Wednesday 28 December 2016

સ્ત્રી, એની લાગણીઓ, આદતો, સંભાળ અને આસપાસની દુનિયા



નારી સં-વેદનાનું સરોવર - કાજલ ઓઝા વૈદ્યની સ્પીચ વિશે મેં લખ્યું અહીં, આ નીચેની લીંક પર ક્લિક કરો:




પણ મારી જે ફ્રેન્ડ ભૂમિએ મને સજેસ્ટ કર્યુ, એણે એ પોસ્ટ વાંચ્યા પછી કહ્યુ કે એણે મને ફક્ત એ સ્પીચ નહીં પણ એકંદરે નારી વિશે, એની લાગણીઓ વિશે, એની સમજ વિશે લખવા કહ્યુ એટલે ફરી પ્રયત્ન કરુ છું...


સ્ત્રી એટલે? એક મા જે ઘણી વાર બધાના જમ્યા પછી જમે છે. એક મા જે એના દીકરા અને દીકરીમાં ભેદ નથી કરતી, એક મા જે પોતે ઓછા પૈસા બચ્યા હોય તો દિવાળીમાં પોતાને માટે સાડી નથી લેતી અને ઘરના બીજા સભ્યોને માટે વસ્ત્રોની પસંદગી હોંશે હોંશે કરે છે... સ્ત્રી એટલે? એક પત્ની જેના વિના એના પતિને અમુક વસ્તુઓ મળતી જ નથી, એક પત્ની જે ઘણી વખત પોતાની કરિયર અને પોતાની સફળતા ત્યજીને ઘર સાચવે છે, એક પત્ની જે એના પતિને નહીં ગમે માટે અમુક વસ્તુઓ નથી કરતી, એક પત્ની જે વગર વાંક ગુને ઘણી બધી વાર સાંભળે છે, એક પત્ની જે એના પિયરમાં મોટે ભાગે નથી કહેતી કે એના સાસરિયામાં લોકો કેવા છે અને ત્યાં એની સ્થિતિ કેવી છે. સ્ત્રી એટલે? એક બાળકી જે એની ઢીંગલી માટે મા છે, એની બહેનપણીઓ સાથે નિર્દોષ અને ઘરના અરીસામાં દુપટ્ટાની સાડી બનાવીને પહેરે છે... એક દીકરી જે એનું સ્કૂલ હોમવર્ક પછી અને રસોડામાં માને મદદ પહેલા કરે છે, એક દીકરી જે પોતે ટીનએજમાં હોય ત્યારથી જ એને દુનિયા સમજમાં આવી જાય છે. એક બહેન જે એના ભાઈના પક્ષે રહે છે હમેંશા... એક મિત્ર જે એક વાર સાથ નિભાવવાનું વચન આપીને ફરી જતી નથી. એક ગર્લફ્રેન્ડ જે એના બોયફ્રેન્ડની રાહ જોઈને ગમે તેટલી થાકી જાય તો પણ જો ક્યારેક એ મોડી પડે તો એને જવાબ આપવા પડે છે. સ્ત્રી એટલે? એક ઉચ્ચ હોદ્દા પર બિરાજતી ઓફિસર જેણે ઘરે આવીને રસોઈ તો કરવી જ પડે છે. એક મજૂરણ બાઈ જે પોતાના કામની વચ્ચે પણ એના બાળકને સંભાળે છે. એક યુવતી જેને પોતાની ગમતી કરિયર કે ગમતું પાત્ર પસંદ કરવા માટે મા-બાપને મનાવવા પડે છે. આનાથી કંઈ કેટલુય વધારે હોવા છતા દુનિયાને સ્ત્રીને દબાવવામાં કે 'સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ' કહેવામાં ખબર નહીં શું આનંદ મળે છે...







