Wednesday, 31 May 2017

યારોં અને પ્યાર કે પલ - દોસ્તી, પ્રેમ અને યાદો




એક બારી ખુલ્લી રહી ગઈ હતી અને પવનની સાથે સાથે જૂની યાદો અંદર ધસી આવી હતી; વાદળી રંગની એક સવાર, લાલ રંગની એક બપોર અને કેસરી રંગની એક સાંજ... કેટલીય ક્ષણો જાણે હમણાં જ બની હોય તેમ દિલને કોઈ ખૂણે જીવંત હતી. કોઈનો એક નાનો અકસ્માત, શાળા છોડીને ગયેલો એક દોસ્ત, વરસાદની એક સાંજ, એક મોટો ઝઘડો, એક ફાડી નખાયેલી છબી, એક ખોવાઈ ગયેલી ભેટ, એક કરમાયેલું ફૂલ, એક જૂનો પત્ર... અને કેટલીય દૂર થઈ ગયેલી વ્યક્તિઓ.


ગાયક કે.કે. દ્વારા ગવાયેલ બે ગીતો 'પ્યાર કે પલ' અને 'યારોં' ક્યારેક સાંભળતી વખતે જૂની યાદોની અંદર ધકેલી દે છે. ઇન્ટરનેટ આવ્યા પહેલાનો સમય, ઇન્ડી પૉપ પણ સરખી રીતે જામ્યું નહોતું એ વખતનો સમય,... ઇન્ડિયન આઇડોલ વખતે 'યારોં' ગીતને ફરીથી રિક્રિએટ કરીને ઘણા ગાયકો દ્વારા ગાવામાં આવેલું. પણ, મૂળ 'યારોં' ગીત છે એક ફિલ્મનું, નાગેશ કુકુનૂરની ફિલ્મ 'રોકફર્ડ'... ૧૯૯૯માં રજૂ થયેલી 'રોકફર્ડ' એક તરુણની બોર્ડિંગ સ્કૂલની નવી જિંદગી વિશે વાત કરતી ફિલ્મ છે, એટલે 'યારોં' ગીતની અંદર મિત્રો, મુગ્ધાવસ્થાનું આકર્ષણ, પહેલો પ્રેમ અને એ પ્રકારની લાગણીઓની વાત છે. 'પ્યાર કે પલ' કે.કે. દ્વારા 'પલ' આલ્બમ માટે ગવાયેલ હતું. 'પ્યાર કે પલ' જૂની યાદો પર આધારિત છે. ક્યારેક કોઈ વ્યક્તિને સ્થળ છોડીને જવું પડે છે, પરંતુ ખરેખર એને જવાની ઇચ્છા હોતી નથી અને ક્યારેક એ સ્થળની યાદો તો છૂટતી જ નથી... 'યારોં' પણ એક રીતે સ્કૂલની જૂની યાદો પર આધારિત છે જ, 'પલ' આલ્બમની અંદર 'યારોં' પણ સમાવી જ લેવામાં આવ્યું છે...



**********************************

'પ્યાર કે પલ' ગીતનો વીડિયો જૂના વીતી ગયેલા સમયની યાદોને બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમટોગ્રાફીમાં દર્શાવે છે અને હાલનો સમય રંગીન સિનેમટોગ્રાફી દ્વારા. ગીત દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે એક છોકરો અને છોકરી તરુણાવસ્થામાં એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે, છોકરીનું ઘર બદલાઈ જતાં એ ચાલી જાય છે, વર્ષો પછી એ યુવતી જૂની જગ્યાએ પાછી આવે છે, એ જ ગલીઓ, એ જ હવાનો અનુભવ કરે છે, પેલો યુવક પણ એને મળે છે જેની પ્રત્યે એને આકર્ષણ હતું, એ લોકો હાથમાં હાથ નાખીને ઢળતી સાંજે એકબીજાની સાથે જાય છે... ગીતની વચ્ચે કે.કે. માઇક સાથે તેમજ બીજા સંગીતકારો તેમનાં સંગીતના સાધનો સાથે આપણને દેખાય છે, ગીતને અંતે સંગીતકારો અને પેલુ યુગલ એકબીજાની પાસેથી પસાર થાય છે, એક જૂની યાદગીરી સંબંધિત એક વસ્તુ કે.કે. પોતાની પાસે રાખી લે છે...     

