Showing posts with label પરચૂરણ. Show all posts
Showing posts with label પરચૂરણ. Show all posts

Thursday, 25 January 2018

રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૦૧૮



વર્ષ ૨૦૧૧થી, ૨૫મી જાન્યુઆરી 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઊજવાય છે. ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલી તેમજ બીજા મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, શાળા અને કૉલેજનાં વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ચૂંટણી હેલ્પલાઈન માટેનાં રાજ્યકક્ષાનાં કોલ સેન્ટરમાં કામગીરી કરવાનાં ભાગરૂપે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન થયું. વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓને ઈનામ વિતરણની કામગીરી પણ યોજવામાં આવી. 

તમારો એક મત પણ ખૂબ જ મૂલ્ય ધરાવે છે. આવો સૌ સાથે મળીને મતદાનની પ્રતિજ્ઞા કરીએ. વધુ માહિતી તેમજ ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે ગુજરાત સરકારની વેબસાઈટ - 



Wednesday, 2 August 2017

હેપી બર્થડે ગાંધીનગર (૨૦૧૭)


ગાંધીનગરનાં જન્મદિન નિમિત્તે વર્ષ ૨૦૧૬માં મેં લખેલ ત્રણેફ ફકરાં તેમજ મેં બનાવેલ એક શોર્ટ વીડિયો દ્વારા મારા શહેરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું!!

***************************************************************
શાંત શહેરની રવાનુકારી યાદો
- સંજય દેસાઇ

ગાંધીનગર, ગાંધીનું નગર, ગાંધીવાદી શહેર, પ્રદૂષણમુક્ત શહેર, ગ્રીન સીટી... લોકો શહેર બદલે છે અથવા બદલવું પડે છે, નસીબજોગે બાલમંદિરથી અત્યાર સુધી હું રહી શક્યો છું અહીંયા, કારણ સ્કૂલ અને કોલેજ બધું અહીંયા જ થયું છે, બીજા શહેરમાંથી આવતા સ્ટુડન્ટસ કોલેજમાં મને હમેંશા ફરિયાદો કરતા કે તમારું સીટી એકદમ શાંત છે, અથવા અહીંની કોઈ નાઈટ લાઈફનથી, અને પૂછતા અહીંની કોઈ એક ખાસિયત વિશે, કોઈ એક વસ્તુ કે એક જગ્યા, અને હું ક્યારેય એમને કહીં શકતો નહીં, ધીમે ધીમે સમજાય છે કે એક જગ્યા કે વસ્તુ એવી કોઈ ખાસ યાદ જ નથી, કારણ કે બધું સરખું રહ્યુ છે મારી માટે, એ બધું જ જે મેં અનુભવ્યુ છે, માણ્યું છે આટલા વર્ષોમાં... સમય બદલાયો છે, જગ્યાઓ બદલાઈ છે, એવી ફરિયાદો લોકો કરતાં રહે છે, જૂની જગ્યાએ નવું કોઈ બિલ્ડીંગ આવી જાય છે કે ઘણાં વૃક્ષો કાપી નાખ્યા છે અથવા આ કે પેલું ને કંઈ પણ, પણ યાદો ક્યાં કોઈ બદલી શકે છે, એ તો એમ જ પડી રહી છે આપણી અંદર સચવાયેલી,... કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી મીઠી યાદો આ શહેર વિશેની.
પ્લાસ્ટ ઈન્ડિયા અને એન્જીમેક એક્ઝિબિશનની પહેલાનું એ હેલીપેડ, હેલીપેડનાં મેદાનમાં ઉજવાયેલી નાનપણની એ બધી ઉત્તરાયણ; હેલીપેડનાં મેદાનની પ્રજાસત્તાક દિવસની પરેડ અને જુદી જુદી સાંસ્કૃતિક ઝાંખી કરાવતાં ટેબ્લો; હેલીપેડનાં ડોમમાં નાનો હતો ત્યારે પાડેલાં કેટલાંય પડઘા, બચપણમાં સાચા રેલવે સ્ટેશન જેવું લાગતું સેક્ટર-૨૮ બાલોદ્યાનનું આમ્રકુંજ સ્ટેશન; અને મોટા થયા પછી જોયેલું એકદમ જ શાંત ગાંધીનગર કેપીટલ રેલવે સ્ટેશન. મલ્ટિપ્લેક્સનાં જમાના પહેલાં શાલીમાર અને રાજશ્રીમાં જોયેલી બધી પિક્ચર’, ઈન્દ્રોડા પાર્કની મન હરી લેતી શાંતિ; કેટલાય પક્ષીનાં સુમધુર અવાજ; એમ થાય કે બસ થોડો ટાઈમ અહીં બેસી જ રહેવા મળે તો કેવું? સેક્ટર-૧નાં લેક પર ગાળેલી કેટલીય સાંજ, સેક્ટર-૩નાં સાંઈ મંદિરમાં દર ગુરુવારે જામતી ભીડ; જાણે કોઈ મેળો જ જોઈ લો! કલ્ચરલ ફોરમકે સહિયરજેવાં પાર્ટી પ્લોટમાં રાતે ૧૨ વાગ્યે પૂરી થયાં બાદ ચાલુ થતી સેક્ટર-૨૨; સેક્ટર-૪ ઓમકારેશ્વર મંદિરકે બીજી કેટલીય જગ્યાઓની શેરી ગરબાની રમઝટ.
લક્ષ્મી બેકરીની પેટીસ, મધુર મીઠાઈ, રાધે સ્વીટ્સ, મયુરનાં ભજીયાં અને તેની સાથે દાઢમાં રહીં જતી ખજૂરની ચટણી, ‘આવકારરેસ્ટોરન્ટ, કોલેજ છૂટ્યા પછી ડોમિનોસમાં ગાળેલી યાદ પણ નથી એટલી સાંજ, ગુજરાત વિધાનસભાની ઉપર લહેરાતો તિરંગો, જૂના સચિવાલયની પાછળનું મીના બજાર, સચિવાલયનાં ગાર્ડનનાં મોર, અક્ષરધામ મંદિરનાં ફુવારા, ઝકરિયા મસ્જિદની અઝાન, માર ગ્રેગોરિયસ ચર્ચનો ક્રોસ, ૨૧ અને ૨૪નાં શાક માર્કેટની ભીડ, ૧૭ અને ૨૧ની લાઈબ્રેરીનાં કેટલાય પુસ્તકો, સરિતા ઉદ્યાનમાંથી દેખાતો નદીકાંઠો અને ગિફ્ટ સીટી, સેન્ટ્રલ વિસ્ટામાં ગુજારી શકાતી અને એકદમ ચિંતા ઓછી કરી દેતી સાંજ, વરસાદ વખતે કોઈ હીલ સ્ટેશન જેવું બની જતું આ શહેર, નદી કાંઠે દર વર્ષે ઊજવાતો વસંતોત્સવ, કેટલું યાદ કરું તો ય કંઈક ભૂલું...
આ બધી યાદો અને આ શહેરમાં જોયેલાં શમણાં સાથે ગાંધીનગર શહેરને તેનાં જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

