વાદળી રંગ વિશ્વાસનો છે, સત્ય, આત્મવિશ્વાસ અને સાથેસાથે સ્વર્ગ દર્શાવવા માટે પણ વપરાય છે, અને કાળો રંગ છે મૃત્યુ, ખરાબ પરિસ્થિતિ માટે. પણ મારા માનવા મુજબ આ ફિલ્મમાં કાળો રંગ છે કોઈની રાહ જોવામાં જે દુ:ખ અનુભવાય એનો, ફિલ્મની મોટાભાગની ફ્રેમ વાદળી રંગની છે અને આ સંજય લીલા ભણસાલીની દુનિયા છે જ્યાં એક રાતે વરસાદ પણ પડે છે અને બીજી રાતે બરફ. બધાં ફરિયાદ કરે છે કે ફિલ્મ વાસ્તવિક નથી, તો મારા માનવા મુજબ મારધાડ અને મસાલા ફિલ્મો પણ નથી હોતી વાસ્તવિક, પણ ઘણા લોકોને એ ગમે છે, પણ આ સિનેમા બહુ ઓછા લોકોને પચે છે, ભલે ઘણા લોકોને આ ફિલ્મ નથી ગમતી પણ મારી ખૂબ મનપસંદ ફિલ્મ છે આ. અને જેમને નથી ગમતી એમની સાથે પણ સહમત છું, એમને કંટાળો આવતો હોઈ શકે આવી આર્ટ સિનેમામાં કારણ કે મોટાભાગના લોકોને જોઈએ એવુ કોઈ જ મનોરંજન આ ફિલ્મમાં નથી. માત્ર ને માત્ર રવિ ચંદ્રનની ખૂબસુરત સિનેમટોગ્રાફી, ઓમંગ કુમારનાં ભવ્ય સેટ અને દિલને સ્પર્શે એવી વેધકતા, પ્રેમ અને ઈન્તઝારની ફ્યોદોર દોસ્તોયેવસ્કીની લખાયેલી વાર્તા વ્હાઈટ નાઈટ્સ પર બનેલી છે આ ફિલ્મ. (વાર્તા પરની લખેલી પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો: વ્હાઈટ નાઈટ્સ)
આ પોસ્ટ હું કેટલાય દિવસોથી લખવાનાં પ્રયત્નો કરુ છું અને મારુ લખેલું ભૂંસુ છું... મને લાગે છે કે હું આ ફિલ્મ વિશે લખી જ નહીં શકુ, એની કલા, ફિલ્મના સેટ્સ, દીવાલ પરના ચિત્રો, આર્કિટેક્ચર, લાઈટિંગ્સ, કોસ્ટ્યૂમ્સ, રંગો, એ બધાને ન્યાય કરીને મારાથી નથી લખાતું, પણ મારે લખવું છે અને કેટલાય જવાબો મને મળતા જ નથી કે શું હું વિચારુ છું એ જ સાચુ અર્થઘટન છે કે કંઈક બીજુ કહેવા માંગે છે સંજય લીલા ભણસાલી, ઓછામાં ઓછી પાંચેક વાર તો આ ફિલ્મ જોઈ જ હશે તો પણ એ નથી સમજાતુ કે ફિલ્મમાં કોઈ ચોક્કસ સમયગાળો છે કે નથી, શું આ ૧૯૭૦નો દસકો છે? શું આ મોર્ડન દુનિયા છે? અને પછી ફક્ત એમ જ લાગે છે કે બસ કલ્પના જ છે જેમ પહેલા જ ડાયલોગમાં છે કે આવુ કોઈ શહેર નથી દુનિયાના નકશા પર, તો કદાચ સમયગાળો પણ ટાઈમલેસ જ છે. કારણ કે અહીં તો ટાવર પરની ઘડિયાળ પણ એન્ટી ક્લોક વાઈઝ ફરે છે! આ દુનિયામાં બધુ શક્ય છે, અહીં સપનાઓ છે, દુ:ખ છે, પ્રેમ છે, પ્રતીક્ષા છે, અને એકલતા છે, ઉદાસી છે, તહેવારો પણ છે, વરસાદ પણ છે, વાતો પણ, બધી જ માનવીય સંવેદનાઓ તેમ છતાં આ ફિલ્મ 'ફેરી ટેલ'માં જ ખપી ગઈ છે.
