Showing posts with label શોર્ટ ફિલ્મ. Show all posts
Showing posts with label શોર્ટ ફિલ્મ. Show all posts

Monday, 19 June 2017

માય 5 મિનિટ્સ વિથ ગોડ



આજે સવારે વોટ્સએપ ખોલ્યું અને મારા દોસ્ત જયદીપનો એક શોર્ટ ફિલ્મ વીડિયો સાથેનો મેસેજ મળ્યો. જયદીપ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ઘણીવાર મને એની સાથે ફરિયાદો હોય છે કે મારી એની સાથે સારી રીતે વાત થતી નથી,... (હા, હું એને કહેતો નથી કે મને એ પ્રકારે લાગે છે, બીજી અમુક વ્યક્તિઓને ચોક્કસ કહ્યું છે.) પણ પહેલી વાર અહીં આ રીતે બધાની સામે લખી રહ્યો છું, કારણ કે હું કોઈ નથી એના વિશે આ રીતે વિચારવા માટે, મારી સાથે સરખી રીતે એની વાત થતી નથી એ માટે કારણ કદાચ એ પ્રકારે હોઈ શકે જે મને ખ્યાલ જ ન હોય એમ પણ બને! કાલે સાંજે જ એની પત્ની હેનીને મળ્યો. (પત્ની શબ્દ જ ખૂબ અલગ લાગે છે, કારણ કે કૉલેજમાં અમે બધાં મિત્રો હતાં, એ પછી સંબંધોની અંદર આ રીતે આવતો બદલાવ પણ તરત સ્વીકારી શકાતો નથી!) હેની સાથે મારે કાલે સાંજે વાત થઈ, મને ધીમે ધીમે સમજણ પડી કે મને ખ્યાલ ન હોઈ શકે કે જયદીપની જિંદગી ત્યાં કેવી હોઈ શકે છે, તો એ મારી સાથે સરખી વાત ન કરે એમાં હું નિરાશ ન થઈ શકું! વાહ! અને જયદીપે મોકલેલો આ શોર્ટ ફિલ્મનો વીડિયો ધરાવતો મેસેજ, એણે મને કેટલી વસ્તુઓ યાદ અપાવી દીધી. આ બધુ પણ આ ફકરામાં મેં એટલા માટે લખ્યું છે કારણ કે ક્યારેક કોઈ વસ્તુ સમજાતી હોતી નથી અને આપણે આમ હશે અથવા આમ નહીં તો આમ હશે એમ માનીને દુ:ખી થઈ જઈએ છીએ... પણ એ વસ્તુ સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો એ પણ એક મોટી વાત છે. આ શોર્ટ ફિલ્મ પણ એક એ પ્રકારનાં જ વિષય પર છે- ભગવાન. આપણને ખ્યાલ નથી કે ભગવાન કોણ છે, ક્યાં છે, ભગવાન છે પણ કે નહીં, છતાં દરેક વ્યક્તિનો પોતાનો ભગવાન પર જુદો જુદો મત છે અને જ્યાં સુધી એ મત પોતાની માટે કે બીજા કોઈ વ્યક્તિને માટે હાનિકારક નથી, ત્યાં સુધી એકદમ ઠીક છે. પંદર મિનિટ્સ ફાળવીને અહીં નીચે મૂકેલ શોર્ટ ફિલ્મ પહેલા જોઈ લો, પછી જ આગળ આ પોસ્ટ વાંચવા વિનંતી... ખૂબ ખૂબ આભાર જયદીપ.



