Monday, 27 February 2017

કેરી ઓન કેસર (૨૦૧૭)




કેસર અને શ્યામજી પટેલ (સુપ્રિયા પાઠક કપૂર અને દર્શન જરીવાલા) ગુજરાતનાં જામ ખંભાળીયામાં રહે છે, સરસ હવેલી સમાન ઘર છે, મિલકત છે, નોકર છે, ફક્ત સંતાન નથી. એમની જિંદગીમાં એક એવી ઘટના ઘટી છે જેનાથી કેસરને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો છે. એની (અવનિ મોદી) નામની એક છોકરી પેરિસથી આવે છે જામ ખંભાળીયા કેસર પાસે. ડૉ. પ્રતીક જોશી (રિતેશ મોભ) અને એની બંને કેસર અને શ્યામજી પટેલને આઈ.વી.એફ. પધ્ધતિની માહિતી સમજાવી બાળક માટે પ્રયત્ન કરવા કહે છે. એમની લાગણીઓની આસપાસ ગૂંથાય છે આ સરસ મજાની ફિલ્મ. 

કેસરનાં પાત્ર તરીકે સુપ્રિયા પાઠકની ખૂબ જ ખૂબ જ સુંદર એક્ટિંગ!! અવનિ મોદીએ પણ એનીનાં પાત્રની સુંદરતાને એક્ટિંગ સાથે બેલેન્સ કરી છે. અહીં બધા જ કલાકારોએ પોતાનાં ભાગની કામગીરી સરસ નિભાવી છે. કેટલાક સીન્સમાં એક પણ શબ્દ બોલ્યા વિનાનો દર્શન જરીવાલાનો ચહેરો હોય કે વાછરડાની સાથે વાત કરતો સુપ્રિયા પાઠકનો સીન હોય કે મરચું ખાંડવાનો સીન, દરેકમાં જોરદાર અભિનય!!



દરેક પાત્ર પ્રેમ શોધે છે, કેસર અને શ્યામજી સંતાનનો પ્રેમ, એની અને પ્રતીક જીવનસાથી, એ ઉપરાંત એની કોઈનું વાત્સલ્ય પણ ઝંખે છે... પ્રતીક ડૉકટર તરીકેની કરિયર ચાલે એ માટે એની પાસેથી મદદ મેળવે છે, આશા અને સપનાઓની બદલામાં એને પ્રેમ પણ મળે છે. બંધ પડેલું કારખાનું અને ભગવાનને માટે બંધ કરેલા દરવાજા પણ ફરી ખૂલે છે અને અમુક સીન્સમાં આંખો ભીંજાઈ જાય છે. ફિલ્મનાં બધા ગીતો ખૂબ સુંદર છે. ફિલ્મનાં લોકેશન્સ, એડિટિંગ, સસ્પેન્સ, વાર્તા, ડાયલોગ્સ એક પણ વાતમાં ક્યાંય કોઈ કચાશ નથી, આવી ગુજરાતી ફિલ્મ બનવી જોઈએ, જેની પર ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકાય. ડિરેક્ટર વિપુલ મહેતા અને એમની સમગ્ર ટીમને અભિનંદન... 

ફિલ્મની અંદર અરીસા સામે એક સીન છે, એ સીનની સિનેમટોગ્રાફી ખૂબ સુંદર છે. એ સીનમાં અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીનાં લખેલા ખૂબ સુંદર બે ડાયલોગ્સ છે જે તમારી સાથે રહેશે ઘણા સમય સુધી, મને આબેહૂબ એ ડાયલોગ્સ યાદ નથી, પણ જે યાદ છે એ કંઈક આ પ્રમાણે છે... 
"મનગમતા નામ લખવા માટે કોઈ ઉંમર હોતી નથી."
"મૌસમને જોઈને ફૂલ નથી ખીલતાં, ફૂલનાં ખીલવાથી મૌસમ બદલાય છે." 



માઉન્ટ આબુ (૨૦૧૫)



એક દિવસે અમે મારી ફેમિલીને રેલવે સ્ટેશન મૂકવા ગયેલાં, હું અને મારો બેસ્ટ ફ્રેન્ડ મૃગેશ. અને અમે બસ એમ જ નક્કી કરેલું કે ક્યાંક ફરવા જવું જોઈએ. જ્યાં ટ્રેનમાં જઈ શકાય અને ટ્રેનમાં પાછું આવી શકાય. એમ છતાં નજીક પણ હોય. અને થોડા દિવસોની માથાકૂટ અને ફેમિલીને ખૂબ મનાવ્યા પછી નક્કી થયું માઉન્ટ આબુ. બંનેને અમારી જિંદગીમાંથી થોડો બ્રેક જોઈતો હતો અને મૃગેશને તો ખાસ.