હમ રહે યા ના રહે કલ
કલ યાદ આયેંગે યે પલ
પલ યે હૈ પ્યાર કે પલ
ચલ આ મેરે સંગ ચલ
ચલ સોચે ક્યા
છોટી સી હૈ જિંદગી
કલ મિલ જાયે તો હોગી ખુશનસીબી


આ જિંદગીમાં આપણે શાશ્વત સમય માટે તો નથી જ, પરંતુ કોઈ એક સ્થળ કે વ્યક્તિ સાથે પણ કાયમ માટે નથી. પરંતુ સાથે વીતાવેલી ક્ષણો હમેંશા યાદ આવે છે, એ છેક સુધી સાથે જ રહે છે. ક્યારેક વીતી ગયેલો સમય અને એ જૂની યાદો ફક્ત દિલની અંદર ક્યાંક છુપાઈ જાય છે અને ધૂળ ચડી જાય છે એ યાદો પર... ફરી કોઈ વખત એક દિવસ એ બધી જ વસ્તુઓ ફરી યાદ આવી જાય છે, એ વ્યક્તિઓ જે જીવનમાંથી કોઈ ને કોઈ કારણોસર ચાલી ગઈ છે, જે હવે મળે તો પણ એક સારા નસીબની વાત કહી શકાય એમ લાગે છે. પોતાની જિંદગીમાં આગળ વધવા માટે જૂની જગ્યા, જૂની વ્યક્તિઓ છોડીને જૂની યાદો લઈને ક્યારેક ચાલી નીકળવું પડે છે, ક્યારેક એવી સ્થિતિ આવે છે જ્યારે એ બધુ જ પાછળ છૂટી જાય છે, અને હવે એ જૂના સમયમાં જઈ શકાતું નથી કે એ વ્યક્તિઓ પાછી આવી શકે એ પણ શક્ય ન હોય એમ લાગે છે ત્યારે યાદો જ માત્ર સહારો બને છે...  

શામ કા આંચલ ઓઢ કે આયી
દેખો વો રાત સુહાની
આ લિખ દે હમ દોનો મિલકે 
અપની યે પ્રેમ કહાની


યાદો બનાવવા માટે એ સમય તમારે જીવવો પડે છે, જ્યારે તમે વર્તમાનકાળને પૂરેપૂરો માણો છો, ત્યારે તમે સારી યાદો સંઘરી શકો છો. એક દોસ્તી, એક પ્રેમ, સાથે ગાળેલો સમય જો જીવનભર યાદ રાખવાની તમારી ઇચ્છા હોય તો પહેલા એ સમયને પૂરેપૂરી રીતે જીવી લેવો પડે છે, એ જ પળની અંદર. તો એ વ્યક્તિ દૂર થઈ જાય, તેમ છતાં પણ એ યાદો ક્યારેય ભૂલી ન શકાય એ રીતે કોતરાઈ જાય છે. એક અંગ્રેજી ક્વોટ ખૂબ સુંદર છે, જે કોણે લખેલ છે એ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ લેખકનું નામ ન મળ્યું, એ ક્વોટમાં એમ કહ્યું છે, "કેટલીક વાર તમે યાદોને યાદ કરો છો, એ વ્યક્તિને નહીં." ઘણીવાર એ રીતે બને છે કોઈ કારણોસર અમુક વ્યક્તિઓ સાથે સંબંધ ન રહ્યો હોય, એ પછી પણ એની સાથે ગાળેલો સમય અને એ યાદો તો અકબંધ જ રહે છે, બની શકે કે એ યાદો યાદ કરતી વખતે મનમાં અને દિલમાં ફક્ત યાદો જ હોય, એ વ્યક્તિ ન હોય એમ પણ બને! 



આને વાલી સુબહ જાને
રંગ ક્યા લાયે દીવાની
મેરી ચાહત કો રખ લેના
જૈસે કોઈ નિશાની

હમ રહે યા ના રહે
યાદ આયેંગે યે પલ


નજીકનાં ભવિષ્યની અંદર પણ શું થશે, એ આપણને બિલકુલ જ જાણ નથી, માટે આપણે જે પણ વ્યક્તિ સાથે છીએ એની સારી યાદોને, એ વ્યક્તિની દોસ્તી, પ્રેમ, સંભાળ, વાતો,... બધી જ વસ્તુઓને એક નિશાનીરૂપ આપણી પાસે રાખી લેવી જોઈએ, કારણ કે એ સંબંધ ન રહે, એ વ્યક્તિ ન રહે, તો પણ એ યાદો તો રહેશે જ. 