કેમ જીવીએ છીએ જીવન? શું ઉદ્દેશ છે આ જીવનનો? શું આ દુનિયામાં કોઈ ભગવાન છે? એ પ્રકારનાં ઘણા સવાલોનો જવાબ આપણને ઘણી વખત મળતો હોતો નથી. (સૌ પ્રથમ તો આ સવાલો થાય એ પણ ખૂબ મોટી વસ્તુ છે.) ક્યારેય વિચાર્યુ છે કે તમે જે જીવન જીવી રહ્યા છો એ પ્રકારનું જીવન તમે જીવવા માંગો છો? તમે કોઈ બીજી વ્યક્તિનાં વિચારોને લીધે જે પ્રકારનું જીવન તમને ગમતું જ નથી, એ પ્રકારે તો જીવી રહ્યા નથી ને? આ સમાજ અને દુનિયા હમેંશા તમને કહેશે, પણ એ કોઈ જ તમારુ જીવન જીવવા નહીં આવે. ક્યારેક લાગશે કે એ વ્યક્તિ મને કેમ સલાહ આપે છે, પણ મોટેભાગે લોકો એ કરશે જ. તમે બીજાની ઇચ્છા મુજબનું જીવીને તમારી જાતને છેતરશો અને અંતે તમને પોતાને જ એ નહીં ગમે, અને તમે અફસોસ કરશો ત્યારે કદાચ સમય જતો પણ રહ્યો હોય...

આ શોર્ટ ફિલ્મમાં નાયક પોતાના જીવનની છેલ્લી થોડીક ઘડીઓમાં ભગવાનને મળે છે અને આશ્વર્ય પામે છે. કારણ કે એણે જે પ્રકારે ભગવાન વિશે વિચાર કર્યો હતો, એવી કોઈ વ્યક્તિ એની સામે નથી. ભગવાનનું તો કોઈ ચોક્કસ સ્વરૂપ જ હોતું નથી. એ તો આપણે જ વિચારેલ એક મૂર્તિ, એક દેખાવ, એક ચહેરો કે પછી એક પથ્થર છે, જેને આપણે પૂજ્ય ગણીએ છીએ, સુખમાં કે ખુશીમાં ક્યારેક એની સામે આભાર માનતા થોડા શબ્દો કહીએ છીએ, દુ:ખમાં એની સામે રડીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે તરત એની પાસે કંઈક માંગી લઈએ છીએ. ક્યારેય વિચાર્યુ છે કે જો કોઈ ભગવાન હશે તો એને ગમતી સૌથી મોટી વસ્તુ શું હશે? જ્યારે કોઈ માણસને મદદ કરીએ, જ્યારે કોઈને માટે કંઈક સારુ કરીએ ત્યારે એને ચોક્કસ જ ગમતું હશે. જો કોઈ ભગવાન હશે તો એ માનવે જ માનવ માટે પેદા કરેલી પ્રાણઘાતક વસ્તુઓ, એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યનું ખરાબ થાય એ પ્રકારની રખાતી ઇચ્છાઓ કે બીજી આ પ્રકારની નકારાત્મક ઊર્જાઓથી ચોક્ક્સ જ દુ:ખ પામતો હશે... ભગવાન તમારી અંદર છે, માનવતા જ સૌથી મોટો ધર્મ છે, આ બધી વાતો આપણે જાણીએ છીએ. પણ જ્યારે પાલન કરવાનું આવે છે ત્યારે તો આ શબ્દો ક્યાંક ખોવાઈ જાય છે! આ વાક્યોનું શું કોઈ મૂલ્ય જ નથી? એક મનુષ્ય બીજા મનુષ્ય માટે થઈને ખરાબ કે નુકશાનકારક વસ્તુઓ વિચારે એ માટે તો મનુષ્યને બુધ્ધિ મળેલ નથી... બુધ્ધિનો ઉપયોગ તો સારા કાર્યો માટે થવો જોઈને ને? કે પછી કોઈક વાત માટે ફાયદો થાય કે કોઈને મદદ થાય તેમાં, પરંતુ તમારો ફાયદો કોઈનું નુકશાન પણ તો ન બનવો જોઈએ ને? જો ક્યાંક કોઈ ભગવાન છે તો એ તમારી સારાઈમાં છે, બુરાઈ પર સારાઈનાં વિજયમાં છે, અસત્ય પર થતાં સત્યનાં વિજયમાં ભગવાન છે, કોઈ નિર્દોષ બાળકનાં હાસ્યમાં ભગવાન છે, કોઈ બીજી વ્યક્તિના ચહેરા પર લાવવામાં આવેલી ખુશીમાં ભગવાન છે, માનવ થઈને બીજા માણસને જ્યારે તમે પોતાની બરાબરીમાં ગણો છો એ પળમાં ભગવાન છે. શું તમે ક્યારેય એ ભગવાનને જોયો છે?