અમે જૂના સચિવાલયનાં રિઝર્વેશન સેન્ટર પર ટિકિટ માટે ગયા, એક આન્ટી બેઠેલા ત્યાં ટિકિટ કાઉન્ટર પર અને એ અમને ટોન્ટ કરતાં હતાં કે આબુ ફક્ત કપલ્સ જાય છે અથવા લોકો પીવા માટે જાય છે, અમે ફક્ત ફરવા માટે જ જઈએ છીએ, એ વાત એમને માન્યામાં નહોતી આવતી અને એ વાતની અમને નવાઈ હતી! મને બીજા પ્રવાસ જેટલા યાદ છે એટલો આ પ્રવાસ યાદ જ નથી, એટલે સુધી કે મને ટ્રેનનું નામ પણ યાદ નથી, એક વસ્તુ યાદ છે કે અમને પાછા ફરતી વખતનાં રિઝર્વેશનમાં બે જણ વચ્ચે એક જ સીટ મળેલી, અને અમે ત્રણ દિવસ રોકાવાનો પ્લાન કરેલો...

૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૫નાં રોજ સવારે અમારી કાલુપુરથી ટ્રેન હતી. મૃગેશને કાલુપુર રેલવે સ્ટેશન પર એટલી મજા આવેલી કે વાત ન પૂછો, એમાં વાત એમ હતી કે એ ઘણા સમયે રેલવેથી મુસાફરી કરવાનો હતો, એ રોમાંચ એ અનુભવતો હતો અને એની સાથે સાથે હું પણ! અમારી બે મોટી બેગ્સ સાથે અમે ટ્રેનમાં ચડ્યાં અને સીટ્સ શોધી અને ઘેરથી લાવેલો ભરપૂર નાસ્તો કર્યો. મૃગેશ પેપર ડિશથી માંડીને ચમચી પણ લઈ આવેલો એટલે કોઈ તકલીફ પડવાનો સવાલ જ નહોતો!

બપોરે અમે પહોંચેલા ત્યાં, પણ હજુ નીચે તો ફક્ત સ્ટેશન જ હતું. ફરવા માટે તો પર્વત ઉપર હતો.  અમે વિચાર કર્યો કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જવું જોઈએ એટલે છેતરાવાનો ભય પણ નહીં. અમે રાહ જોતાં ઊભા રહેલા સ્ટેશનથી થોડે દૂર અને થોડા સમય પછી બસ મળી. મોટાભાગનાં મુસાફરો સ્થાનિક લોકો અથવા કપલ્સ હતાં.  અમને છેલ્લી સીટમાં જગ્યા મળી. પર્વતીય ઢોળાવો ધરાવતાં રસ્તાઓ પર બસ શું ઉછળતી હતી અને એ જે આંચકા હતાં અને મને તો એ સાંકડા રસ્તા જોઈને ડર લાગતો હતો! મને થોડા ચક્કર પણ આવતાં હતાં. અમારી વાતોને લીધે એ રસ્તો પસાર થઈ જતા એટલો સમય ન લાગ્યો.

બસમાંથી હજુ ઊતર્યા પણ નહોતા અને થોડાક એજન્ટ્સ હોટેલમાં લઈ જવા માટે પડાપડી કરવા લાગ્યાં. સરખી રીતે બસમાંથી ઊતરવા પણ નહોતા દીધા એ લોકોએ. અમુક લોકોને અમે કહ્યુ કે અમારી હોટેલ બુક છે ત્યારે પીછો છોડ્યો એમણે. એક એજન્ટ અમને મળ્યો અને અમે થોડા રૂમ જોવાનું નક્કી કર્યુ એની સાથે. એણે કહ્યુ કે એ એની જીપમાં લઈ જશે અને રૂમ નહીં ગમે તો પાછા એ જ જગ્યાએ ઊતારી જશે. અમને એણે બતાવેલો એક રૂમ ગમ્યો એ ખૂબ મોંઘો હતો અને બીજા જે સસ્તા હતાં એમાં સ્વચ્છતાનું નામોનિશાન નહોતું! તો અમે એ માણસને કહ્યુ અમને પાછા મૂકી જવા માટે, પણ એણે વાત પણ ન કરી અમારી સાથે અને અમારે પાછા જ્યાં ઊતરેલા એ જગ્યાએ મોટી બેગ્સ સાથે ચાલતાં જવું પડ્યું! એક ભાઈ ત્યાં ઊભેલો અને એણે કહ્યુ કે એ રૂમ બતાવશે, અમને ગમે તો જ અમારે રૂમ રાખવો. એના બાઈક પર ટ્રિપલ રાઈડમાં અમે ગયાં ત્યાં સુધી. થોડે નજીક જ હતું એ 'બાલાજી કોટેજ' નામનું ઘર. હા, એ ઘર જ હતું કારણ કે મકાનમાલિક ત્યાં જ રહેતાં હતાં અને પાછળ થોડા રૂમ બનાવેલાં. અમને રૂમ બતાવ્યો, સરસ નાનો રૂમ. ડબલ બેડ. સ્વચ્છ. અમને ગમ્યો. અમે ત્યાં રહેવાનું નક્કી કર્યુ. બાથરૂમ અલગ હતું. અમે ફ્રેશ થઈને થોડો આરામ કર્યો અને સાંજે 'સનસેટ પોઈન્ટ' જવાનું નક્કી કર્યુ.


