ક્યારેક એક માણસની હૂંફમાં હોઈએ અને લાગે કે આ વ્યક્તિની સાથે જ જીવન વીતે તો મન અને દિલ અનહદ આનંદથી ભરાઈ જાય. આપણને ખ્યાલ પણ હોય કે કદાચ એ વ્યક્તિ સાથે જીવન નહીં જીવવા મળે, પરંતુ માણસ રંગીન કલ્પનાઓ કરતો જ રહે છે. જે વાતને સ્વીકારી લઈએ અને એ જ પ્રમાણે જીવવાનું નક્કી કરી લઈએ, એ પછી પણ ખુશ રહી જ શકાશે એ વાતની બાંયધરી કોઈ આપતું નથી. સમૃધ્ધિ અને સુખ બંને વસ્તુઓ આનંદ અને ખુશીથી ઘણાં જોજનો દૂર હોય છે, એ વાત હમેંશા હું સ્વીકારતો રહ્યો છું, એ વાતનું પણ અહીં મૂલ્ય છે. ફક્ત પૈસો હોવાથી માણસ ખુશ રહી શકતો નથી. હા, સુખી જરૂર દેખાયા કરે છે, ઉપર ઉપરથી તરતો ખોટો દંભ અને સમાજમાં બધાને બતાવવા માટેની સમૃધ્ધિ માણસને અંદરથી કેટલો દુ:ખી કરી શકે છે એ વાત જે અનુભવી શકે તે જ જાણી શકે. ક્યારેય હથેળી પર બાદબાકી કરી છે? જીવાઈ રહેલા સંબંધોની સચ્ચાઈને માપવા માટે સંબંધોની બાદબાકી અને સરવાળો કરીએ અને છેલ્લે હાથમાં કશું જ ન રહે એમ પણ બને. આખી નવલકથા વાંચ્યા પછી મને ખૂબ જ ઉદાસી અને એકલતા લાગી રહી છે. બક્ષી હમેંશાથી મારા માટે પ્રિય રહ્યા છે. પરંતુ આ નવલકથાની અંદરની વધારે પડતી સચ્ચાઈ અને ગંભીર તેમજ કરુણ ઘટનાઓ મને પચી શકી નથી, મોટેભાગે ખૂબ સમય પહેલાં હું આખુ પુસ્તક એક જ બેઠકે પૂરુ કરી શકતો. ઘણા સમયે કોઈ એક પુસ્તક મેં એક જ દિવસમાં પૂર્ણ કર્યુ, કારણ કે એક રીતે આ વાર્તાની અંદર એક રહસ્ય જોડાયેલ હતું, પ્રત્યેક પળે એ લાગણી કોરી ખાતી હતી કે હવે શું થશે! એ રીતે આ પુસ્તકને ઉત્તમ ગણી શકાય, મને અડધે સુધી ખૂબ જ ગમ્યું, વચ્ચે પણ બરાબર, પણ અંત સુધીમાં વાર્તાની અંદરની ઘટનાઓથી હું એટલો બેચેન થઈ ગયો કે છેલ્લે ઉદાસી અને એ પ્રકારની વિવિધ મિશ્રિત લાગણીઓ ઘેરી વળી. મને બક્ષીનું લખાણ ખૂબ જ ગમે છે, આ નવલકથામાં પણ ખૂબ ગમ્યું. ઘણી બધી જગ્યાઓએ સાક્ષાત આપણી સામે જ એ સ્થળ હોય એ પ્રકારે કરવામાં આવતું વર્ણન ચંદ્રકાંત બક્ષીનાં લખાણમાં મારી સૌથી પ્રિય વસ્તુ છે, એ સંવાદો પણ સહજતાથી લખી શકે છે, એમાં ઉર્દૂ, અંગ્રેજી અને વિવિધ ભાષાઓનું મિશ્રણ હોય તે છતાં પોતીકા લાગે છે. કદાચ આખી નવલકથાનો હાર્દ પણ મને સમજમાં ન આવ્યો અથવા કદાચ એટલી કોઈ મોટી વાત તેઓ કહેવા પણ ન માંગતા હોય, ચંદ્રકાંત બક્ષીની મેં યુધ્ધ પર લખાયેલી નવલકથા પણ વાંચી છે, તે છતાં કદાચ આ મેં એમની વાંચેલી સૌથી ભારે નવલકથા. બે વ્યક્તિઓનાં જીવનમાં આવેલ દુ:ખની બાદબાકીઓનો સરવાળો કરીએ તો એ સરવાળો સુખમાં પરિણમી શકે, નવલકથાના અંત પરથી એ પ્રકારનું કંઈક તારણ મેં કર્યુ છે.
ચંદ્રકાંત બક્ષી |
No comments:
Post a Comment