કોલેજમાં જ્યારે હું એમ કહેતો કે આ છોકરીની આંખો ગમી મને, એની વાત કરવાની રીત ગમી મને, એણે એને ગમતા પુસ્તક કે ફિલ્મ વિશે વાત કરી એ ગમી મને, ત્યારે અમુક લોકો હસતા મારી વાત પર. કારણ કે એ રીતે ખૂબ ઓછા લોકો જુએ છે છોકરીને કે સ્ત્રીને, હું એમ નથી કહેતો કે હું બીજા છોકરાઓથી કે બીજા પુરુષોથી ચડિયાતો છું, પણ હું એવો જ છું એટલે જ કદાચ હું આવા વિષય પર લખવાનો વિચાર કરીને પણ માંડી વાળતો હમેંશ. પણ, ના આજે મને મારી દોસ્ત ભૂમિ જેણે મને ઘણી બીજી ખરાબ પરિસ્થિતિઓમાં સાથ આપ્યો છે, એના સહકાર વડે હિંમત મળી છે આ વિષય પર લખવાની અને મારે લખવુ છે... 


આ પૃથ્વી પર અવતરવા માટે જ્યારે સ્ત્રીની કૂખે જન્મ થાય છે, ત્યારથી જ સ્ત્રી સાથે સંબંધ બંધાય છે, એક મા, જેનું સંતાન આ જગતમાં આવતા પહેલા નવ મહિના એના પેટમાં રહે છે, એ મા પોતાના સંતાનની બધી જ કાળજી લે છે, એને ઉછેરે છે, ખબર નહીં કેવી રીતે સંભાળે છે બધું કે સ્ત્રી એ બધી વસ્તુ શીખીને જ અવતરે છે??!! મા વિનાની જેમની દુનિયા છે એમને એ દુનિયા એવી લાગે છે જાણે કંઈક તૂટી ગયુ દિલની અંદર, કંઈક બટકાઈ ગયુ હોય જાણે.  એ મા સંતાનને બધી વસ્તુ યાદ કરાવે છે વારંવાર, એને લાગે છે કદાચ જો આ કામની વસ્તુ ભૂલી જશે તો! એના સંતાનને પૂછે છે જમવાનું શું બનાવવું, કારણ એની કાળજી રાખવી છે એને હમેંશા.. એના સંતાનને સવારે પ્રેમથી ઉઠાડે છે, ટિફિન કે લંચબોક્સ ને બ્રેકફાસ્ટ સાથે શરૂ થતો એનો દિવસ અમુક વખત રાતના ભોજન પછી પણ નથી પૂરો થતો, દીકરાનું ક્રિકેટ બેટ, દીકરીની હેઅર પિન પણ એને શોધી આપવી પડે છે ક્યારેક, સંતાનની પરીક્ષા માટે ઉજાગરા પણ કરે છે, અને સંતાન સૂઈ ગયા પછી એને સરખી રીતે ઓઢ્યુ છે કે નહીં એ ચેક કરવા પણ જાય છે, ભલે એનું સંતાન ગમે એટલું મોટુ ન થઈ જાય... 

એક દીકરી જેને મા-બાપ નાનપણથી શીખવાડે છે કે બેટા, સાચવીને જવું ઘરની બહાર, આ સારુ કહેવાય, આ ખરાબ કહેવાય, કેમ દીકરાને નથી શીખવાડતા નાનપણથી કે સ્ત્રીનો આદર કરવો જોઈએ, એની સાથે કેમ વર્તવુ જોઈએ, કેમ એવા નિયમો ન બનાવવા જોઈએ...? 


એક પ્રેમિકા/પત્ની એના પ્રેમી/પતિનો  પ્રેમ મેળવવા માટે ઘણી વાર એ કહે એ રીતે વર્તે છે, એના પ્રેમી/પતિને ન ગમે એ વસ્તુ નથી કરતી, કેમ પ્રતિબંધ મૂકે છે પુરુષ એની પર, કે આમ ન જ કરવું, જો મારી સાથે રહેવું હોય તો આમ તો નહીં જ ચાલે, આ તારે છોડી દેવાનું, કોણ છે એવું કહેવાનો હક ધરાવતો પુરુષ? છોકરી કે સ્ત્રી તો કદી એના પ્રેમી/પતિને નથી કહેતી કે તમે પાન-મસાલો ન ખાશો કે સિગરેટ ન પીશો નહીં તો હું તમને છોડી દઈશ, તો આટલો તફાવત કેમ? 