***************************************************************

Monday, 1 May 2017

ગુજરાત સ્થાપના દિવસ



મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
- ઉમાશંકર જોશી

આઝાદી પછી ભાષાવાર પ્રાંતોની રચના થઈ, એ અંતર્ગત ગુજરાતી બોલનાર કાઠિયાવાડ, કચ્છ અને બોમ્બે સ્ટેટનો થોડોક ભાગ મળીને પહેલી મે, ૧૯૬૦નાં રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. નવનિર્માણ આંદોલન, મચ્છુ હોનારત, ધરતીકંપથી માંડીને અક્ષરધામ મંદિરનો હુમલો જેવી રાજકીય, આતંકી અને કુદરતી સમસ્યાઓ પછી પણ આપણું રાજ્ય અડીખમ ઊભું છે અને બધી વાતો અને દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, એ સાથે આજે ૫૭માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. 

ગીરનાં એશિયાઈ સિંહો, સુરખાબ, ઘુડખર જેવી કુદરતી પ્રાણીઓ-પક્ષીઓની વિવિધતા ધરાવતું રાજ્ય ભૌગોલિક રીતે પણ એટલી જ વિશિષ્ટતા ધરાવે છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો પણ આપણે ભાગે છે, એ સાથે જ કચ્છનું રણ પણ. ચરોતર, જેને 'સોનેરી પાનનો મુલક' ગણવામાં આવે છે ત્યાં થતી તમાકુની ખેતી હોય કે ભાલ પ્રદેશનાં ઘઉં કે અમૂલ અને દૂધસાગર ડેરી પ્રોડક્ટ્સ, ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રે પણ રાજ્ય અવલ્લ નંબર ધરાવે છે. નરસિંહ મહેતાથી માંડીને અર્વાચીન સાહિત્ય સુધીનું લેખન આપણને ગૌરવ અપાવે છે, ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ની 'પોસ્ટઑફિસ' જેવી વાર્તા વિશ્વક્ષેત્રે પણ નોંધ પામી છે. ખમણ, ઢોકળા, ફાફડા, કઢી જેવો ખોરાક હોય કે ગઢવી અને ચારણ જેવું લોકસંગીત કે વિશ્વભરમાં જેની જાણકારી છે તે ગરબા... આપણી પાસે શું નથી, એ સવાલ છે! અઢળક સ્થાપત્યો, કલા, વારસો, ખ્યાતનામ વ્યક્તિઓ દેશ અને દુનિયાને ગુજરાત દ્વારા મળી છે. એ છતાં પણ જ્યારે ગુજરાતી પ્રજાને વેપારી જ ગણવામાં આવે ત્યારે તમે આમાંથી થોડુંક એ વ્યક્તિને કહેશો ને? ગુજરાત ગૌરવ દિનની શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત, 
દીપે અરૂણું પ્રભાત.
- નર્મદ


કેટલીક બીજી પોસ્ટ્સ -












Tuesday, 11 April 2017

લખું લખું અને ન લખું...