મૃગેશ
રૂમ


હું, સંજય





સાંજે ચાલતાં જ અમે ત્યાં જવાનું નક્કી કર્યુ. થોડે નજીક જ હતું. ડૂબતો સૂર્ય જોવા માટે લોકો એકઠા થયેલા. અમે મકાઈ ખાતા ખાતા બધાને જોઈ રહેલા. કપલ્સને જુદા જુદા પોઝમાં ફોટોસ પડાવતાં જોઈ અમને એટલું ફની લાગતું હતું ને! ધીમે ધીમે સૂર્ય ડૂબતો હતો, અમુક લોકો વાહિયાત શબ્દો સાથે જોરશોરથી ચીસો પાડતા હતાં. બીજા અમુક લોકો અમારી જેમ શાંત બેઠેલા. અમને બેસવા માટે સરખી જગ્યા નહોતી મળી. મૃગેશનો મૂડ હજુ પણ એટલો સારો નહોતો. હું એને ચિયર અપ કરવા પ્રયત્નો કરતો હતો અને સૂર્ય ડૂબતો જતો હતો. મારા ફોનનો કેમેરા પણ થોડા દિવસ પહેલા બગડી ગયેલો અને મૃગેશને ફોટોસનો એટલો શોખ નથી, એટલે એ પરાણે મારા કહેવાથી થોડા ફોટોગ્રાફ્સ કેપ્ચર કરતો હતો!




સાંજે અમે ત્યાં બજાર ગયા અને જાણ્યુ કે જમવા માટે 'ઓનેસ્ટ' પણ હતું અહીં,  ‘હેવમોર’ પણ અને બીજી ઘણી ફ્રેન્ચાઈઝીસ! અમે ‘ઓનેસ્ટ’માં જમ્યું અને વિચાર્યુ કે જેટલું વિચાર્યુ હતું એટલી મજા ન આવી. અમે ઉદાસ હતાં હોટેલનાં રૂમ પર પાછા આવતી વખતે. હોટેલ પાછા આવીને વિચારતાં હતાં કે હજુ બીજા બે દિવસ અહીં કેવી રીતે રોકાઈશું કારણ કે અમારુ બીજા બે દિવસ પછી રિઝર્વેશન હતું! માંડ માંડ ટેન્શન સાથે પણ અમે સારી ઊંઘ માણી.

સવારે અમને ફરીથી ફરવાનો કોઈ જ મૂડ નહોતો. અમે એક જીપ જે ઉપર સુધી લઈ જતી હતી ત્યાં ઘણા વધારે ભાડામાં ગયાં. એણે અમને જ્યાં ઊતાર્યા ત્યાંથી 'દેલવાડાનાં દેરા/દહેરા' ઘણા દૂર હતાં. અમને અફસોસ થયો કારણ કે હોટેલ પર અમને કહેલું કે અમે એક વ્હીકલ ભાડે લઈ શકીએ. અમને એમ કે એ સસ્તું નહીં પડે, હજુ બીજી જગ્યાઓએ જવા માટે ફરી બીજા વાહન શોધવાના હતાં એટલે પછી અમે નક્કી કર્યુ કે પાછા હોટેલ જવું અને પછી ડ્રાઈવ કરીને પોતાની રીતે ફરવું!




પાછા હોટેલ સુધી આવ્યા ત્યારે જાણ્યું કે અમારો નિર્ણય સારો હતો કારણ કે પછી અમે ફક્ત એ ૧૫૦/૨૦૦ રૂ. ના પેટ્રોલમાં આખો દિવસ ફરેલા. એમણે એક્ટિવાની સાથે આપેલ હેલ્મેટ તૂટેલું હતું અને પહેરતાં ફાવતું ન હતું, એ હેલ્મેટને મૂકવા માટે ડેકી ખોલી તો જાણ્યું કે સીટ પણ આખી અલગ થઈ શકતી હતી ડેકીથી!! એ બધી માથાકૂટ સાથે અમે સૌથી પહેલાં દેલવાડાનાં દેરાસરની કોતરણી જોઈ અને મંત્રમુગ્ધ થયાં. બીજા બે ત્રણ નાના મોટા મંદિરો જોઈને અમને સખત કંટાળો આવ્યો અને અમે નક્કી કર્યુ કે અમે મંદિર જઈશું જ નહીં. અમે પાસેની હોટેલમાં સરસ ગુજરાતી ભોજન જમ્યું. ફરી બપોરે અમે ડ્રાઈવ શરૂ કર્યુ. એ રસ્તા પર એક્ટિવા ચલાવવું સાચે જોરદાર અનુભવ હતો અમારી માટે.


હું, મૃગેશ અને એક્ટિવા


અમે ઘણી જગ્યાઓએ ગયેલાં ત્યાં આસપાસ, એમાંથી મને કંઈ જ ખાસ યાદ પણ નથી. એક તળાવ હતું જેને કિનારે બેસવા હું મૃગેશને પરાણે લઈ ગયેલો. એક નાનો પર્વત હતો જ્યાં ફોટોગ્રાફ્સ પડાવ્યા ભરપૂર. બ્રહ્માકુમારીનો આશ્રમ હતો પણ ત્યાં પણ અમને નહોતું ગમ્યું. અમે સાંજે નકી/નક્કી/નખી લેક ગયેલાં અને રસ્તો ભૂલી જઈને બીજી બાજુ ખાસ્સુ ડ્રાઈવ કરીને રસ્તો મળેલો. નકી લેક પર મૃગેશને બોટમાં બેસવું હતું અને એ એટલી મોંઘી બોટ હતી કે મેં એ થોડીવાર માટે એટલા પૈસા ખર્ચવાની ના પાડેલી, હવે જ્યારે અમે કમાઈએ છીએ ત્યારે મને થાય છે કે પૈસા તો મહત્વના છે જ નહીં કારણ કે આ પૈસાથી અમે એ સમય ક્યારેય નહીં ખરીદી શકીએ.


