Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts

Friday, 14 April 2017

ડૉ. ભીમરાવ આંબેડકર


સૌ પ્રથમ તો આટલી મહાન વ્યક્તિ વિશે શું લખવું કે શું નહીં, એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે. મારે એવું પણ કંઈ લખવાનું નથી જેની માહિતી ગૂગલ પર કે સંદર્ભગ્રંથોમાં ન હોય. તેમ છતાં મારે એમનાં વિશે કંઈક લખવું છે, મારા શબ્દોમાં. એક માણસ જે આજથી આટલા વર્ષો પૂર્વે એ સમયની સમાજ વ્યવસ્થા વિરુધ્ધ, શોષણ અને અસમાનતા વિરુધ્ધ લડત ચલાવે, દેશની આઝાદીની લડતમાં ભાગ લે તેમજ બંધારણના ઘડતરમાં પણ ભાગ ભજવે એ ખૂબ જ મોટી બાબત છે.

એક માણસ જેણે એ વેઠ્યુ છે એને જ ખ્યાલ આવી શકે કે માણસ થઈને બીજા માણસ સાથે થતો એ વ્યવહાર કેટલો અમાનુષી અને ભયંકર હશે, જ્યારે ગામનાં કૂવામાંથી અમુક ચોક્કસ સમુદાયના લોકોએ પાણી ન ભરવું કે ચોક્કસ જગ્યાએથી પસાર ન થવું કે શાળામાં પણ બીજા બાળકોથી અલગ બેસવું એ પ્રકારનાં નિયમો પ્રવર્તતા હતા. ડૉ. આંબેડકરે એમના લેખનમાં નોંધ્યુ છે કે એમની શાળામાં જ્યારે એમને પાણી પીવું હોય ત્યારે કોઈ કહેવાતી ઉંચી જાતિનો વિદ્યાર્થી કે પટાવાળો થોડેક ઉંચેથી પાણીની ધાર કરે એ જ રીતે એ લોકો પાણી પીવે, શાળામાં બેસવા માટે શણનો કોથળો ઘેરથી લઈ જવો પડતો, આ પ્રકારની કેટલીય વસ્તુઓ વેઠ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે સમાજની અંદર લોકો કેવી કેવી માન્યતાઓ ધરાવે છે, એ પછીથી એમણે એ માટે લડત ચલાવી.

તેઓ આશરે પંદર વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન કરી દેવામાં આવ્યા હતા, એમને ડિગ્રી મળી એ પછી થોડા સમયમાં એમના પિતાજી પણ બીમારીને કારણે મૃત્યુ પામેલ. આ બધી તકલીફો સાથે પણ બોમ્બે યુનિવર્સિટીમાંથી એમણે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયો સાથે ડિગ્રી મેળવી. એ પછી પણ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો. ડોક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી.

નોકરીમાં ભેદભાવો સહન કર્યા પછી પણ એમણે બોમ્બે હાઇકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. એ વખતે એમણે છૂત-અછૂતનો ભેદ મિટાવવાનું નક્કી કર્યુ. પોતાના સમુદાયનાં લોકોને સમાન શિક્ષણ મળે અને એ લોકો પણ આગળ વધે એ માટે એમણે પ્રયાસો શરૂ કર્યા. એ સમયગાળામાં 'સાયમન કમિશન' સંદર્ભે, એ કમિશનને મદદરૂપ થવાના હેતુસર જે પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી, તેમાં મુંબઈની સમિતિમાં તેઓને નીમવામાં આવ્યા. 'સાયમન કમિશન' સમક્ષ એમણે છૂત-અછૂતના પ્રશ્નો અને તેનું નિરાકરણ રજૂ કર્યુ, એ સાથે જ તેઓ મજૂર ચળવળનાં પ્રણેતા પણ બન્યા.