આ શોર્ટ ફિલ્મ પરથી મને બીજી બે ત્રણ વસ્તુઓ યાદ આવી ગઈ, વાર્તાનાયકની મુલાકાત ભગવાન સાથે થાય છે અને એ ભગવાનને પૂછે છે કે શું આ પળમાં જે થઈ રહ્યું છે એ ફક્ત એનાં દિમાગની અંદર છે કે એ સત્ય છે? જે. કે. રોલિંગની પ્રખ્યાત હેરી પોટર શ્રેણીનાં છેલ્લા ભાગમાં પણ હેરીનું પાત્ર ડમ્બલડોરને આ જ સવાલ પૂછે છે. આ શોર્ટ ફિલ્મમાં ભગવાનનું પાત્ર અને હેરી પોટરમાં ડમ્બલડોરનું પાત્ર બંને એક સરખો જ જવાબ આપે છે કે હા, જે થઈ રહ્યું છે તે દિમાગની અંદર જ છે, પણ એનો એ બિલકુલ જ અર્થ થતો નથી કે એ સાચું નથી! ઘણી બધી વખત આપણને પોતાની જ જાત પર, પોતાનાં જ વિચારો પર ભરોસો હોતો નથી અને આપણે વિચારી લઈએ છીએ કે એ તો માત્ર દિમાગની અંદર જ છે. પણ તમે જે પણ વિચાર કરો છો એ જ સત્ય છે, એ જ પ્રકારે થાય છે. પરંતુ એનો એ અર્થ બિલકુલ જ નથી કે તમે જેમ વિચારશો તેમ જ થશે અથવા જે ઇચ્છશો એ બધુ જ તમને મળશે. એનો અર્થ એ છે કે જે પણ તમે વિચારો છો એ પ્રકારનું થાય તે માટે તમારે એ દિશામાં મહેનત કરવી પડશે, જે ઇચ્છો છો એ વસ્તુને મેળવવી પડશે. જે સપનું પૂર્ણ થાય એમ તમે ઇચ્છો છો એ સપનું પૂર્ણ તમારે જ કરવું પડશે. 



વાર્તાનાયક ભગવાનને જુદા જુદા સવાલો પૂછે છે ત્યારે ભગવાન આશ્વર્ય પામે છે. ભગવાન કહે છે જે લોકો એની સાથે વાત કરે છે એમાંથી મોટાભાગનાં લોકો કંઈક ને કંઈક માંગે છે, ક્યારેય કોઈ આ પ્રકારનાં સવાલો પૂછતું નથી. વાર્તાનાયક એની સાથે જે થઈ રહ્યું છે તે વાત અને બીજી અમુક વસ્તુઓ જાણવાની ઇચ્છા રાખે છે. રિચર્ડ લીંકલેટરની પ્રખ્યાત ફિલ્મો 'બિફોર ટ્રિલોજી' મારી ખૂબ જ મનપસંદ ફિલ્મો છે. પ્રથમ ભાગ 'બિફોર સનરાઇઝ'માં સેલિનનું પાત્ર કહે છે કે જો કોઈ ભગવાન છે તો એ આપણી વચ્ચે રહેલી જગ્યામાં જ છે, આ દુનિયામાં જો કોઈ જાદુ છે તો એ કોઈ વસ્તુ કે વ્યક્તિને સમજવામાં છે, કદાચ અશક્ય લાગે કે જવાબ ન પણ મળે, પણ જવાબ પ્રયત્નની અંદર જ હોય છે, તમે એ સમજવાનો પ્રયત્ન કરો છો તે જ મહત્વનું છે! 



