિચારો અને જિંદગી વિશેના અભિગમમાં પરિપક્વ બને છે.
રિયા અને કરણ સૌપ્રથમ એરપોર્ટ પર મળે છે, જ્યારે તેઓ ન્યૂ યોર્ક જઈ રહ્યા હોય છે. તેઓ એમસ્ટરડમમાં સાથે ફરે છે અને ઝઘડીને છૂટા પડે છે. ન્યૂ યોર્કમાં તેઓ ફરીથી મળે છે અને રિયા પોતાની મિત્ર અને કરણની તે સમયની ગર્લફ્રેન્ડ શાલિની (શહેનાઝ ટ્રેઝરીવાલા) સાથે એમસ્ટરડમમાં થયેલ ઘટનાઓનું વર્ણન કરે છે. આથી રિયા અને કરણ ફરીથી અલગ થાય છે.
રિયા અને કરણ ત્રણ વર્ષ પછી દિલ્હીમાં મળે છે, રિયા સમીર (અભિષેક બચ્ચન) સાથે લગ્ન કરી રહી છે અને લગ્ન બાદ જ્યારે રિયા સમીર સાથે જાય છે ત્યારે ફરીથી તેઓ એરપોર્ટ પર છૂટા પડે છે.
તેઓ ત્રણ વર્ષ પછી ફરીથી પેરિસમાં મળે છે, ફક્ત એક જ વખત તેઓ ટ્રેનમાં મળે છે અને સમીર મૃત્યુ પામેલ છે તે વાતની કરણને જાણ હોતી નથી. ત્યારે ફિલ્મનો ઇન્ટરવલ આવે છે.
કરણ જયારે પેરિસથી પરત મુંબઈ જાય છે ત્યારે રિયા તેને મૂકવા માટે એરપોર્ટ પર જાય છે અને યાદ કરે છે કે તેઓ સૌપ્રથમ એરપોર્ટ પર મળ્યા હતા. વર્ષો પછી રિયા અને કરણની દોસ્તી તેમજ પ્રેમની લાગણીઓની શરૂઆત થાય છે પણ તેઓ ફરીથી પેરિસ એરપોર્ટ પર અલગ થાય છે.
રિયા જ્યારે મુંબઈ આવે છે ત્યારે મિહિર (જિમી શેરગિલ) તેને એરપોર્ટ પર લેવા જાય છે. મિહિરનાં લગ્નમાં રિયા અને કરણ ફરીથી અલગ પડે છે અને અલગ અલગ દિશામાં જાય છે. તેઓ એકબીજા સાથે રહેવા માંગે છે પરંતુ તેની પાછળ તેમનાં વિચારો અલગ છે.
ફિલ્મનાં અંતમાં તેઓ એકબીજા સાથે લાગણીઓનો એકરાર કરે છે અને તેઓ સાથે એક જ દિશામાં જાય છે. આખી ફિલ્મ દરમિયાન આ પ્રક્રિયા ખૂબ જ સુંદર રીતે વ્યક્ત થાય છે.
રિયા અને કરણ બંને કલાકાર છે. રિયા ફેશન ડિઝાઇનર તરીકે કરિયર બનાવે છે, જ્યારે કરણ કાર્ટૂનિસ્ટ અને લેખક તરીકે. બંનેનો ઉછેર તેઓની માતાએ કર્યો છે. કરણનાં માતા પિતા અંજુ (રતિ અગ્નિહોત્રી) અને અર્જુન (રિશિ કપૂર) અલગ રહે છે. આથી કરણનો ઉછેર તેની મા અંજુ કરે છે. જયારે રિયાનાં પિતા મૃત્યુ પામેલ છે આથી રિયાનો ઉછેર રિયાની મા પરમિન્દર (કિરણ ખેર) કરે છે.
ફિલ્મનું ટાઈટલ ટ્રેક ખૂબ જ સુંદર રીતે શૂટ થયું છે. રિયા અને કરણ અનુક્રમે વયોવૃદ્ધ દંપતી, બાળકની અપેક્ષા રાખતા પરિણીત દંપતી અને તેમની પ્રપોઝ ક્ષણ વખતનાં યુવા દંપતીને મળે છે. આ વિપરીત હોવું જોઈએ ને? દર વખતે હું આ વિશે ઘણું વિચારું છું. કદાચ કરણ અને રિયાની વાર્તા અલગ છે એટલે આ રીતે હોઈ શકે. વર્ષો પછી પણ આ ફિલ્મ મને એટલી જ ગમે છે અને વર્ષો પછી પણ ગમશે જ. હું ઈચ્છા રાખું કે રિયા અને કરણ તેમના બાળકો અને પાળેલ કૂતરા ટોમી સાથે ખુશ હશે!