આ પોસ્ટ લખવી છે ઘણા સમયથી, પણ કાલે જાણે આ લખવા માટે કારણ મળ્યું, એક છોકરાની આત્મહત્યાના સમાચાર મળ્યા, અમે ૧૨માં ધોરણનાં એક ટ્યુશનમાં સાથે હતાં, એનું નામ ને એ બધું લખવાની મને જરૂર લાગતી નથી, ખૂબ ઓછો પરિચય અમારી વચ્ચે, ખાલી એક-બે વાર 'હાય, હેલ્લો' થયેલું માત્ર, એના વિશે ઝાઝી ખબર પણ નહોતી મને, કોઈ જાય છે આ દુનિયામાંથી અને એ પણ આ રીતે ત્યારે સાચુ કારણ ખૂબ ઓછા લોકોને ખબર પડે છે, કારણ કે બધાં પીઠ પાછળ વાતો કરતાં થઈ જાય છે કે આમ હશે કે તેમ. હા, કશુંક તો જરૂર હશે જ કે આવો છેલ્લો રસ્તો અપનાવ્યો હશે એણે. પણ એ ખૂબ ખૂબ ખરાબ વસ્તુ છે, પણ મને ખબર છે કે એ હાલત કેવી છે, એ સ્થિતિ જ્યારે શું કરવું એ ખબર ન હોય, આવા ખરાબ વિચારો આવતા હોય, પણ આ પગલું ભરવું એ સમસ્યાનું નિવારણ તો નથી જ નથી.
બીજો આવો એક કિસ્સો ગયા વર્ષે બનેલો, એ થોડો પરિચયમાં કહી શકાય, એમના ઘર સાથે અમારો થોડો ફેમિલી રિલેશન, હું એમના લગ્નમાં ગયેલો, એમણે નિરમા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ કરેલું, ખૂબ સારી જોબ હતી, એ સ્ટેટ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર હતો. આઈ વોઝ રિયલી શોક્ડ એટ ધેટ ટાઈમ, કે આ ન બની શકે, એ કેમ આમ કરી શકે, અને પછી થોડા મહિનાઓ પછી જાણવા મળ્યુ કે એમની મેરિડ લાઈફમાં થોડા ઈસ્યૂઝ હતાં, વાત સાચી ખોટી ભગવાન જાણે, પણ આ થાય છે આપણી આસપાસમાં ઘણા કુટુંબોમાં, કારણ કે અમુક લોકો પોતાની વાતો વહેંચતા નથી, કોઈને જણાવતા નથી કે એમને શું પ્રોબ્લેમ છે, દરેકની જિંદગીમાં કોઈક ને કોઈક તો એવું હોય જ છે જેની સાથે તમે વાત કરી શકો, કહી શકો કે આ પ્રોબ્લેમ છે, આ વસ્તુ છે મારી અંદર જે મને સારુ મહેસૂસ નથી કરાવતી.
આપણને બધાને ખબર છે કે આત્મહત્યા સૌથી છેલ્લુ સ્ટેજ છે કે એ માણસ કેટલું દુ:ખી હશે કે એણે આવું કોઈ પગલું ભર્યુ, પણ એ એક રસ્તો જ એવો છે જ્યાં જવાનું નથી, એની સાથે એ વાત પણ છે કે બધા લોકો સમજુ હોતા નથી, ઘણા લોકો નાની તકલીફમાં હારી જતા હોય છે અને આવા પગલા ભરવા વિશે વિચારતા હોય છે, અને મોટે ભાગે એની શરૂઆત ડિપ્રેશનના પહેલા સ્ટેજથી થાય છે, ઘણી વાતો એવી હોય છે કે કેટલું કરવા છતા એમાં કોઈ સુધારો આવતો જ હોતો નથી અને એ બધી વાતો આપણને હતાશા તરફ ધકેલે છે, પણ એ સમયે આપણે આપણી નજદીકની કોઈ વ્યક્તિ સાથે એ વાત શેર કરવી જ રહી, તો એ આગળ વધતી અટકશે.