એમણે પ્રથમ ગોળમેજી પરિષદમાં પણ ઘણા રાજકીય મતભેદોની વચ્ચે પોતાની વાત રજૂ કરી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી સાથે એમની પ્રથમ મુલાકાત થઈ, એ વખતે એમણે અછૂતો માટે અલગ મતાધિકારની અને અનામત બેઠકોની માંગણી કરી. જે માટે એમની અને ગાંધીજી વચ્ચે મતભેદો થયા. એ પછીના વર્ષે બ્રિટિશ વડાપ્રધાન દ્વારા એમની માગણીઓને ન્યાય આપવામાં આવ્યો, જેના વિરોધમાં ગાંધીજીએ પૂનાની જેલમાં ઉપવાસ શરૂ કર્યા. એ પછી પણ ઘણા મતભેદો પછી, ભારતની આઝાદી પછી, બંધારણના ઘડતર માટે નિમાયેલી મુસદ્દા સમિતિનાં પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. એમણે જે મુસદ્દો તૈયાર કર્યો, તે જ મુસદ્દાનો પછીથી આપણા દેશનાં બંધારણ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. જીવનનાં આખરી સમયમાં તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એ સમયની જુદી જુદી તકલીફો વેઠી, એમણે કરેલા આ બધા કાર્યો આજે પણ આપણને જીવન વિશે પ્રેરણા આપે છે.

(નોંધ - આ પોસ્ટમાં લખેલ વિચારો મારા છે, મદદ અને સંદર્ભ માટે ગુજરાતી અને અંગ્રેજી વિકિપીડિયાની મદદ લીધી છે. આ પોસ્ટની અંદર મારે એમનાં લખેલ વિચારો ધરાવતા ફોટોસ પણ મૂકવા હતા, પરંતુ એક કી-બોર્ડ શોર્ટકટને લીધે એક વાર લખેલી આખી પોસ્ટ ભૂલથી ડિલીટ થઈ, એટલે આ બધુ લખાણ મારે ફરી ટાઈપ કરવુ પડ્યું... પરંતુ એમનાં ક્વૉટ્સનાં એ ફોટોસ તો પાછા ન જ લાવી શક્યો.) (જીવનમાં ધીરજ ખૂબ જ જરૂરી છે, એ વાત ફરીથી યાદ દેવડાવવા માટે મારી દોસ્ત શ્રુતિનો આભાર!)

Thursday, 23 March 2017

શહીદ દિવસ અને ભગત સિંઘ




ડિસેમ્બર ૧૯૨૮માં ભગત સિંઘ અને શિવરામ રાજગુરુ બંનેએ મળીને જોન સોન્ડર્સ નામનાં અંગ્રેજ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરેલી. હકીકતમાં તેઓ મારવા માંગતા હતાં જેમ્સ સ્કોટ નામનાં સુપ્રિટેન્ડન્ટને, કારણ કે તેણે કરેલ લાઠી ચાર્જને કારણે લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયેલાં અને પછીથી એમનું મૃત્યુ થયેલું. એ આરોપમાં એમની સાથે સુખદેવ થાપરનું પણ નામ હતું. એ આરોપસર તેમને ૨૪મી માર્ચ ૧૯૩૧નાં દિવસે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવેલી. પરંતુ વ્યાપક વિરોધને કારણે એક દિવસ પહેલાં ૨૩મી માર્ચની સાંજે ફાંસી આપીને સતલજ નદીને કિનારે અંતિમસંસ્કાર કરી દીધેલા. ભગત અને સુખદેવની ઉંમર હતી ૨૩ અને રાજગુરુની ઉંમર ૨૨. શિવરામ રાજગુરુનું જન્મસ્થળ પુણે જિલ્લાનું ખેદ હતું, જેને  એમનાં માનમાં રાજગુરુનગર નામ આપવામાં આવ્યું છે. તેઓ ત્રણેય હિન્દુસ્તાન સોશિઅલિસ્ટ રિપબ્લિક અસોસિએશનનાં સભ્ય હતાં. આઝાદી માટે તેમણે આપેલ બલિદાન હમેંશા યાદ રાખવામાં આવશે. 