સાવરિયા પ્રેમ અને ઈન્તઝારની વાર્તા છે, દરેક પાત્ર એ આશામાં જીવે છે કે એની પ્રતીક્ષા પૂરી થશે અને એક દિવસ ખુશી આવશે જિંદગીમાં. સકીના (સોનમ કપૂર) એના પ્રેમીની રાહ જુએ છે, રણબીર રાજ (રણબીર કપૂર) એ આશાએ છે કે સકીના એક દિવસ એનો પ્રેમ સ્વીકારશે, ગુલાબજી (રાની) અને બીજી સ્ત્રીઓ એમની પરીની રાહ જુએ છે, કે ક્યારેક કોઈ આવશે અને એમને એ દોઝખ જેવી જિંદગીમાંથી છૂટકારો અપાવશે. સકીનાનો મતલબ છે સંપૂર્ણ સ્થિરતા, એ આખી ફિલ્મમાં જરૂર પૂરતું જ બોલે છે, અને બીજા મતલબો ખરા દિલની અને ધાર્મિક પણ થાય છે, એ ઈમાનની ઈબાદત કરે જ છે! બધી વસ્તુઓની ગોઠવણ કેટલી સરસ છે! ગુલાબનાં ફૂલની સાથે કાંટા હોય જ એ ગુલાબજીની જિંદગી અને કિસ્મત દ્વારા એના પાત્રથી દર્શાવ્યું છે. લિલિયન (ઝોહરા સહેગલ) વર્ષોથી એના દીકરાના દુ:ખમાં છે જે ક્યારેય પાછો નથી આવ્યો, અને નબીલા (સકીનાની દાદી) (બેગમ પારા) પણ એના દીકરા અને વહુને ખોઈ ચૂકી છે અને એમ છે કે સકીના પણ એક દિવસ એને છોડીને જતી રહેશે, સકીના રાજને કહે છે કે એના પિતા ક્યાંક ચાલ્યા ગયા અને મા જીવી ત્યાં સુધી એમની રાહ જોતી રહી... આ સંજય લીલા ભણસાલીની સાથે થયેલી એમની જિંદગીની સચ્ચાઈ છે, એમના પિતા પણ એમને છોડીને ગયા પછી પાછા આવ્યા નથી અને એટલે જ કદાચ એમનાં નામમાં એમની માતાનું નામ લખાવે છે, અને એમણે એટલે જ ફિલ્મની પહેલી ક્રેડિટ્સમાં ફિલ્મ દાદી અને પિતાને સમર્પિત કરી છે.
પહેલી રાતે રાજ અને સકીના એકબીજા સાથે વધારે પરિચિત નથી તેમ છતાં રાજ એની સલામતીની ચિંતા કરે છે, એને ઘર સુધી મૂકવા જવાની વાત કરે છે, એની છત્રીને સંભાળે છે પવનમાં, સકીના એનો પ્રેમી ઈમાન (સલમાન ખાન) આવશે એના ઈન્તઝારમાં છે, કારણ કે ઈમાન એટલે વિશ્વાસ પણ થાય છે. રાજ લિલિયનના ઘરે ભાડે રહેવા માટે પૂછવા જાય છે, અને નામ કહે છે રણબીર રાજ, ત્યારે લિલિયન કહે છે, બાપનું નામ જુગારમાં હારી ગયો કે શું? (રિશિ કપૂર) કારણ કે સંજય લીલા ભણસાલી ખૂબ સમજી વિચારીને બધુ નક્કી કરે છે, એટલે એમણે પાત્રનું નામ એના દાદાના નામ પરથી રાખ્યું છે! લિલિયન પૂછે છે કે કોના ભરોસે, કોના સંદર્ભે એ રાજને ઘર આપે, અને રાજ લિલિયનનું જ નામ આપે છે, અને કહે છે એમનો ખુદનો સંદર્ભ, કોઈ ગમે તે કહે એના વિશે પણ એને પરખવાનો તો એમણે જ છે! પ્રકાશ કાપડીયાનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ કેટલા સરસ છે!