મારી સાથે આ થયેલ છે અને હું સમજુ છુ કે આ આખી વસ્તુ કેવી છે, હા, મેં આત્મહત્યા કરવાનો પ્રયત્ન નથી કર્યો ક્યારેય, અને એવો કોઈ વિચાર મને આવ્યો હોય તો મને હાલ યાદ નથી, પણ મારી જિંદગીમાં ચારેક વર્ષ પહેલાં એવો સમય હતો કે મારી જિંદગી અટકી ગયેલી, મને હતુ કે હવે આગળ કંઈ સારુ થશે જ નહીં, કારણ કે મારુ એક રિલેશન થોડા સમય પહેલા પૂરુ થયેલું, મારા એન્જીનિયરિંગના ત્રણ સેમેસ્ટરનાં ભેગા થઈ મારે ૧૧ સબ્જેક્ટ્સની એક્ઝામ એ વખતે એકસાથે આપવાની હતી, કારણ કે આગળનાં સેમેસ્ટરમાં પાસ ન થઈએ એ પાછળ આવતું જ હોય છે, પેરેન્ટ્સ નહોતા સમજી શકતા કે શું થાય છે મને, કંઈ જ ગમતું નહોતું મને, ના કોઈની સાથે વાત કરતો હું બરાબર, ના મને મારી મનપસંદ વાનગીઓ ખુશી આપતી કે ના તૈયાર થઈને ક્યાંય જવું, અને હજુ મને યાદ છે મારી ડ્રેસિંગ સેન્સ એ વખતે એટલી ખરાબ થયેલી કે અમુક લોકો કોલેજમાં મારી પર હસતાં, એ લોકો મારી હાલત પર હસતા કે શેની પર એ મને ખબર નથી, કલાકોના કલાકો બસ એમ જ લાગતું કે હવે કંઈ જ સારુ નહીં થાય, રાતે આંસુઓથી ઓશીકુ પલળી જતું અને તો પણ ઊંઘ નહોતી આવતી ઘણી વાર, પણ એ બધી વખતે મારા મિત્રો હતા મારી સાથે, એમને કહેલું કે આ થયું છે મારી સાથે, અને આમ કેમ થાય છે, એ લોકો પણ બધું નહોતા સમજતા, અને ક્યારેક એ લોકો મારા લીધે ખૂબ દુ:ખી થયેલા, મારી હાલત પર, પણ બસ એ લોકો હતા મારી સાથે, હું રડુ તો મને રડવા દેતા, હું વાત કરુ તો અર્થ વગરની અમુક વાતો જે હું કેમ એ વખતે કરતો એ મને પણ ખ્યાલ નથી એવી વાતો એ મિત્રો સાંભળતા, અને મારી સાથે હતા કે બધુ ઠીક થશે એક દિવસ, અને ધીમે ધીમે ઠીક થયેલું બધું. તરત જ નહોતું થયું કે હું પેલા ૧૧ વિષયોમાં એકસાથે પાસ થઈ ગયેલો, ના, એવુ નહોતું બન્યુ, પણ ધીમે ધીમે શીખેલો કે આમ ચાલશે ને પછી થોડુક અલગ ચાલશે, અને એ માટે એ વખતે પાસે રહેલા બધાં મિત્રોનો આભારી છું હું હજુ પણ અને હમેંશા રહીશ. જયદીપ, હેની, ઋતુરાજ, કુંતલ, ભૂમિ, મૃગેશ, કુશાન, રજનીકાંત, ધવલ... થેન્ક યુ સો સો મચ, મારી સાથે રહેલા એ મિત્રોને...