Tuesday, 2 May 2017

ખૂન આલી ચિટ્ઠી




એક પત્ર પડ્યો હતો, જવાબ આપ્યા વિનાનો. લીલા ખેતરોમાં પીળા ફૂલોની વચ્ચે લાલ લોહીથી લખાયેલો એ પત્ર વાંચ્યા પછી જાણે એ પત્ર જ ખુદ જવાબ માંગી રહ્યો હતો. પણ, પ્રેમ ફક્ત લોહીથી ખરડાયેલા પત્રો લખવાથી સાબિત નથી થતો એમ માનીને સમજાવટ, કાળજી અને પ્રેમભર્યા શબ્દો સાથે અંતે શાહીથી જ પત્ર લખવામાં આવ્યો. નસીબની બલિહારીને અંતે એ પત્ર પર લાલ લોહીનું એક ટીપું પડ્યું. ખોવાયેલી નિર્દોષતા લાલ રંગના પ્રેમથી રંગાઈ ગઈ, અને શિયાળાની સાંજે સૂરજ ડૂબી ગયો...

રિચા ચઢ્ઢા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ પંજાબી શોર્ટ ફિલ્મ રાજકીય અને ઐતિહાસિક પૃષ્ઠ્ભૂમિની વાર્તા સાથે ખૂબ જ અસર ઉપજાવે છે. પંદરેક મિનિટની આ શોર્ટ ફિલ્મની અંદર પ્રત્યેક પળે પંજાબની પ્રમાણિતતા જળવાઈ છે. ટૂંકી વાર્તાની જે શૈલી છે તે પણ પૂરેપૂરી જળવાય છે. જરૂર જોવાલાયક એવી આ શોર્ટ ફિલ્મની યૂટ્યુબ લીંક...




Friday, 31 March 2017

વિક્સ - જનરેશન્સ ઓફ કેર - માનવતાની વ્યાખ્યા



આ દુનિયાની અંદર જાતિને આધારે કરાતો ભેદભાવ ખૂબ મોટા પ્રમાણમાં છે. કોઈ વ્યક્તિ જે પણ પ્રકારે જીવી રહ્યુ છે, ત્યાં સુધી પહોંચવા સંઘર્ષ એણે કર્યો જ હોય છે. એમાંથી ઘણા લોકોને આ દુનિયા અલિપ્ત જ રાખે છે, કારણ કે એ પ્રકારનાં લોકો એમના કહેવાતા સમાજની વ્યાખ્યામાં બંધબેસતા નથી. કોઈ પણ વ્યક્તિની જિંદગીને અને એની લાગણીઓ વિશે બોલવું ખૂબ સહેલું છે, કારણ કે એ વ્યક્તિનું જીવન તમે જીવ્યા હોતાં નથી, જો જીવવાનું આવે તો મોટાભાગનાં જીવી પણ ન શકે. ખૂબ સુંદર રીતે એક સંદેશ આપતી આ સાડા ત્રણ મિનિટની ફિલ્મ વિશે હું શું લખવું એ નક્કી કરી શકતો નથી, પણ, મારે એ પહોંચાડવી છે બીજા લોકો સુધી એટલે પ્રયત્ન કર્યો. 'મસાણ' ફિલ્મનાં ડિરેક્ટર નીરજ ઘાયવાન દ્વારા બનાવેલી આમ તો આ એક એડ છે વિક્સ માટેની, પણ એ માનવતાની વ્યાખ્યા કરે છે. આ વીડિયો જુઓ અને ખુદ જાણો. 





Saturday, 19 November 2016

નાવ - જિંદગી કી... (શોર્ટ ફિલ્મ)



ડિરેક્ટર - રાઘવ સુખડીયા, ભાવિક પટેલ 
સ્ટોરી એન્ડ કાસ્ટ - વિશાલ મોદી
સ્ક્રીનપ્લે - ભાવિક પટેલ, રાઘવ સુખડીયા, વિશાલ મોદી 
સિનેમોટોગ્રાફી - ભાવિક પટેલ 




એક સુંદર મજાના વિચાર પર સરસ રીતે પિક્ચરાઈઝ્ડ થયેલી એક ઈફેક્ટિવ શોર્ટ ફિલ્મ. એક મેસેજ જે આપણને બધાને ખબર છે; પણ પાલન કરવાનું આવે ત્યારે એ મેસેજ યાદ આવતો નથી, લગભગ સાડા ત્રણેક વર્ષ પહેલા આ ટીમે આ શોર્ટ ફિલ્મ બનાવેલી, એ વખતે પણ મેં જોયેલી, પણ હમણાં બસ અચાનક યાદ આવી એટલે ફરી જોઈ અને લાગ્યુ કે શેર કરવી જોઈએ. ગાંધીનગરમાં આવેલ પુનિત વન, સેન્ટ્રલ વિસ્ટા અને સેક્ટર-૧ના તળાવ જેવી જગ્યાઓનો લોકેશન માટે સરસ ઉપયોગ થઈ શક્યો છે. 