તળાવને કિનારે મૃગેશ


એ સાંજે અમે ફરીથી 'સનસેટ પોઈન્ટ' ગયેલાં અને આ વખતે અમે પહેલેથી સરસ જગ્યા શોધીને બેસી ગયેલાં, ભરપૂર યાદો સાથેની એ સાંજ હું શબ્દોમાં નહીં સમાવી શકુ. અમે નકી લેકથી લીધેલા કી ચેઈન્સ અને નેમપ્લેટ બધુ લઈને હોટેલ પર પાછા આવીને વિચાર્યુ કે હવે ફરવા માટે અહીં કોઈ ખાસ સ્થળ રહ્યુ છે નહીં અને અમારુ રિઝર્વેશન એક દિવસ પછી હોવા છતાં અમે બીજે દિવસે સવારે નીકળી જવાનું નક્કી કર્યુ અને હોટેલમાં આપેલ એડવાન્સ પાછુ લીધું એમ કહીને કે અમારે પરીક્ષા છે!! એ આન્ટી અમને કહેતા હતા કે 'વાપસ આના, હં...' અને અમે એ યાદો લઈને રેલવે સ્ટેશન પર મોડી પડેલી ટ્રેનની રાહ જોઈને કંટાળેલા, ભૂખ્યાં અને થાકેલા ૨૫મી ફેબ્રુઆરી ૨૦૧૫નાં દિવસે બપોર પછી ગાંધીનગર પાછા આવેલા. એ રિઝર્વેશનની ટિકિટ અમે ગાંધીનગર આવ્યા પછી કેન્સલ કરાવી!!


મૃગેશ - સનસેટ પોઈન્ટ


આજે બે વર્ષ પછી હું એ અઢી દિવસ વિશે વિચારુ છું તો મારુ દિલ ખુશ થઈ જાય છે. થેન્ક યુ મૃગેશ મારી જિંદગીમાં હમેંશા સાથ નિભાવવા માટે અને આટલી ભરપૂર યાદો માટે પણ...




રંગૂન (૨૦૧૭)



મેં વિચાર્યુ હતું કે હું આ ફિલ્મ વિશે પોસ્ટ જ નહીં લખું. કારણ કે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી ફિલ્મ કેવી હતી એ વિશે કોઈ પૂછે તો મારો ફક્ત એક મત હતો કે મને ફિલ્મ ગમી. મને સહેજ પણ લાંબી ન લાગી. મને તો ખ્યાલ પણ ન આવ્યો કે ફિલ્મ આટલી લાંબી હતી. પણ, આ સિનેમા ખૂબ ઓછા લોકોને પચશે. હું આ ફિલ્મ કોઈને પણ જોવા માટે ભલામણ નહીં કરુ કેમ કે ઘણા લોકો આ ફિલ્મની અંદર કંટાળી જશે એ પાક્કુ! આ 'માસ'  નહીં પણ 'ક્લાસ' સિનેમા છે! નીચે લખેલો ફકરો ફિલ્મની વાર્તા નથી કહેતો, ફકત મને ખૂબ જ ગમેલા ફિલ્મનાં અમુક સીન્સ...

જુલિયા અરીસામાં જોઈ રહીને પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે. રુસ્તમની આંખોથી આપણે નવાબ મલિક અને જુલિયાના કપડાં તેમજ ગરદન પર ચોંટેલી દરિયાની રેતી જોઈએ છીએ. નવાબ પોતાના હાથ પર સળગતી મીણબત્તીનું મીણ ઝીલે છે. જુલિયા અને જાપાનીઝ સૈનિક બંને અનુક્રમે હિન્દી અને જાપાનીઝ ભાષામાં પોતપોતાની અંગત વાતો કરે છે, બંને એકબીજાની વાત સમજતાં નથી, પણ ફક્ત બોલ્યે રાખે છે, બંને ભાષા જાણતો નવાબ મલિક એમની નિર્દોષતા અને મૂર્ખામી પર મંદ મંદ હસે છે. સુંદર જંગલો, દરિયો અને મોટા સેટ્સ તેમજ ૧૯૪૩નાં સમયની ભારત આઝાદ થયાં પહેલાની સ્થિતિ, લોકોની માનસિકતા અને યુધ્ધ, એ વસ્તુઓની વચ્ચે ત્રણ પાત્રોની જિંદગી અને પ્રેમ. ત્રણેય પાત્રોની વચ્ચે જોડાણ બનતો પુલ. આ છે વિશાલ ભારદ્વાજની 'રંગૂન'... 

Tuesday, 21 February 2017

વિશ્વ માતૃભાષા દિવસ - ગુજરાતી ભાષા માટે તમે શું કર્યુ?



દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૧મી ફેબ્રુઆરીનાં રોજ કરોડો લોકો આ દિવસની ઉજવણી કરે છે અને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ અનુભવે છે. પણ સત્ય એ પણ છે કે આપણી માતૃભાષા ગુજરાતી માટે આપણે શું કર્યુ એમ કોઈ પૂછે તો જવાબ આપણી પાસે નહીં હોય. વાત એ પણ નથી કે ગુજરાતી લુપ્ત થઈ જશે એટલે આપણે એને બચાવવી જોઈએ અને એ બધી ચર્ચા પણ હું અહીં કરવાનો નથી. કોઈ ભાષા એમ અચાનક રાતોરાત લુપ્ત પણ થઈ જતી નથી. પરંતુ, દરેક પેઢી પાસે આવનારી પેઢીને આપવા માટે કંઈક હોવું જોઈએ, એમ વારંવાર આપણે સાંભળીએ છીએ, તો હવે પછીની પેઢીને શું આપવાનું છે? અત્યારનાં સમયમાં મોટાભાગનાં માતા-પિતા બાળકોને 'અંગ્રેજી માધ્યમ'માં ભણવા મૂકે છે. કેમ? ગુજરાતી ભાષામાં ભણેલા લોકો પ્રગતિ કરી શકતા નથી? હું એમ નથી કહેતો કે અંગ્રેજી માધ્યમમાં બાળકોને ન ભણાવશો. પણ, પછી જો એ બાળકોની શાળામાં ગુજરાતી વિષય નહીં હોય તો શું એ જ માતા-પિતા એમનાં બાળકોને ગુજરાતી શીખવાડશે ખરા? એમણે શીખવાડવું જોઈએ એવું મને તો લાગે છે. 

કેમ નાના બાળકને જેને પૂરી સમજ પણ નથી એને એમ કહેવામાં આવે છે કે આ 'કાઉ' છે અને 'ટ્રી' છે? ના, એ 'ગાય' છે અને 'ઝાડ' છે. કેટલા લોકોને સ્કૂલ પૂરી થયા પછી આખો કક્કો આવડે છે? કેટલા લોકો સાચી જોડણી લખે છે? કેટલા લોકો સાચી જોડણી શીખવાનો પ્રયત્ન કરે છે? તમે છેલ્લે ગુજરાતી પુસ્તક કયારે વાંચેલું? કેમ લોકો પોતાની જ ભાષાની નવલકથાઓ ન વાંચી શકે? ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ જ છે. શું ગુજરાતી સાહિત્ય વિશે ફરિયાદ કરનારા લોકોએ કનૈયાલાલ મુનશી કે ધૂમકેતુ કે બીજા ગુજરાતી લેખકોને વાંચ્યા છે? હું એમ પણ નથી કહેતો કે બધા જ પુસ્તકો વાંચી જ લો. પણ શું કોઈ તમને ગુજરાતીમાં તમે વાંચેલી નવલકથાઓ કે વાર્તાઓ વિશે પૂછશે તો તમારી પાસે શાળાનાં અભ્યાસક્રમ પછી વાંચેલી પુસ્તકો વિશે જવાબ છે?

કેમ નવી ગુજરાતી સિનેમામાં તમે પોસ્ટર્સ અને ફિલ્મની ક્રેડિટ્સમાં ફિલ્મનું નામ અંગ્રેજી ફોન્ટ્સમાં રાખો છો? શા માટે? મને તો બંગાળી કે દક્ષિણ ભારતની ફિલ્મમાં નામ અંગ્રેજી ફોન્ટ્સમાં વાંચ્યાનું યાદ નથી. અને પછી લોકો ફરિયાદો કરે છે કે 'ગુજરાતી સિનેમા' આગળ નથી. સત્યજીત રે કે રિતુપર્ણો ઘોષ બંગાળીમાં મહાન ડિરેક્ટર્સ ગણાય છે, એમની સિનેમામાં ફિલ્મની આખી ક્રેડિટ્સ બંગાળી ભાષામાં હોય છે. કહેવાતી 'ગુજરાતી અર્બન ફિલ્મો' ફક્ત અંગ્રેજી ટાઈટલ રાખવાથી સિનેમાને આગળ નહીં લઈ જઈ શકે. અને મને તો એ ખ્યાલ નથી આવતો 'અર્બન ફિલ્મ' એટલે શું? મલ્ટિપ્લેક્સ દર્શકને આકર્ષવા? તો શું  'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' કે 'મોતીના ચોક રે સપનામાં દીઠા' એ પ્રકારની ફિલ્મો અર્બન નહોતી? એ ફિલ્મોનાં પાત્રો અને વિષયો આજની 'અર્બન ફિલ્મ' કરતાં તો ચડિયાતા જ હતા. હા, તમે નીચે 'ઈંગ્લિશ સબટાઈટલ્સ' રાખી જ શકશો, જો એ ફિલ્મને તમારે થોડા મોટા સ્તર સુધી પહોંચાડવી હોય. પણ, ઘણી ફિલ્મોનું તો સ્તર જ નીચું હોય છે, એમનાં હલકી કક્ષાના ડબલ અર્થવાળા ડાયલોગ્સ કે ફટાફટ પૈસા કમાઈ લેવા માટે બનાવેલી ફિલ્મોની ગુણવત્તા તરત ઉડીને આંખે વળગે છે! અને મારા મત મુજબ તો આવી નીચલી કક્ષાની ફિલ્મો 'અર્બન ફિલ્મો' તો ન જ ગણાય. શું આ છે ગુજરાતી સિનેમા? કેમ હવે કોઈ 'ભવની ભવાઈ' કે 'માનવીની ભવાઈ' કે 'કંકુ' નહીં બને?

