Wednesday 21 December 2016

રાહ ન જુઓ - લતા હિરાણી



એક ખૂબ સરસ મજાની કવિતા વિશે મારે ઘણા સમયથી લખવું છે, આ કવિતા એક વખત રેડિયો પર આરજે દેવકીનાં અવાજમાં સાંભળેલી, અને મને લાગ્યુ કે શેર કરવી જ જોઈએ, તો લતા હિરાણીની સરસ કૃતિ માણો આ રહી, પછી એ વિશે થોડી વાતો... 

*****************************************

હું મૃત્યુ પામીશ
અને તું ફૂલો મોકલીશ
જે હું જોઈ નહીં શકું
તો તું હમણાં જ ફૂલો મોકલને! 

હું મૃત્યુ પામીશ
અને તારા આંસુ વહેશે
જેની મને ખબર નહીં પડે
તો તું અત્યારે જ થોડું રડ ને!

હું મૃત્યુ પામીશ
અને તું મારી કદર કરીશ
જે હું સાંભળી નહીં શકું
તો તું એ શબ્દો હમણાં જ બોલને!

હું મૃત્યુ પામીશ
અને તું મારા દોષો ભૂલી જઈશ
જે હું જાણી નહીં શકું
તો તું મને હમણાં જ માફ કરી દે ને!

હું મૃત્યુ પામીશ
અને તું મને યાદ કરીશ
જે હું અનુભવી નહીં શકું
તો તું મને અત્યારે જ યાદ કર ને! 

હું મૃત્યુ પામીશ
અને તને થશે મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો?
તો તું અત્યારે જ એવું કર ને!! 

એટલે જ કહેવાનું મન થાય છે કે રાહ ન જુઓ,
રાહ જોવામાં ઘણીવખત બહુ મોડું થઈ જાય છે!


- લતા હિરાણી 

*****************************************

વાહ!! શું લખ્યું છે એમણે... દરેક વ્યક્તિને હૈયે છે પણ મોટેભાગે હોઠે નથી આવતી આ વાત. કેટલી વાર આપણે પ્રેમ વ્યક્ત કરવાનું ભૂલી જઈએ છીએ? ક્યારે ઝઘડેલા, એણે આમ કરેલું ને તેમ હતું એ બધું જ વધારે યાદ રહે છે, કોઈ મહત્વ છે એનું? એ વ્યક્તિ જ નહીં હોય અથવા દૂર જતી રહેશે બીજે ત્યારે એની યાદોમાં દુ:ખી થવા કરતા અત્યારે આ પળે જ એને જે કહેવું છે એ કહો ને! આ પળને સાચી જીવો ને, યાદ આવે છે કોઈની? વાત કરો. મળવું છે? સમય કાઢીને મળી લો. કંઈક કહેવું છે કોઈને? દિલમાં શું કામ રાખ્યું છે એ? કહી દો ને! પછીનું પછી જોયું જશે! એક આખી વ્યક્તિ જ જીવનમાં હોતી નથી કે કોઈ બીજી જગ્યાએ હોય છે ત્યારે અફસોસ કરીએ છીએ બધાં જ કે એની સાથે થોડો વધારે સમય વિતાવવો જોઈતો હતો! તો અચાનક જ કોઈ દિવસ કોઈ જ કારણ વિના મિઠાઈ કે ફૂલો કે યાદો લઈને મળો ને, હા, થોડી વાર દરેક વ્યક્તિ પૂછશે કે આજે કેમ અચાનક આટલી બધી ખુશી, પણ એ વ્યક્તિ જે મિત્ર, મા-બાપ કે કોઈ પણ હોઈ શકે, ફક્ત પ્રેમીઓની વાત નથી અહીંયા, એ વ્યક્તિ અને તમારા બંનેના ચહેરા પરની એ ખુશી તમને લાંબા સમય સુધી પ્રસન્ન રાખશે!

લતા હિરાણી

3 comments:

  1. આભાર સંજયભાઇ. માફ કરજો, આજે જ જોયું.

    ReplyDelete
    Replies
    1. આભાર સંજયભાઇ.
      લતા હિરાણી

      Delete