આ ત્રણ સ્વતંત્રતા સેનાનીઓમાંથી આપણને સુખદેવ અને રાજગુરુ વિશે ખાસ માહિતી નથી. સૌથી વધારે માહિતી આપણને ભગત સિંઘ વિશે જ છે. જેમની પર ફિલ્મો પણ બની છે. પરંતુ આપણે ક્યારેય વિચારતાં નથી કે આ બધુ આપણે કેમ ઉજવીએ છીએ. આપણે અન્યાય સામે લડત કે અવાજ ઉઠાવી શકવા જાણે હવે સમર્થ જ ન હોઈએ એમ બેસી રહીએ છીએ અને બધુ સહન કરીએ છીએ. જો આ લોકો દેશમાંથી ગુલામી દૂર કરવા માટે મૃત્યુને વરી શકતાં હોય તો આપણે સામાન્ય નાની વાત માટે તો પડકાર ફેંકી શકીએ, જે વસ્તુથી આપણને વાંધો હોય એ વસ્તુ સામે તો આપણે પડકાર ફેંકી જ શકીએ. ભગત સિંઘ દ્વારા ૧૯૨૯માં સંસદ પર બોંબ ફેંકવામાં આવેલો, એ વખતે એમણે 'ઇંકિલાબ ઝિન્દાબાદ'નો નારો આપેલો, જેનો અર્થ થાય છે કે ક્રાંતિ સદા રહે અથવા બીજી રીતે કહીએ તો ક્રાંતિની જ્વાળા સદા ભડકતી રહે. એ ક્રાંતિ છે ખરાબ સામે અવાજ ઉઠાવવો. પોતે કેમ નાસ્તિક હતાં એ વિશે એમણે લખેલ નિબંધમાં પણ એમણે કહેલું કે જૂની માન્યતાઓને તમે તોડવા માંગો છો કે પડકાર ફેંકો છો ત્યારે તમે બીજાથી અલગ તરી આવો છો, કારણ કે અત્યાર સુધી એ કોઈએ કર્યુ નથી, પરંતુ એ જરૂરી છે કે તમે જૂની માન્યતાઓનો ત્યાગ કરો. એ કેટલી સરસ અને સાચી વાત છે જે ચાલ્યુ આવતું હોય એ ખરાબ હોય, એનાથી નુકશાન થતું હોય, તો પણ એ સામે કોઈને અવાજ ઉઠાવવો નથી, ઘેટાંશાહી અને ટોળાંશાહી ચલાવ્યે જ રાખવામાં આવે છે. એમણે એ પણ કહેલું કે અંગ્રેજો ભારતમાં એટલા માટે નથી કારણ કે આપણાં નસીબમાં લખ્યું હશે કે આ પ્રકારે થવાનું હશે, પરંતુ એટલા માટે છે કારણ કે શરૂઆતમાં કોઈએ વિરોધ કર્યો નથી. તમારી આસપાસમાં કે તમને જે વસ્તુ સામે વાંધો છે એની સામે અવાજ ઉઠાવો. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભગત સિંઘ સમયનાં સ્વતંત્રતા સેનાનીઓ અને મોડર્ન યુથ પરની વિચારધારાને રજૂ કરતી ફિલ્મ 'રંગ દે બસંતી'માં પણ કંઈક એ જ પ્રકારે કહ્યુ છે કે જે થઈ રહ્યુ છે એની સામે વાંધો હોય તો કાં તો ચૂપચાપ સહન કરો અથવા અવાજ ઉઠાવો. અંતમાં ભગત સિંઘ કેમ નાસ્તિક હતાં તે વિશે નાનો વિડિયો અને 'રંગ દે બસંતી' ફિલ્મનું ગીત 'ખૂન ચલા'...