જેમને સરખું હિન્દી કે અંગ્રેજી નથી આવડતું એ લોકો શું કામ 'બાવા હિન્દી' કે 'ફેક ઈંગ્લિશ' ભાષામાં વાત કરે છે? દક્ષિણ ભારતનાં લોકોને અને બંગાળીઓને પોતાની માતૃભાષા પ્રત્યે છે એવો પ્રેમ આપણે ગુજરાતી માટે પેદા કરવો જ રહ્યો. આપણને ગુજરાતી હોવા વિશે શરમ શું કામ આવે છે? ગુજરાતી એટલે માત્ર બિઝનેસમેન કે ગુજરાતી એટલે માત્ર આમ ને તેમ એવી લોકોની સ્ટીરિઓટાઇપ માન્યતાને બદલવી જ પડશે. તમારા કુટુંબમાં કે મિત્રોમાં કોઈ લખે છે કે સિનેમામાં રસ ધરાવે છે તો એને પ્રોત્સાહન આપો, એને એમ ન કહેશો કે લેખક ન બની શકાય કે ફિલ્મોની અંદર કરિયર ન બનાવી શકાય. કોઈપણ એ માણસ જે પોતાની ભાષા માટે કંઈક પણ વિચારે છે એને સહારો આપો. 'આ ફોટો આટલા લોકોને મોકલો નહીં તો તમારી સાથે ખરાબ થશે' એવા હીનકક્ષાના સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતા કરવાને બદલે જે માણસ કંઈક વિચારે છે પોતાની ભાષા માટે, પોતાની ભાષાના વારસાને જાળવવાના એના વિચારો ફોરવર્ડ કરો, આટલું કરીશું તો ભવિષ્યમા 'ગુજરાતી ભાષા બચાવો' વિશે કાર્યક્રમો નહીં યોજવા પડે. 

Friday, 17 February 2017

નિર્દોષતા





આજે બપોરે રિસેસમાં ઓફિસનાં બગીચામાં બેઠેલો. વિધાનસભાની મુલાકાતે આવેલા સ્કૂલનાં બચ્ચાઓને બગીચાની પ્લાસ્ટિકની પાઈપથી પાણી પીતા હું થોડો સમય જોઈ રહ્યો. એ લોકો એમની મસ્તીમાં મગ્ન, એકબીજાની પર પાણીની છોળો ઉડાડતા પાણી પીતા હતા. મને બે ઘડી વિચાર આવ્યો કે મિનરલ વોટરની બોટલમાં આ નિર્દોષતા ક્યાંક ખોવાઈ ગઈ છે. હવે આ વસ્તુ સાથે બધા સહમત થશે કે રેસ્ટોરેન્ટમાં જઈએ એટલે સૌથી પહેલો પ્રશ્ન 'રેગ્યુલર વોટર કે મિનરલ વોટર' પૂછવામાં આવે છે. વાત અહીં હું પાણીની બોટલ કે મિનરલ વોટર વિશે નથી કરતો. હું બીજી કોઈ વાત આ સાથે જોડાયેલ હોય એ પણ નથી કરવા માંગતો. મારે ફક્ત એ કહેવું છે કે આપણી રોજિંદી જિંદગીમાં આપણે એ રીતે જીવવા ટેવાઈ ગયા છીએ કે નાની નાની નિર્દોષ વસ્તુઓ પર ધ્યાન જ હવે જતું નથી. મારે એ છોકરાઓ સાથે પાણીની છોળો ઉડાડવી હતી, પણ હું ફક્ત ત્યાં બેસીને એમને જોઈ રહ્યો. કારણ કે ઓફિસનાં સમયમાં મારા કપડા ખરાબ થાય એમ હતા. પણ, આ આપણી જિંદગીનું સનાતન સત્ય થઈ ગયું છે કે ઘાસમાં હાથ-પગ ફેલાવીને માથું ઘાસને અડીને રહે તે રીતે સૂવામાં કે વરસતાં વરસાદમાં રેઈનકોટ, છત્રી કે ગાડીની બહાર નીકળતાં આપણા કપડા ખરાબ થઈ જાય છે. મને એ યાદ નથી કે મેં છેલ્લે ચકલી ક્યારે જોયેલી. અત્યારનાં નાના છોકરાઓને હાથી જોઈને પણ નવાઈ લાગે છે. આપણે બધા એ રીતે જીવવા લાગ્યા છીએ જ્યાં આવી વસ્તુઓની કે વાતોનું કોઈને માટે કોઈ જ મૂલ્ય રહ્યું નથી.