કેમ યુવતી કે સ્ત્રી સામે કોઈ જોઈ રહે કે કૉમેન્ટ કરે ત્યારે તારે ઈગ્નોર કરવું કે માપમાં રહેવું એમ શીખવે છે, કારણ કે ઘણા પુરુષો સ્ત્રીને ફક્ત સાધન તરીકે જુએ છે, સ્ત્રી કોઈ પ્રદર્શિત કરવા માટેની વસ્તુ નથી. દરેક જોનારની નજરમાં પણ ફેર હોય છે, અને સ્ત્રી એ પારખી જ લે છે કે એને કોણ કેવી રીતે જુએ છે. ગ્લાન્સ એટ- ફક્ત એક નજર નાખવી અને સ્ટેર એટ- આંખો પહોળી કરીને કે અથવા એ વિના પણ બસ એકીટશે જોઈ રહેવું, કુતૂહલથી જોઈ રહેવું; બંને વસ્તુ વચ્ચે તફાવત છે. સામાન્ય રીતે સ્ત્રી ગ્લાન્સ એટ સુધી વધારે સીરિયસ નથી લેતી, એ ચાલે છે કારણ કે સુંદરતા જોવા માટે છે, પણ સ્ટેર એટ હમેંશ ખૂંચે છે એને, અને એવું પણ નથી કે એકદમ સુંદર દેખાતી સ્ત્રીઓની ઉપર જ સ્ટેર એટ થાય છે, સામાન્ય દેખાવની છોકરીની સામે પણ ઘણા લોકો એ જ રીતે જોઈ રહે છે, શું એમણે સ્ત્રી નહીં જોઈ હોય એવું થાય છે મને ઘણી વાર, અને આ બધુ તમે ને મેં બધાએ આસપાસમાં જ અનુભવેલું છે, કોઈ નવી કે ન જોયેલી, ન સાંભળેલી વાત નથી. એ જ લોકોની પોતાની બહેન/મા/દીકરી/સંબંધીને કોઈ એવી રીતે જુએ તો સહન થતું નથી તો એ લોકો કેમ જુએ છે, બદલાવની શરૂઆત માણસ પોતાનાથી કેમ કરતો નથી? 

કેમ સ્ત્રીનાં માલફંક્શનની તસવીરો શેર કરે છે મીડિયા? સ્ત્રી માણસ નથી? કેમ સ્ત્રીએ પહેરેલી બ્રા કે એની લેસ કે ઈનરવેર સહેજ દેખાઈ જાય ભૂલથી તો આટલો હોબાળો થાય છે? એમાં શું શરમજનક છે? શું છે જે દુનિયાને ઝૂમ કરીને બતાવવામાં આવે છે? શું મળે છે કે આ જુઓ આ સેલિબ્રિટીના પહેરેલા કપડા સાથે આ થયું? કેમ રસ છે લોકોને એ જાણવામાં? 

કેમ એક દોસ્તને ખભે હાથ મૂકીને ઉભેલી કે પોતાના વિચારોને ખુલ્લેઆમ વ્યક્ત કરતી સ્ત્રીને 'વિવિધ પ્રકારના લેબલો' લગાડી દે છે સમાજ અને દુનિયા? સ્ત્રી બધાને માટે બધુ સહન કરે છે, મોટેભાગે પોતાની નજીકની વ્યક્તિઓનું દુ:ખ એ સહન કરી શકતી નથી, એના દરેક નિર્ણય પાછળ કારણ હોય છે, જો એ પોતાના પતિ પર આધાર રાખે છે તો એને ખૂબ પ્રેમ કરે છે, એના પતિના હાથમાં એના જીવનની કમાન સોંપવી એને ગમે છે, પણ એનો અર્થ એ નથી કે સ્ત્રી એને ગમતું હોય એમ ન કરે, એનુ સ્વમાન હમેંશા જળવાવું જોઈએ. એ પોતાની કોઈ બાબત વિશે ચોક્કસ હોય કે એણે આવી નહીં પણ આવી જિંદગી જોઈએ છે તો એને કોઈ રીતે બીજી ફરજ ન પાડવામાં આવે એ એણે પોતે જોવાનું છે, એની પોતાની સ્થિતિ સુધારવામાં એણે ખુદ આગળ આવવાનું છે,... એને પોતાને ગમે છે એ કરવામાં અને એને ખુદને ગમે છે એવી જિંદગી જ દરેક સ્ત્રીએ જીવવી જોઈએ અને પોતાનું સ્થાન સુધારવાની શરૂઆત એણે કરવી જ જોઈએ...