બીજી રાતે રાજ સકીનાને ક્લોક ટાવર પર લઈ જાય છે અને સકીના કહે છે કે અહીંથી દુનિયા કેટલી ખૂબસુરત દેખાય છે! એ સીન કેટલો સરસ છે, શું સ્વર્ગ એવું હશે?! સકીના કહે છે કે એ લોકો 'કાલીન' બનાવવાનું કામ કરે છે, કાલીન એટલે જાજમ, ગાલીચો, પાથરણું. કેટલો સરસ શબ્દ છે એ! સકીનાનો આપેલો પત્ર રાજ બાળી નાંખે છે કારણ કે એ એનો સંદેશો ઈમાન સુધી પહોંચવા દેવા માંગતો નથી. પત્રને બાળતી આગ એની અંદરની પ્રેમની આગ પણ દર્શાવે છે, ઈન્ટરવલની પહેલા એ સ્થિર ઊભો રહે છે પત્ર બાળ્યા પછી, એના પછીની ફ્રેમમાં વિરુધ્ધ બાજુએ ચહેરો રાખેલી સુંદર યુવતીનું પેઈન્ટિંગ આવે છે, અને પછી ઈન્ટરવલ લખેલું આવે છે, શું એ ચિત્રની છોકરીમાં ડિરેક્ટર સકીના બતાવવા માંગે છે કે એનો રસ્તો રાજથી અલગ છે?
ત્રીજી રાતે સકીના આવે છે પણ રાજ નથી પુલ પર અને ચોથી રાતે સકીના કહે છે કે એણે રાહ જોયેલી એની, પણ રાજ કહે છે તુ તો ઈમાનની રાહ જુએ છે, અને સકીના જવાબ આપે છે કે ના કાલે રાતે ફક્ત તારી રાહ જોયેલી મેં! સકીનાને ઈદની શુભેચ્છા પાઠવવા જતા પહેલા રાજ પૂછે છે કે ચાંદ નીકળ્યો કે નહીં, લિલિયન જવાબ આપે છે કે એ ચાંદ તો નથી નીકળ્યો પણ મારો ચાંદ (એના દીકરા સમાન રાજ) આવી ગયો! ઈદ પર લોકો ચાંદ નીકળવાની રાહ જોઈને એ દિશામાં જોઈ રહ્યા છે પણ રાજ ફક્ત સકીનાને જુએ છે, કારણ કે એનો ચાંદ સકીના છે!
દીવાલો પરનાં પેઈન્ટિંગ્સની સુંદરતા અને સેટ વિશે હું શું લખુ, આટલા ભવ્ય સેટ મેં જોયા જ નથી, અહીં બધુ વાદળી અને કાળા રંગનું છે એની સાથે સાથે દીવાલો પર સુંદર ચિત્રો, પુલની નીચે તળાવના ફૂલો, પડદાની ડિઝાઈન, દુકાનો પરના હોર્ડિંગ્સ અને લાઈટ્સ એ બધુ રંગબેરંગી પણ છે. અહીં બુધ્ધનું પૂતળું પણ છે, મસ્જિદ પણ છે, અને પ્રાર્થના પણ થાય છે. દરેક પાત્રનો ધર્મ પણ અલગ છે. પણ માનવતા જ અહીં સૌથી મોટો ધર્મ છે, ગુલાબજી રાજને મદદ કરે છે કે લિલિયનનું ઘર ખાલી છે એને ભાડે જોઈતું હોય તો, ગુલાબજી અને બીજી સ્ત્રીઓની જિંદગીમાં રાજ ફરિસ્તો બનીને આવ્યો છે, એમની જિંદગીમાં એ ખુશીઓ વહેંચે છે, રાજ સકીનાને પ્રેમ કરે છે એ છતાં સકીનાને ઈમાનને પત્ર લખવાની સલાહ આપે છે.