વિશાલ અને હુંં ૧૧-૧૨ સાયન્સમાં ક્લાસમેટ્સ હતા, એ પહેલા હું નહોતો ઓળખતો એને, ક્લાસમાં જ્યારે પણ થોડી-ઘણી વાતો થતી એની સાથે ત્યારે એના અન્કન્વેન્શનલ વિચારો મને ગમતાં, અમે મિત્રો નહોતા, અને ફેસબુકનો જમાનો આવ્યા પછી 'ફેસબુક ફ્રેન્ડસ' બન્યા! વિશાલ રણબીર કપૂરનો ગ્રેટ ગ્રેટ ફેન છે, અને પર્સનલી એને મળેલો પણ છે, આ શોર્ટ ફિલ્મમાં એના ચહેરા પરનાં એક્સપ્રેશન્સ ગજબનાં છે, એણે ડાયલોગ્સ રાખ્યા નથી, અને માત્ર એક્ટ કરીને કોઈ વાત કહેવી એ અઘરું છે જે એણે કરી બતાવ્યું છે, વિશાલ અને ટીમને ખરેખર અભિનંદન, પ્લીઝ કીપ ઈટ અપ. 

ફિલ્મ જોવા માટે અહીં ક્લીક કરો:




Wednesday, 9 November 2016

ધ મીટિંગ પ્લેસ - ગુજરાતી શોર્ટ ફિલ્મ




બે મિત્રો; એમની દોસ્તીના એ અમુક વર્ષો અને એમની મળવાની એક ખાસ જગ્યા, જન્મદિન હોય કે ડ્રિન્કનો પહેલો અનુભવ, દોસ્તી વિશે, જિંદગી વિશે, બધી જ વાતો એ જગ્યાએ થાય છે. કરિયર પ્લાન્સ, પ્રેમ, સમાજ, બધા ટોપિક પર વાતો કરતા બે દોસ્ત વચ્ચે એક નાની ઘટના ઘટે છે, પછી શું થાય છે એ માટે આ શોર્ટ ફિલ્મ જોવી જ રહી...

ફિલ્મની વાર્તા ૧૫ વર્ષ સુધી ચાલે છે, અને સૌથી આકર્ષણનો ભાગ મને લાગ્યો- બે ચાઈલ્ડ આર્ટિસ્ટ - દક્ષ શાહ અને પવિશ દિક્ષિત. બંને છોકરાઓ એકદમ મીઠડા લાગે છે અને એમણે એટલી મસ્ત નેચરલ એક્ટિંગ કરી છે કે એમ થાય છે કે બચપણની મિત્રતા કેટલી સારી હતી, જિંદગીની ઝાઝી માથાકૂટ વગરનાં એ દિવસો, નિર્દોષતા, સપનાઓ અને કાલી-ઘેલી એ ભાષા... ક્યૂટનેસ!  








યુવા એક્ટર્સ છે - ધ્રુપદ વૈદ્ય અને રોબિન પટેલ ; જે અનુક્રમે આ શોર્ટ ફિલ્મનાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. બંનેએ એમના પાત્રોને ખૂબ જ સરસ નિભાવ્યા છે, જિંદગીમાં કશુંક કરી બતાવવાની ઈચ્છા, આર્થિક સ્થિતિ, ચિંતા, વ્યથા, ખુશી, અહમ, બધું જ જીવ્યા છે એ બંને આ ૧૮ મિનિટની શોર્ટ ફિલ્મમાં, એકદમ તેજસ્વી અને શાનદાર પ્રયત્ન. ફિલ્મનું ટાઈટલ જલાલુદ્દીન મોહમ્મદ રુમી નામના પર્શિયન કવિની રચના પરથી ઈન્સ્પાયર્ડ લાગે છે ; જે રુમી તરીકે વધારે જાણીતા છે. ઈમ્તિયાઝ અલીની 'રોકસ્ટાર'માં પણ ક્રેડિટ્સમાં રુમીની આ જ રચના હતી. એક સીન છે જેમાં પરોઢ થતાં પહેલાનો સમય છે, અને બંને વાતો કરે છે, ચર્ચા કરે છે અને બેકગ્રાઉન્ડમાં ધીમે ધીમે સૂર્યોદય થાય છે, જોરદાર સિનેમોટોગ્રાફી છે આ સીનની! વેરી વેલ ડન! 