હેપી બર્થડે કંગના રણૌત



હિમાચલ પ્રદેશનાં એક નાના શહેરમાં ધોરણ ૧૨ સાયન્સની કેમિસ્ટ્રીની એક યુનિટ ટેસ્ટમાં નાપાસ થયેલી છોકરી આગળ પ્રિ-મેડિકલ ટેસ્ટની તૈયારી છોડીને ૧૬ વર્ષની ઉંમરે ઘેરથી ભાગી ગયેલી. એ છોકરી આજે હિન્દી સિનેમાની ટોચની એક્ટ્રેસ ગણાય છે. કંગનાએ કહેલું કે એવું નહોતું કે એ ભણવામાં હોશિયાર નહોતી, એ હમેંશા સારા ગ્રેડ્સ સાથે પાસ થતી, અને "કહેવાતા ભણેશરી" પ્રકારનાં લોકો જેવી હતી. પેરેન્ટ્સની ઇચ્છા પ્રમાણે એ પણ ડૉક્ટર બનવા માંગતી હતી. પણ, એ એક ટેસ્ટનાં કારણે એણે વિચાર્યુ અને દિલ્હી ભાગી ગઈ. શરૂમાં એલાઇટ મોડેલ એજન્સીમાં મોડેલિંગ કર્યુ, પણ એમાં પણ એને સર્જનાત્મકતા ન લાગી. અસ્મિતા થિયેટર ગ્રુપમાં એ પછી એ નાટકોમાં કામ કરવા લાગી. એક દિવસે કોઈ મેલ એક્ટર હાજર ન રહેવાના કારણે એણે એ રોલ પોતાનાં સ્ત્રીનાં રોલની સાથે સાથે ભજવ્યો. એ વખતે એને ઓડિયન્સની ખૂબ વાહવાહી મળી. એ પછી ઘણા લોકોની સલાહથી એ મુંબઈ શિફ્ટ થઈ. કોઈ એક એડલ્ટ પ્રકારની ફિલ્મમાં એણે ઓફર સ્વીકારી જ લીધેલી એ વખતે એણે ભટ્ટ કેમ્પમાં અનુરાગ બાસુની ફિલ્મ 'ગેંગસ્ટર' માટે ઑડિશન આપ્યું. મહેશ ભટ્ટને લાગ્યું કે એની ઉંમર ખૂબ નાની છે અને એમનું એ મેચ્યોર પાત્ર એ ભજવી નહીં શકે. એ પાત્ર માટે ચિત્રાંગદા સિંઘની પસંદગી થઈ. પણ, ફિલ્મ શરૂ થયા પછી ચિત્રાંગદાએ કોઈ કારણોસર રોલ ન કર્યો, અને એ રોલ કંગનાને મળ્યો, જેનાથી એની જિંદગી બદલાઈ ગઈ. એક ગેંગસ્ટરનાં પ્રેમમાં પાગલ દારૂની લતવાળી સિમરનનાં પાત્રમાં કંગનાની ખૂબ પ્રશંસા થઈ. કંગનાએ કહેલું શરૂઆતની સ્ટ્રગલિંગ દરમિયાન એ બ્રેડ અને અથાણું ખાઈને દિવસો કાઢતી હતી. એના કુટુંબનો એને હજુ સાથ નહોતો. એની બીજી ફિલ્મ આવી મોહિત સુરીની 'વો લમ્હે', જે મહેશ ભટ્ટ અને પરવીન બાબીનાં સંબંધો પર આધારિત હોવાનું કહેવાય છે. કંગનાએ કહ્યુ હતું કે એ પાત્ર ભજવતી વખતે એને પોતાની ઉદાસી અને એકલતા વધારે મહેસૂસ થયેલી. સુભાષ ઝા નામનાં ફિલ્મ ક્રિટિકે એ ફિલ્મમાં એની તારીફ કરતી વખતી એને શબાના આઝમી અને સ્મિતા પાટિલ સાથે સરખાવેલી. એ રોલ વિશે મારુ પણ માનવું છે કે જો ૨૦૦૧-૨૦૧૦નાં દસકાની વાત થાય તો કંગનાનું એ રોલ માટે નામ જરૂર રાખવું જોઈએ. 