ક્યારેક ઘણા વિષયો પર મારે લખવું હોય છે. પણ, ક્યારેક સમય ઓછો પડે છે, ક્યારેક જે વાત કહેવી હતી, એ માટેનો સમય જતો રહે છે અને ક્યારેક લખતી વખતે કી-બોર્ડ પર હાથ તો ફરે છે, પરંતુ મનની અંદર જે છે એ ટાઈપ થતું નથી અને હું ભૂંસી નાખું છું. જેમ કે, નોટબંધી વખતે મારે લખવું હતું. પણ, એ રહી જ ગયું. કોઈક વાત કહેતી વખતે બધા પ્રકારના પાસા વિચારવા પડતા હોય છે, હું કોઈ પણ સત્ય ચકાસ્યા વિના લખવામાં માનતો નથી. (સિવાય કે કોઈ કટાક્ષ હોય તો એ કરી શકાય અથવા કોઈ વાત પર વિચારો રજૂ કરી શકાય. પરંતુ ખોટી માહિતી તો ન જ આપી શકાય.) મારે વાઈબ્રન્ટ સમિટ અને એને લીધે લોકોને પડેલી હાલાકીઓ, તકલીફો અને સુંદર ડેકોરેશનની પાછળ છુપાઈ ગયેલી ઝૂંપડપટ્ટી વિશે લખવું હતું. પણ, સમય જતો રહ્યો. સંજય લીલા ભણસાલી સાથે 'પધ્માવતી' ફિલ્મ માટે જે ઘટના બની અને એ પછી જે વિવાદ ચાલ્યો એ વિશે ફેસબુક પર મેં કંઈક લખ્યું હતું, કારણ કે વધારે સમય નહોતો અને એ વાત એ વખતે કહેવી જરૂરી હતી. એ સમય વીતી જાય પછી એ વાત કહેલી નકામી જાય. 'દંગલ' ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમ (જેણે ગીતાનો બાળપણનો રોલ કર્યો છે) ફક્ત પોતાના રાજ્યનાં મુખ્યમંત્રી સાથે મળે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે એ પણ લોકોને ખટકે છે. કેટલાક લોકોએ એને કહ્યુ કે તારા રાજ્ય જમ્મુ કશ્મીરમાં જે ચાલી રહ્યુ છે, એ છતાં તુ આ રીતે મુખ્યમંત્રીને કેમ મળી શકે અને એ પ્રકારની વાહિયાત વાતો. ગભરાયેલી એ ૧૬ વર્ષની છોકરીએ માફી માંગતો ઓપન લેટર લખ્યો. એ વિશે પણ મારે લખવું હતું, પણ, સમય જતો રહ્યો. તમારામાંથી કેટલાકને લાગતું હશે કે લખવામાં શું? એમ જ લખી દેવાનું તો હોય છે, પણ, એ જ તો હોતું નથી. કેટલી તૈયારી કરવી પડે છે, કેટલુંય મથવું પડે છે એક વિષય પાછળ, પણ, હું એ કરીશ, કારણ કે મને ગમે છે, મને લખવું ગમે છે. ક્યારેક અહીં આ બ્લૉગ પર મૂકાતી પોસ્ટ તમને ફક્ત એક સાદી ફિલ્મ વિશેની પોસ્ટ લાગે, એવી અમુક પોસ્ટ લખતાં પણ ક્યારેક દિવસો જાય છે. ક્યારેક ઘણી વસ્તુઓ શોધીને હું લખું છું. એક પોસ્ટ પાછળ પણ ખૂબ મહેનત તો જાય જ છે, એ પણ હું એટલા માટે ક્યારેય નથી કરતો કે લોકો મને કહેશે કે સારુ લખ્યું, સરસ છે. કેટલાક અંગત મિત્રો સિવાય ખૂબ ઓછા લોકો વખાણ કરે છે. શરૂઆતમાં મને એ પણ થતું કે આટલા લોકો વાંચે છે, તો કોઈને ખરાબ લાગ્યું હોય તો પણ કહે કે આ વસ્તુ ના ગમી, પણ, હવે મને કોઈ જ ફર્ક પડતો નથી. મને ગમે છે માટે જ હું લખીશ. કેટલાકે મને કહ્યુ પણ છે કે હું ખોટો સમય વ્યર્થ કરી રહ્યો છું, બ્લૉગની પાછળ. પણ, આ બ્લૉગ પર લખવું એ મને આનંદની લાગણી મહેસૂસ કરાવે છે, જ્યાં સુધી મને લાગશે કે મારે લખવું છે, હું લખીશ. આ સાથે કેટલીય એવી વાતો છે, જે વિષયો પર મારે લખવું છે/હતું, પણ, શક્ય ન બન્યું. ક્યારેક હવે પછી પણ લખી શકું, નક્કી નથી. 


સંજય લીલા ભણસાલી સાથે 'પધ્માવતી' ફિલ્મનાં સેટ પર
થયેલી ઘટના અંગે ફેસબુક પર મારી લખેલી પોસ્ટ


મારે આ બ્લૉગ એ રીતે જાળવવો છે કે કોઈને સિનેમા અને સાહિત્ય વિશે થોડીક જાણકારી મળે. મને ખ્યાલ છે કે ફક્ત સાત મહિના પહેલાં જ મેં શરૂ કર્યો છે આ બ્લૉગ, એ છતાં આટલા સમયમાં મેં ખૂબ લખ્યું છે, આ પછી પણ હું લખીશ. પરંતુ ઘણા મિત્રોએ સૂચવેલા ગીતો, ફિલ્મો વિશે લખવાનું બાકી છે. મારે પણ ઘણી ફિલ્મો અને ખાસ કરીને ભારતની સારી ફિલ્મો, જે હિન્દી સિવાયની ભાષાઓમાં બની છે, એ વિશે પણ લખવું છે, અમુક વિદેશી ફિલ્મો વિશે પણ લખવું છે. મારે કેટલીય એ પ્રકારની વાતો વિશે લખવું છે જે વિશે લોકો એમ માને છે કે આમ જ થાય, કારણ કે સદીઓથી આમ ચાલ્યું આવે છે, એટલે આપણે પણ એમ જ ચલાવો. ના, ન ચલાવી શકાય, જો નથી ફાવતું તો વિરોધ કરવો જ રહ્યો. જ્યારે પણ ઑફિસ કે ફેમિલી પછી થોડો સમય મળે છે ત્યારે મોટેભાગે લખું જ છું અથવા શું લખવું એ પ્રકારે જ મોટેભાગે વિચારો આવે છે! ક્યારેક પુસ્તક વાંચુ તો એ પુસ્તક વિશે પણ હવે મેં થોડુંક તો થોડુંક, પણ જરૂર લખવું એમ નક્કી કર્યુ છે. કોઈ સૂચન કે કોઈ વાત કે કોઈ પોસ્ટ વિશે કશુંક કહેવાની ઇચ્છા થાય તો મને ચોક્કસ કહી શકો છો. અને છેલ્લે, જે. પી. દત્તાની 'ઉમરાવ જાન' ફિલ્મમાં જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવેલ 'સલામ' નામનાં સુંદર ગીતની પંક્તિઓ સાથે ન લખાયેલાં શબ્દોને સલામ! 