દોસ્તી - એક એવો સંબંધ, જે આપણે બધાએ જીવ્યો છે, અનુભવ્યો છે, અમુક એવી પળ હોય છે, જેમાં ફેમિલીની પહેલા દોસ્ત યાદ આવે છે. પણ એ દોસ્તીની વચ્ચે ક્યારેક આવી જાય છે ઈગો. હા, દરેકનો જિંદગી વિશેનો અભિપ્રાય અલગ છે, પણ સામેવાળાનો પણ એક અલગ વિચાર છે દરેક વસ્તુ વિશે, હમેંશા આપણો જ કક્કો ખરો નથી હોતો, દોસ્તીમાં નાદાનિયત હોય છે, ભાઈચારો હોય છે, સાથ હોય છે, વિયોગ હોય છે, નાના નાના મજાક હોય છે, અપમાન ક્યારેય ન હોવું જોઈએ, સામેવાળું જેવું છે, એના વિચારો જેવા છે, એની લાઈફ જેવી છે એ એની લાઈફ છે, એ બધુ જ્યારે સ્વીકારી લેવામાં આવે છે ત્યારે એ દોસ્તી એક અલગ જ ઉંચાઈએ પહોંચે છે, જે કમનસીબે મોટાભાગનાં મિત્રો અનુભવી શકતાં નથી, સ્વીકાર કરી શકતા નથી. આ રહી ફિલ્મની લિંક...



Friday, 28 October 2016

ખામખા (૨૦૧૬)






હીરોની કાર બગડી છે અને કાર ડ્રાઈવરને સોંપી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ચડે છે, તેને પહોંચવું છે કોઈ જગ્યાએ, અને બસમાં મળે છે હિરોઈનને, જે હીરોની બાજુમાં બેઠેલા કાકા સાથે મરાઠીમાં વાત કરે છે, અને હિન્દીનું પુસ્તક વાંચે છે. પૈસાદાર અને સ્ટાઈલિશ હીરોને નવાઈ લાગે છે, અને તરત જ તે મનમાં પૂર્વધારણા બાંધી લે છે,... અને હિરોઈન પણ સામે તરત જ હાજર જવાબ આપે છે, અને તેને ખ્યાલ આવે છે કે બધું આપણને દેખાય છે, તેવું છે નહીં, ...


કોઈ માણસ આ રીતે બીહેવ કરે છે, આ રીતનાં કપડાં પહેર્યા છે, એટલે આ જ ટાઈપનું હશે, કે પેલી ટાઈપનું જ હશે, એવું આપણે બધા પહેલી મુલાકાતમાં માની લઈએ છીએ. આરતી બાગ્દીની હિન્દી દિવસ પર ગયા મહિને રિલિઝ થયેલી આ શોર્ટ ફિલ્મ એની પર જ ફોકસ કરે છે, સ્ટોરી વધારે હું કહીશ તો મજા બગડી જશે, બેટર છે કે આ ફિલ્મ જાતે જુઓ અને નક્કી કરો કે શું અનુભવી શકાય છે! બંને પાત્રો ખૂબ સુંદર લખાયા છે, ડિસ્કસ કરે છે, સાથે ચા પીવે છે, થોડુક ફિલ્મી પણ લાગે કદાચ, પણ ગમશે જરૂર આ 'મીટ ક્યૂટ' વાર્તા. ફિલ્મની અંતે આવતું એક ગીત વાર્તામાં ચાર ચાંદ ઉમેરે છે, આ રહી ફિલ્મની લિંક...