મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
- ઉમાશંકર જોશી
આઝાદી પછી ભાષાવાર પ્રાંતોની રચના થઈ, એ અંતર્ગત ગુજરાતી બોલનાર કાઠિયાવાડ, કચ્છ અને બોમ્બે સ્ટેટનો થોડોક ભાગ મળીને પહેલી મે, ૧૯૬૦નાં રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. નવનિર્માણ આંદોલન, મચ્છુ હોનારત, ધરતીકંપથી માંડીને અક્ષરધામ મંદિરનો હુમલો જેવી રાજકીય, આતંકી અને કુદરતી સમસ્યાઓ પછી પણ આપણું રાજ્ય અડીખમ ઊભું છે અને બધી વાતો અને દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, એ સાથે આજે ૫૭માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે.
ગીરનાં એશિયાઈ સિંહો, સુરખાબ, ઘુડખર જેવી કુદરતી પ્રાણીઓ-પક્ષીઓની વિવિધતા ધરાવતું રાજ્ય ભૌગોલિક રીતે પણ એટલી જ વિશિષ્ટતા ધરાવે છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો પણ આપણે ભાગે છે, એ સાથે જ કચ્છનું રણ પણ. ચરોતર, જેને 'સોનેરી પાનનો મુલક' ગણવામાં આવે છે ત્યાં થતી તમાકુની ખેતી હોય કે ભાલ પ્રદેશનાં ઘઉં કે અમૂલ અને દૂધસાગર ડેરી પ્રોડક્ટ્સ, ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રે પણ રાજ્ય અવલ્લ નંબર ધરાવે છે. નરસિંહ મહેતાથી માંડીને અર્વાચીન સાહિત્ય સુધીનું લેખન આપણને ગૌરવ અપાવે છે, ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ની 'પોસ્ટઑફિસ' જેવી વાર્તા વિશ્વક્ષેત્રે પણ નોંધ પામી છે. ખમણ, ઢોકળા, ફાફડા, કઢી જેવો ખોરાક હોય કે ગઢવી અને ચારણ જેવું લોકસંગીત કે વિશ્વભરમાં જેની જાણકારી છે તે ગરબા... આપણી પાસે શું નથી, એ સવાલ છે! અઢળક સ્થાપત્યો, કલા, વારસો, ખ્યાતનામ વ્યક્તિઓ દેશ અને દુનિયાને ગુજરાત દ્વારા મળી છે. એ છતાં પણ જ્યારે ગુજરાતી પ્રજાને વેપારી જ ગણવામાં આવે ત્યારે તમે આમાંથી થોડુંક એ વ્યક્તિને કહેશો ને? ગુજરાત ગૌરવ દિનની શુભેચ્છાઓ...
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પ્રભાત.
- નર્મદ
કેટલીક બીજી પોસ્ટ્સ -
Adbhut. . .
ReplyDeleteThank you dear
Delete