અનુરાગ બાસુની 'લાઇફ ઇન અ મેટ્રો' માટે પણ એના પાત્રનાં ખૂબ વખાણ થયેલાં. પણ, ફરી એની કારકિર્દી બદલાઈ મધુર ભંડારકરની 'ફેશન' સાથે. સુપરમોડેલ શોનાલી ગુજરાલનાં પાત્ર માટે વખાણ અને પ્રશંસાની સાથે સાથે એને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, સહાયક અભિનેત્રી તરીકે આ ફિલ્મ માટે. વચ્ચે એ પછી એને ઘણી નિષ્ફળતા પણ મળી. જેમાં 'શાકાલાકા બૂમ બૂમ' (જે 'વો લમ્હે' પછી આવેલી), 'રાઝ - ધ મિસ્ટ્રી કન્ટિન્યૂસ' અને 'કાઇટ્સ' સમાવી શકાય. 'કાઇટ્સ' ફિલ્મ જોયાં પછી એને લાગેલું કે એના પાત્ર પર કાતર ફરી ગયેલી, કદાચ એટલે જ અનુરાગ બાસુ સાથે ફરી કામ ન કર્યુ. આ બધી પ્રક્રિયા દરમિયાન એ પોતાનાં અંગત જીવનની અંદર પણ ઘણી ચડ-ઉતરમાંથી પસાર થઇ. ઝરીના વહાબ અને એના પતિ આદિત્ય પંચોલી સાથે એને સારુ બનતું, એણે કહેલું કે એ લોકો માટે 'ઘરથી દૂર એક ઘર' જેવી લાગણી એને થતી. પણ, એ પછી આદિત્ય પંચોલી સાથે એના અફેરની વાત પણ ચગી. કંગનાએ આદિત્ય પંચોલી પર અસૉલ્ટની ફરિયાદ કરી. કંગના ઘણી બધી વખત માનસિક રીતે ભાંગી પડેલી. એની બહેન રંગોલી પર એસિડ એટેક થયેલો. 'લાઇફ ઇન અ મેટ્રો' પછી એના પરિવાર સાથે ફરી એના સંબંધો સારા થઈ ગયાં. પણ, આખી એ પ્રક્રિયાને ઘણી વખત એણે માનસિક રીતે થકવી નાખનર ગણાવી છે.

મિલન લુથરિયાની ફિલ્મ 'વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ' માટે તેણે રેહાનાનું પાત્ર ભજવ્યું, જે એક ફિક્શનલ એક્ટ્રેસનું પાત્ર હતું અને તેણે એ સમયની અભિનેત્રીઓ જેવી કે ઝીનત અમાન અને પરવીન બાબીનાં કામને બારીકાઈથી નિહાળેલું. એ ફિલ્મ પછી પણ એણે ઘણી નિષ્ફળતાનો સામનો કર્યો. (નોક આઉટ, નો પ્રોબ્લેમ, ગેમ, ડબલ ધમાલ, રાસ્કલ્સ, તેઝ) એ બધા વચ્ચે આનંદ એલ. રાયની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ' માટે એની ખૂબ ખૂબ પ્રશંસા પણ થઈ. એ પાત્ર એણે ત્યાર સુધી ભજવેલાં પાત્રોથી ઘણું અલગ હતું. એ પછી 'ક્રિશ ૩' વખતે એના અને રિતિક રોશન વચ્ચે જે પણ થયું હોય એ માટે પણ એને ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડ્યો, છેક હમણાં થોડા સમય પહેલા સુધી. સંજય ગુપ્તાની 'શૂટઆઉટ એટ વડાલા' ફિલ્મમાં એના નાના પાત્ર માટે પણ એ વખાણને પાત્ર ઠરી. 