સ્ત્રી કોઈની ગુલામ નથી; બીજુ કોઈ આમ વિચારશે માટે આમ જ કરાય અને આમ ન કરાય, એ બધા ખ્યાલો સ્ત્રીએ પોતે ત્યજવા પડશે, છેલ્લે બે સ્ત્રીઓના સાચા દાખલા આપુ છું... એક સ્ત્રી ખૂબસુરત, યુવાનીમાં હતી ત્યારે કોઈ એની સામે નજર તાકીને જુએ તો ભરી બજારે એને ગાળો બોલી એની પાછળ જૂતા મારવા દોડતી... અને બીજી સ્ત્રી પ્રમાણમાં શાંત, એટલી બધી દેખાવડી નહીં,... બંનેના લગ્ન એ લોકોના માતા-પિતાએ ગોઠવેલા પાત્રો સાથે થયા, પહેલી સ્ત્રી ખુશ હતી કારણ કે એણે સમજી વિચારીને લગ્ન માટે 'હા' પાડી; એને જોઈતો હતો એવો દેખાવડો, એને યોગ્ય જીવનસાથી મળ્યો. બીજી સ્ત્રીને લગ્ન નહોતા કરવા અને એને એ છોકરો નહોતો પસંદ તો પણ માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા,... થોડા વર્ષો પછી પહેલી સ્ત્રી જે લગ્ન પહેલા ખુશ હતી અને પહેલા બંડખોર હતી એ એના પતિના અફેર્સ સહન કરે છે, એના પતિનો એની તરફ કોઈ જ પ્રેમ નથી તો પણ એવા અટકી ગયેલા બંધિયાર લગ્નજીવનમાં જીવે છે એના સંતાનો એને મોટા થઈને સુખ આપશે એ આશામાં... અને બીજી સ્ત્રીને શરૂઆતથી જ પતિ સાથે ફાવતું નહોતું તો પણ જ્યાં સુધી થયું ત્યાં સુધી સહન કર્યુ પછી છૂટાછેડા લઈને પોતાના નામ પાછળ એના પિતાનું નામ ફરી લખાવ્યું અને એ સ્ત્રી એના દીકરાના નામ પાછળ હવે એનું નામ લખાવે છે... બંને સાચા બનાવો છે, કોણે કેવો નિર્ણય લેવો એ દરેકના પોતાના હાથમાં છે.


મેં જોયેલી અને મને લાગે છે કે દરેક સ્ત્રીએ જોવી જ જોઈએ એવી થોડી ફિલ્મોના નામ:

ફિલ્મ (પ્રદર્શિત વર્ષ) - ભાષા - ડિરેક્ટર

પિંક (૨૦૧૬) - હિન્દી - અનિરુધ્ધ રોય ચૌધરી


એંગ્રિ ઈન્ડિયન ગોડિસિસ (૨૦૧૫) - 
હિન્દી - પેન નલીન


પાર્ચ્ડ (૨૦૧૬) - 
હિન્દી - લીના યાદવ


ચાંદની બાર (૨૦૦૧) - 
હિન્દી - મધુર ભંડારકર


પેજ થ્રી (૨૦૦૫) - 
હિન્દી - મધુર ભંડારકર


ફેશન (૨૦૦૮) - 
હિન્દી - મધુર ભંડારકર


ક્વીન (૨૦૧૩) - 
હિન્દી - વિકાસ બહલ


બાઝાર (૧૯૮૨) - 
હિન્દી - સાગર સરહદી


ઉમરાવ જાન (૧૯૮૧) - 
હિન્દી - મુઝફ્ફર અલી


નીલ બટ્ટે સન્નાટા (૨૦૧૬) - 
હિન્દી - અશ્વિની ઐયર તિવારી


**********
એલિમેન્ટ્સ ટ્રિલજી - અંગ્રેજી અને હિન્દી - દીપા મહેતા

ફાયર (૧૯૯૬)
અર્થ (૧૯૯૮)
વોટર (૨૦૦૫) 
**********

રૂમ (૨૦૧૫) - અંગ્રેજી - લિયોનાર્ડ અબ્રાહમસ્ન


ડિયર જિંદગી (૨૦૧૫) - 
હિન્દી - ગૌરી શિંદે


અંકુર (૧૯૭૪) - 
હિન્દી - શ્યામ બેનેગલ


એનએચ 10 (૨૦૧૫) - 
હિન્દી - નવદીપ સિંઘ


ડોર (૨૦૦૬) - 
હિન્દી - નાગેશ કુકુનૂર


રુદાલી (૧૯૯૩) - 
હિન્દી - કલ્પના લાજમી


બેન્ડિટ ક્વીન (૧૯૯૪) - 
હિન્દી - શેખર કપૂર


નીરજા (૨૦૧૬) - 
હિન્દી - રામ માધવાણી


નો વન કિલ્ડ જેસિકા (૨૦૧૧) - 
હિન્દી - રાજ કુમાર ગુપ્તા


બ્લેક (૨૦૦૫) - 
હિન્દી - સંજય લીલા ભણસાલી


મસાણ (૨૦૧૫) - 
હિન્દી - નીરજ ઘાયવાન


ચમેલી (૨૦૦૩) - 
હિન્દી - સુધીર મિશ્રા અને અનંત બાલાની


ખામોશી: ધ મ્યુઝિકલ (૧૯૯૬) - 
હિન્દી - સંજય લીલા ભણસાલી


અર્થ (૧૯૮૨) - 
હિન્દી - મહેશ ભટ્ટ


માર્ગરિટા વિથ અ સ્ટ્રો (૨૦૧૫) - 
હિન્દી - શોનાલી બોઝ


પિકુ (૨૦૧૫) - 
હિન્દી - શૂજિત સિરકાર 


મૌસમ (૧૯૭૫) - 
હિન્દી - ગુલઝાર


15 પાર્ક એવન્યૂ (૨૦૦૫) - અંગ્રેજી - અપર્ણા સેન


મિસ્ટર એન્ડ મિસિસ ઐયર (૨૦૦૧) - અંગ્રેજી - અપર્ણા સેન

તહેઝીબ (૨૦૦૩) - 
હિન્દી - ખાલિદ મોહમ્મદ


45 યર્સ (૨૦૧૫) - અંગ્રેજી - એન્ડ્રૂ હાઇ


ઈંગ્લિશ વિંગ્લિશ (૨૦૧૨) - 
હિન્દી - ગૌરી શિંદે


ફિઝા (૨૦૦૦) - 
હિન્દી - ખાલિદ મોહમ્મદ


કહાની (૨૦૧૨) - 
હિન્દી - શૂજિત સિરકાર


મર્દાની (૨૦૧૪) - 
હિન્દી - પ્રદીપ સરકાર


અકિરા (૨૦૧૬) - 
હિન્દી - એ. આર. મુરુગદોસ


લિસન... અમાયા (૨૦૧૩) - 
હિન્દી - અવિનાશ કુમાર સિંઘ




અને છેલ્લે હમણા જ જોઈ શકાય એવી એક શોર્ટ ફિલ્મ માટે વીડિયો લીંક:
વિકાસ બહલની શોર્ટ ફિલ્મ: ગોઈંગ હોમ (સ્ટારિંગ આલિયા ભટ્ટ) 



No comments:

Post a Comment