આજના સમયે એન્ડ્રોઈડ ફોન કે એમાં કોઈ ખાસ એપ ન વાપરનારા લોકો સામે આસપાસનાં લોકો કંઈક અજીબ નજરોથી જોઈ રહે છે. એક સમયે મોટાભાગની રજાઓ અને વેકેશન મામાનાં ઘરે રહેવાનું થતું અને એ સમય હવે ક્યાંક જતો રહ્યો છે અને એટલે ઊંડે ક્યાંક ધરબાઈ ગયો છે કે શોધીએ તો પણ એ સમય પાછો નથી મળતો. હવેની બધી રજાઓ 'સમર કેમ્પ' કે 'ફલાણા' ને 'ઢીંકણા' ક્લાસમાં જાય છે. હવે ટપાલી કોઈને માટે પત્રો કે દિવાળી કાર્ડ લઈને નથી આવતો. હવે સાંજનાં સમયે ઘરની આસપાસ ક્રિકેટ કે બીજી રમતો રમતાં બાળકો પણ ઘટી ગયા છે. રમતો ઘરની અંદરની ગેમ્સની અંદર જ ફેરવાઈ ગઈ છે. રમકડાનું સ્થાન પણ સ્માર્ટ ફોન જ લઈ રહ્યો છે. અમુક મા-બાપને તાજા જન્મેલ બાળકનો ફોટો લેવામાં પણ કોઈ જ શરમ નથી આવતી. કોઈ એ તાજા જન્મેલ બાળકની આંખો વિશે વિચાર કરતું નથી કે એની ઉપર ફ્લેશની અસર કેવીક થશે કે થોડોક દૂરથી ફોટો લઈએ, નહીં કે એકદમ ચહેરાની નજદીકથી. અમારે એ દોઢ વર્ષનો, પણ એને ફોનમાં બધી ખબર પડે કહેનારા માતા-પિતા સંતાનની ફોનની જાણકારી પર ગૌરવ લે છે. પણ, એ વાતની મા-બાપને શું જાણ નથી કે એ ફોનની એની પર શું અસર થશે? દસ-બાર વર્ષનાં છોકરા-છોકરીઓની સામે આખુ ઈન્ટરનેટ ખુલ્લું છે, એમ છતાં મા-બાપ સામે બેસીને જિંદગી વિશે વાત કરવાનો ના સંતાન પાસે સમય રહ્યો છે કે ના પેરેન્ટ્સ પાસે. અને આ વાત હાલ ભલે સાર્વત્રિક ન લાગતી હોય પણ આવનારા સમયમાં ભયંકર રૂપ ધારણ કરશે જ એ પાક્કુ!



Thursday, 16 February 2017

ફરવરી કી સર્દિયો કી ધૂપ મેં...




ફેબ્રુઆરી, વર્ષનો સૌથી નાનો મહિનો. ઠંડી ઘટી જાય છે, ક્યારેક પંખો ચાલુ રહે છે, ક્યારેક બંધ કરવો પડે છે. કોઈ દિવસ સ્વેટર કે કોટ સાથે રાખવો પડે છે, ક્યારેક નહીં. ક્યારેક વાદળા દેખાઈ આવે છે. ક્યારેક તડકો નીકળે છે. હું આખા શહેર પર પથરાયેલો તડકો નિહાળું છું અને આ લખતી વખતે મને ખબર નહીં કેમ ચંદ્રકાંત બક્ષી યાદ આવે છે. એમનું લખાણ જ્યારે વાંચુ છું ત્યારે એમ થાય છે કે જે લખ્યું છે એ નજર સામે બને છે. અમુક વખત કોઈ વસ્તુ કે વ્યક્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે તો ઘણી વસ્તુઓનો ખ્યાલ આવે છે. મેં આ પોસ્ટ લખવાનું શા માટે શરૂ કર્યુ અને આ પોસ્ટ દ્વારા શું કહેવા માંગુ છું એ હું હજુ પણ નથી જાણતો. બસ એમ જ લખું છું, વાંચવાનું મન ન થાય તો બંધ કરજો.

તડકો મોટેભાગે નથી ગમતો. પણ જો કૂમળો તડકો હોય તો ઘણી વખત રાહત મળે છે. ક્યારેક એમ જ ત્યાં બેસી રહેવાનું મન થાય છે. ફેબ્રુઆરીનો તડકો એટલા માટે ખાસ છે કે વધારે ઠંડી હોતી નથી અને ગરમી ધીમે ધીમે શરૂ થઈ હોય છે. શાદ અલીની ફિલ્મ 'સાથિયા'માં એક ગીત છે, 'ચુપકે સે'. એમાં ગુલઝારનાં લખેલા અમુક શબ્દો છે, જે નીચે લખ્યા છે... 


ફરવરી કી સર્દિયો કી ધૂપ મેં
મુંદી મુંદી અખિયો સે દેખના
હાથ કી આડ સે
- ગુલઝાર
ચુપકે સે, સાથિયા (૨૦૦૨)






આ ગીત મને ખૂબ ખૂબ ગમે છે. હું આ શબ્દો પર ઘણી વખત વિચાર કરુ છું કે એમાં બંધ આંખો વડે હાથની આડશથી ફેબ્રુઆરીનો તડકો જોવાનું કેમ કહ્યુ છે. મને જવાબ ક્યારેય નથી મળ્યો! કદાચ બંધ આંખો હોય તો તડકાની તીવ્રતા એટલી મહેસૂસ ન થાય અને થોડી કોમળતા લાગે. તડકો એટલે કે સૂર્યપ્રકાશ ન હોય તો ઘણા કામ અટકી પડે છે. તડકો હોય એટલે આપણે વધારે તડકો છે એમ ફરિયાદ કરીએ છીએ અને જ્યારે ચોમાસામાં તડકો નથી નીકળતો ત્યારે કપડા ન સૂકાયાની પણ ફરિયાદ કરીએ છીએ. શિયાળામાં તડકો નીકળે ત્યારે ઠંડી થોડી ઓછી થાય છે. તડકો જિંદગી જેવો છે. જ્યારે જે છે એ નથી ગમતું, જ્યારે એ પાસે નથી હોતું ત્યારે ન હોવાની ફરિયાદો!




