સાકેત ચૌધરીની 'હિન્દી મીડિયમ' આજની શિક્ષણપ્રથા પર કટાક્ષ કરતી સુંદર ફિલ્મ છે. મોડે મોડે પણ કાલે રાત્રે થિયેટરમાં ફિલ્મ જોવાનો મોકો મળ્યો, આભાર મૃગેશ. ફિલ્મની વાર્તા એક યુગલની આસપાસ ફરે છે, જે પોતાની દીકરી માટે કહેવાતી ઉચ્ચ શાળાઓમાં પ્રવેશ ઝંખે છે, જેથી સમાજનાં એક ઉચ્ચ વર્ગની અંદર એમની દીકરીને સ્થાન મળે. એક રીતે ફિલ્મની અંદર સ્પોઈલર્સ પ્રકારનું કોઈ ખાસ તત્વ છે નહીં, કારણ કે હળવી રમૂજની સાથે સંવેદનશીલ વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે, એ વાતો સંવાદોની અંદર જોતી વખતે મહેસૂસ તો થશે જ, તેમ છતાં હું મુખ્ય વસ્તુઓ લખીશ નહીં.
ઇરફાનનું પાત્ર રાજ દિલ્હીનાં ચાંદની ચોકમાં પોતાની ડિઝાઈનર ક્લોથ્સની શોપ ધરાવે છે. ફિલ્મની શરૂઆતમાં જ કહેવાતા ઉચ્ચ લોકોમાંથી એક મા-દીકરી લગ્ન માટે 'ઓરિજિનલ કોપી' પ્રકારની ડિઝાઈનર વસ્તુઓ માંગે છે. એ લોકોને મનિષ મલ્હોત્રા અને સબ્યસાચી જેવી જ ડિઝાઈન ઓછા પૈસે જોઈએ છે, પરંતુ લાગવું જોઈએ કે એ જ પ્રકારનું ઓરિજિનલ છે! વાહ! આ સૌથી શરૂઆતની પળોમાં જ આખી ફિલ્મનો સાર આવી જાય છે. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવતી વસ્તુઓ. સુંદર સમાજની સૌથી મોટી ગંદકી, કોઈક કહી જશે, કોઈક કંઈક વિચારશે, માટે આપણે પણ લોકો જેવા તો બનવું જ પડશે ને! ભલે ખોટા તો ખોટા! આમ ન કરી શકીએ, આમ કરીએ તો ભદ્ર સમાજનો એક ભાગ ન લાગી શકીએ! સરકારી શાળા કે કૉલેજમાં તો અભ્યાસ કરી જ કેમ શકાય? ગુજરાતી કે હિન્દીમાં તો વાત કરી જ કેમ શકાય? એ ભાષાઓની અંદર વાત કરનારા લોકોને ઉચ્ચ વર્ગનાં લોકો પોતાનાં મિત્રવર્તુળમાં સ્થાન ન આપે, કારણ કે અંગ્રેજી તો ધીરે ધીરે એક લાયકાત બની રહી છે! તમને લાગશે કે હું કંઈક વધારે લખી રહ્યો છું, પણ ધીમે ધીમે આ જ વસ્તુઓ સત્ય બની રહી છે. આ જ પ્રકારની માનસિકતા લોકોની અંદર પ્રવર્તી રહી છે... પ્રાથમિક શિક્ષણ મેળવવું એક મૂળભૂત હક છે, પરંતુ શિક્ષણ એક ધંધો બની ચૂક્યુ છે...