પરંતુ એની કારકિર્દી ફરી એક વખત કાયમ માટે બદલાઈ ગઈ, વિકાસ બહલની ફિલ્મ 'ક્વીન' દ્વારા. લગ્નનાં એક દિવસ પહેલાં મંગેતર દ્વારા ત્યજાયેલી રાનીનો રોલ ભજવીને ફરી એક વખત તેણે પોતાની જાતને સાબિત કરી. દર્શકો, ફિલ્મ ક્રિટિક્સ, બોક્સ ઓફિસ, એવોર્ડ્સ સૌ કોઈ એની પર ઓવારી ગયાં. એ પાત્ર માટે ફરી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, પણ આ વખતે મુખ્ય અભિનેત્રી માટે. એના પછીનાં વર્ષે આનંદ એલ. રાયની 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માટે ફરી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને તેણે સૌને ચૂપ કરી દીધા. આગળની ફિલ્મથી ચાલ્યું આવતું તનુજા ત્રિવેદી અને આ વખતે ઉમેરાયેલ કુસુમ સાંગવાન ઉર્ફે દત્તો, બંને એકદમ જ અલગ અલગ પાત્રો એણે કાબિલ-એ-તારીફ ભજવ્યાં એમ ન કહેવું જોઈએ પણ કહેવું જોઈએ કે જીવી બતાવ્યાં. એ પછી પણ એને 'કટ્ટી બટ્ટી' અને 'આઇ લવ એનવાય' માટે નિષ્ફળતા મળી. પરંતુ હમણાં મહિના પહેલા રજૂ થયેલી વિશાલ ભારદ્વાજની અફલાતૂન ફિલ્મ 'રંગૂન' બોક્સ ઓફિસ પર ન ચાલી, એ છતાં એના પાત્રનાં ભરપૂર વખાણ થયાં. કંગના આજે ત્રીસ વર્ષની થઈ રહી છે. એની હંસલ મહેતાની ફિલ્મ 'સિમરન' આ વર્ષે રજૂ થશે. એના પ્રોડક્શનની શોર્ટ ફિલ્મ 'ધ ટચ' માટે કામ ચાલી રહ્યું છે, જેમાં એણે સ્ક્રીનપ્લે લખવામાં પણ ભાગ ભજવ્યો છે. ('ક્વીન'માં પણ કંગનાએ થોડાક ડાયલોગ્સ લખેલાં...) કદાચ આજે એણે કેતન મહેતાની આવનારી ફિલ્મ જેનું હાલ ટાઇટલ 'મણિકર્ણિકા' છે, તેનું શૂટિંગ શરૂ કર્યુ છે. તે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવશે. કંગનાની શરૂઆતમાં અંગ્રેજી સરખી રીતે ન આવડવા અને એના એક્સન્ટને કારણે બોલીવુડમાં ખૂબ મજાક બનાવવામાં આવતી. એ ખાન એક્ટર્સ સાથે કામ નથી કરવા માંગતી એ માટે પણ એણે રાજીવ મસંદનાં લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહેલું કે એ એક એવા મુકામ પર પહોંચી છે, જ્યાં એના ફેન્સ એને મુખ્ય અને મજબૂત પાત્રમાં જ જોવા ઇચ્છશે અને એ ખાન એક્ટર્સની ફિલ્મમાં એના પાત્ર માટે જગ્યા નહીં હોય. હું એની એ વાત સાથે એકદમ સહમત છું. કંગનાએ ઘણી વખત મને ખૂબ પ્રેરણા આપી છે પોતાનાં સપનાઓ પૂરા કરવા વિશે. એ બધી જ સફળતા અને ખુશી માટે હકદાર છે. રિસ્પેક્ટ યુ કંગના. જન્મદિન મુબારક! 

આભાર મૃગેશ અને વિકિપીડિયા!