બહોત સી બાતે, હૈ તુમકો કહેની
બહોત સી બાતે, હૈ હમકો કહેની
કભી જો તન્હા, મિલો કહીં તુમ
તો બાતે હમ યે તમામ કર લે...

ગીતકાર - જાવેદ અખ્તર
ગીત - સલામ 
ફિલ્મ - ઉમરાવ જાન (૨૦૦૬)
સંગીત - અનુ મલિક
ગાયિકા - અલકા યાજ્ઞિક

Thursday, 23 March 2017

શહીદ દિવસ અને ભગત સિંઘ




ડિસેમ્બર ૧૯૨૮માં ભગત સિંઘ અને શિવરામ રાજગુરુ બંનેએ મળીને જોન સોન્ડર્સ નામનાં અંગ્રેજ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરેલી. હકીકતમાં તેઓ મારવા માંગતા હતાં જેમ્સ સ્કોટ નામનાં સુપ્રિટેન્ડન્ટને, કારણ કે તેણે કરેલ લાઠી ચાર્જને કારણે લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયેલાં અને પછીથી એમનું મૃત્યુ થયેલું. એ આરોપમાં એમની સાથે સુખદેવ થાપરનું પણ નામ હતું. એ આરોપસર તેમને ૨૪મી માર્ચ ૧૯૩૧નાં દિવસે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવેલી. પરંતુ વ્યાપક વિરોધને કારણે એક દિવસ પહેલાં ૨૩મી માર્ચની સાંજે ફાંસી આપીને સતલજ નદીને કિનારે અંતિમસંસ્કાર કરી દીધેલા. ભગત અને સુખદેવની ઉંમર હતી ૨૩ અને રાજગુરુની ઉંમર ૨૨. શિવરામ રાજગુરુનું જન્મસ્થળ પુણે જિલ્લાનું ખેદ હતું, જેને  એમનાં માનમાં રાજગુરુનગર નામ આપવામાં આવ્યું છે. તેઓ ત્રણેય હિન્દુસ્તાન સોશિઅલિસ્ટ રિપબ્લિક અસોસિએશનનાં સભ્ય હતાં. આઝાદી માટે તેમણે આપેલ બલિદાન હમેંશા યાદ રાખવામાં આવશે. 

આ ત્રણ સ્વતંત્રતા સેનાનીઓમાંથી આપણને સુખદેવ અને રાજગુરુ વિશે ખાસ માહિતી નથી. સૌથી વધારે માહિતી આપણને ભગત સિંઘ વિશે જ છે. જેમની પર ફિલ્મો પણ બની છે. પરંતુ આપણે ક્યારેય વિચારતાં નથી કે આ બધુ આપણે કેમ ઉજવીએ છીએ. આપણે અન્યાય સામે લડત કે અવાજ ઉઠાવી શકવા જાણે હવે સમર્થ જ ન હોઈએ એમ બેસી રહીએ છીએ અને બધુ સહન કરીએ છીએ. જો આ લોકો દેશમાંથી ગુલામી દૂર કરવા માટે મૃત્યુને વરી શકતાં હોય તો આપણે સામાન્ય નાની વાત માટે તો પડકાર ફેંકી શકીએ, જે વસ્તુથી આપણને વાંધો હોય એ વસ્તુ સામે તો આપણે પડકાર ફેંકી જ શકીએ. ભગત સિંઘ દ્વારા ૧૯૨૯માં સંસદ પર બોંબ ફેંકવામાં આવેલો, એ વખતે એમણે 'ઇંકિલાબ ઝિન્દાબાદ'નો નારો આપેલો, જેનો અર્થ થાય છે કે ક્રાંતિ સદા રહે અથવા બીજી રીતે કહીએ તો ક્રાંતિની જ્વાળા સદા ભડકતી રહે. એ ક્રાંતિ છે ખરાબ સામે અવાજ ઉઠાવવો. પોતે કેમ નાસ્તિક હતાં એ વિશે એમણે લખેલ નિબંધમાં પણ એમણે કહેલું કે જૂની માન્યતાઓને તમે તોડવા માંગો છો કે પડકાર ફેંકો છો ત્યારે તમે બીજાથી અલગ તરી આવો છો, કારણ કે અત્યાર સુધી એ કોઈએ કર્યુ નથી, પરંતુ એ જરૂરી છે કે તમે જૂની માન્યતાઓનો ત્યાગ કરો. એ કેટલી સરસ અને સાચી વાત છે જે ચાલ્યુ આવતું હોય એ ખરાબ હોય, એનાથી નુકશાન થતું હોય, તો પણ એ સામે કોઈને અવાજ ઉઠાવવો નથી, ઘેટાંશાહી અને ટોળાંશાહી ચલાવ્યે જ રાખવામાં આવે છે. એમણે એ પણ કહેલું કે અંગ્રેજો ભારતમાં એટલા માટે નથી કારણ કે આપણાં નસીબમાં લખ્યું હશે કે આ પ્રકારે થવાનું હશે, પરંતુ એટલા માટે છે કારણ કે શરૂઆતમાં કોઈએ વિરોધ કર્યો નથી. તમારી આસપાસમાં કે તમને જે વસ્તુ સામે વાંધો છે એની સામે અવાજ ઉઠાવો. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભગત સિંઘ સમયનાં સ્વતંત્રતા સેનાનીઓ અને મોડર્ન યુથ પરની વિચારધારાને રજૂ કરતી ફિલ્મ 'રંગ દે બસંતી'માં પણ કંઈક એ જ પ્રકારે કહ્યુ છે કે જે થઈ રહ્યુ છે એની સામે વાંધો હોય તો કાં તો ચૂપચાપ સહન કરો અથવા અવાજ ઉઠાવો. અંતમાં ભગત સિંઘ કેમ નાસ્તિક હતાં તે વિશે નાનો વિડિયો અને 'રંગ દે બસંતી' ફિલ્મનું ગીત 'ખૂન ચલા'...





