અમુક સંબંધોને કોઈ નામ હોતું નથી, ફક્ત એ હોય છે, એકબીજાને સહારો આપવા માટે, આ પ્રકારનો અર્થ સમજાવતી પુસ્તકની પ્રથમ વાર્તા 'ગોપાલ મોહન' જીવનનો અને ઈશ્વરનો મર્મ પણ સમજાવે છે. 'સ્નેહધન' નામની વાર્તા બાળકની હઠ અને કૂમળી ઉંમરનાં બાળકનું તોફાન અને મનની અંદરની વાત રજૂ કરે છે. લગ્ન પછી પિયર છોડીને નવી દુનિયામાં આવેલી સ્ત્રીની સ્થિતિને 'પ્રથમ રાત્રિએ' વાર્તામાં ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવી છે. 'બધું જ જૂઠું' ; 'માધવ અને કુસુમી' ; 'એક રાતની વાત' ; 'માર્ગ ક્યાં છે?' ; 'પુનરાગમન' ; 'જરા ઊભા રહો તો...' અને 'ચાર પત્રો' જેવી વાર્તાઓ જીવનની યાતનાઓ, ગેરસમજો, કેટલાક અફસોસ અને માનવજીવનની અર્થપૂર્ણતા જેવી વાતો આડકતરી રીતે કહે છે. 'વધુ ને વધુ સુંદર' વાર્તા પ્રત્યેક પેઢીએ જીવન વધારે સુંદર બનવું જોઈએ તે પ્રકારનો ભાવ વ્યક્ત કરે છે. 'સૂરજ ઊગશે' નામની વાર્તા જીવનનો અર્થ ભૂલી ગયેલી યુવતીને જિંદગીની નવી દિશા મળી આવે છે તે વિશેની વાત કરે છે. 'ઝરણું' વાર્તા પ્રકૃતિનું વર્ણન તો કરે જ છે, એ સાથે જ જીવન વિશે કેટલીય ન કહેવાયેલી વાતો પણ કહે છે. 'શોધ' વાર્તા ભૂતકાળની સુખરૂપ ક્ષણોને શોધતી એક યુવતી વિશે છે, 'શોધ' વાર્તામાં કરેલ ભૂતકાળની યાદો અને બાળપણનું વર્ણન આ પુસ્તકનું સૌથી સુંદર લખાણ છે તેમ હું માનું છું.
કુન્દનિકા કાપડીઆનો આ વાર્તાસંગ્રહ સંકેતોથી ભરપૂર છે તેમ તેમણે ખુદ પુસ્તકની શરૂઆતમાં લખ્યું છે. એ વાત સાચી પણ છે, કારણ કે અમુક વાર્તાઓમાં કહેલી વાતોનો ઘણો ગૂઢ અર્થ નીકળે છે, અમુક રૂપકોથી ભરેલ વાતો સમજવા જરાક વધારે મહેનત પણ કરવી પડે છે. હમેંશાની જેમ તેમની વાર્તાઓમાં હોય છે તેમ માનવજીવન, યાદો, પ્રકૃતિનું વર્ણન અને તત્વજ્ઞાન પણ આ પુસ્તકમાં છે. કેટલાક ખૂબ ગમેલા વાક્યો...
*****************************
મંજુને આ બધું બહુ જ નવું લાગ્યું. એમાંની ઘણી વાત તે સમજી નહિ. પણ તેને પોતાની સમક્ષ એક નવી સૃષ્ટિ ઊઘડતી લાગી. નદીકાંઠાની મેલી સાંજથી દૂર, મોહન સાથેની રમતોથી દૂર, દાદીમાના વાત્સલ્યથી દૂર, નાનકડા જીર્ણ ગામનાં સીમિત સુખદુ:ખોથી દૂર અહીં એક નવી જ સૃષ્ટિ હતી, પુસ્તકોની ને જ્ઞાનની સૃષ્ટિ, પતિના પ્રેમની સૃષ્ટિ, વિશ્વાસની, મૈત્રીની નવીન સંભાવનાઓથી સભર સૃષ્ટિ... તે કશા આયાસ વગર હેમંતની નજીક ખેંચાઈ આવી. ઘણા દિવસો પછી પહેલી વાર તેના હૃદયમાં સુખની એક પરમ માધુરીમય લહર ઊઠી, તેણે એક કોમળ સ્પર્શ અનુભવ્યો... સ્પર્શ વધુ ને વધુ સઘન બનતો ગયો - ને પછી સ્પર્શની પરમસીમાના કોઈક બિંદુએ તે તંદ્રામય, સ્વપ્નમય અવસ્થામાં સરી પડી. તે બધું જ ભૂલી ગઈ. તેને માત્ર એટલું જ યાદ રહ્યું કે પોતે સુખી છે...
(વાર્તા - પ્રથમ રાત્રિએ, પૃષ્ઠ - ૨૬-૨૭)
આજે હજુ એ બારણાં સામે જોઉં છું, રોજ રાતે જોઉં છું ને હૃદય ખૂબ ભારે થઈ જાય છે. ઓરડાની હવા ઠંડી બની જાય છે. દીવાલો ખૂબ ઊંચી ને અંધકાર વધારે અંધારો બની જાય છે અને એની અંદર રહેલી એકલતામાં હું વધુ એકલવાયો બની જાઉ છું.