**********************************


'યારોં' ગીત 'રોકફર્ડ' ફિલ્મની અંદર ફક્ત થોડી ક્ષણો માટે જ આવે છે, પણ કે.કે. સાથેના મ્યુઝિક વીડિયોમાં ફિલ્મની સુંદર પળોની સાથે આપણે કે.કે. ગીત ગાય છે તે જોઈ શકીએ છીએ. આ ગીતનાં વીડિયોની અંદર સ્કૂલનો સમય, કોઈ એક શિક્ષક પર આકર્ષણ હોય, કોઈ એક પ્રેમાળ શિક્ષક હમેંશા આપણને મદદ કરતાં હોય, કેટલાક નાલાયક પણ હમેંશા સાથ આપતા મિત્રો હોય, કેટલાક પ્રેમાળ દોસ્તો પણ હોય, કોઈ એક ગમતું પ્રિય પાત્ર હોય, એ બધી જ વાતો દર્શાવવામાં આવી છે. એ સાથે જ દોસ્તી અને પ્રેમની અંદર ભાગ ભજવતાં વિવિધ પરિબળો સાથે એ પણ સૂચવવામાં આવ્યું છે કે દોસ્તી અને પ્રેમ વિના જિંદગી અધૂરી છે.




યારોં દોસ્તી બડી હી હસીન હૈ
યે ના હો તો ક્યાં ફિર બોલો યે જિંદગી હૈ
કોઈ તો હો રાઝદાર
બેગરજ તેરા હો યાર
કોઈ તો હો રાઝદાર

દોસ્તી એક શબ્દ, જેના વિના ક્યારેક જિંદગી નકામી જ લાગે છે, કોઈક તો એવી વ્યક્તિ હોવી જોઈએ જેને તમે દિલની બધી જ વાત કહી શકો અને એ તમારા વિશે સાચા ખોટા અભિપ્રાયો ન બાંધે, જે તમારી સાથે સ્વાર્થ માટે સંબંધ ન રાખે, જેની પર તમે વિશ્વાસ કરી શકો, એ પ્રકારનો કોઈ એક મિત્ર ન હોય તો જિંદગીનો કોઈ અર્થ જ નથી.


યારોં મોહબ્બત હી તો બંદગી હૈ
યે ના હો તો ક્યાં ફિર બોલો યે જિંદગી હૈ
કોઈ તો દિલબર હો યાર
જિસકો તુઝસે હો પ્યાર
કોઈ તો દિલબર હો યાર

પ્રેમ, એક શબ્દ જેને અહીં પણ ઇબાદત સાથે સરખાવવામાં આવ્યો છે, કારણ કે પ્રેમનાં સાત તબક્કાઓમાંથી એક તબક્કો છે, ઇબાદત. (અહીં લખ્યું છે, બંદગી, એટલે કે પ્રિય વ્યક્તિની પૂજા.) પ્રેમમાં જો ઇબાદત ભળે તો તેને ઉચ્ચ કોટિનો પ્રેમ માનવામાં આવે છે. એ પ્રકારની કોઈ એક વ્યક્તિ જો તમારી જિંદગીમાં ન હોય તો પણ તમારી જિંદગી નકામી છે તેમ અહીં સૂચવવામાં આવ્યું છે. 


તેરી હર એક બુરાઈ પે, ડાંટે વો દોસ્ત
ગમ કી હો ધૂપ, તો સાયા બને તેરા વો દોસ્ત
નાચે ભી વો તેરી ખુશી મેં
અરે યારો.... 

દોસ્તીની અંદર હમેંશા એકબીજાની ભૂલો કાઢીને, ભૂલો સુધારવામાં મદદ કરીને, ભૂલો સ્વીકારીને, ટેવો અપનાવીને, સ્વભાવ સ્વીકારીને મિત્રો હમેંશા એકબીજાને સંભાળી લે છે. જીવનનાં તડકા-છાંયડા રૂપી સુખ અને દુ:ખ તો હમેંશા આવ્યા જ કરે છે. એ સુખ અને દુ:ખમાં જે વ્યક્તિઓ સાથે જ રહે છે તેઓ જ ખરા અર્થમાં મિત્રો સાબિત થાય છે.


તન મન કરે તુઝપે ફિદા મહેબૂબ વો
પલકો પે જો રખે તુઝે મહેબૂબ વો
જિસકી વફા તેરે લિયે હો
અરે યારો...