Friday, 10 March 2017

વાદળછાયું વાતાવરણ



કાલે બપોર પછી થોડી વાર માટે સૂર્ય જાણે વાદળોની વચ્ચે ક્યાંક સંતાઈ ગયેલો, સાંજે ફરી પાછા કાળા ઘનઘોર વાદળો છવાયેલાં. સવારે ખ્યાલ આવ્યો કે અમુક જગ્યાએ માવઠું પણ થયું. ગૂગલ પર ફક્ત સર્ચ કર્યુ તો ખ્યાલ આવ્યો કે વાદળોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે અને એ વિશે એક વિકિપીડિયા પેજ પણ છે! આ વાદળોની વચ્ચે લપાતો છૂપાતો સૂરજ ઘડીકમાં બહાર નીકળે છે અને ચોતરફ તડકો પથરાઈ જાય છે અને ઘડીક પછી ફરી વાદળોમાં ભરાઈ જાય છે. મને આવી મૌસમ ખૂબ ગમે છે. હા, આ પ્રકારની ઋતુ ઘણી રીતે નુકશાનકારક છે, એમાં પણ ખેડૂતો માટે તો ખૂબ જ. પણ, આવી મૌસમ મારી અંદર ખુશીઓ ભરી દે છે અને સાથે જ હું ખૂબ ઉદાસ પણ થઈ જાઉં છું. મને આજ સુધી ક્યારેય નથી સમજાયું કે એ વાદળો શું કરી દે છે મને, એ લાગણી જેમાં હું થોડીવાર પહેલાં રાજી અને થોડી વાર પછી ચહેરા પર ફરીથી નારાજી. કાલે સાંજે એક બાંકડા પર બેઠેલો. વૃક્ષો એમની મસ્તીમાં પવનને લીધે ઝૂમતાં હતાં, ધીમે ધીમે વાતો મંદ પવન કંઈક ઠંડક પ્રસરાવી જતો હતો, એ વૃક્ષોની વચ્ચેથી પાણીની થોડી બુંદો પડી. મને લાગ્યું કે રાત્રે વરસાદ મન મૂકીને વરસશે, પણ ફક્ત એ પળમાં જ એક-બે મિનિટ સહેજ છંટકાવ થયો. નવાઈ નથી કે મહાકવિ કાલિદાસ દ્વારા 'મેઘદૂત' કેમ લખાયું હશે! આજે ફરી એ જ પ્રકારનું વાતાવરણ છે. ઓફિસની બારી પાસેથી એક કબૂતર વારંવાર આવ-જા કરીને એની પાંખો ફફડાવી રહ્યું છે. મને વાદળોનાં શબ્દો હોય એ પ્રકારનાં ગીતો અને અમુક ફિલ્મોની અંદર વાદળો હોય એ દ્રશ્યો યાદ આવી રહ્યા છે. મને ઓફિસમાંથી ક્યાંક બહાર જવાનું મન થઈ આવે છે, તસવીરો ખેંચવાનું મન થઈ આવે છે, ઘાસમાં આરામથી સૂઈ જઈને કોઈ પુસ્તક વાંચવાનું મન થાય છે, કાવ્યો લખવાનું મન થાય છે, આજે સાંજે ડૂબતો સૂર્ય જોવો છે મારે. પણ, આટલું લખીને હું  સંતોષ માની લઉં છું! 

ગઈકાલે મેં લીધેલી થોડીક તસવીરો ... 