બીજી કેટલીક પોસ્ટ્સ - 








Tuesday, 6 December 2016

આરતી વ્યાસ પટેલ





મારી માટે તો સૌથી પહેલાં તેઓ એક એક્ટ્રેસ છે; (પરંતુ એમણે કરિઅર શરૂ કરેલી પ્રોડક્શનમાં) પછી બીજુ ઘણું બધું... એ બીજા ઘણાં બધામાં લેખક, વાર્તાકાર, રેડિયો જોકી, પ્રોડ્યુસર. (બીજુ કંઈક તો રહી જ જતું હશે!) (કોફી લવર, સોશિઅલ વર્કર) 

મોટાભાગનાં લોકો એમને હજુ પણ 'સુહાસિની' તરીકે જ ઓળખે છે, બિપીન બાપોદરા દ્વારા દિગ્દર્શિત એ સીરિયલ જ્યારે આવતી હતી, ત્યારે હું તો પ્રાઈમરી અને હાઈસ્કૂલમાં હતો. મેં આખી સીરિયલ જોઈ નથી પણ ક્યારેક સ્કૂલમાં રજા કે કંઈ હોય તો મમ્મીની સાથે જોયેલાં અમુક એપિસોડ્સ યાદ છે. પણ, બપોરે ૪ વાગે એટલે લોકોને મોઢે આવી જ જાય, "એય,  ટી.વી. કર ને, 'સુહાસિની' આવશે!"  જ્યારે સ્કૂલમાં રજા હોય ને કોઈ બીજો પ્રોગ્રામ ટેલિકાસ્ટ થાય દૂરદર્શન દિલ્હીથી, તો મને ગુસ્સો આવતો! અને મને થતું મારા નસીબમાં આ સીરિયલ જોવાનું કેમ નહીં! એનું ગીત કેટલું સરસ હતું, 'મારે વાદળની ચૂંદડી ઓઢીને, રૂડા તારલિયા ચોડીને, ...' '...સંતાકૂકડી રમતાં રમતાં એકલું રે લાગે, કોઈ ચાંદાને કહેજો આખી રાત રે જાગે!' મને લિરિક્સ યાદ નથી અને ગીત પણ નથી મળતું ક્યાંય! કેટલું સરસ હતું એ બધું, જાણે જુદી દુનિયા જ લાગે, 'નોસ્ટેલ્જિયા' (જૂના વીતેલા સમયની ઝંખના) બહુ જ સરસ લાગણી છે!!

વર્ષા અડાલજાની નોવેલ 'મારે પણ એક ઘર હોય' પર બનેલી ફિલ્મ 'મોતીના ચોક રે સપનામાં દીઠા'માં એમનો અભિનય જોરદાર છે! એ ફિલ્મ પણ મેં બચપણમાં જોયેલી, પછી જ્યારે મેં એ નોવેલ વાંચી ત્યારે ફિલ્મનાં એમનાં સીન મારી આંખ સામે વિઝ્યુલાઈઝ થતાં હતાં! એમણે એ પછી ઘણી ફિલ્મો અને ધારાવાહિકમાં અભિનય કર્યો છે. એમાથી એક ફેમસ ફિલ્મ 'બે યાર' પણ છે. 

મને ગમે છે કે એમના શોનું નામ 'ઝિંદગી એક્સપ્રેસ' છે, મને એમ કે ગુજરાતીમાં 'જિંદગી' જ લખવું પડે, મારે હમેંશાથી 'ઝિંદગી' લખવું હતું! એમની લખેલી વાર્તાઓનો આ શો માય એફ એમ પર લગભગ ૨૦૧૨માં શરૂ થયો, મને હમેંશાથી લખવું ગમે, રેડિયો પર ક્યારેક ક્યારેક એમની વાર્તાઓ સાંભળતો અને મને ખૂબ ગમતી, એમનો અવાજ, એમની સ્ટોરીટેલિંગ માટેની સરળ રીત, અને પછી શો ને એક વર્ષ પૂરું થતું હતું, અને એમણે ફેસબુક પર પોસ્ટ મૂકેલી કે ચલો, મળીએ, અને ભેગા થઈને એક વર્ષ ઉજવીએ, જેમને રસ હોય એ મેસેજ કરી શકે, મેં કર્યો, અને પછી ફોન આવ્યો મારી પર એક-બે દિવસ પછી, અને એમનો અવાજ સાંભળીને મને વિશ્વાસ નહોતો થતો! એ ફંક્શનમાં ગયો અને મેં એમને પૂછેલું, મારા લખાણ વિશે, મને મારો પ્રશ્ન કે એમનો જવાબ બંનેમાંથી કંઈ પણ હાલ એક્ઝટેલી યાદ નથી, પણ એમણે એવું કંઈક કહેલુ કે લખતાં રહેવાનું, લખવાનું છોડવાનું નહીં, એક દિવસ સાર્થક થશે, અને એ વસ્તુએ, એમની સાથેની એક નાનકડી વાતે મને ઘણો ઈન્સ્પાયર કરેલો! (સપ્ટેમ્બર ૨૦૧૩) 