ડિપ્રેશન એ કોઈ બીમારી નથી એ ઘણા લોકોએ સમજવાની જરૂર છે, એ ફક્ત એક લક્ષણ કે ચિહ્ન છે કે એ વખતે એવું લાગે છે કે હાલ જિંદગીમાં કોઈ જ ખુશી નથી, બસ નિરાશા જ રહે છે ગમે તેટલું કરીએ તો પણ, ડિપ્રેશનનો અર્થ હતાશા અને માનસિક ઉદાસીનતા એકદમ જ પરફેક્ટ છે પણ એની સાથે ડિપ્રેશન એટલે નીચાણવાળી જગ્યા અને કોઈ વાતને દબાવવી એ અર્થમાં પણ વપરાય છે. અને એ સાચુ છે કે એ સૌથી ખરાબ સમય છે ઘણાની સાથે થયેલો, ઘણાને ખ્યાલ પણ નથી હોતો કે એ લોકો ડિપ્રેશનમાં છે, મને પણ મારી સાથે થયેલું ત્યારે બિલકુલ જ ખ્યાલ નહોતો, પણ મને હાલ એ સ્વીકારવામાં બિલકુલ જ શરમ નથી કે એ થયેલું મારી સાથે. ઘણા ફેમસ લોકોએ પણ ડિપ્રેશનનો ભોગ બન્યાનું સ્વીકાર્યુ છે અને એ સ્થિતિનો સામનો કરી એમાંથી બહાર આવ્યા છે. દિલીપ કુમાર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સંજય દત્ત, કરણ જોહર, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, લેડી ગાગા, માઈલી સાઈરસ, બ્રેડ પિટ, એન્જેલિના જોલી, ... લિસ્ટ લાંબુ ચાલશે.
ઘણા લોકોને ખબર હોય છે કે આ ડિપ્રેશન છે, પણ એ લોકો 'બીજા લોકોના' ડરે એ કહેતા નથી કોઈને કે એ 'બીજા લોકો' શું સમજશે એમના વિશે, કારણ કે આ સમાજ અને આ દુનિયામાં એવા લોકોની સંખ્યા વધારે છે જે લોકો ફક્ત બીજાની ખરાબ પરિસ્થિતિ વિશે, બીજા લોકોની જિંદગી વિશે મજાક કરતા રહે છે, એના જ કારણે અમુક લોકો કોઈને કહેતા નથી કે એમની સાથે આમ થાય છે. પણ નજીકના લોકોને તો કહી શકાય, જે લોકો તમે જેવા છો એવા સ્વીકારે છે, એવા લોકો મળી જ આવશે આસપાસ. મિત્રો, મા-બાપ, સાથે કામ કરતા લોકો જેમની પર વિશ્વાસ મૂકી શકાય, જેમને કહેવાથી દિલ પરનો ભાર હળવો થઈ જાય એમની સાથે અમુક ખરાબ વસ્તુઓ શેર કરી જ લેવી, ખુશીઓ બધાં વહેંચે છે, સારા સમાચારમાં કે બર્થ ડે પર કે રિસેપ્શનમાં જેમની સાથે ઘણા સમયથી વાત પણ નથી કરી એમને પેંડા વહેંચાય છે, આમંત્રિત કરવામાં આવે છે, તો થોડાક અંગત લોકો સાથે દુ:ખ વહેંચવામાં કંઈ જ વાંધો નથી, કારણ કે પીડા એ પણ જિંદગીનો એક ભાગ જ છે,... જો યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિને વાત કહેવામાં આવે તો વાત ગંભીર બનતી અટકે છે. અને ખુશીઓ તરત જ નહીં તો પણ ધીમે ધીમે આવે જ છે જિંદગીમાં અને ક્યારેક આપણે પણ એ તરફ શરૂઆત કરવી પડે છે, કારણ કે આપણને શેમાં ખુશી મળે છે એ આપણા સિવાય ખૂબ ઓછા લોકો જાણતા હોય છે...
No comments:
Post a Comment