Wednesday, 8 March 2017

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ૨૦૧૭




સ્ત્રીઓ વિશે હું ક્યારેક લખું છું, પરંતુ મોટેભાગે આ રીતે કોઈ ખાસ દિવસે શું લખવું અને શું ન લખવું એની સૂઝ મને નથી પડતી. પણ, તેમ છતાં મારે કંઈક લખવું છે. આજના દિવસે સ્ત્રી વિશે વાતો થશે, એની સિધ્ધિઓ, સપનાઓ, સમાનતા વિશે. સમાજનાં બંધિયાર નિયમો અને સ્ત્રી વિશેની દુનિયાની વિચારસરણી વિશે મેં પહેલા લખ્યું જ છે. (જેની લીંક આ પોસ્ટની અંતે ફરીથી મૂકી છે.) પણ, આજે મારે સ્ત્રીની ખુદ વિશેની માન્યતા અને બીજી સ્ત્રી તરફનાં વલણ અંગે વાત કરવી છે. જે દિવસે એક સ્ત્રી પોતાની જાતને સન્માન આપશે, પોતે સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવશે, એ દિવસ પણ ઉજવણીનો ભાગ બનશે. સ્ત્રીએ કોઈથી ચડિયાતાં કે સમાન થવાની જરૂર છે જ નહીં, કારણ કે પૃથ્વી પર અવતરવા માટે સ્ત્રીની કૂખે જ જન્મ થાય છે અને બીજી એવી ઘણી વાતોથી સ્ત્રી ચડિયાતી છે જ. રહી વાત સમાનતાની તો જે દિવસે સ્ત્રી પોતાની અંદર આત્મવિશ્વાસ ભરશે, એ દિવસે સમાન નહીં પણ ક્યાંય ચડિયાતી આપોઆપ બની જ જશે. જે દિવસે એક સ્ત્રી બીજી સ્ત્રીને માન આપશે, તે દિવસ પણ તહેવાર બની રહેશે. જે પુત્રવધૂ પોતાના ભાઇ-ભાભીને માતા-પિતાની સંભાળ રાખવાનું કહે છે, એણે પોતાનાં પતિનાં માતા-પિતાની પણ કાળજી કોઈ જ ફરિયાદ વિના રાખવી પડશે, તો જ સમાનતા કહેવાશે...

મારી બીજી પોસ્ટસ - 







Tuesday, 21 February 2017

વિશ્વ માતૃભાષા દિવસ - ગુજરાતી ભાષા માટે તમે શું કર્યુ?



દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૧મી ફેબ્રુઆરીનાં રોજ કરોડો લોકો આ દિવસની ઉજવણી કરે છે અને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ અનુભવે છે. પણ સત્ય એ પણ છે કે આપણી માતૃભાષા ગુજરાતી માટે આપણે શું કર્યુ એમ કોઈ પૂછે તો જવાબ આપણી પાસે નહીં હોય. વાત એ પણ નથી કે ગુજરાતી લુપ્ત થઈ જશે એટલે આપણે એને બચાવવી જોઈએ અને એ બધી ચર્ચા પણ હું અહીં કરવાનો નથી. કોઈ ભાષા એમ અચાનક રાતોરાત લુપ્ત પણ થઈ જતી નથી. પરંતુ, દરેક પેઢી પાસે આવનારી પેઢીને આપવા માટે કંઈક હોવું જોઈએ, એમ વારંવાર આપણે સાંભળીએ છીએ, તો હવે પછીની પેઢીને શું આપવાનું છે? અત્યારનાં સમયમાં મોટાભાગનાં માતા-પિતા બાળકોને 'અંગ્રેજી માધ્યમ'માં ભણવા મૂકે છે. કેમ? ગુજરાતી ભાષામાં ભણેલા લોકો પ્રગતિ કરી શકતા નથી? હું એમ નથી કહેતો કે અંગ્રેજી માધ્યમમાં બાળકોને ન ભણાવશો. પણ, પછી જો એ બાળકોની શાળામાં ગુજરાતી વિષય નહીં હોય તો શું એ જ માતા-પિતા એમનાં બાળકોને ગુજરાતી શીખવાડશે ખરા? એમણે શીખવાડવું જોઈએ એવું મને તો લાગે છે. 

કેમ નાના બાળકને જેને પૂરી સમજ પણ નથી એને એમ કહેવામાં આવે છે કે આ 'કાઉ' છે અને 'ટ્રી' છે? ના, એ 'ગાય' છે અને 'ઝાડ' છે. કેટલા લોકોને સ્કૂલ પૂરી થયા પછી આખો કક્કો આવડે છે? કેટલા લોકો સાચી જોડણી લખે છે? કેટલા લોકો સાચી જોડણી શીખવાનો પ્રયત્ન કરે છે? તમે છેલ્લે ગુજરાતી પુસ્તક કયારે વાંચેલું? કેમ લોકો પોતાની જ ભાષાની નવલકથાઓ ન વાંચી શકે? ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ જ છે. શું ગુજરાતી સાહિત્ય વિશે ફરિયાદ કરનારા લોકોએ કનૈયાલાલ મુનશી કે ધૂમકેતુ કે બીજા ગુજરાતી લેખકોને વાંચ્યા છે? હું એમ પણ નથી કહેતો કે બધા જ પુસ્તકો વાંચી જ લો. પણ શું કોઈ તમને ગુજરાતીમાં તમે વાંચેલી નવલકથાઓ કે વાર્તાઓ વિશે પૂછશે તો તમારી પાસે શાળાનાં અભ્યાસક્રમ પછી વાંચેલી પુસ્તકો વિશે જવાબ છે?