(વાર્તા - એક રાતની વાત, પૃષ્ઠ - ૬૬)
નાનપણથી આપણે માતા-પિતાની છાયા નીચે, સુખ અને સગવડોમાં મોટાં થઈએ છીએ. આપણી અંદર કશું સ્પષ્ટ હોતું નથી. બધું ધીમે ધીમે ઘડાતું, આકાર લેતું રહે છે. આપણે સમજીએ તે પહેલાં ઘણી વસ્તુઓને સ્વીકારી લઈએ છીએ. પછી એક દિવસ આપણી અંદર એક સાદ જાગી ઊઠે છે. જીવનની સમગ્ર એષણાઓને પોતાનામાં સમાવી લેતી એક તીવ્રતમ ઇચ્છાનો નાદ. એ ઇચ્છાની તૃપ્તિમાં જ આપણી મુક્તિ રહેલી હોય છે. પણ ત્યાં સુધીમાં આપણે બંધાઈ ગયાં હોઈએ છીએ. અજ્ઞાન અને અપરિપક્વતામાં આપણે જાતે જ કરેલા કેટલાય સ્વીકારોથી. એને આપણે તોડી શકતા નથી. ડર લાગે છે, માબાપને કેવું લાગશે? સમાજ શું કહેશે? સ્વજનોનો વિશ્વાસ તો નહિ ગુમાવી બેસીએ? પરિચિત જીવનરીતિની સગવડ ખોઈ તો નહિ નાખીએ? આ કાયરતા જ આપણું સૌથી મોટું બંધન બને છે...
(વાર્તા - વિદાય, પૃષ્ઠ - ૮૦-૮૧)
તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?... કૃષ્ણના બે વ્યાકુળ હોઠ પર જાણે કોઈએ બાંસુરી મૂકી દીધી અને તેમાંથી વારે વારે આ એક જ સૂર ઝરવા લાગ્યો - "તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?"
(વાર્તા - વિદાય, પૃષ્ઠ - ૮૩)
... અને મારાં આ બધાં ગમગીન વ્યથાભર્યાં વર્ષો વીંધીને એનો એ જ સાદ મારા હૃદય નિરંતર સંભળાયા કરે છે: "જે સાવ પોતાની નિકટ છે, જે પોતાનું જ છે, તેને પામી ન શકવાની વેદના તમને ખબર છે?"
અને કૃષ્ણની પેલી વ્યાકુળ બંસી નિ:શ્વાસ ભર્યા સ્વરે બોલી ઊઠે છે: "તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?"
(વાર્તા - વિદાય, પૃષ્ઠ - ૮૫)
કુંજવનના દક્ષિણ ખૂણે, અશોકના વૃક્ષ નીચે સાંજના ચાર. આખી પૃથ્વી સોનેરી, આખું આકાશ સોનેરી. અનામિકાના પગ જમીન પર ટકતા નથી. ચાર તો વાગ્યા, વાગી જ ગયા. કોઈ છે તો નહિ! કોઈ નથી! અરે હાય-
એની આંખ પર પાછળથી કોઈએ મૃદુ રીતે હાથ મૂક્યો. એક ક્ષણમાં અનામિકાની હૃદયધારે સો સો સૂર્યોદય થઈ ગયા.
(વાર્તા - એક મૂરખની પ્રેમકથા, પૃષ્ઠ - ૧૧૪)
મેં કહ્યું કે અમે સુખી હતાં. પછી ધીમે ધીમે અમે મોટાં થતાં ગયાં, 'સમજણાં' થતાં ગયાં, અને એ સુખ ધીમે ધીમે સરી ગયું. એ અદ્ભુત વિસ્મય અને નિતનવા ઉલ્લાસની સૃષ્ટિમાંથી અમે અચાનક જ એવી દુનિયામાં આવી પડ્યાં, જ્યાં બધાં જ માણસો સુખને શોધતાં હતાં ને કોઈ તેને પામતું નહોતું - અને તેની વેદના, તરફડાટ અને ક્રન્દનથી પૃથ્વીનો દેહ કલાન્ત બની ગયો હતો.
(વાર્તા - શોધ, પૃષ્ઠ - ૧૩૦)
બપોર પછી વરસાદ વળી પાછો જામ્યો, ચારે બાજુ ઘોર અંધારું છવાઈ ગયું, આકાશ એકદમ ગમગીન થઈ ગયું. એનાં નેત્રોમાંથી વરસતાં અનરાધાર આંસુમાં પૃથ્વી ફરી ડૂબવા લાગી. ચારે દિશાઓ જાણે શ્યામ ચાદર ઓઢી એક ઉદાસ મૌનમાં પોઢી ગઈ.
(વાર્તા - જરા ઊભા રહો તો..., પૃષ્ઠ - ૧૪૩)
એક ઝરણું છે.
ક્યાં છે અને શા માટે છે, એ જાણવાની કાંઈ જરૂર નથી. જેમ હું છું ને તમે છો, લોપા છે,
તેમ એક ઝરણું છે.
એક વહેતું, ઘૂઘવતું ઝરણું.
(વાર્તા - ઝરણું, પૃષ્ઠ - ૧૮૫)
*****************************
કુન્દનિકા કાપડીઆનાં બીજા પુસ્તકો વિશેની મારી પોસ્ટની લીંક -
જવા દઈશું તમને
કાગળની હોડી

No comments:
Post a Comment