મારો એમની સાથેનો એ દિવસનો ફોટો

હું ઘણી વાર એક વાર્તા માટે જાત સાથે સંઘર્ષ કરતો હોઉ છું અને લગભગ તેઓ રોજ એક વાર્તા લખે છે,... સેલ્યૂટ! આજે લગભગ ૮૦૦થી વધારે વાર્તાઓ થઈ છે એમની, એની પર એક પુસ્તક પ્રકાશિત થયું છે, બીજા પર કામ ચાલે છે... એમણે રવિન્દર સિંઘ અને ચેતન ભગતની નોવેલ્સનું ગુજરાતીમાં પણ ભાષાતંર કર્યુ છે. 



એમની પ્રકાશિત થયેલી બુક 'ઝિંદગી એક્સપ્રેસ'


એમનાં રેડિયો શો ઝિંદગી એક્સપ્રેસ પરની વાર્તાઓ યૂટ્યુબ પર એમણે મૂકેલ છે, અહીં ક્લિક કરો:
Zindagi Express






રવિન્દર સિંઘની સાથે આરતી પટેલ

પતિ સંદીપ પટેલ સાથે



આનંદીબેન પટેલ સાથે

કાજલ ઓઝા વૈદ્ય સાથે

આ શોર્ટ ફિલ્મ ક્યારે આવશે?! 



સામાજિક કાર્યકર તરીકે

મારે આવી લાઈબ્રેરી જોઈએ છે!!!!










એમની આશિષ કક્કડ દ્રારા દિગ્દર્શિત ફિલ્મ 'મિશન મમ્મી'
૯ ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ રજૂ થાય છે આપની નજીકનાં સિનેમાઘરોમાં...

                                    



એમને 'બિગ બોસ' ગમે છે, અને મને પણ! એમની 'બિગ બોસ' પરની ટ્વિટ્સ વાંચવી પણ! એમને બુક્સ વાંચવી ખૂબ ખૂબ ગમે છે. (મને પણ!) તમે એમનો અવાજ દિવ્ય ભાસ્કરની વેબસાઈટનાં ન્યૂઝ પર પણ સાંભળી શકશો... એમની ફિલ્મ 'મિશન મમ્મી' ૯ ડિસેમ્બરે રજૂ થઈ રહી છે ત્યારે ખૂબ ખૂબ ગુડ લક! 


P.S. : આ પોસ્ટ લખવાનું ચાલુ કરી ત્યારે હતું કે એમની માટે ઘણું લખી શકાશે, પણ અધૂરી માહિતીને કારણે મારાથી બહું લખાયું નથી. એમનો એક સરસ ઈન્ટરવ્યૂ વાંચવો હોય તો આ રહ્યો, ફોટોની નીચેની લીંક પર ક્લિક કરો: 

On her Zindagi Express : a heart to heart talk with Aarti Patel By Anurita Rathore (Heart to Heart Talks - Creative Yatra)

Her official profiles and Photo credits for this post: 
Aarti (Facebook)  
            & 
Aarti (Instagram)