કેમ નવી ગુજરાતી સિનેમામાં તમે પોસ્ટર્સ અને ફિલ્મની ક્રેડિટ્સમાં ફિલ્મનું નામ અંગ્રેજી ફોન્ટ્સમાં રાખો છો? શા માટે? મને તો બંગાળી કે દક્ષિણ ભારતની ફિલ્મમાં નામ અંગ્રેજી ફોન્ટ્સમાં વાંચ્યાનું યાદ નથી. અને પછી લોકો ફરિયાદો કરે છે કે 'ગુજરાતી સિનેમા' આગળ નથી. સત્યજીત રે કે રિતુપર્ણો ઘોષ બંગાળીમાં મહાન ડિરેક્ટર્સ ગણાય છે, એમની સિનેમામાં ફિલ્મની આખી ક્રેડિટ્સ બંગાળી ભાષામાં હોય છે. કહેવાતી 'ગુજરાતી અર્બન ફિલ્મો' ફક્ત અંગ્રેજી ટાઈટલ રાખવાથી સિનેમાને આગળ નહીં લઈ જઈ શકે. અને મને તો એ ખ્યાલ નથી આવતો 'અર્બન ફિલ્મ' એટલે શું? મલ્ટિપ્લેક્સ દર્શકને આકર્ષવા? તો શું  'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' કે 'મોતીના ચોક રે સપનામાં દીઠા' એ પ્રકારની ફિલ્મો અર્બન નહોતી? એ ફિલ્મોનાં પાત્રો અને વિષયો આજની 'અર્બન ફિલ્મ' કરતાં તો ચડિયાતા જ હતા. હા, તમે નીચે 'ઈંગ્લિશ સબટાઈટલ્સ' રાખી જ શકશો, જો એ ફિલ્મને તમારે થોડા મોટા સ્તર સુધી પહોંચાડવી હોય. પણ, ઘણી ફિલ્મોનું તો સ્તર જ નીચું હોય છે, એમનાં હલકી કક્ષાના ડબલ અર્થવાળા ડાયલોગ્સ કે ફટાફટ પૈસા કમાઈ લેવા માટે બનાવેલી ફિલ્મોની ગુણવત્તા તરત ઉડીને આંખે વળગે છે! અને મારા મત મુજબ તો આવી નીચલી કક્ષાની ફિલ્મો 'અર્બન ફિલ્મો' તો ન જ ગણાય. શું આ છે ગુજરાતી સિનેમા? કેમ હવે કોઈ 'ભવની ભવાઈ' કે 'માનવીની ભવાઈ' કે 'કંકુ' નહીં બને?

જેમને સરખું હિન્દી કે અંગ્રેજી નથી આવડતું એ લોકો શું કામ 'બાવા હિન્દી' કે 'ફેક ઈંગ્લિશ' ભાષામાં વાત કરે છે? દક્ષિણ ભારતનાં લોકોને અને બંગાળીઓને પોતાની માતૃભાષા પ્રત્યે છે એવો પ્રેમ આપણે ગુજરાતી માટે પેદા કરવો જ રહ્યો. આપણને ગુજરાતી હોવા વિશે શરમ શું કામ આવે છે? ગુજરાતી એટલે માત્ર બિઝનેસમેન કે ગુજરાતી એટલે માત્ર આમ ને તેમ એવી લોકોની સ્ટીરિઓટાઇપ માન્યતાને બદલવી જ પડશે. તમારા કુટુંબમાં કે મિત્રોમાં કોઈ લખે છે કે સિનેમામાં રસ ધરાવે છે તો એને પ્રોત્સાહન આપો, એને એમ ન કહેશો કે લેખક ન બની શકાય કે ફિલ્મોની અંદર કરિયર ન બનાવી શકાય. કોઈપણ એ માણસ જે પોતાની ભાષા માટે કંઈક પણ વિચારે છે એને સહારો આપો. 'આ ફોટો આટલા લોકોને મોકલો નહીં તો તમારી સાથે ખરાબ થશે' એવા હીનકક્ષાના સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતા કરવાને બદલે જે માણસ કંઈક વિચારે છે પોતાની ભાષા માટે, પોતાની ભાષાના વારસાને જાળવવાના એના વિચારો ફોરવર્ડ કરો, આટલું કરીશું તો ભવિષ્યમા 'ગુજરાતી ભાષા બચાવો' વિશે કાર્યક્રમો નહીં યોજવા પડે. 

Monday, 13 February 2017

Some Favourite Movie Quotes




The Shawshank Redemption (1994)

**********************************************


The Spectacular Now (2013)

**********************************************














                             


The Holiday (2006)
            


**********************************************









When Harry Met Sally (1989)


**********************************************



One Day (2011)


**********************************************



The Fault in Our Stars (2014)



**********************************************












The Perks of Being a Wallflower (2012)



Friday, 3 February 2017

એન અનસ્યૂટબલ બોય - કરણ જોહર

ફાઈનલી, કરણની બુક રિલિઝ થઈ. અને ઘણા દિવસો પછી મેં કોઈ બુક ખરીદી...! લોકો ગમે તેટલી વાતો કરે, હી ઈઝ માય ફેવરિટ... એની કુછ કુછ હોતા હૈ અને કભી અલવિદા ના કહેના મેં ઘણી બધી વખત જોઈ છે, એ પોતાની જાતને સીરિયસલી લેતો નથી, મોટાભાગના ડિરેક્ટર્સ પોતાની જાતને ખૂબ ગંભીર ને આમ જ ને આમ નહીં એ રીતે લે છે, બટ વુ રિઅલી કેર્સ? કરણ ટીવી પર રિયાલિટી શો જજ કરે છે, એણે સારી ફિલ્મો બનાવી છે, પ્રોડ્યુસ કરી છે, નવા ટેલેન્ટને લોન્ચ કર્યા છે, એક્ટિંગ પણ કરી છે. એનો ટોક શો 'કોફી વિથ કરણ' રિઅલી એન્ટરટેનિંગ હોય છે. વેલ, આ બુક વાંચીને મને મજા આવી, નોટ લાઈક ઈટ્સ અ ગ્રેટ બુક, પણ મને ગમી