હું સંજય દેસાઇ સવારે ઓફિસ માટે નીકળું છું અને ટ્રાફિક સિગ્નલ પર સ્કૂલનાં બચ્ચાઓને એમનાં મમ્મી-પપ્પાને લપાયેલાં બેસીને સ્કૂલે જતાં જોઉ છું, એમના ચહેરા પર કોમળ તડકો અને એમનું નિર્દોષ હાસ્ય જોઉ છું. ક્યારેક વાદળોની વચ્ચેથી લપાતો છૂપાતો સૂર્ય જોઉ છું, ક્યારેક રિસેસમાં તડકામાં બેસુ છું, ક્યારેક છાયામાં બેસવાનું મન થાય છે. ઓફિસનાં બગીચાનાં ઘાસ અને ફૂલો પર પથરાયેલો તડકો જોઉ છું, જેમાં ફુવારા ચાલુ થાય ત્યારે તડકાની સાથે પાણીની સુગંધ અને ઠંડક ભળે છે. ઘાસમાં બેસીને સૂર્યને જોઉ છું, ઝાડના પત્તામાંથી ચળાઈને આવતો તડકો જોઉ છું. સાંજે તડકો ઓફિસની બારીમાંથી પ્રવેશે ત્યારે બારી બંધ કરીને પડદો ઢાંકી દઉ છું ને એમ છતાં સાંજે ઓફિસથી નીકળતી વખતે સૂર્યાસ્તનો તડકો ગમે છે. દરેક ફેબ્રુઆરીમાં મારી ઉંમરમાં એક વર્ષ ઉમેરાય છે અને વૃક્ષો પરથી ખરીને નીચે પડેલા પાંદડાઓ પર પથરાયેલો તડકો જોઉ છું ને મારી જિંદગી ચાલતી રહે છે... 





માન્ચેસ્ટર બાય ધ સી (૨૦૧૬)



એક માણસને આપણે સ્ક્રીન પર જોઈએ છીએ, એ રસ્તા પરનો બરફ સાફ કરે છે, લોકોને ત્યાંથી કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં નાખે છે, એ છે આપણો આ ફિલ્મનો હીરો, લી ચેન્ડલર (કેસી એફ્લેક) બહારના દેશોમાં ઘણી વખત જે લોકો ગ્રેજ્યુએટ નથી એમને દરેક પ્રકારની નોકરી બદલવી પડે છે. લી એના ભૂતકાળને અંદર સંઘરીને જીવે છે, એની સાથે ભૂતકાળમાં થયેલી અમુક ઘટનાઓને કારણે એની જિંદગી બદલાઈ ગઈ છે. લી એક એવી વ્યક્તિ છે, જે ખૂબ એકલતાની અંદર જીવે છે. એની સાથે ફરીથી એક એવી ઘટના બને છે જેને લીધે એની જિંદગીમાં ફરી એક વખત પરિવર્તન આવે છે. એ મહેસૂસ કરે છે પણ દિલની અંદર ખામોશ રહીને બધું જ સહન કરવાની જાણે આદત બની ગઈ છે. 








ફિલ્મ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે સરસ રીતે સમતુલ થઈ છે. ઘડીક ભૂતકાળ અને ઘડીક વર્તમાન એ રીતે સ્ક્રીનપ્લે છે. તેમ છતાં ખૂબ સરસ રીતે હેન્ડલ થઈ છે આખી ફિલ્મ. હું ફિલ્મની વાર્તા કહેવા માંગતો નથી. આખી ફિલ્મની અંદર થોડા થોડા સમયે 'સરપ્રાઈઝ એલિમેન્ટ' જોવા મળશે. ફિલ્મ કરતા પણ વધારે રસપ્રદ છે મુખ્ય પાત્ર. કેસી એફ્લેક દ્વારા આ પાત્ર એટલું અફલાતૂન રીતે ભજવાયું છે કે હું ઘણા સીન્સમાં રડ્યો છું, ઘણા બધા એવોર્ડ સમારોહમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એને ભાગે જ આવ્યો છે, અને ઓસ્કાર માટે પણ એ જ પ્રબળ દાવેદાર મનાય છે. હું અંગ્રેજી અને બીજી ભાષાની ફિલ્મો વિશે વધારે એટલા માટે નથી લખતો કારણ કે મોટાભાગનાં લોકો જેમણે ફિલ્મ ન જોઈ હોય એ લોકો પોસ્ટ વાંચી શકતાં નથી. જો તમને લાગણીશીલ અર્થપૂર્ણ સિનેમા ગમતું હોય અને ફિલ્મની અંદરનાં પાત્રનાં દુ:ખ સાથે તમને દુ:ખની લાગણી થતી હોય તો ફિલ્મ જરૂર જોવી. ઉત્તમ એક્ટિંગ, સરસ સ્ટોરીટેલિંગ અને સિનેમટોગ્રાફી બોનસમાં...