બસની ખુલ્લી બારીમાંથી આવતી ઠંડી હવાની લહેરખી મહેસૂસ કરી છે? કોઈ એક એવી જગ્યાએ ગયા છો જ્યાં ફક્ત સફેદી જ સફેદી હોય? કે પછી એવી જગ્યા જ્યાં ચોતરફ બધે જ રંગ છે, એટલા બધા રંગ કે બધા રંગ ભેગા મળીને એક મેઘધનુષ્ય રચે... એક દિવસ જીવનમાં એવી પળ આવે છે જ્યારે લાગે છે આ જીવનની સૌથી ધન્ય પળ છે, એ પળમાં ઠંડીમાં ઠૂંઠવાતું શરીર પણ અસર કરતું નથી અને ગરમીમાં શેકાઈએ તો પણ કોઈ જ વાંધો આવતો નથી. કારણ કે એ પળ આપણે ક્યારેય ભૂલી શકતાં નથી.
મણિ રત્નમની તમિલ ફિલ્મ 'કાટ્રુ વેલિયિડઈ' આ વર્ષે એપ્રિલમાં રજૂ થઈ. વર્ષ ૧૯૯૯નાં કારગિલ યુધ્ધ વખતે પાકિસ્તાની પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય એરફોર્સ પાઇલટ વરુણ / વી.સી. (કાર્થી) જેલમાં પોતાની પ્રેમિકા લીલા (અદિતિ રાવ હૈદરી) સાથે ગાળેલી ક્ષણો યાદ કરે છે. વાર્તા અને પાત્રો તરીકે આ ફિલ્મ ઘણી બધી વખત ખૂંચે છે, કારણ કે કેટલીક વસ્તુઓમાં આમ કેમ થઈ રહ્યું છે તેનો જવાબ મળતો નથી. પરંતુ છેલ્લે એમ માનવું પડે છે કે પ્રેમમાં કોઈ તર્ક હોતું નથી, એ બસ હોય છે એમ જ. વરુણનું પાત્ર સમજમાં આવશે કે નહીં એ ખૂબ મોટો સવાલ છે, પણ લીલા જરૂર ગમશે. રવિ વર્મનની અદ્વિતીય સિનેમટોગ્રાફી અને રહેમાનનું સુમધુર સંગીત આ ફિલ્મને વધારે રસપ્રદ બનાવે છે. ફક્ત જુદી જુદી ભાષાની ફિલ્મો જોવા ટેવાયેલા લોકો જ આ ફિલ્મ જોઈ શકે, પાત્રોને સમજવા માટેની થોડીક વધુ મહેનત કરીને હું ફિલ્મ બીજી વખત જોઈશ. અરે હા, 'દિલ સે' ફિલ્મમાં જેમ પ્રીતિ (પ્રીટિ ઝિન્ટા) અરીસાની સામે રહીને પોતાની જાતને પૂછે છે કે શું એ લગ્ન માટે તૈયાર છે કે નહીં, બિલકુલ એ જ પ્રકારનું દ્રશ્ય આ ફિલ્મમાં પણ છે, જ્યાં લીલા પોતાની જાત સાથે વાત કરે છે, 'દિલ સે' ફિલ્મનાં એ દ્રશ્યમાં સંવાદો હતાં, આ ફિલ્મનાં એ દ્રશ્યમાં કોઈ સંવાદ નથી!!
Books in Movies
No comments:
Post a Comment