ફિલ્મની અંદર ગરીબી અને અમીરી વચ્ચેનો તેમજ અંગ્રેજી અને હિન્દી વચ્ચેનો ભેદ ખૂબ જ સુંદર રીતે એકદમ પ્રમાણિત લાગે તે રીતે મૂકેલ છે. ગરીબ મજદૂરનાં હાથ અને અમીરોના હાથોની સુંવાળપ દ્વારા દર્શાવેલી વાત ખૂબ જ સુંદર છે. ગરીબનું દિલ ગરીબ હોતું નથી. એક દિવસ ભૂખ્યે પેટે ઊંઘ ન આવે ત્યારે માણસને ગરીબી સમજાઈ જાય છે. દહાડી મજદૂરીની અંદર એક દિવસનાં પૈસા ચૂકવવામાં આવે છે, તેમાંથી કોઈ ભૂલને કારણે પૈસા કાપવામાં આવે ત્યારે કુટુંબને પડતો ફટકો આપણને ન સમજાઈ શકે... એક દિવસ રેશન ન હોય તો આપણે ખાંડ કે ચોખા વિના જીવી શકીએ કે નહીં એ બાબત આપણને ધ્રૂજારી અપાવી જાય છે. રોજેરોજની અધૂરપમાં જીવાતી જિંદગી આપણી સમજની તો બહાર જ છે... ફિલ્મની અંદર હિન્દી અને અંગ્રેજી માધ્યમનો પણ એક સુંદર કટાક્ષ કર્યો છે. આપણા માતા-પિતા અને એ પહેલાની ઘણી પેઢીઓએ સરકારી શાળાઓમાં માતૃભાષામાં અભ્યાસ કર્યો જ છે, તો શું એ લોકો પોતાના જીવનમાં આગળ ન વધી શક્યાં? પરંતુ એ વાત આજે સમજવા માટે કોઈ જ તૈયાર નથી. હા, તમને હક જરૂર છે તમારી પસંદગીની શાળા કે માધ્યમ માટે, પરંતુ એ વસ્તુ ન મળે તો? કેટલી હદ સુધી પાગલપન કે અફસોસ કરી શકાય? અંગ્રેજી માધ્યમ કે કહેવાતી ઉચ્ચ શાળાઓ સર્વસ્વ તો નથી જ...
ઇરફાનનો અભિનય એકદમ ઓરિજિનલ, ઇન્ટરવલ પહેલા દરેક પળે હસાવતો અને પછી ઘણી વાતોમાં ગંભીર બનીને વિચાર કરી મૂકે તેવો જાનદાર. મુખ્ય અભિનેત્રી સબા કમરનો પણ અફલાતૂન અભિનય, એકની એક વાત વારંવાર કરતો એનો એક સંવાદ જરૂર હસાવે છે! (સબા પાકિસ્તાની છે, તો કોઈ વિવાદ ન થયો! કહેવાતા દેશભક્તોને આ વાત કદાચ ધ્યાનમાં જ ન આવી કે શું?) દીપક ડોબરિયાલની રમૂજની સાથે સાથે ગંભીરતા પણ રસપ્રદ છે. એક દ્રશ્યમાં દીપક ડોબરિયાલનું પાત્ર એના દીકરા સાથે વાત કરે છે, એના દીકરાને ઉચ્ચ શાળામાં પ્રવેશ ન મળ્યો, એટલે દીકરો એની માફી માંગે છે અને પૂછે છે કે શું એનું નસીબ એટલું ખરાબ છે?! દીપકનું પાત્ર જવાબ આપે છે ખરાબ નસીબ એનું નહીં પણ એ શાળાનું છે!! ગજબ! તમે જેવા છો, જ્યાં છો, ત્યાં બરાબર છો. હા, તમે આગળ જરૂર વધી શકો છો અને વધવું જ જોઈએ. પણ અમુક પ્રકારે અને અમુક વસ્તુઓને ભોગે તો નહીં જ નહીં... તમારી જાતને પ્રેમ કરો, તમને જેમ ગમે છે તેમ કરો, જે ભાષા ગમે છે તે બોલો, સમાજના લોકો આગળ દેખાડો કરવા માટે કંઈ જ ન કરશો, એક દિવસ જરૂર આગળ આવશો... ઓલ ધ બેસ્ટ. માફ કરજો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ...!!
No comments:
Post a Comment