ઈમાન સકીનાને સિક્કો આપીને ગયો છે એ સિક્કો ખોટો છે અને એ સિક્કાની એક તરફ ઈન્તઝાર અને બીજી બાજુ તન્હાયી છે, એમ રાજ સકીનાને કહે છે કારણ કે રાજ ખુદ સકીનાને ખૂબ પ્રેમ કરે છે, પણ સકીના કહે છે ના એ સિક્કામાં એક તરફ વાયદો અને બીજી બાજુ ઈમાન એટલે કે વિશ્વાસ છે. દરેકની વસ્તુને અને દુનિયાને જોવાની રીત અલગ અલગ છે, દુનિયા તો એક જ છે.
પ્રેમ થાય ત્યારે માણસ હોશમાં રહેતું નથી, દરેક સમયે પ્રિય વ્યક્તિના જ ખ્યાલ આવે છે, રાજને સકીના સાથે પહેલી જ મુલાકાતમાં પ્રેમ થઈ જાય છે અને એ દીવાલો પર એના નામ લખતો રહે છે, સપના જોતો થઈ જાય છે જિંદગી વિશે, એની સકીના સાથેની જિંદગી. સકીના પોતાની વાત રાજને કહેતી વખતે પણ કહે છે કે એને જ્યારે ઈમાન સાથે પ્રેમ થયો ત્યારે ખુલ્લી આંખોથી સપના જોવા લાગેલી એ, મહોબ્બતમાં જુદાઈનો અહેસાસ કરવા લાગેલી એ. પ્રેમની હદ પાર થયા પછી દિવાનગી શરૂ થાય છે, બસ પોતાની જ વાત સાચી લાગે છે, દુનિયા અને આસપાસની વાતો સાથે કોઈ નિસ્બત જ હોતી નથી એ વખતે.
દરેક પાત્ર ભયના ઓથાર નીચે પણ જીવે છે, રાજ લિલિયનને પૂછે છે કે એને સકીના નહીં મળે તો, અને લિલિયન કહે છે કે જો તકદીરમાં હશે તો મળશે, રાજ સકીનાએ ઈમાનને નામે આપેલો પત્ર બાળી નાંખે છે તો લિલિયન કહે છે કે ભગવાનની સામે ગુનો કબૂલ કરવો જોઈએ, અને રાજ લિલિયનની સામે જ કબૂલ કરે છે એને જ કહે છે, એ જ એના માટે ભગવાન છે, કારણ કે લિલિયનને રાજના રૂપમાં ખોવાયેલો દીકરો મળ્યો છે પાછો. સકીનાની દાદીને ડર છે કે સકીના એને છોડીને જતી રહેશે અને એ એને સેફ્ટી પીનથી બાંધીને રાખે છે, મને પહેલી વાર ફિલ્મ જોઈ ત્યારે નવાઈ લાગેલી, પણ દોસ્તોયેવસ્કીની 'વ્હાઈટ નાઈટ્સ' વાંચી પછી ખ્યાલ આવ્યો કે વાર્તામાં પણ એ જ રીતે હતું! અને એ જ ડરે સકીનાને પણ એ આદત પાડી દીધી છે, સકીના ઈમાનનાં રૂમમાં જાય છે ત્યારે એ પોતાની જાતને એની સાથે સેફ્ટી પીનથી બાંધે છે! કારણ કે એને પણ ડર છે કે એનો પ્રેમ એનાથી દૂર થઈ જશે, ગુલાબજીને ડર છે કે એનો સાવરિયા રાજ એની પાસે આવતા બીજા લોકો જેવો ન થઈ જાય એટલે જ્યારે રાજ એની પાસે પ્રેમ માંગે છે ત્યારે એ પોતે પણ રાજને બેશુમાર પ્રેમ કરતી હોવા છતાં પોતાની નજીક આવવા દેતી નથી, કેમ કે એ એને જિંદગીભર આ બદનામ ગલીઓમાં આવવા દેવા માંગતી નથી.