પ્રેમની અંદર તન અને મન સમર્પિત કરીને પ્રિય પાત્રની સંભાળ રાખવી, એ વ્યક્તિનો વિશ્વાસ સાચવવો એ બધી બાબતો મુખ્ય હોય છે. આંખની પાંપણ પર કોઈ વ્યક્તિને રાખવાનો મતલબ છે એને કોઈ જ દુ:ખ ન આવવા દેવું, કોઈ વ્યક્તિની જિંદગીમાં દુ:ખ ન આવે એ આપણા હાથની વાત નથી, પરંતુ એ આવેલી પરિસ્થિતિમાં એ વ્યક્તિને સંભાળી લેવી એ પ્રકારનો અર્થ અહીં સૂચવાયો છે. 

ગીતના વીડિયોમાં કે.કે. વિવિધ રંગનાં શર્ટની અંદર આપણને દેખાય છે, એટલે સુધી કે એ રંગો હાથમાંથી સરકી જાય છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. દોસ્તીનો પીળો રંગ, પ્રેમનો લાલ રંગ, વિશ્વાસનો રંગ વાદળી. આકર્ષણ, સફળતા તેમજ હિંમત માટેનો કેસરી રંગ તેમજ એકસૂત્રતા અને એકરાગની સાથે સાથે ઈર્ષા માટેનો લીલો રંગ! દોસ્તી અને પ્રેમ બંને સંબંધોમાં વિશ્વાસ જરૂરી છે. પ્રેમનો પહેલો તબક્કો છે આકર્ષણ. બંને સંબંધોમાં ઈર્ષાની પણ હાજરી હોય જ છે, તે સાથે જ એકસૂત્રતા હોવી પણ બંને સંબંધોમાં ખૂબ જ જરૂરી છે. ગીતની અંદર આ બધા રંગો ક્યારેક એકબીજામાં ભળી જાય છે, એ રંગોની ઉપર ક્યારેક નવો રંગ ચડી જતો દર્શાવેલ છે અને વચ્ચે વચ્ચે બતાવવામાં આવેલી યાદો તેમજ હાથમાંથી સરકી જતો રંગ સમય સાથે ફક્ત યાદો જ રહી જાય છે તે સૂચવવા માંગે છે! રંગોની આ અભિવ્યક્તિ ખૂબ જ સુંદર અને આકર્ષક પણ લાગે છે... 






**********************************



ક્રેડિટ્સ - 
ગીતકાર - મહેબૂબ
સંગીતકાર - લેસ્લે લૂઇસ
ગાયક - કે.કે.

ગીત - પ્યાર કે પલ
આલ્બમ - પલ


ગીત - યારોં
આલ્બમ - પલ / ફિલ્મ - રોકફર્ડ




'પ્યાર કે પલ' ગીતની અંદર યુવક તરીકે અભય દેઓલ હતો, બોલીવુડમાં તેણે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'સોચા ન થા' દ્વારા વર્ષ ૨૦૦૫માં કારકિર્દી શરૂ કરી, તેના ઘણા સમય પહેલાનો, આશરે પાંચેક વર્ષ પહેલાનો આ વીડિયો છે... 'રોકફર્ડ' ફિલ્મની અંદર નાગેશ કુકુનૂર તેમજ નંદિતા દાસ પણ શિક્ષકોનાં પાત્રોમાં હતા, એટલે 'યારોં' ગીતનાં વીડિયોમાં એ બંને પણ છે... 



અભય દેઓલ

નાગેશ કુકુનૂર

નંદિતા દાસ












મારા દ્વારા લખાયેલી કેટલીક બીજી પોસ્ટ્સ -

અધૂરા સંબંધો

કૉલેજની કેટલીક યાદો...

રાહ ન જુઓ - લતા હિરાણી 

2 comments:

  1. કેટલું અઘરું હોય છે ટેવાઇ જવું. જૂના સ્થળ, વ્યક્તિ, અહેસાસથી અલગ થઈ જવુ. યાદો તો યાદો જ હોય છે જ્યાં ન ગમતું હોય એ સ્થળ પણ યાદ જ હોય છે...ખૂબ સરસ લખ્યું છે...જેની પાસે સારી યાદો હોય એને રડાવવા માટે પૂરતું છે...જાત અનુભવ.

    ReplyDelete
  2. Aa post no first para Baxi ni shaili ma chhe..
    Ekalta na k kinara vanchta ek varnan aavu hatu tyare yad avelu k aavu to me aama vanchelu chhe.

    ReplyDelete