આ બુકનો સૌથી સારો પાર્ટ છે ચાઈલ્ડહૂડ અને શાહરુખ ખાન. કરણનું બચપણ વાંચવામાં ખાસ્સુ રસપ્રદ રહ્યુ. એ સિવાય એની જર્ની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કુછ કુછ હોતા હૈ' વખતનો સમય. 'શાહરુખ ખાન' વિશે એક અલગ ચેપ્ટર છે. એમાં લખ્યું છે કે શાહરુખ અને એની વચ્ચે ક્યારેય કોઈ વિખવાદ કે મતભેદ થયો જ નથી, એ સાચુ છે. એ લોકોએ ઘણા સમયથી સાથે કામ નથી કર્યુ, તો એ લોકોનું મળવાનું ઓછુ થાય તો રોજની જેમ વાતો ન થઈ શકે, આપણી લાઈફ એવી જ છે, આપણી નજીક બધા છે, પણ એ દિલની નજીક છે, બીજા શહેરમાં હોય એ વ્યક્તિ તો પહેલાની જેમ વાત ન પણ થઈ શકે. એનો મતલબ એવો થોડો થાય કે તમારો સંબંધ પહેલા જેવો નથી? બિલકુલ જ નહીં. આ બુકમાંથી હું આ શીખ્યો. એ સિવાય ઘણી વસ્તુઓમાં ચહેરા પર સ્માઈલ પણ આવ્યુ અને આંખમાં આંસુ પણ. 

આ બુક મારાથી કોઈને રિકમેન્ડ ના કરી શકાય, જે કરણ જોહરનાં ફેન હોય એમને જ ગમી શકે...




Just

Sometimes we wake up in the morning and do not want to wish good morning to the people who send messages on WhatsApp. We really don't want to, but sometimes we do. We want to tell them that every morning can not be good, we can not pretend. Everyday most of us go to the office and wish good morning to all the colleagues, bosses and other people, most of us do not want to smile and wish them a good morning, but we do. The issue is so many people go through a lot everyday, but they don't tell anybody. Maybe they think the other person will not understand or judge his/her situation, and that is somehow true also. Sometimes some people don't share anything to others because they don't want others to feel bad for themselves. This is the truth. So many times some people want to lock themselves up somewhere and cry a lot, but some of them do, some of them do not. People have learnt to speak lie. And that is somehow good, somehow not. It is good because they learn to stay happy, they feel bad but somehow they recover in next few minutes or hours. It is bad because that affects their health, mood and other things. But this is life, it goes on, with or without the things you like, love or whatever. Everyday sun rises and we complain a lot, and go to bed every night complaining... This has become life for most of the people, but we survive. 


ખુશ્બુ કે ઝોકે, ઈક પલ ઠહર કે


કૈસે હવાઓ મેં, ખો જાતે હૈ


દિલચસ્પ લમ્હે, અક્સર ગુઝર કે


ખ્વાબો કે જૈસે હી હો જાતે હૈ...



   

Wednesday, 25 January 2017

રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૦૧૭




૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. એના ફક્ત એક દિવસ પહેલા ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ. એ નિમિત્તે આ દિવસ ૨૦૧૧થી 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવાય છે. ચૂંટણી હેલ્પલાઈન માટેના રાજ્યકક્ષાનાં કોલ સેન્ટરમાં કામગીરી કરવાના ભાગરૂપે આજે કાર્યક્રમમાં મહાત્મા મંદિર, ગાંધીનગર જવાનું થયું. 

ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીની ઉપસ્થિતિમાં તેમજ બીજા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો. રાજ્યકક્ષાએ સારી કામગીરી બદલ ઘણા અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યકક્ષાની મતદાન સંબંધિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામો વિતરણ કરવામાં આવ્યાં. 

મોટાભાગનાં લોકોની માનસિકતા છે કે મારા એક મતથી કોઈ ફર્ક પડી જવાનો નથી અને એવા વિચારોને લીધે જ કોઈ પરિવર્તન આવતું નથી. પછી લોકો ફરિયાદ કરતાં રહે છે કે આ વખતે પણ આ સરકાર આવી અને બધા રાજકારણીઓ સરખા જ છે. પરંતુ એની પાછળ એક કારણ એ છે કે ઘણા શિક્ષિત લોકો પણ મતદાન નથી કરતાં. મતદાન આપણી પવિત્ર ફરજ છે. આવો સૌ સાથે મળીને મતદાનની પ્રતિજ્ઞા કરીએ. બદલાવની શરૂઆત કરવા માટે ખુદમાં બદલાવ લાવીએ. 

વધુ માહિતી માટે અને ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે ગુજરાત સરકારની વેબસાઈટ-



Monday, 9 January 2017

એર શો - ગાંધીનગર (૯ જાન્યુઆરી ૨૦૧૭)

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ અંતર્ગત ૯ જાન્યુઆરી ૨૦૧૭નાં રોજ યોજાયેલ એર શો 
સ્થળ - ગાંધીનગર, ગુજરાત 
મારા દ્વારા કેપ્ચર કરાયેલો વીડિયો