ઝીલના કિનારે બધાં 'મુઘલ-એ-આઝમ' જુએ છે, અને સકીનાની દાદી નબીલાને બધા ડાયલોગ્સ યાદ છે, કારણ કે 'મુઘલ-એ-આઝમ' સંજય લીલા ભણસાલીનું પણ મનપસંદ ફિલ્મ છે, પહેલી વાર ઈમાનને માટે દરવાજો ખોલતી સકીના અને લીલી ચુનરીએ મને 'પાકીઝા'ની પણ યાદ અપાવી છે હમેંશા. અને બીજા સીનમાં સકીનાનાં કપડા ખસી જવાથી ઈમાન એના પગ જોઈ જાય છે, શું એ સીન પાકીઝાના ફેમસ ડાયલોગની યાદ અપાવવા માટે છે? "આપકે પાવ દેખે, બહુત હસીન હૈ, ઈન્હે જમીન પર મત ઉતારિયેગા, મૈલે હો જાયેંગે" બીજા એક સીનમાં સકીના અને રાજ વાતો કરતાં હોય છે, ત્યારે ડાયલોગ્સમાં 'આવારા' અને 'જંગલી' શબ્દોનો પણ જાણી જોઈને ઉપયોગ કરાયો હોવો જોઈએ, કારણ કે એ અનુક્રમે રાજ કપૂર અને શમ્મી કપૂરની ફિલ્મો છે. બીજા એક સીનમાં 'શ્રી ૪૨૦' ફિલ્મનાં સૌથી ફેમસ છત્રી સીનની જેમ સકીના અને રાજ છત્રી લઈને ઊભા છે, રણબીર રાજ નામ પણ એ ફિલ્મમાં રાજ કપૂરના પાત્રનું નામ હતું. ફિલ્મ માટે બનાવેલું સૌથી ફેમસ પોસ્ટર પણ રાજ કપૂર અને નરગિસની 'બરસાત' જેવું હતું. કેટલી ફિલ્મોને ટ્રિબ્યૂટ!
ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ સોનમ કપૂરની બેહદ ખૂબસુરતી પણ આ ફિલ્મની ઘણી ફ્રેમમાં બતાવી છે, અને એ સાથે સાથે રણબીર અને રાની પણ. ગીતોની કૉરિયોગ્રાફી પણ સુંદર છે, અને એમાં પણ 'યુ શબનમી' ભવ્ય છે, ફિલ્મનું મોન્ટી શર્માએ કંપોઝ કરેલું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેટલું સરસ છે, મને યાદ છે જ્યારે ફિલ્મ આવવાની હતી એની પહેલા હું રેડિયો પર એના ગીતો આવે એની રાહમાં ઘણી વખત વિના કારણે રેડિયો ઓન રાખતો! 'સાવરિયા'માં એકલતા છે, ઉદાસી છે, પણ તેમ છતાં જિંદગી છે, કારણ કે જિંદગી તો એવી જ છે, દરેકને માટે એની વ્યાખ્યા અલગ હોય એવી જ જિંદગી! અને પ્રેમ ન મળવાથી પણ જિંદગી તો પૂરી નથી થઈ જતી, ગુલાબજી કહે છે એમ "કહેતે હૈ મિલ જાયે તુમ્હે તુમ્હારી મોહબ્બત તો માન લો ખુદા તુમ પર મહેરબાન હો ગયા, ઔર અગર ના મિલે તો જાન લો ખુદા તુમસે એક જાન હો ગયા..."
No comments:
Post a Comment